અકબંધ
આ ગુલમહોરના ઝાડ નીચે જ પહેલી વાર એણે નીલાને સુબંધુની વાત કરેલી. વાત કહેતી વખતે આખું ગુલમહોર એના પર વરસી પડ્યું હોય એવું લાગેલું. એ ઝાડની ઘટા હજી એવી જ હતી. પાંચ વર્ષનો કોઈ ભાર એના પર દેખાતો નહોતો. રિક્ષા જમણી બાજુ વળી કે તરત પાનની લારી દેખાઈ. આમલીનું ઝાડ પણ ત્યાં જ હતું. હવે સવિતાબહેનનું ઘર આવશે, પછી રસિકકાકા, પછી બકુલભાઈ અને સામે-બધું કેટલું પરિચિત, અકબંધ હતું?
આ રસ્તાઓ પર એ કેટલીયે વાર ચાલી હશે, ભલે ને ધૂળમાં એનાં પગલાં ન દેખાય. અહીંથી જ પહેલી વાર શણગારેલી મોટરમાં એ નીકળી હતી, બાજુમાં સુબંધુ. રડીરડીને રાતી બની ગયેલી આંખો. મોટરની બારીમાં આંસુમાં પીગળી ગયેલો બાનો ચહેરો, કોઈને ભેટીને રડતી હાથ હલાવતી અવની, ખૂણે ઊભેલા પપ્પાજી-પછી ઘર દેખાતું બંધ થઈ ગયેલું. બેંગ્લોર ગયા પછી બે વર્ષે એક જ વાર અહીં આવેલી પણ તરત પાછા જવું પડેલું. સુબંધુને તાવ આવ્યો તેથી. પછીનાં ત્રણ વર્ષ ઘરનાં ગણ્યાં ગણાય નહિ અને ક્યારેય પૂરાં થાય નહિ એવાં કામોમાં ચાલ્યાં ગયાં.
આ વખતે તો નક્કી જ કરેલું કે મહિનો રહેવું છે નિરાંતે. બાને ગમશે. અવનીને રાહત થશે. ભાભીને પણ કામકાજમાં મદદ થશે. જોકે એ લોકો તો એમ જ કહે કે સુબંધુને તકલીફ પડશે, પણ બાની તબિયત ઠીક નથી રહેતી એટલે થોડા દિવસ અહીં રહેવાથી બધું બરાબર ગોઠવાઈ જશે. પછી બેંગ્લોર ને સુબંધુ, ઘર ને ઘરનું કામ, એ તો છે જ ને કાયમનું.
બેગ હાથમાં લીધી ત્યાં અવની દોડતી આવી. મેં કહેલું ને કે બાની માંદગીની વાત સાંભળ્યા પછી બહેન આવ્યા વગર રહે જ નહિ... ભાભી નેપ્કિનથી હાથ લૂછતાં આવી ઊભાં. આખું ઘર અને વળગી પડ્યું.
બા ખૂબ દુર્બળ થઈ ગઈ હતી. આવી તો એને ખબર જ નહોતી પડી. બાના ચહેરા પરથી એ વાંચી શકતી કે એને કોઈ તકલીફ છે અને એ જ બા આટલી માંદી હોવા છતાં એને કોઈ જાણ જ નહોતી! ને આ બધાં તો કહે છે કે ગયા ગુરુવારે તો તબિયત બહુ બગડેલી, પછી જ તને કાગળ લખ્યો. ગયા ગુરુવારે એ અને સુબંધુ પાર્ટીમાં ગયેલાં, એણે તૈયાર થવા પાછળ બે કલાક બગાડેલા, ત્રણ વાર સાડી બદલેલી અને અહીં બા... મન ભારે થઈ ગયું. ચાલ, હવે ચિંતાનું કારણ નથી, આ તો બાને જરા ગમે એટલે તને લખ્યું બાકી અમે તો છીએ જ ને? કામ તો ચાલ્યા કરે... અવનીએ એનો હાથ પકડી કહ્યું.
રસોડામાં ભાભી પૂરી તળતાં હતાં, અવની વણતી હતી. આ અવની એને મદદ કરતી વખતે કાયમ ઝઘડો કરતી અને બે બહેનોની તડાતડીથી કંટાળેલી બા કોઈને કામ સોંપવાને બદલે જાતે જ કરી લેતી. રસોડું ઠીક ઠીક બદલાઈ ગયું હતું. હવે અહીં કશું જડે નહિ. મસાલાનો ડબ્બો એની અસલ જગ્યાએ નહોતો. પોતે હોંશથી પસંદ કરેલી તે ખુરસીઓની જગ્યાએ ડાઈનિંગ-ટેબલની આસપાસ સાવ નવી ખુરસીઓ ગોઠવાઈ હતી. ફ્લાવર વાઝમાં ગુલછડીને બદલે સૂર્યમુખીનું એક મોટું ફૂલ મૂક્યું હતું. લાવો, ભાભી, હું પૂરી તળું, તમે થાકી ગયા હશો. આરામ કરો થોડી વાર.
બધું થવા જ આવ્યું છે, તમે અહીં આરામ કરો થોડા દિવસ. ભાભીએ તેલમાં પૂરી મૂકતાં કહ્યું. બાને જમવાનો સમય થયો છે. થાળી પીરસી દઈએ. અવની આટલું બોલી કે તરત એણે થાળી લઈ કહ્યું કે હું પીરસું છું બાને. હજી તો શાક મૂક્યું ન મૂક્યું, ત્યાં જ ભાભી તીણા અવાજે બોલ્યા, ના, ના, એ નહિ, બાનું શાક તો જુદું છે - મોળું તમને જડશે નહિ બધું. હું હમણાં ઝટપટ તૈયાર કરું છું, જુઓને...
અવની અને ભાભીની ઝડપભરી આવન-જાવનમાં નડતરરૂપ ન થવાય એ રીતે એ માત્ર ઊભી જ રહી, મહેમાનની જેમ. બંનેના ટેવાયેલા હાથ નિશ્ચિત સ્થળેથી ચીજ-વસ્તુઓ લેતા હતા. મૂકતા હતા. બધું વ્યવસ્થિત ચાલતું હતું. એની ત્યાં ખાસ જરૂર નહોતી.
બપોરે અવનીના રૂમમાં ગઈ. હવે અવનીનો, બાકી પોતાનો હતો આ રૂમ. પેલાં લીલાં જંગલોનું મોટું ચિત્ર અવનીએ ખસેડી લીધું હતું. ત્યાં હવે દરિયો હતો. એને નાળિયેરી જોવી ગમતી એટલે ટેબલ બારી પાસે રહેતું. અવનીએ ટેબલ બીજી દિશામાં ગોઠવ્યું હતું. ડોક્ટર થવાની હતી અવની એટલે એનાં પુસ્તકો પણ જુદાં. વાત તો કર બેંગ્લોરની, તારા ઘરની, વરની.... અવની બોલતી રહી.
તડકો જરા નરમ પડ્યો એટલે બાગમાં ગઈ. આંબો તો એવો જ હતો. અહીં એણે સુબંધુનો પહેલો પત્ર વાંચેલો અને અહીં બેસીને જ એણે સુબંધુને પત્ર લખેલો. બે વાર ફાડી નાખેલા કાગળની ચબરખી કદાચ આમતેમથી નીકળી આવવાની હોય એમ ઝીણવટથી બધું જોઈ રહી. જોકે એ ઉત્સુક હતી એની મોગરવેલ જોવા માટે. ખૂબ ઝડપથી ફાલતી એ વેલને મદનબાણ કહેવાય એવું કોઈકે કહેલું. એ વેલની ભરાવદાર, અધખીલી કળીઓથી લચી પડેલી એ મોગરવેલ પાસેથી પસાર થતાં સુગંધના દરિયાની છોળોમાં ભીના થવાનું એને ખૂબ ગમતું. અત્યારે તો કળીઓ બેઠી હશે. એ ઝડપથી પાછળ ગઈ. અટકી જવાયું, ગળામાંથી લગભગ ચીસ જ નીકળી ગઈ - ના, એને એવું લાગ્યું, ખરેખર તો બહાર કશો અવાજ આવ્યો જ નહિ. અવનીને એ માંડ માંડ પૂછી શકી કે મોગરવેલ ક્યાં ગઈ, એણે કેટલી હોંશથી ઉછેરેલી! કામ કરતાં કરતાં અવનીએ કહ્યું કે બહુ વધી ગયેલી ને એક વાર નાનો સાપ ત્યાં નીકળ્યો. છોકરાં બહાર રમે તેથી ભાભીને બહુ ડર લાગ્યો ને કપાવી નાખી. મૂળ તો હતાં પણ પછી પાન ફૂટ્યાં જ નહિ.
એ ઉદાસ થઈ ગઈ, આટલી નાની વાતમાં ઉદાસ ન થવું જોઈએ એવું સમજાવા છતાં! આંબા પાસે બેઠી પણ ગમ્યું નહિ. બધું બહુ જુદું, અજાણ્યું લાગ્યા કરતું હતું. એને રાત્રે ઊંઘ આવી નહીં.
બેન, બાનું કામ બધું માથે લે છે તે તું તો આજે છે ને કાલે નથી. અમને ભારે પડશે. તું કલાક સુધી બાને માથે તેલનું માલિશ કરે છે તે મને કે ભાભીને એટલો વખત મળવાનો છે? અવની બબડ્યા કરતી. રસોડામાં તો કોઈ ફરકવા દેતું જ નહિ. એક દિવસ તક મળી ને પપ્પાજી માટે કૉફી બનાવી કાઢી. એમને કૉફીમાં ખાંડ વધારે જોઈતી તે યાદ રાખીને ચમચી વધારે નાખી ત્યારે એમણે તો એક ઘૂંટડો પીધો ને તરત મૂકી દીધી. અરેરે! આટલી બધી ગળી! એ તો બેને બનાવી, એને ખબર નથી કે તમે ડાયાબિટીસની બીકમાં ખાંડ ઓછી કરી દીધી છે. એ જરા છોભીલી પડી ગઈ.
રાત્રે બાને પીરસતી વખતે ભાભીએ કહ્યું કે તમે અહીં છો તો સુબંધુભાઈને તકલીફ પડતી હશે ખાવા કરવાની... ઘર, સુબંધુ, બેંગ્લોર - વાત આટલાથી આગળ વધતી નહિ. એ અકળાઈ જતી. હું અહીં તમારી જોડે નિરાંતે રહેવા આવી છું. અહીં બેસીને સુબંધુની ચિંતા કરવા નથી આવી. એ ગુસ્સે થઈને બોલતી નહિ કોઈ જોડે તો અવની ને ભાભી મજાક કરતાં કે સુબંધુભાઈ વગર ગમતું નહિ હોય...
મધુમાલતીની સુગંધ લઈ રાત આવતી ને બા દવા લઈને સૂઈ જતી. આગલા રૂમમાં બેઠક જામતી. અવની બહેનપણીને ત્યાં વાંચવા જતી, ભાઈ ટીવી જોતાં જોતાં અનુની સ્કૂલના પ્રોગ્રામની, પ્રાર્થના, ટ્યૂશનની, એ બંનેની પરીક્ષાની વાતો કરતાં જેમાં એનાથી સામેલ થવાતું નહિ. પપ્પાજી બહાર આરામખુરસીમાં લંબાવી માધવકાકા જોડે રાજકારણની ચર્ચા કરતા. પોતાને ભાગે કશું કહેવા કે કરવા જેવું આવતું નહિ એટલે એકાદ ચોપડી લઈ વાંચવાનો પ્રયત્ન કરતી પણ બે પાનાંથી આગળ વંચાતું નહિ.
આ દૃશ્ય એના વગર પણ સંપૂર્ણ હતું. એ ન હોય અહીં, તો કોઈ ખૂણો ખાલી રહી જવાનો નહોતો. બધું બરાબર હતું, જેમ હોવું જોઈએ તેમ જ. બેંગ્લોર ગઈ ત્યારે એને એવું લાગેલું કે એના વગરના આ ઘરમાં કશુંક ખાલી રહેશે જે એના આવવાથી, એની હાજરીથી જ પૂરી શકાય. ગેરસમજ થઈ ગઈ હતી જરા. અને એને એકાએક બેંગ્લોર યાદ આવ્યું. એ સુબંધુને કાગળ લખવા બેસી ગઈ.
સવારે અવની બાને કહેતી હતી કે બેન ઠરીને રહે તો બેન નહિ. મહિનો રહેવાનું કહેતી હતી ને હવે જવાની વાત કરે છે, ખાલી દસ દહાડામાં. એને હવે અહીં શેનું ગમે, એનું એ ઘર છે. ને હવે તો બા હસતાં હસતાં કહેતી હતી. જવાની વાતનું કોઈને આશ્ચર્ય નહોતું.
ઘર-ઘર-ઘર હું તો ઘર પાછળ મૂકીને આવી હતી. સુબંધુ મારા વગર નિરાંતે જીવી શકે એટલો સ્વતંત્ર છે. રોજ રાત્રે મલ્હોત્રાને ત્યાં પાનાં રમવા જવું, દર પાંચમે-છઠ્ઠે દિવસે પાર્ટી માટે ઠઠારો કરવો, જ્યાં જઈ આવ્યા હોઈએ તેમને વળતું નોતરું દેવું, સુબંધુના મિત્રોને ખરાબ ન લાગે તેની કાળજી રાખવી. રોજ ઑફિસ ને પ્રમોશનની એકની એક વાતો સાંભળવી, ખૂબ નજીક લેવાતા શ્વાસની ગરમી સતત અનુભવ્યા કરવી - એ તો બધું છે જ મારે માટે.
મારે તો તમારી જોડે થોડો ભૂતકાળ જીવી લેવો હતો. પેલી તાજગીથી છલોછલ કુંવારી ક્ષણોને હળવેથી સ્પર્શી લેવી હતી, એ આંબો, નાળિયેરી, મોગરવેલ, બા, પપ્પાજી, ભાઈ, અવની - સહુની જોડે તોફાન મસ્તીમાં વીતી ગયેલાં એ મઝાનાં વર્ષોમાંથી થોડુંક સાથે લઈ જવું હતું. અહીં તો એવું લાગે છે કે જાણે હું હતી જ નહિ આ ઘરમાં કોઈ દિવસ! મારા હોવાનું ટપકું તો સાવ જ ભૂંસાઈ ગયું છે. આ ઘર તો અકબંધ છે, મારા જવાથી કંઈ ખરી નથી પડ્યું, નથી પડી કોઈ તડ... અમથો જ વલોપાત કર્યો લગ્નને દિવસે રડીરડીને રાતીચોળ એ આંખો, ઘેરથી કાગળ ન આવ્યાની ચિંતા, ઘેર દોડી જવાની ઈચ્છા, એ ખેંચાણ તરફડાટ... અર્થ હતો કંઈ એ બધાનો? ભારે ગેરસમજ થઈ હતી એની.
પણ આમાંનું કશું બાને કે અવનીને કહેવાયું નહિ. સુબંધુને તાર કરી દીધો. ટિકિટ આવી ગઈ. પાંચ વર્ષ પહેલાં અહીંથી ગઈ ત્યારે મોગરવેલના ફૂલોની સુગંધ એ સાથે લઈ ગયેલી. અત્યાર સુધી ભારે જતનથી એ સંઘરી રાખી હતી. અહીં આવી ત્યારેય મનમાં હતું કે ફરી એ સુગંધ બાંધી જવાશે સાથે, પણ આજે એ બને એમ નહોતું. પેલી મોગરવેલ પછી પાંગરી જ નહિ એટલે શું થાય?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર