કથા એક માની, નામે ગીતાબેન રબારીની

15 Jun, 2017
05:00 AM

જ્યોતિ ઉનડકટ

PC: khabarchhe.com

આ લે મારા ઘરેણાં. વેંચી નાખ. તારા દીકરાના ઓપરેશનમાં કંઈ કમી ન રહેવી જોઈએ. 

જર્જરિત કાપડમાં પીળા કલરના દાગીના ચમકતાં હતાં. એ ચમકની પાછળ એક મા-દીકરીની જિંદગીની ચમકનો આધાર હતો. 

ધ્રૂજતા હાથે માએ જરી ગયેલાં કપડાંની પોટલીની ગાંઠ ખોલીને દાગીના હાથમાં લીધાં. આંસુ સારતી દીકરીના ખોળામાં દર્દથી કણસતાં દોહિત્રને જોઈને એ માએ ઘરેણાં દીકરીના હાથમાં મૂકી દીધાં. 67 વર્ષની મા શાંતાબેને હજુ મહિનો દિવસ પહેલા મા બનેલી એકની એક દીકરી ગીતાના દીકરા માટે પોતાની મરણમૂડી દાવ પર લગાવી દીધી. 

નાની ઉંમરે વૈધવ્ય જોનારા શાંતાબેને કંઈકેટલાંય દુઃખ વેઠીને સંતાનોને મોટાં કર્યાં. એ સંતાનની પીડા કઈ નજરે જોઈ શકાય? સંતાન હશે તો સૌ સારાં વાનાં થઈ રહેશે. એવું માનતી આ માએ પોતાની દીકરીના માથે હાથ ફેરવ્યો અને હિંમત આપી કે, ઓપરેશન પછી આ નાનકડાં જીવને કોઈ પીડા નહીં રહે. 

સાંત્વના આપતી માતાને અને એ એક મહિના દીકરાને ખોળામાં લઈને બેઠેલી માને ક્યાં ખબર હતી કે, સફર બહુ લાંબી છે. 

2008ની સાલના ડિસેમ્બર મહિનાની ઠંડીમાં જન્મેલા એ જીવના તો હજુ છઠ્ઠીના લેખ પણ નહોતાં લખાણાં અને પારાવાર પીડા એ નાનકડા પંડ ઉપર આવી પડી હતી. હજુ છ વાસાનો પણ ન થયેલા દીકરાને અંગે કપડું પણ નહોતું અડયું. એ દીકરો જન્મ્યો એ જ દિવસે એની જ સાથે માના ઉદરમાં ઉછરેલી જોડકી બહેનને ખોઈ બેઠો હતો. 

હૉસ્પિટલમાં સિઝેરીયનના ટાંકાંની પીડા બમણી થઈ ગઈ જ્યારે એ સુવવાડી ગીતાએ જોડિયા બાળકોમાંથી દીકરીને ખોઈ દીધી. દીકરીની ખોયાની પીડાના આંસુ સૂકાયા નહોતાં ત્યાં તો પાંચ દિવસનો દીકરો કેમેય શાંત નહોતો રહેતો. રિપોર્ટસ કહેતાં હતાં કે, એ પાંચ દિવસના કુમળા જીવને થાપામાં જે ઈન્જેક્શન માર્યું છે એ પાકી ગયું છે. રસી થઈ ગયાં છે એ પાકની પીડા પાંચ દિવસના દીકરાને પજવતી હતી. 

એ દીકરાનું નામ પાડ્યું ધાર્મિક. ધાર્મિક વિશાલભાઈ દેસાઈ. આજે સાડા આઠ વર્ષનો ધાર્મિક ત્રણ ત્રણ ઓપરેશન પછી પણ અડીખમ ઊભો છે. એનો જમણો પગ જરા ટૂંકો છે પણ એની હિંમત ક્યાંય ટૂંકી પડે એમ નથી. માની હૂંફ અને નાની માની શીળી છાયા આ દીકરાના ચહેરાની ચમક છે.  અનેક પડકારો ઝીલીને પીડાને ગળી જવાનું તો જાણે ગીતા એના માના પેટમાંથી શીખીને આવી હોય એવું લાગે.  

જી હા, આજે ‘મધર્સ ડે’ પર સંવેદનાના તાર હલી જાય એવી માતા ગીતાબેન રબારી અને એમના દીકરા ધાર્મિકની વાત કરવી છે. ચોખ્ખાં મનના અને દિલના સાફ એવાં ગીતાબેન આમ તો મારે ત્યાં ઘરકામ કરે છે. એક નહીં પાંચ ઘરના પારકાં કામ કરીને એ પેટિયું રળે છે. છતાંય ચહેરા પર એક ફરિયાદ નથી. અસંતોષની રેખા નથી. મારા ઘરે રોજ કામ કરવા આવતાં ગીતાબેનને જોઈને મને હંમેશાં એવો સવાલ થાય છે કે, આ બાઈ આટલી બધી તાકાત ક્યાંથી લઈ આવે છે?

એમાં વળી, અચાનક ચાર દિવસનો એમણે ખાડો પાડ્યો. બિલ્ડીંગના બીજાં બે ઘરે એ કામ કરે છે. ત્યાં તપાસ કરી તો ખબર પડી કે, એમના દીકરાનું ઓપરેશન થયું છે. મનમાં ઉઠતાં અનેક સવાલોનો જવાબ લેવા એક દિવસ એના ઘરે જ જઈ ચડી. 

એ વાતોમાંથી જ ‘મધર્સ ડે’ માટે વેદના અને સંવેદનાથી ભરપૂર એક જિંદગી ધબકતી જોવા મળી. 

                             **

ઘોડિયામાં હતી ત્યારે જ એનાં લગ્ન થઈ ગયેલાં. એક વર્ષની રેવાના લગ્ન મહેસાણા નજીક આવેલાં નંદાસણ પાસેના બોરીઆવી ગામના વિશાલ સાથે નક્કી થયાં. વિશાલની બહેનના લગ્ન રેવાના ભાઈ રઘુ સાથે નક્કી થયાં. 

ગીતા દેસાઈ- ગીતા રબારીનું ઘરનું નામ રેવા છે. ગીતાના લગ્ન વિશાલ સાથે થયાં. મોટાં થયાં પછી આણું ભરાયું. આણું કરીને ગીતા બોરીઆવી સાસરે ગઈ અને રઘુની પત્ની મતલબ કે વિશાલની બહેન અમદાવાદ સાસરે આવી. 

વાત છે 2000ની સાલની. સતર વર્ષની ગીતા માના ઘરે રહીને પાંચ ચોપડી ભણી હતી. કૉલેજ ભણેલો પતિ કેવો હશે એના અનેક સવાલો અને સપનાંઓ આંખમાં આંજીને એણે સાસરે પગ મૂક્યો હતો. પણ એને ક્યાં ખબર હતી કે, સુખી થવાના કોડ લઈને આવી છે એના નસીબમાં દુઃખ સિવાય કંઈ નથી આવવાનું. બહુ નાની ઉંમરમાં પિતાને ગૂમાવ્યા. મા અને બંને ભાઈઓ સાથે મળીને પારકાં કામ કરીને મોટી થયેલી ગીતાને એમ હતું કે સાસરે આવીને નિરાંતની જિંદગી જીવવા મળશે પણ જેવું વિચારેલું એવું તો કંઈ થયું જ નહીં. 

દુઃખનો પહાડ તૂટી પડ્યો છે એવી પરિસ્થિતિ અનેક વખત ભોગવી એ પછી પણ આ સ્ત્રીના મોઢે ફરિયાદ નથી. કેમકે, એની જિંદગીનો એક જ મક્સદ છે એના દીકરા ધાર્મિકને બે પગે દોડતો કરવો. એકાદ ઈંચ ટૂંકા પડતા પગને બીજાં પગ જેટલો સરખો કરવા માટે ત્રણ ઓપરેશન કરાવી ચૂકેલી આ મા એમ હિંમત હારે એમ નથી. ફરિયાદો કરવાથી કંઈ વળવાનું નથી. કામ કરો. કર્મ કરો એ સિદ્ધાંત આ સ્ત્રી ઘોળીને પી ગઈ છે. એની અંદર રહેલું માતૃત્ત્વ એને જીવાડે છે. આજે ‘મધર્સ ડે’ છે. બધાં જ બાળકો એની મમ્મીને કંઈકને કંઈક ભેટ આપશે. થેંક્યુ કહેશે. પણ આજે તમને આ માતાને સલામ કરવાનું મન થાય એવી કથા કહેવા હું આવી છું. 

                                 ****

Now, Over to ગીતાબેન.

ચોંત્રીસ વર્ષના ગીતાબેન મૂળ કામલપુર ગામના છે. ગામમાં ખેતીવાડી કરતાં પિતા મહાદેવભાઈ દેસાઈ પત્ની શાંતા દીકરો રઘુ, દીકરી ગીતા અને નાનકડાં દીકરા બાબુને લઈને અમદાવાદ આવ્યાં. સંતાનોને કંઈક સારી જિદંગી આપી શકાય એવા વિચારે આ પરિવાર ગામડેથી શહેરમાં વસ્યું. 

હજુ આ માળો વસે એ પહેલાં તો વિખેરાઈ ગયો. મહાદેવભાઈનું અવસાન થયું. ત્રણેય નાનકડાં સંતાનોની જવાબદારી શાંતાબેનના માથે આવી ગઈ. બંગલાઓમાં ઝાડું-પોતું, વાસણ કરીને એમણે પાઈ-પાઈ ભેગી કરી ત્રણેય સંતાનાને ઉછેર્યાં. 

શાંતાબેન એક બંગલે કામ કરતાં હતાં. રમીલાબેન દરબારને ત્યાં. એ શેઠાણીએ શાંતાબેનને પોતાની દીકરી માની છે. આજે રમીલાબેન અમેરિકા જઈને વસ્યાં છે પણ મહિને દિવસે શાંતાબેનના ખબર પૂછવાનું નથી ચૂકતાં. 

2000ની સાલથી માંડીને 2007 એમ સાત વર્ષમાં ગીતાબેન અને વિશાલનો સંસાર સેટ જ ન થયો. ગામડાંમાં ઉછરેલાં પતિનું અને પોતાનું ભવિષ્ય સુધરે એ માટે વિશાલને અમદાવાદ આવવા કહ્યું. પત્ની સાથે વિશાલ અમદાવાદ આવ્યો. ગીતાબેને પતિને એક દુકાનમાં કામે લગાવી દીધો. એ દુકાનમાં જ કચરાં-પોતું કરવા આવતી મરાઠી સ્ત્રી સાથે વિશાલને પ્રેમ થઈ ગયો. 

પતિને કોઈ સ્ત્રી ગમે છે એવી વાત પતિએ વાતવાતમાં કરી. પણ ગીતાબેનને ક્યાં ખબર હતી કે આ વાત કોઈ ગંભીર સ્વરુપ ધારણ કરશે. પતિનો મોહ બીજી તરફ ફંટાતો જોઈને બંનેએ નક્કી કર્યું કે આપણે છૂટાં પડી જવું. સામી બાજુ પતિની બહેન જ ભાભી હતી. જો આ યુગલ છૂટું પડે તો પેલા યુગલને બનતું હોય છતાં સામાસાટું હોય એટલે એ સ્ત્રીએ પણ પિયરભેગું થવું પડે. 

2008ની સાલની વાત છે. લગ્ન પ્રસંગે ગીતાબેન અને વિશાલ મળ્યાં. સંસાર હજુ પણ ટકી જશે એવું વિચારીને પારિવારિક લગ્નમાં ગીતાબેન ગયાં. ત્યાં પતિ મળ્યો. અને એના થોડાં જ દિવસોમાં ગીતાબેનને ખબર પડી કે એ મા બનાવાના છે. હવે, ઘર ટકી જશે એવું મનમાં વિચારીને સુવાવડની રાહ જોતાં હતા. 

શાંતાબેન જ્યાં કામ કરતાં હતાં રમીલા બાએ એક નાનકડી રુમ પણ આ પરિવારને રહેવા માટે આપી હતી. રઘુ અને ગીતાના લગ્નનો ઘણોખરો ખર્ચ પણ આ દિલદાર શેઠાણીએ આપ્યો. ગીતાબેનને ડીલીવરી બહુ સરસ એવી પ્રાઈવેટ હૉસ્પિટલમાં કરાવી. એનો ખર્ચ તો આપ્યો પણ ગીતાને મનથી પોતાની દીકરીની દીકરી માનતા આ શેઠાણીએ પોતાના ઘરનો શીરો પણ આ સુવાવડીને ખવડાવ્યો હતો. દવાખાને ધક્કા ખાવામાં પણ કોઈ કચાશ નહોતી રાખી. 

દીકરાનો જન્મ થયો છે એવા સમાચાર સાસરે મોકલ્યાં તો વિશાલના એક કાકા વહુની તબિયત જોઈને નીકળી ગયાં. અંદરોઅંદરના સગાં કોઈવાર ખબર પૂછે.... પણ સગો બાપ એટલે કે વિશાલે આજદિન સુધી દીકરાનું મોઢું સુદ્ધાં નથી જોયું. કોઈ દિવસ દીકરાના વાવડ નથી પૂછ્યાં. દીકરાને પગની તકલીફ છે પણ પિતા તરીકેની કોઈ જ ફરજ એણે બજાવી નથી. 

આ કરુણતા છતાં, ગીતા દેસાઈ આજે પણ દીકરો છીનવાઈ જવાના ડરથી ફફડી ઉઠે છે. પાંચ ઘરના કામ સવારે અને પાંચ ઘરના કામ સાંજે કરીને રાત્રે 11 વાગે ઘરે ચાલીને જતાં હોય તો એક ડર મનમાં સવાર હોય છે કે, ઘરે જઈશને ધાર્મિકને એના પપ્પા લઈ ગયાં હશે તો? ઘરના બેડ ઉપર એને ટીવી જોતો જોઈને રોજ આ માના જીવમાં જીવ આવે છે. મા માટે દીકરો જ એની દુનિયા છે અને દીકરા માટે માથી વિશેષ કંઈ નથી. 

ગીતાબેન કહે છે, ‘એક વખત સ્કૂલમાં મિટીંગ હતી. જેમાં પિતાને જ જવાનું ફરજિયાત હતું. ધાર્મિક ઘરે આવ્યો અને એનું મોઢું ઉતરેલું હતું. એકદમ દબાતા સૂરે મારી પાસે વાત કરી. બીજે જ દિવસે હું એની સ્કૂલે ગઈ અને હકીકત કહી પછી એને સ્કૂલમાં કોઈ જ તકલીફ નથી પડી. ચોથા ધોરણમાં આવેલો મારો દીકરો હંમેશાં પહેલાં પાંચમાં નંબર લઈ આવે છે.’

ધાર્મિકના પગની તકલીફ વીશે આ મા બહુ ચિંતા કરે છે. વાત એમ હતી કે, મોટોભાઈ રઘુ એક ડૉક્ટરને ત્યાં કામ કરતો હતો. ધાર્મિકને પોલિયોનું ઇન્જેક્શન એ ડૉક્ટરે આપ્યું. એ ઇન્જેક્શનની સોયની પીડા આજે પણ આ મા-દીકરો ભોગવે છે. આર્થિક રીતે મા ઘસાઈ રહી છે અને દીકરાની પીડા પારાવાર છે. 

પાંચ દિવસના ધાર્મિકના થાપાના બોલમાં ઇન્જેક્શનની સોય ઘૂસી ગઈ. એમાં એને રસી થઈ ગયાં. એટલાં નાના બાળક ઉપર સર્જરી ન થાય. એટલે એક મહિનાનો થયો પછી એની સર્જરી કરવામાં આવી. સાંઈઠ હજારનો ખર્ચ થયો. માએ પોતાના સાચવેલાં ઘરેણાં આપ્યાં અને રમીલાબેન દરબાર જેમને ત્યાં કામ કરતાં હતાં એ સવાઈ માએ બાકીના ત્રીસ હજાર આપ્યાં. આ રુપિયા ગીતાબેને પાછા નહોતાં આપવાના એ શરતે જ રમીલાબેને એમને મદદ કરી હતી. એ પૈસા આપ્યાં ત્યારે એટલું કહ્યું કે, શાંતા મારી દીકરી છે એની દીકરીને હું રુપિયા નહીં આપું તો કોણ આપશે? ડૉક્ટરે બચવાના ચાન્સીસ બહુ ઓછાં કહ્યાં હતાં ત્યારે રમીલાબાએ કહેલું કે, આપણે ભાણીયાને મરવા નહીં દઈએ. તું ઓપરેશન કરાવી નાખ બીજી બધી વાત જોઈ લેવાશે. 

2009ના જાન્યુઆરી મહિનામાં ધાર્મિકનું ઓપરેશન થયું. રસી કાઢી નાખ્યાં. અને થાપાના બોલમાં સડો થઈ ગયો હતો એ સડો કાઢ્યો. પાંચ વર્ષ પછી ફરી રસી થયાં. એ સમયે ફરી વીસ હજારનો ખર્ચ આવ્યો. સતર દિવસ હૉસ્પિટલમાં રાખ્યો. ત્યારે એનો થાપાનો બોલ કાઢી નાખ્યો. 

પારકાં કામ કરી કરીને થોડી બચત કરી હતી. ભાઈઓએ થોડી મદદ કરી. ઓપરેશનના આઠ હજાર રુપિયા આપ્યાં. બાકીના રુપિયા આપવાની સગવડ ન હતી. ડૉક્ટરને કહ્યું હું ઘરકામ કરું છું. તમારી હૉસ્પિટલમાં કામ કરીશ. આ રુપિયા પૂરાં ન થાય ત્યાં સુધી નિયમિત સાફસફાઈ માટે આવીશ. મારા ઘરથી એ હૉસ્પિટલ લગભગ સાતેક કિલોમીટર દૂર થાય. બસભાડું પણ પોસાય એમ ન હતું. કેટલાં બધાં સમય સુધી ટાઢ હોય, તડકો હોય કે વરસાદ હું એમની હૉસ્પિટલે કામ કરવા જતી.’

દીકરાનો પગ થોડો ટૂંકો થઈ ગયો હતો. આ માની હિંમત જરા પણ ટૂંકી થઈ નથી. ડૉક્ટર પાસે જેવી સમજણ પડે એવી પણ દીકરાની તકલીફ કેવી રીતે દૂર થાય એની ચર્ચા કરવાનું આ ઓછું ભણેલી પણ બહુ જ ગણેલી મા ચૂકતી નથી. 

દીકરો સવારે ઉઠે ત્યારથી એની સાથે એ રહે છે. મહિને સાડા સાતસો રુપિયા ફી છે એવી નારણ ગુરુ સ્કૂલમાં એ ભણવા જાય છે. બહુ શરુઆતના ગાળામાં ધાર્મિકને અંગ્રેજી માધ્યમમાં બેસાડ્યો હતો. દીકરો હોંશિયાર છે પણ અંગ્રેજી માધ્યમની સ્કૂલનો ખર્ચ પરવડતો નહીં હોવાથી એને ગુજરાતી માધ્યમની સ્કૂલમાં બેસાડવો પડ્યો છે. એક દિવસ દીકરો બહુ આગળ વધશે. મારી જિંદગીની મહેનત એ કંઈક બનશે એમાં વસૂલ થઈ જશે આ એક જ આશા આ માને જીવાડે છે. 

ગયા વરસે દીકરાનું ઓપરેશન કરાવ્યું. થાપામાં બોલ નંખાવ્યો અને બોલની સાથે પ્લેટ લગાવીને હાડકાંને જોડ્યું. હાડકાંનો વિકાસ થયો એટલે એ પ્લેટ કઢાવવાનું ઓપરેશન હજુ થોડાં દિવસ પહેલાં જ થયું. ગયા વરસના ઓપરેશનના સાંઈઠ હજારમાં થોડી રકમ ભાઈઓએ આપી. બીજાં ઉછીના લીધાં અને વીસ હજાર રુપિયા બચાવેલાં એ આપ્યાં. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એક ઝેરોક્સવાળાને ત્યાં એ કામ કરે છે. એ દુકાનના માલિક શૈલેષ શાહે પોતાને ત્યાં કામ કરતાં ગીતાબેનને પોસ્ટમાં ખાતું ખોલાવી દીધું. માતા સાથે ઘરમાં રહે છે એ દીકરીની ખુમારી જુઓ સગીમાને પણ ઘરમાં રહેવાનું ઘર ભાડું આપે છે, બે હજાર રુપિયા. દીકરાનો અને પોતાનો ખર્ચ પૂરો કરે અને એમાંથી રુપિયા બચાવીને પોસ્ટ ખાતામાં મૂકે છે. એકસાથે આટઆટલું કરી શકતી વ્યક્તિનું કલેજું માનું જ હોય, આવું તો મા જ કરી શકે બીજું કોઈ ન કરી શકે. આટઆટલું કર્યાં પછી પણ ચહેરા પર એક ફરિયાદ ન જોવા મળે અને નેગેટીવ વાત તો કોઈ દિવસ નથી નીકળતી. દીકરા સાથેના પ્રેમના બંધનની તાકાત આ માતાને જાણે જીવવા માટે શ્ર્વાસ લેવા માટે ઓક્સિજન પૂરો પાડતી હોય એવું લાગે છે. 

પંદર વર્ષથી એક ડૉક્ટર ધવલ મારવાડીને ત્યાં ઘરકામ કરે છે. એમઆરઆઈ અને એક્સરેના રુપિયા આ ડૉક્ટર બચાવે છે. હૉસ્પિટલ અને ડૉક્ટરનું સજેશન પણ આ ધવલભાઈ જ કરે છે. આ વરસે હમણાં થોડાં દિવસો પહેલાં થાપાંના બોલ અને હાડકાં વચ્ચેની પ્લેટ કઢાવી તેનું ઓપરેશન કરાવ્યું ત્યારે ઓપરેશન કરનાર ડૉક્ટર મૌલિન શાહે થોડાં રુપિયા ઓછાં કર્યાં. પચીસ હજારનો ખર્ચ થયો જે રુપિયા ઉછીના લીધાં અને થોડી બચત ઉમેરીને દીકરાના વેકેશનમાં આ માએ ઓપરેશન કરાવ્યું દીકરાની સ્કૂલ ન બગડે એ માટે વેકેશનમાં ઓપરેશન કરાવ્યું. 

હજુ ચાર વર્ષ પછી બંને પગની લંબાઈ એક સરખી થાય એ 

માટે ફરી ઓપરેશન કરવું પડશે. એ ખર્ચ કેટલો થશે એવું હજુ આ માએ પૂછ્યું નથી. પણ દીકરાને ચાલતો કરવા માટે એની દોડમાં જાણે થાકનું નામ નથી. પાંચ ઘરે ચાલી-ચાલીને કામ કરવા જતી આ મા તડકો- વરસાદ કે ટાઢને જોયાં વિના બસ દોડ્યે જ જાય છે દોડયે જ જાય છે. ઘરકામ કરે છે, ગાડીઓ સાફ કરે છે. દીકરાને લાડકો રાખે છે. 

જ્યારે ફોટો પાડવા માટે અને વિગતો લેવા માટે ગીતાબેનના ઘરે ગઈ ત્યારે પહેલી વખત એમના દીકરાને મળી. કરલી હેરવાળો અને પરાણે વહાલો લાગે એવો સ્વીટ દીકરો છે. હું ગઈ એટલે મને શેકહેન્ડ કરીને આવકારી. કાર્ટૂનની ચેનલ જોતો હતો એનો અવાજ તરત જ બંધ કરી દીધો. 

એની તબિયત પૂછી તો ખિલખિલાટ હસીને બોલ્યો, એકદમ મજામાં છું. 

જો કે, મા આગળ બહુ લાડકો થાય છે. દુઃખતું હોય ત્યારે પારકા કામ કરતી માને ફોન ઉપર ફોન કરીને બોલાવે છે. કોઈના પણ ઘરે હોય દીકરાની પીડાને ફોન પર સાંભળીને એ કામ પડતું મૂકીને સાત સાત વાર કોઈ વાર તો આઠ વાર કામેથી ઘરે જાય છે. દીકરાને થોડું વહાલ કરીને ફરી કામે વળગે છે. બહુ દિવસો સુધી કામ પાડે તો રુપિયા કપાઈ જાય. રુપિયા કપાય તો મહિનો પસાર કેમ કરવો. આ અને આવા અનેક સવાલો આ મા સામે રોજે રોજ ખડાં થાય છે. વળી, બપોરે તો એ કંઈ જમતાં જ નથી. જો જમે તો ઉંઘ આવે. ઉંઘ આવે તો પારકાં કામ કરવાની આળસ આવે. આથી જમવાનું ટાળતી આ મા દીકરાને પોતાના હાથે કોળિયા ભરાવીને જમાડે છે. રાતે અગિયાર વાગે આવતી માની રાહ જોતો ધાર્મિક ભૂખ લાગે તો પણ જમતો નથી. નાનીમા પાસે લાડકો થાય પણ જમવાનું તો માના હાથે જ. 

એને મોટાં થઈને પેઈન્ટર થવું છે. એની આંખોના સપનાં જાણે એની મમ્મી ઝીલે છે. ચાર વર્ષ પછી દીકરાના ઓપરેશનનો ખર્ચ અને એની આંખાનો સપનાંનો આંકડો રુપિયામાં કેવી રીતે ભેગો થશે એ ચિંતા આ માને સતાવે છે. માના હાથે જમતાં દીકરા સામે જોઈને એક જ વિચાર આવ્યો કે, કરોડો રુપિયા આપવાથી પણ આ મમતાનું કોઈ મોલ નથી મળવાનું. એક અનોખી માને ‘મધર્સ ડે’ પર વંદન.....

 

ગીતાબેન-

એકાઉન્ટ નામ- Revaben Mahadevbhai Desai

Bank- Central Bank Of India

Branch- Jodhpur

Account number- 3414097706

MICR Code- 380016029

IFSC Code- CBIN0281661

Phone number- 9662060986 (કદાચ કામમાં હોય તો ફોન ન ઉપાડે તો બીજીવાર કરવો પ્લીઝ)

છતાં પણ કામ હોય તો જ્યોતિ ઉનડકટ- 9727011711

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.