ચાંદ તારો કો છૂને કી આશા, આસમાનો મેં ઉડને કી આશા…
દરેક બાબતને બે વર્ગ હોય. એક વર્ગ એ બાબત ચાહતો હોય તો બીજો વર્ગ એ બાબતને નાપસંદ કરતો હોય. દેશ-દુનિયામાંથી કોઈ પણ ઉદાહરણ લઈ લ્યો આપણને એમાં પેલા બે વર્ગો જડી જ આવશે. દાખલા તરીકે નરેન્દ્ર મોદીને ચાહનારાય છે અને ધિક્કારનારા પણ છે, ‘બાજીરાવ મસ્તાની’ને ચાહનારો વર્ગ પણ છે અને એને નાપસંદ કરનારો વર્ગ પણ છે. એ જ રીતે કોઈ પણ સાહિત્યકૃતિ કે પુસ્તકોની બાબતોએ પણ બંને પ્રકારના વર્ગો હોવાના. પરંતુ આ બાબતે કેટલીક બાબતો અપવાદ પણ હોય છે અને એ બાબતમાંની એક બાબત એટલે કે, વ્યક્તિ છે એ.આર. રેહમાન, જેમને નાપસંદ કરનારો વર્ગ નહીંવત છે એવું કહેવાની હિંમત કરી શકાય. અને રેહમાન જ શું કામ એ અપવાદમાં રેહમાનનું સંગીત પણ આવી જાય!
આજે એમનો જન્મ દિવસ છે એટલે સ્વાભાવિક જ એમને અને રૂહને શકુન આપનારા એમના ગીતોને યાદ કરવાનું બને. જોકે અમે તો રવિવારથી રેહમાનમય બન્યાં છીએ અને આદુ-મસાલા ચ્હાના મગ પર મગ ગટગટાવીને, રેહમાનનું મ્યુઝિક સાંભળીને તેમજ એમના પરનું એક જોરદાર પુસ્તક ‘A. R. RAHMAN the Spirit of Music’ વાંચીને રેહમાનોત્સવ મનાવી રહ્યા છીએ.
રેહમાન સા’બ જેટલા જ પર્સનલ ફેવરિટ જર્નાલિસ્ટ કમ રાઈટર કમ ડૉક્યુમેન્ટરી ફિલ્મ મેકર નસરીન મુન્ની કબિરના આ પુસ્તકમાં રેહમાન પોતાનું શરમાળપણું ત્યજીને સોળે કળાએ ખીલ્યાં છે અને ઈન્ટરનેટ પરના ઘટિયા વર્ઝન્સને રદિયો આપીને એમણે જાતજાતની, મસ્તમજાની વાતો કરી છે. આ કારણે જ કોઈ પણ રેહમાન ચાહકે એ પુસ્તક વાંચવું જોઈએ.
આ પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે આપણને ખબર પડે કે, રેહમાન (અહીં રેહમાનને ટોચ ઊભેલી વ્યક્તિનું પ્રતીક ગણવા!) કંઈ રાતોરાત નથી બની જવાતું. રેહમાન બનવું હોય તો પસંદગીના ક્ષેત્રમાં ગ્લેમર કે પ્રલોભનો તરફ આકર્ષાયા વિના પ્રલંબ તપ આદરવું પડે અને નાહકની વાતોમાં સમય બગાડ્યાં વિના, જીવનની કેટલીક મહત્ત્વની જરૂરિયાતો અને મનોરંજનને કોરાણે મૂકી, કે આપણી તકલીફોને તડકે મૂકીને પોતાના કામમાં ખૂંપી જવું પડે. ત્યારે જઈને કશુંક ઉત્તમ ક્રિએટ કરી શકાય છે, જે ક્રિએશન બીજાઓ કરતા અલગ તો હોવાનું જ પરંતુ એ ક્રિએશન અમરત્વનો આશીર્વાદ લઈને પણ જન્મતું હોય છે.
મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં રેહમાન વખાના માર્યા આવેલા. જોકે નાની ઉંમરે એમને કામ કરવાની ફરજ નહીં પડી હોત તો પણ તેઓ મ્યુઝિકના ક્ષેત્ર સાથે સંકળાયેલા તો હોત જ. હા, કદાચ એવું બન્યું હોત કે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ ગાજેલું અને વખણાયેલું આ નામ માત્ર ચેન્નાઈ કે દક્ષિણ ભારત પુરતું જ સીમિત હોત. રેહમાન મ્યુઝિક સાથે સંકળાયા એની પાછળનું કારણ એમના પિતા આર. કે. શેખર હતા, જેઓ દક્ષિણ ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મ્યુઝિક કન્ડક્ટર, એરેન્જર અને કમ્પોઝર તરીકે કાર્યરત હતા.
પુસ્તકમાં પિતાની યાદો વાગોળતા રેહમાન જણાવે છે કે, ‘મને એમનું મ્યુઝિક સાંભળવાનું ગમતું અને મારા સંગીત પર પણ મારા પિતાનો ઘેરો પ્રભાવ છે. સાંઠના દાયકામાં આખા ચેન્નાઈમાં કદાચ અમારું જ એવું ઘર હશે, જેમાં એક-બે નહીં પરંતુ પૂરા છ કીબોર્ડ્સ રહેતા. મારા પિતા દક્ષિણ ભારતના એકમાત્ર સંગીતકાર હતા, જેમની પાસે જાપાનિઝ સિન્થેસાઈઝર હતું.’ જોકે દિવસ-રાત સંગીતના કામમાં ડૂબેલા રહેતા પિતાને અચાનક એક બિમારી ભરખી ગઈ અને નવ વર્ષના રેહમાન પર માતા અને ત્રણ નાની બહેનોની જવાબદારી આવી પડી. પિતાના અવસાન બાદ તરત મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કામ શરૂ કરનારા રેહમાનને પુસ્તકના લેખિકા પ્રશ્ન પૂછે છે કે, ‘તો તમે સંગીતકાર બનવાનું નક્કી ક્યારે કર્યું?’ પળનોય વિલંબ કર્યા વિના રેહમાન જવાબ આપે છે કે, ‘સંગીતકાર બનવાનું મેં ક્યારેય નક્કી નથી કર્યું, પરંતુ મારા નસીબે મને એની ફરજ પાડી છે!’
પિતાએ મ્યુઝિકના અઢળક સાધનો વસાવ્યા હતા એટલે એકતરફ એમની માતા અન્ય સંગીતકારોને એ સાધનો ભાડે આપતી તો બાળક રેહમાન કેટલાક ખ્યાતનામ સંગીતકારો સાથે મદદનીશ તરીકે કામ કરતા. મદદનીશ એટલે કેવા? તોકે એમણે સંગીતકારોના સાધનો ગોઠવવાના અને એમને કંઈક જરૂર પડે તો જે-તે વસ્તુ લાવી આપવાની! આ કામો કરવા માટે પણ રેહમાને સ્કૂલનું ભણતર છોડવું પડેલું, જેનો એમને આજદિન સુધી વસવસો છે.
જોકે એમની માતા કસ્તુરીને (પાછળથી કરીમા બેગમ!) એવી ઈચ્છા હતી કે, રેહમાને સંગીત પણ શીખવું જોઈએ. માતાએ રેહમાનને કીબોર્ડ શીખવાની સલાહ આપેલી અને માતાની સલાહ સરઆંખો પર રાખીને રેહમાન બાર વર્ષની ઉંમરે કીબોર્ડ શીખવાનું શરૂ કરેલું. એક આડવાત કરીએ તો રેહમાનને કીબોર્ડ, હાર્મોનિયમ કે પિયાનો જેવા વાદ્યોનું નાનપણથી અત્યંત આકર્ષણ રહ્યું છે. એમની પાંચ વર્ષની ઉંમરે તેઓ પોતાની જાતને એક રૂમમાં બંધ કરી દેતા અને કલાકો સુધી હાર્મોનિયમ વગાડતા રહેતા!
કદાચ આ જ કારણે એમને કીબોર્ડ જલદી આવડી ગયેલું અને ત્યાર બાદ એમણે લગભગ એક દાયકા સુધી દક્ષિણ ભારતના વિવિધ મ્યુઝિક કંપોઝર્સ સાથે કામ કર્યું. રેહમાનના જીવનનો સૌથી સંઘર્ષપૂર્ણ સમય કદાચ 1979-1989નો જ હશે, જે સમયમાં એમણે ડબલ શિફ્ટમાં કમ્મરતોડ કામ કરીને ઘરનું ગુજરાન ચલાવેલું. પુસ્તકમાં એમણે આપેલી જણકારી મુજબ એક સ્ટુડિયોમાં તેઓ દિવસે 9થી સાંજે 9 સુધી કામ કરતા, જ્યાં તેઓ ફિલ્મ મ્યુઝિકમાં કીબોર્ડ વગાડતા તો રાત્રે નવ વાગ્યે પોતાના ઈન્સ્ટ્રુમેન્ટ્સ કારમાં લાદીને તેઓ બીજા સ્ટુડિયોમાં પહોંચી જતાં, જ્યાં તેઓ મળસકે ચાર વાગ્યા સુધી ઝિંગલ્સ બનાવતા રહેતા. સવારે ચાર વાગ્યા પછી ઘરે પહોંચતા અને ચારેક કલાકની ઉંઘ લે ન લે ત્યાં ફરી નવને ટકોરે તેઓ નવથી નવની શિફ્ટ માટે સ્ટુડિયોમાં હાજર થઈ જતાં.
એમની આ કાળી મજૂરીને કારણે રેહમાન ખપ પુરતા પૈસા તો કમાઈ લેતા પરંતુ એમના રોકાણોને કારણે જીવનનો કેટલોક આનંદ લૂંટવાનો રહી જતો. કે ન તો તેઓ મિત્રો કે સ્વજનો સાથે યોગ્ય સમય વીતાવીને મોજમજા કરી શકતા. જોકે રેહમાન આ બાબતે કહે છે કે, 'આજે ભલે એમ લાગતું હોય કે, કામને કારણે અમે બાળપણ નહીં માણી શક્યા, પરંતુ ત્યારે અમને એવી કશી જ ખબર નહોતી કે અમે અભાવોમાં જીવી રહ્યા છે કે, જીવનમાં મોજમજા જેવી પણ કોઈ બાબત એક્સિસ્ટ કરે છે!' અલબત્ત તેમણે બાળપણમાં રમતગમત કે તહેવારોને જરૂર મિસ કર્યાં છે, પરંતુ એનો એમને તસુભર રંજ નથી.
એ ગાળામાં રેહમાનને ઝિંગલ્સ તૈયાર કરવાનું ખૂબ ગમતું. એમાં એમને ઘણી ક્રિએટિવ ફ્રીડમ મળતી અને એ સમયે જ્યારે એડવર્ટાઈઝિંગની કન્સેપ્ટ નવી લેખાતી હતી ત્યારે દક્ષિણ ભારતમાં એડવર્ટાઈઝિંગના ક્ષેત્રમાં એમનું સારું એવું નામ થઈ ગયેલું. વર્ષ 1991માં મણિરત્નમ સાથે ‘રોજા’ સાઈન કરી એ પહેલા એમણે ઢગલેબંધ ઝિંગલ્સ તૈયાર કરેલી.
એવામાં એકવાર એમણે ‘લીઓ કૉફી’ની એક ઝિંગલ બનાવેલી, જેને ત્યાંનો કોઈ મોટો એવોર્ડ એનાયત થયેલો. ‘લીઓ કૉફી’ની એ કર્મશિયલ મણિરત્નમની બહેન શારદાએ પ્રોડ્યુસ કરેલી અને એવોર્ડ પ્રાપ્ત થવાને કારણે શારદાએ આખી ટીમ માટે એક પાર્ટીનું આયોજન કરેલું. એ પાર્ટીમાં મણિરત્નમ પણ આવેલા. રેહમાન મણિરત્નમથી ઠીક ઠીક પ્રભાવિત હતા એટલે તેઓ મણીરત્નમ પાસે ગયા અને 'કેમ છો? મજામાં' કરીને તેમણે મણિરત્નમને એમના સ્ટુડિયોમાં અવવાનું આમંત્રણ આપ્યું. યુવાન રેહમાનને મણિરત્નમે કહેવા પુરતું કહી દીધું કે, ‘હા, એક દિવસ હું જરૂર આવીશ.’ પરંતુ ત્યારે એ બંનેને ખબર નહોતી કે, મણિરત્નમ રેહમાનને ફિલ્મ મ્યુઝિકમાં લઈ આવશે અને એમની જુગલબંધી આવનારા દાયકાઓ સુધી ચાલશે અને અનેક ઈતિહાસ સર્જશે.
રેહમાને ક્યારેય એવું વિચાર્યું નહોતું કે તેઓ સ્વતંત્ર સંગીતકાર તરીકે ફિલ્મોમાં મ્યુઝિક આપશે. એમને તો કર્મશિયલ્સ માટે ઝિંગલ્સ બનાવવાનું ગમતું અને ઝિંગલ્સ પ્રત્યેના આકર્ષણને કારણે જ એમણે કેટલાક સમયથી ફિલ્મ સંગીત માટે કીબોર્ડ વગાડવાનું પણ બંધ કરી દીધેલું.
એ સમયે ધ ગ્રેટ ઈલિયા રાજા મણિરત્નમની ફિલ્મોમાં મ્યુઝિક આપતા, પરંતુ કોઈક વાતે બંને લેજન્ડ્સને ડખો થતાં મણિરત્નમે ઈલિયા રાજા પાસે કામ લેવાનું બંધ કર્યું અને એમણે રેહમાનને મળવાનું નક્કી કર્યું. મણિરત્નમ જેવા માણસ સાથે કામ કરવાની લાલચે ફિલ્મોમાં સંગીત ન આપવાની બાબતે રેહમાને વિચાર બદલ્યો અને મણિરત્નમને એમની કેટલીક ટ્યૂન સંભળાવી.
પહેલી મુલાકાત વખતે મણિરત્નમે રેહમાનને ઝાઝો રિસ્પોન્સ નહીં આપ્યો અને તેઓ રેહમાનની કેટલીક ટેપ્સ લઈ ગયા. દિવસો સુધી એમના તરફથી કોઈ ફોન નહીં આવતા રેહમાને એમ માન્યું કે, સાહેબને આપણું મ્યુઝિક પસંદ નહીં આવ્યું હોય તો જ એમનો કોઈ ફોન-બોન નથી આવ્યો! જોકે એક દિવસ મણિરત્નમનો એમના પર ફોન આવ્યો કે, એમને રેહમાનનું મ્યુઝિક ખૂબ જ પસંદ આવ્યું છે અને તેઓ પોતાની અપકમિંગ ફિલ્મમાં રેહમાન પાસે જ મ્યુઝિક અપાવવા માગે છે!
…અને બસ રેહમાન સા’બે એમની લાઈફ અને કરિયરની એક નવી જર્ની શરૂ કરી. સૌથી પહેલા એમણે ‘રોજા’ના તામિળ વર્ઝનમાં મ્યુઝિક આપ્યું અને પછી થોડાં જ સમયમાં ‘રોજા’નું હિન્દીમાં ડબિંગ કરાયું. દક્ષિણ ભારતમાં તો ‘રોજા’નું મ્યુઝિક વખણાયું જ પરંતુ પચીસેક વર્ષના આ યુવાને તૈયાર કરેલા ‘છોટી સી આશા’, ‘ભારત હમ કો…’ કે ‘રોજા જાનેમન…’ જેવા ગીતો ખૂબ વખણાયા અને હિન્દી સિનેમા જગતે પણ એ.આર. રેહમાન નામના યુવાન સંગીતકારની ગંભીર નોંધ લેવી પડી.
‘રોજા’ની સફળતા બાદ એકવાર રેહમાને મણિરત્નમને કહેલું કે, ‘હું હવે તમારા સિવાયની કોઈ ફિલ્મ અથવા અન્ય કોઈ ડિરેક્ટર સાથે કામ કરવાનો નથી. તમારી સાથે કામ કરીને મને ગજબનો સંતોષ મળે છે.’ આ બાબતે રેહમાન નોંધે છે કે, હું તો ઝિંગલ્સ બનાવીને સારા એવા પૈસા રળી લેતો હતો, એટલે પેટ માટે થઈને મારે ફિલ્મોમાં મ્યુઝિક આપવાની કોઈ જરૂર નહોતી. પણ મણિરત્નમને કદાચ ભારતીય ફિલ્મ સંગીત ક્ષેત્રે રચાનાર ઈતિહાસની જાણ થઈ ગઈ હશે એટલે એમણે રેહમાનને કહ્યું કે, ‘જો તું માત્ર મારા પુરતો કે મારી ફિલ્મો પુરતો જ સીમિત રહી જાય એ યોગ્ય નથી. તારું સંગીત દુનિયા માટે છે અને દુનિયાને એનો પરિચય થવો જ જોઈએ.’
મણિરત્નમની આ સલાહ માનીને રેહમાન પોતાનો વિચાર બદલી દે છે અને અન્ય ફિલ્મો માટે પણ મ્યુઝિક આપવાનું નક્કી કરે છે. સાથે જ મણિરત્નમ એમને એમ પણ સલાહ આપે છે કે, ‘આપણી આસપાસની ખરાબ બાબતો અને આપણા માર્ગમાં આવતા વિઘ્નોની ફરિયાદ કરતા રહેવા કરતા હું પણ કંઈક કરી શકું છું, આસપાસના માહોલમાં કંઈક બદલાવ આણી શકું છું અને મારા કામ દ્વારા મારી અમીટ છાપ છોડી શકું છું એવો જ અભિગમ રાખવો.' પછી તો રેહમાને જે કર્યું અને આપણને જે મ્યુઝિક આપ્યું એ વિશે બધા જાણે જ છે. અહીં માત્ર એમના સંઘર્ષના દિવસોની જ વાત આલેખવી હતી, જે વાતો આપણને પણ ઘણી ખપમાં આવે એવી છે. જીવનમાં આપણું ધાર્યુ નહીં થતું હોય તો પણ આપણા કામની સાધનામાં નિમગ્ન રહેવાનું, હંમેશાં ધીરજ રાખવાની અને હરદમ શ્રેષ્ઠતાની સાધના કરવાની.
નસરીન મુન્ની કબિરના અન્ય પુસ્તકો પણ વાંચવા જેવા છે. ગુગલ પર સર્ચ કરશો તો તમને નસરીન મુન્ની કબિર અને એમના પુસ્તકો વિશેની માહિતી મળશે. એમાનું એકાદ પુસ્તક ખરીદીને તમે એ મને ભેટ પણ કરી શકો છો, ભેટ નહીં કરો તોય તમે તો એ પુસ્તકો વાંચજો જ. અને હા, આજે રેહમાનના ગીતો સાંભળવાનું ચૂકતા નહીં. ગુડબાય.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર