ઓડથી છૂટા પડ્યા પછી...

14 May, 2017
07:00 AM

અજય સોની

PC: khabarchhe.com

જેમ ગર્ભમાં ઓડ બાળકને પોષણ આપે છે તેમ મોટા થઇ ગયા પછી આપણી મા આપણને પોષે છે. આપણે ભલે એના શરીરથી છૂટા પડીને આ જગતમાં આવ્યાં હોઇએ પણ આપણું મન, ચેતના એની સાથે હંમેશાં જોડાયેલા રહે છે. આખુંયે જગત કદાચ અંધકારમાં ડૂબી જાય તો પણ મા એના ગર્ભમાં સાચવતી એટલી જ ચીવટથી આપણું જતન કરે છે. એની ભીતરનો અજવાશ પાથરતી રહે છે. આપણે સૌ જાણે-અજાણે એ અજવાળાને આધિન છીએ.

મા કોને વ્હાલી ન હોય...? કેટલાક શબ્દોમાં જ મીઠાશ ભરી હોય છે. બોલતાં જ હૈયું ગળ્યું થઇ જાય. એમ મા બોલતાં જ અંદરથી ઉમળકો આવી જાય અને હૈયું ભરાઇ આવે છે. આજે માના થાકેલા શરીર અને મનને જોઇને માની નથી શકાતું કે આ એ જ મા છે જે અમને હિંમત આપતી હતી...? આખો દિવસ કામ કર્યા કરતી મા આજે પગના દુખાવાની રાડ કરે છે ત્યારે ઘડીક માની નથી શકાતું કે પારકાં કામ કરીને ખાખરા, પાપડ બનાવીને ઘરને ટેકાભેર ઊભું રાખતી મા આજ હતી કે બીજી ? સદાય સ્વમાનની ચમક એના ચહેરા પર રહેતી. આજે એ ચહેરાનું તેજ ઝાંખું પડી ગયું છે. પહેલાં કરતાં ઘણું સારું છે. જરૂરિયાતો આરામથી પૂરી થઇ શકે છે. ક્યારેક માના ચહેરાને જોઇને વિચારમાં પડી જાઉં છું કે મા પોતાના સંતાન માટે કેટકેટલું કરે છે. એમ કહી શકાય કે જિંદગી શરીર ખર્ચી નાખે છે. સંતાનને પગભર કરીને પોતે જ ઘૂંટણિયે પડી જાય છે. પછી એ ફરી બેઠી થવાની વ્યર્થ મહેનત કરે છે પણ એનું શરીર કે મન સાથ નથી આપતું.

દરેક વ્યક્તિ જો પોતાના બાળપણને યાદ કરે તો એમાં માની સ્મૃતિ વિશેષ હશે એવું હું માનું છું. કેમ કે જ્યારથી સ્મૃતિ ભીતર સંચવાય ત્યારથી મા જ આપણી નજીક હોય છે. પછી ધીમે ધીમે જગતના દ્વાર ખુલે અને આપણે આપણી ઓડથી છૂટા પડતાં જઇએ. આ છૂટા પડવાની ઘટના જ કદાચ મા માટે સૌથી સુખની કે પછી દુખની વાત હશે. ખબર નહીં. કેમ કે હું મા નથી. આપણા શરીરને સાચવતી, મનને મક્કમતા બક્ષતી, આપણને ચાલતાં, બોલતાં, દોડતાં શીખવતી મા આપણી સાથે પોતે પણ કશુંક શીખતી હોય છે. ઇશ્વરે પોતાની શક્તિ આ જગતમાં ફક્ત એક માને જ આપી છે. એ જીવને જન્મ આપે છે એ શું નાનીસૂની વાત છે ? 

આજે પણ શિયાળો આવતાં મને માની એ વાતો અને દૃશ્યો યાદ આવે છે. મારી જેમ માને પણ શિયાળો બહુ ગમે. શિયાળાની લાંબી રાતે મા ચાર ભાંડરુંને સોડમાં લઇને સૂઇ જતી. પછી એ વાર્તા માંડતી. ઓરડામાં ફક્ત એનો અવાજ સંભળાયા કરતો. મારી મનોભૂમિ પર અવનવા દૃશ્યોની લીલા રચાતી જતી. વાર્તા કહેતી કહેતી મા ઊંઘી જતી, મારી બહેનો પણ ઊંઘી જતી. હું મોડે સુધી જાગતો રાતના અવાજો સાંભળ્યા કરતો. પવનના સૂસવાટા જાણે મારી ભીતર ચાલતા હોય એવું લાગતું. શિયાળની લાળી સંભળાતી અને શરીર ટૂટિયું વળી જતું. માના એકધારા ચાલતાં શ્વાસ મને હૂંફ પૂરી પાડતા. લાગતું કે માના પેટમાં સૂતો છું. 

આજે જ્યારે શિયાળામાં બે-ત્રણ બાલદી ગરમ પાણીથી નહાઉં છું ત્યારે દરેક વખતે એ યાદ આવે છે કે નનાપણમાં મા અડધી બાલદી ગરમ પાણી કરીને ઘસી ઘસીને નવડાવતી. ત્યારે ગરમ પાણી શરીર પર ઢોળવાની લાલચ રોકી ન શકાતી. માની શીખામણ યાદ આવતી કે જરૂરથી વધું કોઇ વસ્તુનો ઉપયોગ ન કરવો. સ્વભાવમાં આ વાતની ગાંઠ પડી ગઇ છે. જે આજેય નથી છૂટતી. મા આપણને જાણે-અજાણે કેટકેટલું શીખવતી હોય છે. એને પોતાને પણ નથી ખબર હોતી કે હું મારા સંતાનને કશુંક શીખવી રહી છું. બસ એ તો એની રીતે વહાલ વહેંચતી હોય છે. આ જગતને જોવા માટે આંખો અને નજર બંને આપણને સૌથી પહેલા મા પાસેથી પ્રાપ્ત થાય છે. આપણી આંખોમાં ઝગારા મારતું વિસ્મય માની દેન છે એ ન ભૂલવું જોઇએ. કદી શાળાને ન જનારી મા પણ એના બાળકને શાળાથી ઊંચું જ્ઞાન આપી શકે છે.

બાળપણમાં આંગણાના ખૂણે ગરમ પાણી કરવા માટે ચૂલો પેટાવતાં. ક્યારેય લાકડાં ખરીદીને ન લેતા. એ માટે મા કાંઇક્ને કાંઇક વેત કરી લેતી. સમજણા થયા પછી જાણે અજાણે સમજણ બંધાણી અને માને મદદરૂપ થવાનો ભાવ જાગતો. શાળા-ટ્યુશનથી વળતી વખતે નજર આસપાસ ફરતી રહેતી. કોઇ નકામું લાકડું નજરે પડે કે તરત લઇ લેતો. ઘરની પાછળ ખંચારીમાં નાના નાના લાકડાંના ટૂકડાઓ ભેગા થયા કરતા અને ચૂલો રોજે રોજ પેટ્યા કરતો. પૈસા માટે માએ બીજાના ગોદળા સીવ્યા છે, કાલા ફોલ્યા છે. આ બધા કામમાં મદદ કરવી ગમતી. ત્યારે એવું જરાય નહોતું લાગતું કે આવું કામ શા માટે કરીએ છીએ. પૈસાની ખેંચ એટલી કે એક સારું સપનુંયે ન જોઇ શકાતું. ત્યારે મા આંજણની સાથે આંખમાં દરરોજ એક સપનું આંજી દેતી. એ આંજણ તો આંખમાંથી વહી ગયું પણ પેલા અંજાયેલા મોટા ભાગના સપનાં ઊગી નીકળ્યા છે. ત્યારે સહેજે એવું થાય છે કે જે વીતી ગયો એ સમય કઠોર હતો કે પછી પડખે ઊભેલી મા મજબૂત હતી. 

ગોદળામાં ટેભા લેતી મા પોતાના ટેરવાંથી ઘરને પણ સાંધતી જતી હતી. જેમ જેમ સેવો લાંબો થતો જાય તેમ તેમ દોરો ટૂંકો થતો જાય. અને એવું જ થયું છે. મા આજે સાવ નંખાઇ ગઇ છે. ઘરની ચકચકતી દીવાલો જોઇને એ રાજી થાય છે. પણ એની આંખમાંથી પેલી પોપડા ઊખડી ગયેલી દીવાલો નથી ખસતી. ઓઢવાના બ્લેંકેટમાં એ પોતાના હાથે સીવેલા ગોદળાનો સ્પર્શ શોધવા મથે છે. આંગણાની ટાઇલ્સો જોઇને એ ભોંઠી પડી જાય છે. આંગણાનું પ્લાસ્ટર વારંવાર ઊખડી જતું. મા દર બે-ચાર દિવસે સિમેન્ટનું એક થીંગડું મારતી. એલ્યુમિનિયમની નાનકડી બરણી લઇને અડધો લીટર તેલ લેવા દોડતી મા કે પાંચ કિલો ઘઉં લઇ આવતી મા બીજી જ હતી. એ સ્ત્રી આજે જે મારી સામે ઊભી છે એ તો ન જ હોઇ શકે. કેમ કે એની આંખોમાં વાઘણ જેવી હિંમત નથી. હાથ-પગમાં જોમ નથી. ધોળા થઇ ગયેલા વાળ ઘડપણની ચાડી ખાય છે. આજે બધું જ છે. પેલો કહેવાતો અભાવ ક્યાંય ચાલ્યો ગયો છે. પણ એને ભોગવી શકે એ માટે મા પાસે શક્તિ નથી. એ તો અમને ઊભા રાખવા, ટકાવી રાખવા અને દોડતા કરવામાં વેલીયે ખર્ચાઇ ગઇ છે. સવારે ઊઠીને માંડ પગ માંડી શકતી મા ઘણીયે વાર ભીંતનો ટેકો લેવા હાથ લાંબો કરે અને એનો હાથ મારા ખભે અટકે. ત્યારે લાગે જાણે ફરી પેલી છૂટી પડી ગયેલી ઓડ મને વીંટળાઇ વળી છે. પણ એ મને નથી પોષતી, હવે મારે એને પોષવાનું છે.

 

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.