ફ્રી બેસિક્સઃ આખિર યે માજરા ક્યાં હૈ?

30 Dec, 2015
12:05 AM

mamta ashok

PC:

છેલ્લાં દસેક દિવસથી ઈન્ટરનેટ પર ફેસબુકના ગતકડાં એવા 'ફ્રી બેસિક્સ'ને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. ફેસબુકના જે internet.org ના નામે વિવાદ થયેલા એ internet.org નું નામ બદલીને ફ્રી બેસિક્સ કરી દેવામાં આવ્યું છે. જોકે નામ ભલે બદલાયું હોય પરંતુ ફેસબુકની આ સ્કીમની કૂંડળીમાંથી વિવાદ અને વિરોધ હટવાનું નામ નથી લેતો.

એમાંય દસેક દિવસ પહેલા જ્યારે ફેસબુકે ભારતના યુઝર્સ પાસે ટ્રાઈ (TRAI: Telecom Regulatory Authority of India)ને તૈયાર ડિજિટલ કાગળ મોકલવાનું શરૂ કર્યું ત્યારથી આ વિવાદ વધુ વકર્યો અને આશ્ચર્યની વાત એ છે કે, ફેસબુકની આ યોજના ભારતમાં લાગુ થાય એ માટે ફેસબુક તરફથી ખૂદ ગબ્બર ઝુકરબર્ગ મેદાનમાં ઉતરી પડ્યાં છે. આ તો દિલ્હી જેવા નાનકડા રાજ્યની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી કૂદી પડેલા એવું જ કંઈક થયું!

ફ્રી બેસિક્સના વિવાદને લઈને બંને પક્ષો જોરદાર દલીલો કરી રહ્યા છે અને ખેદજનક વાત એ છે કે, જયાદાતર ઈન્ટરનેટ કે ફેસબુક યુઝર્સ મુદ્દો સમજવાની ટ્રાય કર્યા વિનાં જ ટ્રાઈને પોતાની સંમતિનો મેઈલ ઠોકી રહ્યા છે, જેના નોટિફિકેશન્સના છાટાં બીજાની વોલ પર પણ ઉડી રહ્યા છે. મજા તો ત્યારે આવી, જ્યારે વિદેશમાં ઠરીઠામ થઈ ગયેલા ભારતીયોએ પણ ટ્રાયને પોતાની સંમતિ આપતા ઈમેલ મોકલ્યાં, જેને પગલે ટ્રાઈએ ફેસબુકની ઝાટકણી કાઢી અને પછી ફેસબુકે ટ્રાઈની માફી માગીને પ્રવાસી ભારતીયોને ફ્રી બેસિક્સના નોટિફિકેશન્સ મોકલવાના બંધ કર્યા.

ફેસબુક જે 'ફ્રી બેસિક્સ'ની વાત કરી રહ્યું છે એ મુદ્દો સમજવામાં થોડો અટપટો છે. ફેસબુકની દલીલ મુજબ ફેસબુક ભારતના છેવાડાના જણને ફેસબુક એજ્યુકેશન, હેલ્થકેર, જૉબ્સ અને કોમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં ફ્રી મોબાઈલ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરશે. 'ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'માં 28મી ડિસેમ્બરે માર્ક ઝુકરબર્ગે એમના એક લેખમાં ત્યાં સુધી દાવો કર્યો હતો કે, ફ્રી બેઝિક્સમાં સમ ખાવા પૂરતીય એડ્વર્ટિઝમેન્ટ નહીં હોય. જોકે ઝુકરબર્ગના આ બધા શબ્દોની આગળ-પાછળ ઘણા શબ્દોની કમી ખલી રહી છે.

ઝુકરબર્ગે એમ નથી કહ્યું કે, અમે એજ્યુકેશન, હેલ્થકેર, જૉબ્સ અને કોમ્યુનિકેશનના ક્ષેત્રોની તમામ વેબસાઈટ્સ કે તમામ એપ્લીકેશન ફ્રીમાં પ્રોવાઈડ કરીશું. અહીં વેબસાઈટ્સ ‘ફ્રીમાં પ્રોવાઈડ કરીશું’ કે ‘તમામ વેબસાઈટ્સ ફ્રીમાં પ્રોવાઈડ કરીશું’ એ વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. ફ્રીમાં પ્રોવાઈડ કરવાવાળી થિયરીમાં પાછી એ જ વેબસાઈટ્સ કે એપ્સ પ્રોવાઈડ થશે, જે ફેસબુક ઈચ્છશે.

ચાલો ભાઈ, વ્હોટ્સ એપ તો ફેસબુકનું બાળક છે એટલે એ ફ્રી બેસિક્સમાં ફ્રીમાં મળશે પરંતુ કાલે ઉઠીને વ્હોટ્સ એપ જેવી ગુગલની કોઈ અતિલોકપ્રિય મેસેજિંગ સાઈટ બજારમાં આવી તો એ અથવા હાલમાં ચલણમાં છે એવી ટેલિગ્રામ, હાઈક કે વી ચેટ જેવી ફ્રી મેસેજિંગ એપ્સ ફ્રીમાં મળશે ખરી? એ જ રીતે આજે ભલે ફેસબુક એડ્વર્ટિઝમેન્ટ નહીં હોવાની વાત કરી રહ્યું છે, પરંતુ ભવિષ્યમાં ક્યારેય 'ફ્રી બેસિક્સ'માં એડ્વર્ટિઝમેન્ટ્સ નહીં હોય એ વિશે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.

તમને ખ્યાલ હોય તો થોડા દિવસો પહેલા જ્યારે ઝુકરબર્ગને ત્યાં પારણું બંધાયેલું ત્યારે માર્કભાઈએ એમની દીકરીને મેક્સને એક કાગળ લખેલો, જેમાં એમણે દીકરી માર્કને સંબોધીને જે વાતો કરેલી એ વાતો ઝુકરબર્ગ ફ્રી બેસિક્સના પ્રોપોગેશનમાં કરી રહ્યા છે. જોકે એમાંની ઘણી બધી વાતો આપણા ગળે ઉતરે એવી નથી. ડિજિટલ ઈક્વાલિટી જેવા શબ્દનો વારંવાર ઉપયોગ કરીને ઝુકરબર્ગ ડિજિટલ સમાનતાની વાત ભલે કરતા હોય, પરંતુ કોઈ અમેરિકનને ભારત જેવા દેશના ગરીબોની અચાનક ચિંતા થઈ આવે એ વાત થોડી આશ્ચર્ય પમાડે એવી છે. ડિજિટલ ઈક્વાલિટીના પ્રચારમાં ફેસબુક એમ પણ દાવો કરી રહ્યું છે કે, દુનિયાના 36 દેશોએ ‘ફ્રી બેસિક્સ’ને સ્વીકાર્યું છે, જોકે એ 36 દેશોની યાદી પર નજર ફેરવવા જેવી છે.

ઝુકરબર્ગ જે છેવાડાના માણસની વાત કરી રહ્યા છે, જે રૂરલ ઈન્ડિયાની વાત કરી રહ્યા છે એ રૂરલ ઈન્ડિયાની જરૂરિયાતો ખરેખર એ જ છે? જે ઝુકરબર્ગ પ્રોપોગેટ કરી રહ્યા છે? ભાઈ, અહીં તો હજુ સરકાર ટેલિવિઝન અને ન્યુઝપેપર્સમાં જાજરૂની એડવર્ટિઝમેન્ટ્સ ચલાવી રહી છે. ત્યાં મોબાઈલ અને ઈન્ટરનેટ તો બાવીસમી સદીની વાત કહેવાય!

અહીં એમ કહેવાનો આશય જરાય નથી કે, ગ્રામ્ય ભારતના લોકો ઈન્ટરનેટ કે ટેક્નોલોજીથી વંચિત રહે. અમનેય સપનાં છે કે, ભારતના દૂરના કોઈક ગામડામાં વસતા આદિવાસીના હાથમાં ટેબલેટ હોય અને એ એના વારલી ચિત્રો કે એની હસ્તકળાની કોઈ કૃતિ Olx પર વેચે. પરંતુ આ બધુંય કરતા પહેલા સૌથી પહેલા એની ખરા અર્થમાં જે પ્રાથમિક કે બેસિક જરૂરિયાત છે તે એને પૂરી પાડવી રહી. અને એ જરૂરિયાતમાં સૌથી પહેલા પૌષ્ટિક આહાર, આરોગ્ય અને શિક્ષણ આવે અને પછી છેલ્લે ટેક્નોલોજી કે ઈન્ટરનેટ આવે છે.

ઝુકરબર્ગ ભલે એમ કહેતા હોય કે, એમનું 'ફ્રી બેસિક્સ' અદના માણસ માટે છે કે રિમોટ એરિયામાં વસતા માણસ માટે છે. પણ આપણે ત્યાં હજુ રિમોટ એરિયામાં મોબાઈલ નેટવર્કના ઠેકાણા નથી ત્યાં ફ્રી બેઝિક્સની વાત ચોક્કસ જ ખયાલી પુલાવ સાબિત થાય. માર્કને બીજો સવાલ એ પણ પૂછી શકાય કે, તમે ઈન્ટરનેટ આપવાની વાત તો કરો છો પરંતુ એ કરોડો ભારતીયોને હેન્ડસેટ કોણ અપાવશે, જેમના માટે તમે આ યોજના ઘડી રહ્યા છો? એ એમણે જાતે જ લેવાના છે? ઝુકરબર્ગ જેવા વ્યાપારી માણસ આ બધી બાબતોથી અજાણ હોય એવું કોઈ કાળે નહીં બને. પણ તોય તેઓ ગરીબ માણસને જીવનમાં તક આપવાની વાતના ઓથા હેઠળ ‘ફ્રી બેસિક્સ’નો પ્રચાર કરી રહ્યા છે.

‘ફ્રી બેસિક્સ’નો વિરોધ કરી રહેલા વર્ગની વાત માનીએ તો જો ‘ફ્રી બેસિક્સ’ લાગુ પડશે તો દેશભરના ઈન્ટરનેટ યુઝર્સે એમના હાથ-કાંડા કાપી આપવા પડશે. શરૂઆતમાં ભલે સમુંસૂતરું ચાલે પરંતુ પાછળથી ફેસબુક છાશવારે એની પોલીસીમાં ફેરફાર કરશે, જેનો સીધો ગેરલાભ ઈન્ટરનેટ યુઝરને થશે.

ફેસબુક ફ્રી બેસિક્સને ઓપન ફોરમ તરીકે ઓળખાવે છે, જેમાં તમામ વેબસાઈટ્સ કે એપ્સને પૂરતી સ્પેશ આપવામાં આવશે. જોકે ફ્રી બેઝિક્સ લાગુ પડી ગયા પછી ફેસબુક પાસે એ સત્તા રહેશે કે, કઈ સાઈટ્સ ફ્રી બેસિક્સમાં રહેશે અને કઈ સાઈટ્સ નહીં રહેશે. જો ફેસબુકને કોઈ વેબ સર્વિસ સાથે ખટપટ થઈ તો ફેસબુક ફટ દઈને એને બ્લેક લિસ્ટમાં મૂકી દેશે અને એ સર્વિસ પર પ્રતિબંધ લાદી દેશે.

આ ઉપરાંત ફેસબુકને ગુગલ સર્વિસ સાથે તો પહેલા દિવસથી ખટપટ છે અને ફેસબુક અને ગુગલ એકબીજાના કટ્ટર સ્પર્ધક પણ છે. તો શું કાલ ઊઠીને ફેસબુક એના યુઝરને ફ્રી બેસિક્સમાં ગુગલનું સર્ચ એન્જિન કે જીમેઈલ કે ગુગલની અન્ય મહામૂલી સેવાઓનો લાભ લેવા દેશે? નહીં. અને સાવ મફતમાં તો નહીં જ નહીં. તો ગ્રાહક તરીકે આપણે શું કરવાનું? તો ઝકરભાઈ કે’શે, ‘તમારે જો ગુગલની સર્વિસનો ઉપયોગ કરવો હોય તો તમારે ટેલિકોમ ઓપરેટર્સને એટલે કે ઈનડિરેક્ટલી મને આટલા પૈસા ચૂકવવા પડશે.’

‘જી ઝુકરભાઈ. હું તમે કહેશો એટલા(પછી એ ગમે એટલા હોય!) ચૂકવીશ. પણ પછી મને ગુગલની બધી સર્વિસ મળશે ને?’

‘જાજા હવે. ગાંડો થયો કે શું? હું માગુ એટલા પૈસામાં તમને માત્ર સર્ચ એન્જીન જ એક્સેસ કરવા મળશે.’

‘તો ઝુકરભાઈ, ગુગલ મેપ, ગુગલ ડ્રાઈવ, જીમેઈલ અને યુટ્યુબ માટે?’

‘એ બધાના અલગ અલગ ચૂકવવા પડશે. બધાના ભાવ અલગ. ગુગલ મેપના આટલા, ગુગલ ડ્રાઈવના આટલા, જીમેઈલના માત્ર આટલા. અને હા, યુટ્યુબના થો…ડાં વધુ થશે. બટ ડોન્ટ વરી યુ કેન ઈઝીલી અફોર્ડ ધીસ. બોલો શું શું આપું?’

‘ઓહ માય ગોડ! આટલા બધા પૈસા? પણ તમે તો ફ્રી બેસિકની વાત કરતા હતા ને?’

‘હા તો ફ્રી બેસિક આ જ છે બકા. મારી યોજના પ્રમાણે તો આ જ ફ્રી બેસિક છે. તમે શું એમ સમજેલા કે, હું મફતમાં આ બધો ધંધો કરવા ભારતમાં આંટાફેરા કરતો હતો?’ 

ખૈર, આ તો થોડી હળવી વાત કરી. પણ આ જ બાબત આપણને બીજી બધી સાઈટ્સ માટે પણ લાગુ પડશે. મ્યુઝિક કે વીડિયોઝ માટેની સાઈટ્સ હોય, ઓનલાઈન શોપિંગ માટેની સાઈટ્સ હોય, ઓનલાઈન ગેમ હોય કે, પછી મેસેજિંગ માટેની એપ્સ હોય. આ બધાના અલગ અલગ અથવા મોંઘા પેકેજના પૈસા ચૂકવવા પડશે કારણ કે, આ બધી સર્વિસ પ્રોવાઈડ કરતી કંપનીઓ કંઈ આ બધુ મફતમાં આપવાની નથી એટલે સ્વાભાવિક પણે જ એ બધો ચાર્જ ગ્રાહકો પર ઠોકવામાં આવશે. થશે શું કે આજે આપણે એક જ ઈન્ટરનેટ પેકેજમાં બધુ જ સર્ચ, સર્ફ કરી શકીએ છીએ પરંતુ કાલ ઉઠીને કદાચ એમ પણ બને કે, આપણે ફેસબુકને પૂછી પૂછીને અને દરેક વસ્તુના અલગ પૈસા ચૂકવીને સર્ચ, સર્ફ અને ડાઉનલોડ કરવું પડશે.

ફેસબુકના આ ષડયંત્રમાં કેટલીક મોટી ટેલિકોમ કંપની ફેસબુકને સપોર્ટ કરી રહી છે, પરંતુ સેંકડો વેબસાઈટ્સ અને એપ્લીકેશન ઓપરેટર્સ આ સ્કીમનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે, જેમ ગ્રાહકોએ ફેસબુક અને ટેલિફોન ઓપરેટર્સને આ બધી સર્વિસના વપરાશ માટે પૈસા ચૂકવવા પડશે એમ આ બધી એપ્સ અને વેબસાઈટે પણ ફેસબુકને એમની સ્પેશના પૈસા ચૂકવવા પડશે અને એ પણ ફેસબુકની શરતે!

ફેસબુક જે ડિજીટલ ઈક્વાલિટીની વાત કરે છે એ વાત તદ્દન બોગસ છે. ફેસબુકને ભારતની બહુ ચિંતા હોય તો ઝુકરબર્ગે આપણા એજ્યુકેશન કે હેલ્થ સેક્ટરમાં ધરખમ પૈસો રોકીને એ દિશામાં કશુંક નક્કર કરવું જોઈએ. માણસ ઈન્ટરનેટનો યોગ્ય વપરાશ પણ ત્યારે જ કરી શકશે, જ્યારે તેની પાસે યોગ્ય ભણતર હશે. જેની પાસે ભણતર જ નહીં હોય એ માણસ ફ્રી બેસિક્સનો લાભ પણ કઈ રીતે લેવાનો?

આ સ્કીમ નેટ ન્યુટ્રાલિટીનો ભંગ કરે છે. હાલમાં નેટિઝન્સને સર્ચિંગ-સર્ફિંગ કરવાની સ્વતંત્રતા મળી રહી છે એ સ્વતંત્રતા કાલ ઊઠીને જોખમાઇ શકે છે. કારણ કે ઈન્ટરનેટની દુનિયામાં કોઈ એક જ કંપનીનું એકહથ્થું શાસન હશે. જાપાનથી લઈને નોર્વે અને સ્વીડન જેવા દેશોમાં ફેસબુકના આ ધતિંગ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ચીન અને પાકિસ્તાન જેવા દેશોમાં તો મૂળે નેટ ન્યુટ્રાલિટી ન હોય ત્યાં ઝુકરબર્ગ બિચારા ચંચુપાત પણ શું કરવાના? પણ ભારતમાં નેટિઝન્સ કરોડોમાં છે અને અહીં કમાણી માટેનું માર્કેટ પણ અતિશય મોટું છે એટલે અહીં ઝુકર યેન કેન પ્રકારેણ પોતાનું વર્ચસ્વ જમાવવા મથી રહ્યા છે.

આ કારણે જ જ્યારે ટ્રાઈએ રિલાયન્સ સાથેના ફેસબુકના ફ્રી બેસિક્સના પ્લાન પર રોક લગાવી ત્યારે ફેસબુક ખળભળી ઉઠ્યું અને ગરીબોને અને વંચિતોને ઈન્ટરનેટ પ્રોવાઈડ કરવાના નામે ફેસબુક પર એક તૈયાર કાગળ અપલોડ કરવામાં આવ્યો અને લોકોને ફ્રી બેસિક્સના સમર્થનમાં ટ્રાઈમાં એ કાગળ મેઈલ કરવાની સુવિધા કરી આપી.

આજે 30 ડિસેમ્બર ટ્રાઈમાં મેઈલ કરવાની છેલ્લી તારીખ છે. હવે ટ્રાઈ એક રિપોર્ટ તૈયાર કરશે અને એ રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપાશે, જ્યાર બાદ ફ્રી બેસિક્સ લાગુ કરવું કે નહીં એ અંગેના નિર્ણયો કરાશે. જાગૃત નાગરિક તરીકે  http://www.savetheinternet.in/ પર તમે ફ્રી બેસિક્સની વિરુદ્ધમાં ટ્રાઈને પોતાની પ્રતિક્રિયા મોકલી શકો છો. ફ્રી બેસિક્સ તો આવશે ત્યારે આવશે પરંતુ ખંધાઈ કરીને લાખો અશિક્ષિત ભારતીયો પાસે ટ્રાઈને મેઈલ કરવવાનું ફેસબુકનું કૃત્ય સરાહનિય નથી. સાથે આપણે એ પણ વિચારવું રહ્યું કે, છેલ્લા દસ દિવસથી ‘ફ્રી બેસિક્સ’ની તરફદારી માટે ફેસબુક ટેલિવિઝન અને દેશભરના અખબારોમાં જે રીતે એડ્વર્ટિઝમેન્ટ્સ આપીને કરોડો રૂપિયા ખર્ચી રહ્યું છે એની પાછળ ફેસબુકનો કોઈ ફાયદો નહીં હોય એવું પણ નહીં જ બને.    

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.