હરામનું ખાનાર દેવ

04 Dec, 2016
12:00 AM

PC: helpinghandspantry.org

(વાર્તાકારઃ ઈશ્વર પેટલીકર)

 

ગાડી ઊભી રહી એટલે મેં બૂમ પાડી : 'એ મજૂર !'

શબ્દ કાને પડતાં બે મજૂર દોડ્યા, પણ એક આગળ નીકળી ગયો એટલે બીજાએ દોડવાનું માંડી વાળ્યું. મેં ડબ્બામાંથી નીચે ઊતરતાં કહ્યું : 'અંદર ઘીનો ડબ્બો છે.'

મજૂરે તે ઉપાડતા કહ્યું : 'બીજું કંઈ?'

મેં કહ્યું : 'કંઈ નથી.'

અને મેં ચાલવા માંડ્યું. મજૂર પણ પાછળ પાછળ આવ્યો. સ્ટેશન બહાર નીકળતાં એણે પૂછ્યું : 'ઘોડાગાડીમાં જવાનું છે ને?' ત્યાં ઘોડાગાડીવાળા બેચાર જણ ફરી વળ્યા. દર વખતે ગાડીવાળા સવા-દોઢ રૂપિયો કહે અને બાર આને આવે એ ક્રમ, એટલે તરત ગાડીમાં ડબો મુકાવી દીધો. ખિસ્સામાં હાથ નાખી પરચૂરણ કાઢ્યું તો ફક્ત બે આના છૂટા નીકળ્યા. ગાડીવાળાને જેમ બાર આના નક્કી હતા તેમ મજૂરને ઘીના ડબાના ત્રણ આના હું દર વખતે આપી દેતો. મહિને એકવાર ગામડે-વતન જાઉં ત્યારે મારો કે મિત્રોનો ઘીનો ડબો લાવવાનો હોય જ, એટલે બે આના આપતાં મનમાં સંકોચ થયો. સાથે જોયું કે જો એની પાસે પરચૂરણની માગણી કરીશ તો એ ત્રણ આનાને બદલે વધારે લેવાની વૃત્તિ બતાવશે. બીજી ક્ષણે સંકોચ ફેંકી દીધો : રેલવેએ દાગીના દીઠ બે આના નક્કી કર્યા છે એટલે કાયદેસર તો વધારે માગે પણ શું? અને ઘોડાગાડીમાંથી હાથ લંબાવતાં મજૂરને કહ્યું : 'લે.'

અગાઉ ધાર્યા કરતાં હાથમાં ઓછું મુકાયેલું અનુભવ્યું હશે એટલે મજૂરે પૂછ્યું : 'શું છે?'

ક્ષણ પહેલાં જે સ્થાને સંકોચ હતો ત્યાં કડકાઈ આવીને બેસી ગઈ. હું બોલ્યો : 'કેમ શું છે? દાગીનાના બે આના નક્કી કર્યા છે ને....'

વચ્ચે જ મજૂર બોલ્યો : 'સાહેબ ! બે આના તે હોતા હશે? ભોંયરામાં થઈને લાવ્યો તે આઠ આના માગું.'

દર વખતે હું મજૂરના હાથમાં ત્રણ આના મૂકી દેતો એટલે કોઈએ આનાકાની કરી ન હતી. એને બદલે આઠ આના આ બોલ્યો એટલે મારા મનમાં કડકાઈને સ્થાને ક્રોધ આવી ગયો. હું તાડૂકી ઊઠ્યો : 'લૂંટનો માલ સમજીને આઠ આના માગે છે?'

મજૂર ધીમેથી બોલ્યો : 'લૂંટનો કેમ કહેવાય? પણ ઘીનો ડબ્બો છે પછી આઠ આના મજૂરી માગું એમાં શું વધારે છે?'

હું : 'ઘી હોય કે ઘાસતેલ હોય. સોનું હોય કે લોઢું હોય, તારે દાગીના પ્રમાણે મજૂરી લેવાની કે બીજું?'

મજૂર : 'દાગીના તો બિસ્તરો કે એવી પરચૂરણ ચીજ કહેવાય. ઘીનો ડબ્બો...'

વચ્ચે હું બોલી ઊઠ્યો : 'તારે બે આના લેવા છે કે નહિ?'

ઘોડાગાડીવાળો મારો પક્ષ કરતાં બોલ્યો : 'લઈ લે ને હવે ડાહ્યો થઈને !'

મજુર છેલ્લે પાટલે બેઠો : 'મારે નથી જોઈતા, ધર્માદો કરજો.'

હું ખિજાઈને બોલ્યો : 'એટલે દાદાગીરી કરે છે એમ?'

મજૂર : 'દાદાગીરી શાની? હું ક્યાં રસ્તો રોકીને ઊભો છું કે મને આપો, આપો ને આપો જ !'

મેં બે આના ખિસ્સામાં મૂકતાં ઘોડાગાડીવાળાને કહ્યું : 'ચાલ, હાંક. એને ના જોઈતા હોય તો મારી પાસે વધારાના નથી પડ્યા.'

ગાડીવાળાએ ગાડી હાંકી. મજૂર પણ બેતમા હોય તેમ મોં ફેરવીને ચાલતો થયો. હું પણ એટલો જ અક્કડ થઈને ઘોડાગાડીમાં બેસી રહ્યો. પરંતુ મારો અકડાટ ઘેર પહોંચતાં સુધીમાં ઊતરી ગયો, અને તેને સ્થાને વિમાસણ શરૂ થઈ હતી. પેલા મજૂરનો ચહેરો મારી આંખ સામે તરવરી રહ્યો હતો. વીસેક વર્ષનો જુવાન મજૂર હતો, મોં ઉપરથી ગામડાનું ખરબચડાપણું હજુ ભૂંસાયું ન હતું. ગામડે મજૂરી ન મળવાથી શહેરમાં કમાણી કરવા તાજો આવ્યો હશે એમ મને હવે ખાતરી થતી જતી હતી. શહેરનો રીઢો મજૂર ઓછીવત્તી પણ મજૂરી લેવાની છોડે નહિ, આ બિચારાએ શહેરમાં આવતાં કલ્પ્યું હશે કે પૈસાદાર લોકો પાણીની પેઠે ધન વાપરે છે એટલે મજૂરને પણ ઘી-કેળાં હશે. તેમાંય સેકન્ડ ક્લાસમાંથી ઊતરતો મારા જેવો સફેદ કપડાંવાળો શેઠ, સુધરેલી ભાષામાં સાહેબ, ને ગરીબોને ઘીનાં દર્શન પણ દુર્લભ છે ત્યારે ડબા ભરીભરીને ગામડેથી શહેરમાં લાવે છે અને ખાય છે, તે સવારની કડકડતી ઠંડીમાં આઠ આના મંજૂરીના આપી દે તો શી નવાઈ?

આઠ આનાની આશા સેવીને ઘીનો ગાડવો ઉપાડેલા આ મજૂરને જ્યારે બે આનાનો પથ્થર મળવાનો થાય ત્યારે શું થયું હશે? એણે આઠ આનાની માગણી ભલે ગાંડી કરી, એ તો એની આશા હતી. આશા તો ક્યારે કોઈ થોડી સેવે છે? પણ એને છેવટ વ્યાજબી કે એનું મન કબૂલ કરે તેટલું આપવું જોઈતું હતું ને? મારે નથી જોઈતા તે શું એણે રાજીખુશીથી કહ્યું હતું? એમ ગુસ્સામાં એ આશાભગ્ન થતાં એણે કહેતાં તો કહી નાખ્યું, સ્વમાનને લીધે એણે ઘોડાગાડી ચાલતાં મોં પણ ફેરવી લીધું. પણ એની આંતરડી કેટલી કકળી હશે? શિયાળાની, આંગળાં થીજી જાય તેવી ઠંડીમાં, કેવળ એક ટૂંકા બાંડિયા-ખમીસભેર સવારના પહોરમાં મજૂરી કરવા આવેલા એ યુવકને સવારની બોણી આ રીતે થઈ ત્યારે એના હૈયા ઉપર ઘોડાગાડી ફરી વળે તેથી જે ઘા થાય તેથી વધુ આઘાત થયો હશે કે નહિ?

મને મારો ગુનો સ્પષ્ટ દેખાયો. છેવટે એની માગણી ભલે મારે નહોતી સ્વીકારવી, પણ હું જે વ્યાજબી માનતો હતો તે બે આના તો મારે એને આપવા જોઈતા હતા ને? એણે લેવાનો ઈન્કાર કર્યો તો મારે નીચે ફેંકી દેવા જોઈતા હતા. સ્વમાનને લીધે મારા દેખતાં નહિ તો પછી લઈ લેત. અને કદાચ ન લેત તો પણ એને લેવાની તક આપ્યાનો તો હું સંતોષ માની શકત ને? મને વસી ગયું કે, પૈસાદાર માણસ કે ધરાયેલા માણસ, ભલે ગરીબ કે ભૂખ્યા પ્રત્યે સહાનુભૂતિ રાખવાનો દાવો કરે. પણ એનું દુઃખ, એની આશા, એની વેદના, એનું સ્વમાન એ ભાગ્યે સમજી શકશે. જો એમ ન હોત તો હું આવી નિષ્ઠુરતા કરી બેસત શું કામ?

હું નાહ્યો, કોફી પીધી, પણ મારી બેચેની દૂર ન થઈ. મને થયું કે મારે સ્ટેશને પાછા જવું જોઈએ. એને શોધીને મારે એનું લહેણું ચૂકવી દેવું જોઈએ. મેં ઘડિયાળમાં જોયું-ઓફિસે જવાને હજી દોઢ કલાક વાર હતી. મેં બહાર નીકળવા કપડાં પહેર્યા. એટલે રમાએ પૂછ્યું : 'ક્યાં જાઓ છો?'

એ બધી રામાયણ પછી કહીશ એમ વિચારી મેં કહ્યું : 'આવું છું, ખાસ ક્યાંય જતો નથી.'

વડોદરા લોકલ આગલા સ્ટેશનેથી ઊપડ્યાના પાંચ ટકોરા થઈ ગયા હતા એટલે મજૂરો પ્લેટફોર્મ ઉપર ગોઠવાઈ ગયા હતા. મેં પ્લેટફોર્મના એક છેડેથી બીજે સુધી બે આંટા માર્યા પણ મારો લેણદાર મજૂર જડ્યો નહિ. મને થયું કે એ નિરાશ થઈ કદાચ ઘેર પણ ચાલ્યો ગયો હોય. ગાડી આવતાં ગિરદીમાં પડવું પડશે એ ભયે હું ભોંયરું ઓળંગી જવા ઝડપથી પગ ઉપાડતો હતો તે વખતે મારી પાછળ અવાજ આવ્યો : 'સાહેબ !'

મેં પાછળ જોયું, એક ચૌદપંદર વર્ષનો છોકરો આર્જવભરી નજરે મારી સામે જોઈ રહ્યો હતો. બીજો પ્રસંગ હોત તો ભીખ માગનાર એવા છોકરાના શબ્દોને વટાવીને હું ઝડપથી ચાલ્યો ગયો હોત, પરંતુ અંતરમાંથી અવાજ આવ્યો કે તું લહેણું ચૂકવવા નીકળ્યો છે, તો આને ચૂકવ, એ દ્વારા પણ પ્રભુને ઘેર તો મૂળ દેવામાં જમા થશે જ. અજાણ્યા, રખડતા છોકરા સાથે જીવનમાં ક્યારેય જેટલી મીઠાશથી વાત નહોતી કરી તેટલા ભાવથી મેં પૂછ્યું : 'શું છે, ભાઈ?' અને મેં એને ખભે હાથ મૂક્યો.

'સાહેબ !' એટલું કહીને છોકરો અટકી ગયો હતો એટલે એને ભીખ માગવાનો નવો અનુભવ હશે અને તેમાંય માગવા જતાં એ નિરાશ થયો હશે એટલે મને પણ વિશેષ કહી શક્યો ન હતો. પરંતુ મેં મીઠાશથી વાત કરી અને એને ખભે હાથ મૂક્યો એટલે આપ્તજન મળતાં જેમ કોઈ દુઃખિયારું પ્રથમ રોઈ પડે તેમ એ રડી પડ્યો.

ગાડી યાર્ડમાં દાખલ થઈ હતી એટલે મેં એનો હાથ ઝાલી કહ્યું : 'ચાલ બહાર.'

એણે મારી સાથે ચાલતાં કહ્યું : 'પણ મારી પાસે ટિકિટ નથી.'

મેં કહ્યું : 'કંઈ વાંધો નહિ. તું ક્યાંથી આવે છે?'

છોકરો : 'ચાર દહાડાથી ગામડેથી આવ્યો છું, નોકરી શોધું છું. ક્યાંય ન મળી ત્યારે ગાડી ઉપર મજૂરી કરવા આવ્યો હતો. પણ એક જણનો બિસ્તરો લઈને અંદર આવ્યો એટલે ફેંટાવાળા કહે કે હવે જો કોઈનો દાગીનો ઉપાડીશ તો પોલીસને સોંપશું!'

હું : 'એમનું કહેવું સાચું છે. સ્ટેશનની અંદર બીજાથી મજૂરી ન થાય.'

છોકરો : 'સ્ટેશનમાં પેસવાની પણ ટિકિટ લેવી પડે એમ એકે કહ્યું એટલે મને થયું કે બહાર નીકળવા નહિ દે.'

ઝડપથી અમે બંને બહાર નીકળી ગયા. મેં પ્લેટફોર્મ પાસ પાછો આપવાની ચેષ્ટા ન કરી. ઝાંપે ઊભેલાએ માગણી પણ કરી નહિ. બહાર નીકળતાં છોકરાએ છુટકારાનો દમ ખેંચ્યો તે હું જોઈ શક્યો.

મેં હાથ ખિસ્સામાં નાખી બહાર કાઢ્યો. પાંચની નોટ બહાર આવી. એટલી રકમ છોકરાને આપતાં વિચાર તો આવ્યો. એકાદ રૂપિયો પૂરતો કહેવાય એમ લાગ્યું. પણ વળી થયું કે, પાંચની નોટ આપું તો જ પૂરતો દંડ કહેવાય. આ કંઈ હું દાન કરતો નથી. બીજે પ્રસંગે છોકરાની આજીજી મેં સાંભળી પણ ન હોત. અત્યારે જે આપું છું તે છોકરા પ્રત્યે દયાથી પ્રેરાઈને નહિ, પણ જે ગુનો થઈ ગયો છે. એના દંડ પેટે, મેં છોકરાને કહ્યું : 'લે.'

છોકરો એ નોટ કેટલાની છે તે સમજ્યો હશે કે કેમ તેની મને શંકા છે. પણ એણે મારી પાસે એથી વિશેષની આશા રાખી હોય તેમ બોલ્યો : 'સાહેબ ! તમે મને દાન આપો એ મારાથી ન લેવાય. હું બામણનો છોકરો નથી. હું...' તે જે વાત છુપાવવા માગતો હતો તે જ કહી દેતો હતો. એમ છોકરાને વિચાર આવતાં એ અટકી ગયો અને ઉમેર્યું : 'હું ભિખારી નથી કે ભીખ માગું.' અને એ છોકરાની આંખમાં નૂર ચમકી ગયું. મને થયું કે આટલી ઉંમરનો નિઃસહાય છોકરો પણ ભીખ કે દાન ન લેવાની ખુમારી રાખે છે એ જોતાં એના પ્રત્યે ઓચિંતો ભાવ વધી ગયો.

હું ; 'તો તેં 'સાહેબ' કહીને મને બોલાવ્યો હતો શા માટે ?'

છોકરો : 'મનેય સાહેબ, ખબર નથી. તમે ઝડપથી જતા હતા, ટિકિટ માગશે તો હું શો જવાબ દઈશ તમે બી ભોંયરામાં ઊભો હતો. અને મારાથી તમને જોતાં 'સાહેબ' બોલાઈ ગયું.'

હું ; 'એ બોલાઈ જવામાં કંઈ ઈચ્છા ખરી ને?'

છોકરો : 'ચાર દહાડાથી હું નોકરી શોધું છું. પણ જે હોય તે કહે છે, અજાણ્યાને ન રખાય. તારું ઓળખાણ લાવ.'

હું : 'પણ તું નોકરી શાની કરે?'

છોકરો : 'જે કહો તે - ઘરનું કામ કરું, બીજું બતાવો તે. પણ અત્યાર સુધી મેં ખેતી સિવાય બીજું કામ કરેલું નથી એટલે આવડતાં સુધી જલદી ના થાય એવું બને.'

હું : 'તું ગામડેથી અહીં શું કામ આવ્યો? તારે મા-બાપ નથી?'

છોકરો જવાબ આપવાને બદલે રડી પડ્યો. હું તરથ સમજી ગયો કે એ સાચી વાત કહેવા માગતો નથી. જૂઠું બોલતાં અચકાય છે એટલે એને રડ્યા સિવાય બીજો માર્ગ રહ્યો નહિ. મને થયું કે, પ્રભુ પાંચ રૂપિય દંડ લઈ મારો ગુનો માફ કરવા માગતો નથી. મારે માટે હવે તો એ જે શિક્ષા કરે તે માથે ચડાવવાની રહી હતી. મેં છોકરાને એનો ઇતિહાસ પૂછવાનું માંડી વાળતાં કહ્યું : 'સારું, ચાલ મારી સાથે. હું તને નોકરી આપીશ.'

એને બહાર બેસાડી હું રસોડામાં ગયો એટલે રમાએ પૂછ્યું : 'ક્યાં જઈ આવ્યા?'

મેં આખી બનેલી વાત કહી સંભળાવી.

રમા મોં કટાણું કરી બોલી : 'જગતમાં દુઃખિયાંનો પાર નથી. એ બધાંને તમે શી રીતે સુખી કરવાના હતા? નોકર તો ઘરમાં છે. પછી એની પાસે શું કામ કરાવશો?'

હું : 'આમાં કામ કરાવવાનો સવાલ નથી. આપણે કોઈને કહીશું તો ઝટ એને રાખી લેશે.'

રમા : 'ઘરકામના નોકર તો બધાં શોધે છે પણ અજાણ્યાનો ભરોસો શો? આપણે કોઈને વિશ્વાસ કેમ આપી શકીએ?'

હું : 'એટલે થોડો વખત આપણે ત્યાં કામ કરશે. આપણને ખાતરી થશે એટલે બીજાને કહીશું. એકાદ મહિનો રહેશે તેથી કંઈ ભારે નહીં પડી જાય.'

રમા : 'એની ના નથી, પણ એ અરસામાં ઘરમાંથી કંઈ હાથ મારીને....'

હું વચ્ચે બોલ્યો : 'એને તું જોઈશ કે તરત તને ખાતરી થશે કે છોકરો એવો નથી. દુઃખનો માર્યો ઘેરથી નાસી આવ્યો લાગે છે.'

પંદર દિવસમાં શંકરે કામથી રમાને જીતી લીધી, શંકર હતો તો પંદર વર્ષનો પણ એનું શરીર મજબૂત હતું. ઘરકામ એણે અગાઉ નહિ કરેલું પણ ખેતીકામ કરેલું એટલે અમારું કામ એને ભારે પડતું નહિ, ફાવે ઓછું એટલું જ. વળી ઘરમાં નોકર હતો એટલે એને માથે બધું કામ પડતું નહિ. પંદર દિવસમાં રમાએ જોઈ લીધું કે એ કામ કરે છે તે ચોક્કસ છે. એને કામ શીખવાની ચીવટ હતી, હરામી ન હતો, ઊલટું એને રાખ્યો તેનું અહેસાન એના કામમાં જોઈ શકાતું હતું.

રમાનું મન જાણી લેવા મેં એને પૂછ્યું : 'તને નથી લાગતું કે મહિનો પૂરો થશે ત્યારે એ કામ પણ શીખી રહ્યો હશે અને આપણે કોઈને નોકરીએ રાખવા માટે ખાતરી આપી શકીશું.'

રમા : 'એને આપણે જ રાખીશું.'

હું ; 'પણ આપણે બે નોકરી શું કરવા છે?'

રમા ; 'નાથાને રજા આપીશું.'

હું : 'એ તો એકને જિવાડી બીજાને માર્યા જેવું થાય.'

રમા : 'રજા એટલે બીજે મોકલીશું. સુધાબહેનને નોકરની ફરિયાદ છે. કહીશું કે તમને આને રાખી લ્યો.'

મહિનો પૂરો થયો ત્યાં મેં કે રમાએ શંકરને એના ઘર સંબંધી વાત પૂછી ન હતી. આડકતરી રીતે એ સ્થિતિ મેં ઊભી કરતાં કહ્યુ : 'શંકર ! તારો પંદર રૂપિયા પગાર થયો. તારે કોઈને મોકલવો છે કે, રહેવા દેવો છે?'

શંકરની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. મેં એ લાગણીને બહાર કાઢવા જાણીને આર ભોંકી : 'તને પગાર ઓછો પડ્યો?'

અને શંકર છૂટે મોંએ રડી પડ્યો. મેં એને રડવા દીધો. પણ એ બોલ્યો : 'સાહેબ ! મને નોકરીમાં રાખ્યો એ જ મોટી દયા છે. ઘરમાં નોકર છે છતાં મારી દયા ખાતર તમે મને વધારાનો રાખ્યો છે, પછી મારાથી તમારો પગાર શી રીતે લેવાય?'

હું : 'તારે વાપરવા પૈસા તો જોઈએ ને?'

શંકર : 'મારે શામાં વાપરવા જોઈએ? ખાવાનું મળે, કપડાં મળે, બીડી પીતો તે અહીં આવ્યા પછી પીધી નથી.'

'કેમ?'

'સાહેબ ! તમે મોટા લોક ન પીઓ અને મારે એવું વ્યસન શું એમ માની છોડી દીધી.'

'એ તો બહું સારું કર્યું. પણ તારે સિનેમા જોવા જવું હોય કે બીજું....'

'સિનેમા તો નથી જોવું. આપો તો મહિને ત્રણ રૂપિયા આપો. બાપને મહિને બે રૂપિયાનું અફીણ જોઈએ છે. પહેલાં તો વધારે ખાતા, પણ સરકારે હવે બે રૂપિયાનું બાંધી આપ્યું છે, એટલે લેવા જવાનું બે વખતનું ગાડીભાડું થઈને ત્રણ રૂપિયા બાપાને મોકલું તો એમના જીવને નિરાંત થાય.'

'બાપા શો ધંધો કરે છે?'

'અફીણિયા ધંધો કરતા હોય તો શું જોઈતું'તું?' સરકારી ચોરાની નોકરે કરે છે. એ પેટે જમીન ત્રણ વીઘાં મળી તેની એ ખેતી કરે છે.'

'મા છે કે નહિ?'

શંકરની આંખ ભીની થઈ. બોલ્યો : 'મા હોત તો સાહેબ ! મારે ઘેરથી નાસી આવવું શાનું પડે? માએ જ મજુરી કરી અમને મોટા કર્યા. બે બહેનો હતી તે પરણાવી પણ ગઈ સાલ એ મરી ગઈ અને...' એનું ગળું ભરાઈ આવ્યું.

હું : 'ને તું અફીણી ઘરડા બાપનો મૂકીને છાનોમાનો આવતો રહ્યો છે?'

'સાહેબ ! દુઃખથી થાકીને આવતો રહ્યો. બાપાએ નવું બૈરું કર્યું. એ નવી મા એના બે છોકરાને લઈને આવી. હું એનો વેરી હોઉં તેમ મને દીઠો ખમાય નહિ, બાપાનું એની આગળ ચાલે નહિ. છેવટે થાકીને અમદાવાદ નહિ જોયેલું તોય નાસી આવ્યો. ચાર દહાડા તો રસ્તા ઉપર સૂઈ રહ્યો, ભૂખ્યો રહ્યો. મનમાં થાય કે આનાથી ઘરનું દુઃખ સારું. પણ ઘેર જવાનું મન ના થાય, એમાંથી ભગવાને તમારો મેળાપ કરાવ્યો. બાપાનેય એ ઓછું દુઃખ દેતી નથી. મને બાપા સાંભરે છે, મરેલી બા સાંભરે છે. પણ શું કરું?' કહેતાં કહેતાં શંકર રડી પડ્યો.

હું કંઈ ન બોલ્યો એટલે એણે કહ્યું : 'રાત્રે કદીક ઝબકીને જાગી જાઉં છું. બાપાને અફીણ લાવવાના પૈસા નવીએ આપ્યા હશે કે નહિ? અફીણ વિના બાપા પગ ઘસતા તો નહિ હોય ને?'

હું : 'બાપાની આટલી બધી લાગણી છે ત્યારે ત્રણ રૂપિયા જ શું કામ? વધારે મોકલાવ ને?'

શંકર : 'વધારે મોકલું તો નવી મા લહેર કરે ને!'

મને થયું કે હજુ એનો રોષ ગયો નથી. મેં એ વાત ત્યાં પુરી કરી. બાપાને પંદર રૂપિયાનું મનીઑર્ડર કર્યું, દીકરાની ખબર જોવી હોય તો આવી જવા પણ લખ્યું.

બીજે અઠવાડિયે, હું ઑફિસેથી ઘેર આવ્યો ત્યાં શંકરનો બાપ આવી ગયો હતો. અને સાથે પેલો મજૂર, જેને શોધવા જતાં શંકર લાધ્યો હતો તે પણ સાથે હતો ! એના તરફ મારી નજર જતાં હું ગુનેગાર હોઉં તેમ નીચે નજર કરી ગયો.

શંકરના બાપે મારા પગ આગળ માથાનું ફાળિયું મૂકતાં આભાર માન્યો : 'સાબ ! તમારા જેવા દયાભાવવાળા માણસ બહુ ઓછા શહેરમાં વસતા હશે.' અને પેલા મજૂર તરફ આંગળી કરી કહ્યું : 'મેં શે'ર જોયેલું નહિ એટલે સંઘાતે આ લાખાને લાવ્યો છું. તે અહીં મંજૂરી કરવા મહિને રહી ગયો અને થાકીને ઘેર આવતો રહ્યો. કહે કે શેરના લોક બીજાના હરામનું ખાનાર જ વધારે. મજૂરી કરાવી પૂરા પૈસા આપવાની દાનત નહિ. પણ દીકરાને મોઢે તમારી વાત સાંભળી ત્યારે થયું, ના શે'રમાં તમારા જેવા દેવ પણ વસે છે.!'

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.