ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ

08 May, 2016
02:03 PM

mamta ashok

PC:

વહાલી મા,

મેં ઈશ્વરને જોયો નથી. પણ હા, એ તારા જેવો જ હશે એ બાબતે હું સ્પષ્ટ થઈ ગઈ છું. કેટલું સુંદર તારું અસ્તિત્વ મા! તારા થકી માનવ જીવનનો સાચો મર્મ શું એ હું શીખી! તારી થાળીમાં જ મને જમવું ગમે. તારા હાથે મોઢામાં મૂકાયેલા કોળિયા હજુ પણ મને યાદ છે! તારા ખોળામાં માથું મૂકીને સૂતી વખતે જ આખા બ્રહ્માંડનું સુખ મળ્યાની અનુભૂતિ થાય. તારા સાડલામાંથી આવતી તારી સુગંધ કોઈ પુષ્પથી કમ નથી. અને મા, ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’નું વહેલી સવારે તારા અવાજમાં ગવાયેલું ગીત, બપોરના સમયે આડણી પર રોટલી વણતા વણતા ‘ઉંચી મેડી તે મારા સંતની રે..’થી માંડીને જૂના ગીતોની રમઝટ! વાહ શું મારું બાળપણ હતું!

મા મને ઘણી વાર એક સવાલ પજવે છે કે, તું થાકતી કેમ નહોતી? ચાર ચાર દીકરીઓનું જતન અને સાથે કુટુંબની જવાબદારી. કેટકેટલી વાર તારી લાગણીઓ અમે દુભાઈ હશે, પણ તારા મોઢાં પર એનું દુખ ક્યારેય વરતાયું નથી. મા તારી લાગણી ક્યાંક દુભાઈ હોય તો તારી દીકરીને માફ કરજે.

જ્યારે હું મા બની તે જ ક્ષણથી મને તારી પીડા ખરા અર્થમાં સમજાયેલી અને તારા માટેનું માન વધી ગયેલું. મા તારો અડગ આત્મવિશ્વાસ, ઈશ્વર પ્રત્યેની તારી શ્રદ્ધા અને જિંદગી જીવવાના તારા બુલંદ જુસ્સા માટે મા તને કોટી કોટી પ્રણામ! દરેક જન્મમાં તારી દીકરી તરીકે મને અવતરવાનો મોકો મળે એના માટે ઈશ્વરની થોડી ચમચાગીરી મેં ખાનગીમાં કરી લીધી છે.

તારા અંશ હોવાનું મને અભિમાન છે. મા તને અનંત વહાલ!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.