એક દીકરીની અરજ
(ભવ્ય રાવલ)
પ્રિય પપ્પા,
તમને થોડી નવાઈ જરૂર લાગશે. એક ઘરમાં રહેવા છતાં આજ મારે તમને મારી વાત કહેવા પત્ર લખવો પડે છે. રૂબરૂમાં તમારી સાથે આંખમાં આંખ નાખી કે જીદ કરી કંઈ પણ કહી કે કશું માંગી શકું એટલી હિંમત નથી. તમે શીખવેલ આદર્શ પણ એવું કરવા ના પડતાં હત. હું તમારું અને મમ્મીનું સર્જન છું. સર્જન હંમેશાં કલાકારની ઈચ્છા અને માગ્યા મુજબ ચાલે, આગળ વધે. પરંતુ પપ્પા, આજ તમારો અંશ, તમારી કલા તમારી વિરુદ્ધ જઈ એક વાત અને પગલું ભરવા જઈ રહી છે. ઈન એડવાન્સ, આઈ એમ સૉરી ડેડ.
પપ્પા, હું મારી આજ કરતાં કાલ પ્રત્યે વધુ ગંભીર છું. અને આથી જ મારી કાલને બહેતર બનાવવા માટે આજ મારો જીવનસાથી સ્વયં પસંદ કરવાનો નિર્ણય લઉં છું. પપ્પા હું એક છોકરાને પ્રેમ કરું છું અને તેની સાથે જ લગ્ન કરીશ. મારી આ વાત વાંચતાની સાથે જ તમને ચિંતા થવા લાગશે, આંચકો લાગશે, અઢળક સવાલ ઉપજશે. છોકરાનું નામ, ભણતર, ખાનદાન, બિસનેઝ, બેગ્રાઉન્ડ ક્યાં રહે છે, શું કરે છે, વગેરે.. વગેરે.. કેટકેટલું…
તમને એ છોકરા અને તેના પરિવાર સાથે મળાવીશ-જણાવીશ તો, બધુ સારું હોવા છતાં જ્ઞાતિ નહીં મળે. જ્ઞાતિ મળશે તો કુંડળી નહીં મળે.પણ લગ્નએ બે કુટુંબ-પરિવારનું જોડાણ નથી, બે અજાણી વ્યક્તિનું મિલન છે. આથી જ પ્રથમવારમાં જેની સાથે મન મળી ગયું તેની સાથે મેં લગ્ન કરીને જીવન પસાર કરવાનો ફેસલો કરી લીધો છે. હવે હું તમારી નાનકી નથી રહી. આઈ અમ એડલ્ટ નાઉ. મને મારા સાચા-સારા, ખરાબ-ખોટાના સમજ ભાન છે. હું જાણું છું તમને મારી પર અતૂટ વિશ્વાસ છે.
લૂક ફાધર, કોઈ બીજા પસંદ કરી આપે તેવા માણસ કે કોઈ વ્યક્તિની ડિગ્રી કે સ્ટેટસને મારે પરણવું નથી. લગ્ન હંમેશાં નેચર જોઈને થાય ફીગર જોઈને નહીં. સમયની સાથ સમાજ બદલાયો છે તો રૂઢિગત વિચારો કેમ એના એ જ જૂના-પુરાણા છે? બીજાનું ઈચ્છયું કરવામાં પોતાના ધાર્યું કરવાનો મોકો કેમ મળતો નથી? રિવાજોના ચક્રવ્યૂહમાં ક્યાં સુધી સ્ત્રીઓ અરમાનોની આહૂતિ આપતી રહેશે?
ખૈર, મારી ઈચ્છા, આકાંક્ષા એ તમારા સંસ્કારની હાર નથી. મેં ઉઠાવેલ કદમ તમે આપેલ સમજણ-શિખામણની નિષ્ફળતા નથી. આ તો મારી પોતાની બગાવત કે સ્વતંત્ર રહી પોતાના માટે થતી જહેમત છે. પોતાના સુખને પામવા લેવા પડતાં કેટલાક આકરા નિર્ણયો એ સ્વાર્થીપણું નથી હોતું. પિતા બની રહેવું તેના કરતાં પુત્રી બની જીવવું અગ્નિ પરીક્ષા દેવા જેટલું કઠિન છે.
જેમ દરેક પિતા ઈચ્છતો હોય છે કે તેનો દીકરો તેમના જેવો બને તેમ દરેક દીકરી ઈચ્છતી હોય છે કે તેમનો પતિ તેના પિતા જેવો મળે. પપ્પા એ તમારા જેવો છે. એકદમ સરળ સ્વભાવનો લાગણીશીલ અને સાફ દિલ ઈનશાન. અમારી વચ્ચે આજ દિન સુધી સલામત અંતર – સેઈફ ડિસ્ટન્સ અકબંધ છે. અમે એકબીજાને આકર્ષણના કેફમાં ફક્ત ચાહતા, પ્રેમ કરતાં નથી પરંતુ પરિપક્વતાભર્યા સંબંધ પ્રત્યે ગંભીર અને જવાબદાર છીએ. એ મને અને હું તેને સુખી રાખી શકીશું. વી અંડરસ્ટેન્ડ ઈચ અધર વેરી વેલ એન્ડ લવ ટુ મચ.
પૈસા, પ્રતિષ્ઠા, પ્રવૃત્તી, પાવર જેવા શબ્દો બેશક દીવાસપ્નોને તોડીફોડી નાખે છે. મારી વાતોમાં તમને રિયાલીટી કરતાં ફિકશન વધુ લાગતું હશે. પરંતુ તમે જ કહો ડેડ, કે જે છોકરો તમે મારા માટે શોધવાના હતા એ આગળ જતાં સારો જ નીકળવાનો છે તેની શું ખાતરી? ભવિષ્યના ગર્ભમાં શું છે એ કોઈ નથી જાણતું. માણસને ઓળખવા-સમજવા તેની જોડે સમય પસાર કરવો પડે. હું જેને પ્રેમ કરું છું તેની સાથ છેલ્લા પાંચ વર્ષથી સંપર્કમાં રહી બધુ સમજી શકી છું. અમારો પ્રેમ બે ઘડીનો નથી જે શરીરના ઘર્ષણ સાથ પરસેવા જોડે ઉતરી જાય. આથી જ અમને બીજા કપલો જેવા ન સમજતા. હું તમારી દીકરી છું, બધા પાસા પારખીને જ પ્રેમમાં પડી છું.
જીવનસાથીની પસંદગી કરતાં સમયે શિક્ષણ અને સંપત્તિ કરતાં શક્તિ અને સારાઈનો ગુણ મારા માટે વધુ મહત્ત્વનો છે. આજના સમયની યુવતી છોકરાનું મન જુએ છે મોઢું નહીં. પર્સનાલિટી કરતાં આંતરિક ગુણ વધુ મહત્ત્વના છે. દેખાવ કરતાં સ્વભાવ ઈમ્પોર્ટન્ટ છે. છોકરો ઓછું કમાતો ચાલે, પણ ઉછીના પૈસા વ્યાજે ફેરવતો ન ચાલે. વ્હોટ યૂ થિંક?
દરેક સંતાન તેમના વાલીને અણસમજુ સમજે છે અને હરેક વાલી તેમના સંતાનને નાદાન સમજે છે. હકીકતમાં બંને બધી જ બાબતો પ્રત્યે જાણકાર અને સમજદાર હોય છે. આમ છતાં વર્ષોથી એકબીજા જોડે રહેવા છતાં જીવનસાથીની પસંદગી બાબતે માતા-પિતા અને સંતાન વચ્ચે વિચારભેદ પ્રવર્તે છે. કેમ?
રજનીશે કીધું છે, ‘આઈ ઓલ્વેઈઝ ટોલ્ડ માય ફાધર ધેટ, હી વૉઝ રોન્ગ એન્ડ વ્હેન આઈ રિઅલાઈઝડ ધેટ, હી વૉઝ રાઇટ, આઈ હેડ માય સન ટુ ટેલ મી ધ સેમ..’
દીકરી વિશે વિચારકો, ચિંતકો જે થિંક કરી શકાતા નથી એ મે તમારી જોડે રહી ફીલ કર્યું છે. આપણે આધુનિક ડૉટર-ફાધર બની રહ્યા છે. તમામેતમામ વાતો-વિચારો એકમેક જોડે શેર કરી છે. આથી જ મને આ વાત છૂપાવવી યોગ્ય ન લાગી, સિક્કાની બીજી તરફ પિતાના વાત્સલ્યનો ભરોસો અને પ્રેમીના વહાલસોયા વિશ્વાસમાંથી મેં અજાણ્યાના પ્રેમને આવકાર્યો. આ પાછળ ઘણા કારણ છે. એ તમને જણાવીશ તો ગણાવ્યું કહેવાશે એટલે આપ ખૂદ જ વિચારજો, સમજજો.
ઈનશોર્ટ પપ્પા, મેં તમને કાળી મજૂરી કરતાં જોયા છે. મહેનત કરી ઘરની એક-એક નાની-મોટી વસ્તુઓ વસાવતા જોયા છે. રાત્રે બે વાગે અંધારામાં ઘરના દીવાનખંડમાં ધંધાની ફીકરમાં એકલા આમતેમ આંટાફેરા કરતાં જોયા છે. મેં તમને કેલેન્ડરમાં દિવસો ગણીગણી હું સમજતી થઈ ન હતી ત્યારથી મારા સગપણના રૂપિયા ગલ્લાથી લઈ બેંકની ફિક્સ ડિપોજીટમાં જમા કરાવતા જોયા છે. ઘરના તમામ સભ્યોમાં હું તમારી સૌથી નજીક છું અને અંગત વ્યક્તિ આ પ્રકારે ફેસલો કરે ત્યારે તમને દુખ થાય એ સ્વાભાવિક છે. મારે તમને દુખ આપવું નથી, માત્ર કેટલીક જવાબદારીઓમાંથી તદ્દન મુક્ત કરવા છે.
આ ક્ષણે હું તમારા મનની ઊથલપાથલને સમજી શકું છું. તમારું સપનું અમારા ભાઈ-બહેનમાંથી કોઈ એકને ડૉક્ટર બનાવવાનું હતું. એ સપનાંને સાકાર કરવા તમે ભાઈને ડૉક્ટર બનાવ્યો. મારું ગ્રેજ્યુએશન પૂરું કરાવ્યુ. મમ્મીના અવસાન પછી તમે ક્યારેય માતૃત્વની ઉણપ આવવા દીધેલ નથી. આપણે ખુશીથી રહીએ છીએ. યુ આર વર્લ્ડ’સ ગ્રેટેસ્ટ ફાધર. લવ યુ પપ્પુ.
મારા અનેરા સપનાં, ઉજ્જવળ કારકિર્દી, અઘરી મંજિલ, એકધારુ લક્ષ્ય, અને ધ્યેય તરફ મૂકાતી દોટ ક્યારેય ખતમ નહીં થાય. તેમાં મારા થનાર બધાનો સાથ રહેવાનો અને સુખ-દુખના સહભાગી બનવાના. ડોન્ટ વરી ફોર માય સાઈડ. હું ભલે તમારું નામ રોશન ન કરી શકું, તમને નીચું જોવા જેવું પણ કઈ જ નહીં કરું.
પિતાજી, મારે વારસામાં તમારું વહાલ જોઈએ છે, વસિયત નહીં. જિંદગીમાં ધનનું મૂલ્ય ઘણું છે પણ દોલત બધુ જ નથી. ભૌતિકતાના ભાર નીચે દબાયને મારે કાચની ઢીંગલી બની જીવવું નથી. મારે સંબંધોના બનાવટી પીંજરામાં પૂરાવું નથી, જ્યાં લાગણીઓ નહીં આવેશો હોય. મારે જીવનના સઘળા રસને, બધા રંગોને જીવવા છે. ખાલીખોટું હસવું નથી અને અમથેઅમથું રડવું નથી.
મેં જાણ્યું-અનુભવ્યું છે કે, યુ હેવ ફ્રીડમ ઑફ ચોઈસ, બટ વન્સ યુ ચુઝ, યુ હેવ નો ફ્રીડમ ટુ ગો બેક. પપ્પા હું કદાચ મારા નિર્ણયમાં નાપાસ થાઉં તો પાછી નહીં ફરું. હું ગમે તેવા કપરા સંજોગોમાં જીવી અને બધાને જીતી જાણીશ. આપણા કુટુંબની શાખ, પરિવારના સંસ્કાર અને તમારી આશાને હું ક્યારેય હાનિ નહીં પહોંચાડું. પ્રોમિસ પોપ્સ.
પપ્પા, આજ દિન સુધી તમે માગ્યા વિના બધું આપ્યું છે. મને જરૂરિયાત વિનાનુ ઘણું મળ્યું છે. હવે બસ તમારા આશીર્વાદ ઈચ્છુ છું. હું તમારાથી જુદા કે અલગ થવા નથી જઈ રહી, હું દૂર જઈ રહી છું. જ્યાં પણ હોઈશ તમને ત્યાથી મીસ કર્યા કરીશ. પિતાને પુત્રીનો સંબંધ જ અજીબ છે. પપ્પા એની પુત્રીને બધુ આપવા માગે અને પુત્રીનું પિતા કઈ જ ન લે. અને અંતે પિતા કન્યાદાન કરી દે!
વાહલા પપ્પા, તમારી નજર આ સમય મારા રૂમ તરફ હશે. ચિંતા ન કરતાં હું હજુ ભાગી નથી. મે મારો વિચાર અને નિર્ણય દર્શાવ્યો છે. તમારી સહમતિ વિના મારા બધા સાહસ અધૂરા છે.
લી.
તમારી ડાહ્યી દીકરી.
(આ પત્ર કાલ્પનિક છે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર