વહાલપનું સરનામું
પૂજ્ય મા,
ઘણા સમયથી એમ થતું હતું કે તમને બાજુમાં બેસાડી ઘણી બધી વાતો કરું. તમને કહું કે તમારું સ્થાન કેટલું ઊંચું છે અમારા જીવનમાં. અને અમે તમારા વિશે ખરેખર શું માનીએ છીએ એ બધું કહું. પરંતુ તમારી પાસે સમય ક્યાં હોય જ છે? એક કામ પતે એટલે બીજું અને બીજું પૂરું થાય ત્યાં ત્રીજું. તમે કેમ થાકતા નથી આટલું બધું બધા માટે કરવા છતાંય? આ પ્રશ્ન પણ પાસે બેસાડીને પૂછવો હતો.
કદાચ એટલે જ ઝડપથી ભાગતા સમયની ગર્તામાં ગરક થતી લાગણીઓને ફરીથી ઝંકૃત કરવાની ઈચ્છા થઈ અને તને આ પત્ર લખી રહ્યો છું. અને એ પણ હકીકત છે કે આ બધું જેટલી આસાનીથી લખીને વ્યક્ત કરી શક્યો એ કદાચ બોલીને ન કહી શકત તમને ક્યારેય!
ક્યાંથી શરુ કરું? બાળપણથી? મને હજુય યાદ છે તમારા એ મધ ઝરતા અવાજમાં ગવાતા હાલરડાં. મને ફૂલ ફટાક તૈયાર કરી કપાળ પર ‘ કાળું ટીકું’ લગાવતા તમે. પાપાની બદલી થઈ ત્યારે ફક્ત એક જ ટેક્સીમાં આખા ઘરનો સામાન સમાઈ ગયેલો અને કેટલા વર્ષો કાઢી નાંખ્યા એ બધામાં તમે.
તમારું પેટ ખાલી રહેતું પરંતુ અમારા માટે નાસ્તાના ડબ્બા તો હંમેશાં છલકાતા જ રહ્યા છે તમારા વહાલની જેમ જ! એ તો થોડા વર્ષો પહેલા કરોડરજ્જુના દુખાવા માટે ખ્યાતનામ ઓર્થોપેડિક ડૉક્ટરની મુલાકાતે ગયા ત્યારે ખબર પડી જ્યારે એમણે કહ્યું કે, કે સ્ત્રીઓમાં આ બધું કેલ્શિયમની ખામીને કારણે થાય છે. એમણે તમને પૂછેલું, ‘તમે દૂધ પીવાનું ક્યારથી બંધ કર્યું છે? અને તમે હસતા હસતા જવાબ આપેલો, ‘દૂધ ભાવતું જ નથી.’ અને એ સેવાભાવી સિનિયર ડૉક્ટર ખીજાઈ ગયેલા : કહેલું કે ખોટું ન બોલો. મને ખબર છે ભારતની મોટાભાગની મમ્મીઓ બાળકના જન્મ પછી પોતાનું બધું જ પોતાના બાળકોને હવાલે કરી દેતી હોય છે. ચાહે એ દૂધ હોય કે પોતાને ભાવતી મિઠાઈ કે અતિ પ્રિય ચોકોલેટ. પછી હાડકા ક્યાંથી મજબૂત રહે કહો જોઈએ?
છેક ત્યારે મને સમજાયેલું કે આખા કુટુંબની કરોડરજ્જુ જેવી મોમની ખૂદની કરોડરજ્જુ મીણની જેમ ઓગળતી જાય છે .અને કેવા સંસ્કારો આપ્યા તમે ? સરકારી વસાહતોમાં વસતી અઢારે આલમના સંપર્કમાં હોવા છતાં એક પણ ખરાબ આદત પડવા ન દીધી મને. એ પણ કઈ રીતે? ન ગુસ્સો ન લેક્ચર કે ન માર. ફક્ત આંખોથી એટલું જ કહીને કે - આપણાથી આમ ન થાય. બીજા ભલે કરે. અને એ સંસ્કારના મૂળિયા એટલા ઊંડા ઉતરી ગયેલા કે વિદ્યાનગર જેવા બેફામ શહેરની હોસ્ટેલ લાઈફ પણ મારું કશું બગાડી ન શકી. દોસ્તો સિગારેટ પીતા, ગાળો બોલતા અને આડી અવળી ફિલ્મો પણ જોતા. પરંતુ હું ક્યારેય એમાં સામેલ ન થતો. મને સતત લાગતું કે તમારી આંખો મને જોઈ રહી છે અને કહી રહી છે - બેટા આપણાથી આમ ન થાય. તો સવાલ એ આવે કે આમ ન થાય તો બીજું થાય શું ? જવાબ છે ઢગલા બંધ પ્રવૃતિઓ અને શાનદાર અભ્યાસ તેમજ ઈતર પ્રવૃતિઓ.
મને યાદ છે મને કશું પણ થાય તો મા નો જીવ ઉંચો થઇ જાય અને ત્યારે ફ્રિઝમાં શ્રીફળ તો હોય જ. હું પૂછું શેની પ્રસાદી છે? તો એ તરત કહે આ તો તને જરા તાવ આવેલો તો એ ઉતરી જાય એના માટેની માનતા. કદાચ મને ખબર પણ નહીં હોય મારા માટે તેઓ કેટકેટલું કરતા હશે મને ખબર પણ પડ્યા વિનાનું!
વળી, મોમ જમાડવાના અનહદ શોખીન.અવનવું બનાવે અને બધાને ખવડાવે. મારા બધા દોસ્તો ભૂખ લાગે તો એમના ખૂદના ઘરે જવાના બદલે મારા ઘરે ચાલ્યા આવે. એમને ખબર જ હોય કે, આ ઘરમાંથી ખાલી પેટે બહાર નહીં જ અવાય.
મમ્મીનો ઘણો ખરો સમય બીજાઓનો સમય સાચવવામાં જ જતો. પાપાની મિલીટરી જેવી આદતો કદાચ એ જ સહન કરી શકે. બીજાઓનું એવું ગજું નહીં! નાના હતા ત્યારે તો અમે બાપાથી બહુ ડરતા જ્યારે મોમ ને બધું જ કહી શકતા. પરંતુ હવે બાપાને હસીને કહીએ છીએ કે જો બીજી કોઈ સ્ત્રી હોત તો છ મહિનામાં જ ભાગી જાત તમને છોડીને. પણ મોમ ન ગઈ કયાંય પણ. એટલે સુધી કે પિયર પણ ન જાય અને જાય તો સવારે જઈને સાંજે પાછા! પાપા જ એમનું સર્વસ્વ.
આજે જ્યારે એકાદ નાની-મોટી નોકરી કે નાનો-મોટો બિઝનેસ કરીને પોતાની જાતને હાઉસ વાઈફથી ઉંચી સમજતી અને બાર ખાંડીનો મિજાજ ધરાવતી સ્ત્રીઓને જોઉં છું ત્યારે મા પ્રત્યેનું મારું માન વધી જાય છે. અને હા, રહી વાત કમાવાની તો જે ઈજ્જત એમણે કમાઈ છે અને જે આંબા એમણે વાવ્યા છે એના જ છાંયડામાં અમે બધા ગુલતાન કરી શકીએ છીએ .
એમણે બાંધેલા નક્કર સંબંધો અત્યંત મજબૂત રીતે ટકી રહ્યા છે. અને અમને એ શીખવતા રહ્યા છે કે જો સંબંધો ટકાવવા હોય તો જતું કરવાની ભાવના કેળવવી જ પડે નહીં તો બીજી વાર કોઈ ‘આવો ઘરે’ એટલું પણ ન કહે.
સમયની સાથે સાથે મોમનું શરીર થોડું કથળ્યું છે. આ કારણે તબિયત પર જરા વિશેષ ધ્યાન આપવું પડે છે. પરંતુ મન એમનું એટલું જ મજબૂત છે આજે પણ. કોઈ કસમયે કે ગમે ત્યારે ઘરે આવે તો હસીને આવકારો આપવાની ટેવ એમણે જાળવી રાખી છે અને આવે એમને જમાડીને જ મોકલવાની આદત પણ !
વર્ષોથી મારા કામના કલાકો અતિશય અનિયમિત રહ્યા છે. મારી સાથેના લોકો મારી રાહ જોઇને કંટાળી જાય એમ પણ બનતું રહ્યું છે. પરંતુ મા હજુ અડીખમ ઉભી છે મારી રાહ જોવા માટે. ઘરનો ગેઇટ જરા ખખડે કે એ જાગીને જોઈ લે. ક્યારેક તો સાંજની ચા પીવાના સમયે હું જમતો હોઉં છું, પણ મમ્મી એ વાતે ન ક્યારેય હસે, ન કોમેન્ટ કરે કે ન ટીકા કરે. બસ એટલું જ કહે કામ તો કરવું જ જોઈએ કામથી ન ડરાય. બપોરે ઓફિસમાં મોડું થઈ જાય ત્યારે રૂપાળી કલિગ ક્યારેક કહે પણ ખરી, ‘યાર સેન્ડવીચ અને કોફી મગાવી લેને આપણા બંને માટે. છેક ઘર સુધી કેમ ધક્કો ખાય છે? પણ
એ રાધાને કોણ સમજાવે કે, હું ઘરે જમવા થોડો જાઉં છું? હું તો મારી મોમનું હસતું મોઢું જોવા જાઉં છું, જેથી શરીરને
લાગેલો આખા દિવસનો થાક અને મનમાં ચડેલું આખા દિવસનું ઝેર સંપૂર્ણપણે ઉતરી જાય.
અને સાચ્ચે જ આ બાબતમાં હું થોડો જુનવાણી જ છું. કાર્તિકેય જેવો ઝડપી નિર્ણયો લેનારો નથી. હું ગણેશ જેવો છું જે એમ માને છે કે મા બાપને ખુશ રાખી શકો તો બીજે ક્યાંય લાંબી લાંબી તીર્થ યાત્રાઓ કરવાની જરૂર નથી. અને મને ફક્ત આશા જ નહીં સંપૂર્ણ વિશ્વાસ પણ છે કે, આ પત્ર વાંચીને પણ તું ખુશ જ થવાની.
થશે ને મા ?
લી.
તારો ડાહ્યો દીકરો જય
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર