ગુજરાતની માથાદીઠ આવક દેશની સરખામણીએ 46.6% વધારે
ગુજરાતના બજેટની સાથે રજૂ થયેલા આર્થિક સર્વેક્ષણમાં રાજ્યમાં માથાદીઠ આવક વર્ષ 2015-16માં રૂ1,38,023 અંદાજવામાં આવી છે, જે આગલા વર્ષે રૂ. 1,24,678 હતી અને દેશની માથાદીઠ આવક રૂ. 94,178 કરતા 46.6 ટકા વધારે છે.
સર્વેક્ષણમાં જણાવાયું છે કે ગુજરાત એ દેશમાં સૌથી વધુ ઔદ્યોગિકરણ ધરાવતું રાજ્ય છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો 18.4 % જેટલો હિસ્સો છે. સાથે સાથે દેશની કુલ નિકાસમાં પણ 20 ટકા હિસ્સો ધરાવે છે.
માથાદીઠ આવક સામે વર્ષ 2017-18ના અંતે માથાદીઠ દેવું રૂ.45750 હશે. રાજ્ય સરકારે વર્ષ 2017-18માં રૂ.33,678 કરોડ રૂપિયા વધારાના બજારમાંથી દેવા સ્વરૂપે ઉપાડવાનું નક્કી કર્યું છે. એટલે કે આગામી વર્ષ જયારે પૂરું થશે ત્યારે રાજ્ય ઉપર રૂ.2,76,336 કરોડનું કુલ દેવું હશે.
આર્થિક સર્વેક્ષણમાં એવો મત પણ પ્રગટ થયો છે કે ગુજરાત રાજ્યનો આર્થિક વિકાસ અવિરત ચાલુ છે. દેશની 4.99% વસ્તી ધરાવતા રાજ્યનો દેશના આર્થિક વિકાસમાં હિસ્સો વર્ષ 2015-16માં 7.33 ટકા રહ્યો હોવાનો અંદાજ છે.
ભારતીય રીઝર્વ બેન્કના અહેવાલ મુજબ ગુજરાતે ઔદ્યોગિક રોકાણમાં 14.5 ટકા સાથે બીજું સ્થાન જાળવી રાખ્યું છે.
રાજ્યનું જીડીપી વર્ષ 2015-16માં સ્થિર ભાવે 9.2 ટકા વધી રૂ.8.64 લાખ કરોડ કરોડ અને ચાલુ બજાર ભાવે 11.1 ટકા વધી રૂ. 9.94 લાખ કરોડ પહોચ્યું છે. વર્ષ 2016-17માં રાજ્યનું જીડીપી 13 ટકા વધી રૂ. 11.25 લાખ કરોડ પહોંચશે એવો અંદાજ છે.
વિધાનસભાનીની ચૂંટણી ડિસેમ્બરમાં આવશે અને મતદારોને રિઝવવાના તમામ પ્રયત્નો નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે પોતાના વર્ષ 2017-18ના બજેટમાં કર્યા છે. બજેટમાં મહિલાઓ, વિદ્યાર્થીઓ, શહેર અને ગ્રામ્ય વિસ્તારના મધ્યમવર્ગ, ખેડૂતો અને લઘુ-મધ્યમ કદના ઔદ્યોગિક એકમો ધરાવતા સાહસિકો માટે સંખ્યાબંધ જોગવાઈઓ કરવામાં આવી છે.
જીએસટીનો અમલ થવનો છે એટલે કરવેરામાં મોટા ફેરફારો વગર જ નીતિન પટેલે રૂ.1,72,179 કરોડનું (ગત વર્ષ કરતા 12 ટકા વધુ ફાળવણી) બજેટ રજૂ કર્યું છે. મોટર-વાહનો ઉપર કરવેરામાં ફેરફાર, સરળીકરણ થકી રૂ.292 કરોડની વધારાની કરની આવક સામે ટ્રેક્ટર ઉપર રૂ.10 કરોડની રહતો આપી તેમણે રૂ. 521 કરોડની એકંદર પુરાંત સાથેનું બજેટ રજૂ કર્યું છે.
જોકે, વર્ષ 2015-16ના બજેટમાં રૂ. 3656 કરોડની મહેસૂલી પુરાંત સામે વાસ્તિવક પુરાંત રૂ.1704 કરોડ અને નાણાંખાધ રૂ.7176 કરોડ સામે વધીને વાસ્તિવક રીતે રૂ. 7427 કરોડની આવી છે.
આ જ રીતે વર્ષ 2016-17માં બજેટ અંદાજમાં રૂ. 6965 કરોડ સામે સુધારીને ખાધનો અંદાજ રૂ.7668 કરોડ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે વર્ષ 2016-17ના બજેટમાં રૂ.2,21,090 કરોડના કુલ દેવાનો અંદાજ મુક્યો હતો, જે હવે સુધારીને રૂ.2,42,658 કરોડ કરવામાં આવ્યો છે. આમ, એક જ વર્ષમાં રાજ્યની પ્રજા ઉપર વધારનું રૂ.21,568 કરોડનું વધારાનું દેવું આવી પડ્યું છે.
આ ઉપરાંત, રાજ્ય સરકારે વર્ષ 2017-18માં રૂ.33,678 કરોડ રૂપિયા વધારાના બજારમાંથી દેવા સ્વરૂપે ઉપાડવાનું નક્કી કર્યું છે. એટલે કે આગામી વર્ષ જયારે પૂરું થશે ત્યારે રાજ્ય ઉપર રૂ.2,76,336 કરોડનું કુલ દેવું હશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર