ફાઉન્ટેન પેન ડે વિશેષ
નવેમ્બરના પહેલા શુક્રવારને 'ફાઉન્ટેન પેન ડે' તરીકે ઉજવવામાં આવે છે. આજકાલ ભલે સીધું કૉમ્પ્યૂટર, લેપટૉપ કે મોબાઈલમાં ટાઈપ કરીને લખવાનો જમાનો આવ્યો હોય પરંતુ 'ફાઉન્ટેન પેન'ના ચાહકોનો એક અલાયદો વર્ગ છે. જેઓ કોઈપણ સ્થિતીમાં ફાઉન્ટેન પેનને લૉયલ રહે છે. ખેર, આજે જ્યારે 'ફાઉન્ટેન પેન ડે' છે ત્યારે આ પેનના રસપ્રદ ઈતિહાસ તરફ નજર કરીએ અને જાણીએ એ વિશેની કેટલીક રસપ્રદ વાતો.
પેન (PEN) એ મૂળતઃ લેટિન શબ્દ PINNA (Feather = પીંછું) પરથી ઊતરી આવેલો છે. ઈસુ પૂર્વે 3000 વર્ષ પહેલાં ઈજિપ્તિયનો પાતળી રીડ પીંછીઓથી પેપીરસ સ્ક્રોલ પર લખાણ કરતા હતા. રાજવંશીઓ ચર્મપત્ર પર લખવા માટે તેનો ઉપયોગ કરતા હતા. રીડ પેન ધીમેધીમે આશરે 7મી સદીમાં દાંડીઓથી બનાવવામાં આવી. જે લગભગ ઈ.સ.100 પૂર્વે સુધી વપરાતી હતી. આ સ્ક્રોલ પક્ષીના પીંછાં અથવા દાંડીઓના ઉપયોગ દ્વારા હીબ્રૂ ભાષામાં લખાઈ હતી.
રોમન સામ્રાજ્યના પતન બાદ યૂરોપિયનોને ઘાસના મેદાનોમાં છુપાયેલા પીંછાં મેળવવામાં મુશ્કેલી પડી હતી. એટલે એમણે વચલો રસ્તો કાઢતાં દાંડીઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.
ક્વિલ પેનનો ઉપયોગ પહેલી વાર 18મી સદીમાં થયો હતો. ઈ.સ. 1787મા યુનાઈટેડ સ્ટેટ્સનું બંધારણ લખી અને એના ઉપર સહી કરવા માટે ક્વિલ પેનનો ઉપયોગ થયો હતો. ક્વિલ પેનના એક ખૂણા પર રીડ ઑવરને કાપવામાં આવતી અને કટ વિરૂદ્ધ એક ચીરો કરવામાં આવતો હતો. ગ્રીકોએ કરેલી શોધ બાદ 2000 વર્ષ પછી રીડ પેનમાં આવો મહત્ત્વનો બદલાવ કરવામાં આવ્યો હતો. ઈ.સ. 1792મા 'ધ ટાઈમ્સ'માં આ મેટલ પેનની નવા ઈનવેન્શન તરીકે નોંધ પણ લેવાઈ હતી. માઈકલ ફીનલેના "Western Writing Instruments" મુજબ દુનિયાની સૌથી જુની ફાઉન્ટન પેનની શોધ ઈ.સ. 1702મા ફ્રાન્સના રાજાના સંશાધન ડિઝાઈનર એમ.બીયોને કરેલી. એ પછી 1803માં મેટલ પેનની પેટન્ટ કરવામાં આવી હતી.
પાછળથી પિયરીગ્રીન વિલ્યમ્સન અને બાલ્ટીમોર સુમાકરે 1809મા મોટાપાયે પ્રોડકશન કરવા માટે ફાઉન્ટન પેનની પેટન્ટ કરાવેલી. 1819માં જ્હૉન સ્કીફરે પણ મેટલ પેનની પેટન્ટ નોંધાવેલી. બર્મિંગહામના જ્હૉન મિશેલે 1822માં મેટલ નીબ્સ સાથે મોટાપાયે ઉત્પાદન કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ મે 1827માં રોમનિયન પેરિસ નામના વિદ્યાર્થીએ ફાઉન્ટન પેનની પેટન્ટ તૈયાર કરી હતી. તે પેટન્ટ ફ્રાન્સની સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જો કે એ પેનની ડિઝાઈનમાં ખામી હોવાને કારણે વારંવાર સમસ્યાઓ સર્જાતી હતી. જેને કારણે એ ઈન્ક પેનનું ચલણ ન રહ્યું.
1831મા જ્હૉન જેકબ પાર્કરે જાતે શાહી ભરી શકાય એવી વપરાશ યોગ્ય ફાઉન્ટન પેનની પેટન્ટ રજીસ્ટર્ડ કરાવી. 1884માં લેવિસ એડસન વૉટરમેને કોઈપણ પ્રકારની ખામી વિનાની લખવામાં સરળ રહે એવી ફાઉન્ટેન પેનની શોધ કરી જેમાં શાહી પુરવાની જુદીજુદી મેથડ પણ અસ્તિત્વમાં આવી જેમ કે બટન ફિલર, લિવર ફિલર, ક્લિક ફિલર, મેચસ્ટિક ફિલર, પોઈન્ટ ફિલર વગેરે ઈન્ક ફિલર સિસ્ટમ અસ્તિત્વમાં આવી. મજાની વાત એ છે કે આ બધી પેનો ખૂબ લોકપ્રિય થઈ. 1907મા પ્રથમ વખત એડમન્ડ મોસ્ટરે એક ઉદ્યોગ સાહસિક સાથે Penkala Moster નામની કંપની શરૂ કરી.
લગભગ 19મી સદીમાં ફાઉન્ટન પેનનો ઉપયોગ એક્સ્ટ્રીમ લેવલે થયેલો. એ સમયે રાજવી પરીવારના લોકો માટે તેમજ ધનવાનો માટે એ પેન સ્ટેટસ સિમ્બોલ બની હતી. યૂરોપમાં એ પેનોનું ખૂબ ચલણ હતું ત્યાં ભારતના રાજા-મહારાજાઓ હાથીદાંતમાંથી બનાવેલી અને જાતજાતના રત્નોથી જડેલી કિત્તા-કલમ-ફાઉન્ટન પેન વાપરવામાં એક્કા હતા. જે પેનો હવે એન્ટીક ફાઉન્ટન પેનના અવશેષ તરીકે વિવિધ રોયલ મ્યૂઝિયમ્સની શોભા વધારે છે.
કદાચ 1945મા પહેલી વખત ભારતમાં આ પેન બજારમાં મૂકાઈ હતી. જેનો શ્રેય કેમલ કંપનીના ફાળે જાય છે. ત્યાર પછી તો રેનોલ્ડ, પાર્કર, મોન્ટ બ્લાન્ક જેવી અનેક દેશી-વિદેશી કંપનીઓ આવતી રહી. ભારતમાં પાર્કર 51નો પણ એક જમાનો હતો. આજે પણ ભારતમાં પચાસેક જેટલી બ્રાન્ડ્સ પેન માર્કેટમાં એકમેકની તંદુરસ્ત સ્પર્ધા કરી રહી છે. જેમાં સીઅફેર, ક્રોસ, પાર્કર, વૉટરમેન, લેમી, યુનીબોલ, મર્સિડીસ, ફીશર, લક્સર, ગોલ્ડમેટ, જીએમ પેન, હીરો, રૉટોમેક, સ્ટીક, ફ્લેર જેવી અનેક બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.
ભારતમાં તિરૂપતી બાલાજી, શિવ, ગણેશ અને બુદ્ધના નામની સોના પ્લેટિનમ પર હિરાજડીત કોતરણીવાળી પેન જેના માત્ર 108 જ નંગ તૈયાર કરાયા હતા એવી ફાઉન્ટેન પેન પણ ચપોચપ વેચાયેલી. જે પેનોની કિંમત હતી એક નંગના માત્ર 7.5 લાખ રૂપિયા! એક વાર એક નાનકડી પેન્સીલ ખોવાઈ ગયેલી ત્યારે આખો આશ્રમ ઊપર-નીચે કરી નાંખનારા મહાત્મા ગાંધીના નામે પણ એક વૈભવી પેન તૈયાર થયેલી. ગાંધીએ 241 માઈલની દાંડીકૂચ કરેલી એની યાદમાં વર્ષ 2009માં મોન્ટ બ્લાન્ક દ્વારા 241 નંગની લિમિટેડ એડિશન મૂકાયેલી. જેના એક નંગની કિંમત હતી માત્ર 14 લાખ રૂપિયા. ગોલ્ડ અને પ્લેટિનમ ક્લાસની એ પેન ગાંધીની સાદગીને પણ ટક્કર મારી ગયેલી અને ફટાફટ વેચાયેલી. પંકજ કપૂરે પોતાની 'મૌસમ' ફિલ્મની હિરોઈન સોનમ કપૂરને ગોલ્ડ ડાયમન્ડવાળી 27 લાખ રૂપિયાની કાર્ટિયર પેન ગિફ્ટ કરેલી એવું પણ સમાચારોમાં ઝળકેલું.
લેખક સૌરભ શાહ કહે છે, 'લેખક લખવા બેસે છે ત્યારે એનું દિમાગ અને સામેના સ્ટડી ટેબલ પર પડેલા સફેદ કાગળોની થપ્પી પરોઢિયે 4 વાગ્યે દેખાતા ચર્ચગેટ સ્ટેશન જેટલા સુમસામ હોય છે. જાડી ફાઉન્ટન પેન ઉપાડીને એ પહેલો બ્લ્યૂ ભરાવદાર અક્ષર કાગળ પર પાડે છે અને થોડી વારમાં વસ્તી વસ્તી થઈ જાય છે. વિચારોની વસ્તી, અભિપ્રાયોની વસ્તી, માહિતીની અને ચિંતનની તથા ચૂસ્ત શૈલી અને ચુંબકીય અભિવ્યક્તિની વસ્તી. વસ્તીના આ વિસ્ફોટથી વાચક ક્યારેક વહાલ અનુભવે, ક્યારેક ગુંગળામણ.'
હું છઠ્ઠામાં ભણતો ત્યારે મને યુએસએ મેઈડ સિલ્વર શેફર્ડ મળેલી. જે ખૂબ વાપરેલી. પછી હીરોની પેન કંપાસ બૉક્સમાં રહેતી. શાહીના બે-ચાર ઉછીનાં ટીપાંનો વહેવાર પણ મિત્રો સાથે ચાલતો. ગામમાં શબ્બીરભાઈની ઈન્ટરનેશલ બુક ડેપો શોપમાં 10 પૈસામાં ઈન્ક ફિલીંગ કરાવતા મિત્રોને જોઈને ઈર્ષા થતી. કારણ અમારે ત્યાં શાહીના ખડીયા રહેતા. આજે લિમિટેડ લોકોમાં ફાઉન્ટેન પેનનું મહત્ત્વ બરકરાર છે. હજુ સ્કૂલના સફેદ યુનિફોર્મ ઉપર શાહીના રંગોની સ્મૃતિઓ પણ બરકરાર છે.
લેમી જર્મની સફારી રૂપિયા 1200માં લીધેલી ત્યારથી તેના પ્રેમમાં છું. એકથી ધરાવ ન થતાં ત્રણ પેન સાથે રાખી. આજે ફક્ત એની નીબ માત્ર 1200 રૂપિયામાં આવે છે. લેમી જર્મનીની સાથે SCHNEDER જર્મની થોડી સસ્તી પણ કાર્ટરેજ વાળી હોય છે. ફાઉન્ટન પેનની ઈન્ક કાર્ટરેજ બદલતી વખતે બેરલમાં કારતુસ ભર્યાની લાગણી માત્ર ગુજરાતીઓને જ આવી શકે.
વિલ્યમ પેન્સની શોપ્સ હવે ઘણી જગ્યાએ અવેલેબલ છે. જેમાં સારું એવું કલેકશન છે. ફાઉન્ટેન પેનની સાથે પેન મૂકવાના ક્રોસ મેઈડ લેધર કવર અને અધર એસેસરિઝ પણ અવેલેબલ હોય છે. ફાઉન્ટેન પેન વાપરવાના શોખ સાથે ઈન્ક અને ઈન્ક કલર શેડ બાબતે પણ ચૂઝી થઈ જવાય. કેમલ, ક્રોસ, ચેલપાર્ક, શેફર, પાઈલટ, વૉટરમેન, લેમી, ડેટોનના ખડીયા ઉપલબ્ધ છે. લેમીના ઈન્કપોટ સાથે બ્લોટીંગ પેપરની પટ્ટી બિલ્ટઈન આવે છે, જેને ખેંચીને વપરાય. ફાઉન્ટેન પેનનો વપરાશ ઘટી ગયા પછી પણ બ્લોટીંગ પેપરનો ધંધો બરકરાર છે એનો શ્રેય આપણા દહીં અને લસ્સી પ્રેમને જવો જોઈએ. પહેલા લેમી પેનમાં ઈન્ક કાર્ટરેજ જ આવતી ત્યારે આપણે પૂરી થતી કાર્ટરેજમાં ઈન્જેકશનથી શાહી ભરવાની ટેકનિક ઈજાત કરેલી. જો કે હવે બૉલ વાળી સકિંગ પમ્પ સિસ્ટમ આવી ગઈ છે. ઈન્ક પેનની સાથે જીવંત રહેલી ટેલિગ્રાફી પણ રસપ્રદ છે.
ગુજરાત સરકારમાં વહોરા સાહેબ IAS હતા. મેં એમને એકવાર લખેલા પત્ર ઉપર મારી સહી જોઈને મને મળવા માટે એમણે ખાસ સંદેશો મોકલેલો. કારણ માત્ર એટલું હતું કે, ઈન્ક પેનની શાહીનું ટર્કીસ બ્લ્યૂ કલર અમારે કોમન હતો. પછી એમની સાથે દોસ્તી થયેલી. હવે તેઓ નિવૃત્ત છે.
ફાઉન્ટેન પેન સતત બદલાતી પરિસ્થિતિનું પ્રતિક છે. આટલું વાંચ્યા પછી પણ જો તમને ગજવામાં ફાઉન્ટેન પેન રાખવાના અભરખા ન થયા હોય તો મેં તમારો સમય જ બગાડ્યો કહેવાય. ધન્યવાદ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર