અમ્મા
બાળકનો ઉછેર એ આમ તો સમાજનું અત્યંત મહત્વનું અને ઘણું મુશ્કેલ કામ છે અને છતાં એના પરત્વે એટલું ઓછું ધ્યાન અપાય છે કે મને એની ભારે નવાઈ લાગે છે. રસોઈયાને તાલીમની જરૂર પડે, દરજીને પોતાનું કામ શીખવું પડે, વૈજ્ઞાનિકને, એન્જિનિયરને કે ડૉક્ટરને શિક્ષણ અને અનુભવ વિના ચાલતું નથી પણ જનસામાન્યનું શું? આપણું સહુનું શું? યોગ્ય આવડતાવાળાં અને પોતાની જવાબદારીઓ વિશે સભાન એવાં માતા-પિતા મેળવવાની આપણી પાત્રતા નહિ? સ્વસ્થ, સમતોલ, માનવતાભર્યા પ્રસન્ન મનુષ્યો જ સમાજનો આધારસ્તંભ બની શકે એટલું તો આપણે સ્વીકારીએ છીએ કે નહિ?
આપણામાંથી કેટલાંક બડભાગીઓને સહજ, પ્રકૃતિદત્ત ગુણોથી કે પછી અનુભવે ઘડાયેલાં એવાં સુસજ્જ અને અસાધારણ માતા-પિતા મળ્યાં છે. કેટલાંકને મા-બાપ બંને, તો કેટલાંકને માત્ર મા. અહીં તો માની જ વાત કરવી છે એટલે હું એ દિશામાં જઈશ, માએ મને કેવી રીતે ઉછેરી અને એ વિશિષ્ટ માવજતને પરિણામે હું પોતે કેવી મા બની શકી એ કહીશ.
મારી મા - અમ્મા - પોતાના વેદનાગ્રસ્ત બાળપણનો ઉલ્લેખ ક્યારેક કરે છે. અમ્માને એના બાપુજી સાથે ઘણું ફાવે પણ બાપુજી તો એણે બાળપણમાં જ ગુમાવ્યા. ત્યારે એ માત્ર આઠ જ વર્ષની. અમ્માનાં મા પોતાની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભારે રોકાયેલાં રહે, અને એથી દીકરી તરફ ઓછું ધ્યાન આપી શકે. અમ્મા સહુથી નાની અને સહુ કરતાં શ્યામવર્ણી, અમ્માનાં મોટાં બહેન લક્ષ્મી સ્વીકૃત ધોરણો અનુસાર રૂપાળાં કહેવાય એવાં, અને અમ્માની સરખામણી એમની સાથે સતત થતી રહે. અમ્માએ ત્યારથી જ નિશ્ચય કરી લીધેલો કે જો એ મા બનશે તો એક આટલી બાબતની કાળજી એ જરૂર રાખશે. બાળકો જ એના જીવનમાં સહુથી વધુ મહત્વ ધરાવે છે એવો ભરોસો એમને થાય એનું એ ધ્યાન રાખશે, અને એમને માટે માનો સ્નેહભાવ બિલકુલ નિરપેક્ષ છે એની દૃઢ પ્રતીતિ બાળકોને થાય એમ એ વર્તશે.
મારા બાળપણની એક સ્મૃતિ તે અમ્માની સોડમાં ભરાયા કરવાની, એના પાલવ હેઠે સંતાયા કરવાની પ્રબળ ઈચ્છા. એનાથી વેગળા થવાનું મને ગમે નહિ. શારીરિક અને માનસિક - બંને રીતે એની નજીક રહેવાનું મન થયા કરે. સ્કૂલે જવાનું પણ એ કારણસર ન ગમે કે એટલો સમય અમ્મા નજરથી દૂર હોય ને! એ પ્રવાસે જવાની હોય ત્યારે હું માંદી પડી જાઉં, મારા પર આવનારા એના પત્રોની ઉત્કંઠાથી રાહ જોઉં અને ઘરમાં ઠેરઠેર સંતાડેલી મારે માટેની ભેટો ખોળતી ફરું. મને યાદ છે કે મારા પિતા સાથેના સંબંધમાં અમ્માને જ્યારે સમસ્યાઓ ઊભી થઈ ત્યારે, એટલે કે મારી અગિયારેક વર્ષની વયે, હું માની ઢાલ બનવાનો પ્રયત્ન કરતી હતી! અને એયે શી રીતે ભુલાય કે જાણે-અજાણ્યે અમ્માના આદર્શને જ નજર સામે રાખીને હું જાતનું ઘડતર કરી રહી હતી.
પછી આવ્યાં વ્યક્તિત્વ વિકાસનાં, ઓળખ મેળવવાનાં વર્ષો. બાર, તેર અને ચૌદમે વર્ષે તો મને સમજાઈ જ ગયું કે હું અને અમ્મા સાવ અલગ-અલગ રીતે વિચારતાં હતાં. મને સાચવવામાં, સુરક્ષિત રાખવાની કોશિશમાં એ ક્યારેક ખૂબ રૂઢિચુસ્ત બની જતી અને સાથે અવ્યવહારુ પણ. સ્વતંત્ર વિચારસરણીવાળા પિતા મને સમજી શકશે એવા ખ્યાલથી આધાર માટે હું એમના તરફ ઢળવા લાગી. એ વર્ષો ખળભળાટનાં હતાં. અમ્માને કેટલીક બાબતે એમ લાગતું કે મેં એની સાથે વિશ્વાસઘાત કર્યો છે. હું આધુનિક અને એ જૂની વિચારસરણીની. એનું માતૃત્વ વિક્ટોરીઅન યુગનું. વિજાતીય મૈત્રીસંબંધો વિષેનાં અમારાં વલણો ઘણી વાર અમારા સંઘર્ષ અને વિવાદનાં કારણો બની જતાં. દસ વર્ષની ચર્ચાને અંતે આ મુદ્દાઓને એ મારી રીતે જોઈ શકી. કોઈ કાયમી સંબંધની મહોર લાગે એ પહેલાં હું એને ચકાસવામાં માનતી હતી. એનો અર્થ લગભગ એવો થતો કે હું કોઈ પુરૂષ સાથે રહેતી હોઉં પણ મેં એની સાથે લગ્ન ન કર્યા હોય. અમ્માને આ બરાબર નહોતું લાગતું. સમાજમાં મારું વર્તન ટીકાપાત્ર બનશે એમ અમ્માને થતું અને તેથી એને આ અયોગ્ય જણાતું. મને એમ સમજાતું કે મારું જીવન સમાજનું નથી. વ્યક્તિને પૂરી ઓળખવાની, એના વિશે પૂરી ખાતરી કરી લેવાની મને જરૂર લાગતી. કાયમી સંબંધ બાંધતાં પહેલાં આટલી ચોકસાઈ કરવી જોઈએ એમ મારો મત. આમેય સમાજ શું કહેશે એની મને ખરેખર તો ચિંતા જ નહોતી.
આ મુદ્દાનો સ્વીકાર થતાં વર્ષો વહી ગયાં. એક દિવસ હું અમ્માની ઑફિસમાં દાખલ થાઉં તે ક્ષણે જ મેં એને એક યુવા નૃત્ય-કલાકાર સાથે વાત કરતાં સાંભળી. !!...પણ લગ્ન કરવાની આવી તે શી ઉતાવળ? લગ્ન કરવાનું નક્કી કરો તે પહેલાં સાથે રહીને એકમેકને બરાબર ઓળખી લેવાનું રાખો ને!’’ અમ્માના આ શબ્દો કાને પડ્યા કે એની સામે મલકીને મેં આંખ મિચકારી.
સંતાનોની સુરક્ષા સંદર્ભે અમ્મા આપણી લોકોક્તિમાં આવતી સિંહણ જેવી છે! બચ્ચાં જ્યારે જીવનના મધ્યાહનમાં પ્રવેશી ચૂક્યાં હોય ત્યારે પણ એની છત્રછાયા યથાવત્... અમારામાં અને અમારી પ્રતીતિઓમાં નિરપેક્ષ વિશ્વસ એ અમ્માએ અમને આપેલી મોટામાં મોટી ભેટ છે.
જીવનમાં હું સ્વતંત્ર અભિગમને વળગીને જ વર્તી છું. આ કારણે શક્તિ અને સત્તાસંપન્ન ઘણાં સાથે મારે સીધા સંઘર્ષમાં ઊતરવું પડ્યું છે. આવા સમયે અમ્મા મારી સાથે જ છે અને એ બધા વેરવિખેર ટુકડાઓ સમેટીને પોતાના સંજીવની સ્પર્શથી મને ફરી આખેઆખી અને નરવી બનાવી દેશે. એવો પ્રબળ અહેસાસ રહ્યો છે. આ અનુભૂતિ મારા અસ્તિત્વનું અને જીવન ઘડતરનું એક અગત્યનું પાસું છે.
અમે બંને ક્યારેક ક્યારેક તો એકમેકનાં કામનાં અને વર્તનનાં આકરાં ટીકાકાર છીએ. સામસામે એ રીતે આવી જઈએ કે બોલવાનુંયે બંધ થઈ જાય કોઈક વાર! ઘણીખરી મહત્ત્વની બાબતોમાં અમારી વચ્ચે મતભેદ રહે છે અને સમાન કહેવાય એવું તત્વ ઓછું જ છે છતાં અમ્મા એવી વ્યક્તિ છે જેના પર હું પૂરો આધાર રાખી શકું. માત્ર સ્નેહભરી કાળજી માટે જ નહિ, જ્ઞાન અને ડહાપણ માટેય. જો હું લખવા બેઠી હોઉં અને મારે કશીક માહિતી જોઈતી હોય ત્યારે અમ્મા મારો સંદર્ભસ્ત્રોત છે. કોઈ નવીન કાર્યક્રમ રંગમંચ પર લઈ જવાની કલ્પના હોય અને એમાં ક્યાંક ખોટકાઈ પડું તો મારી નજર અમ્મા તરફ વળવાની. અમે પુસ્તકોની આપલે કરીએ, સાથે હસીએ તો વળી સંબંધો વિશે, વ્યક્તિઓ માટે આડેધડ વિધાનો કરવા વિશે, કે પછી વસ્તુઓ ભૂલી જઈને એ અંગે લાપરવાહ બનવા વિશે ઝઘડીએ પણ ખરાં!
અમ્મા અને હું - અમે બંને ઘણાં બદલાયાં છીએ, ક્યારેક સાથોસાથ તો ક્યારેક અલગ-અલગ અને છતાં અમે ઘણી રીતે વાતે મિત્રો રહ્યાં છીએ, સાથી અને હમસફર, પરસ્પર સહાયક સર્જક-બેલડી! અને એક યુવાન દીકરીની મા તરીકે મારી ઉપર આ ઉત્કટ સંબંધનો પ્રભાવ કેવો?
(લેખિકાઃ મલ્લિકા સારાભાઈ, અનુવાદઃ હિમાંશી શેલત)
સાથે જ માણો મૃણાલિની સારાભાઈની કળા પર આધારિત એક શૉર્ટ ફિલ્મઃ
[embed width="640" height="480"]https://www.youtube.com/watch?v=v4IkIsOpkrE[/embed]
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર