તું રંગાઈ જાને રંગમાં
આખરે ફરી ધુળેટી આવી પહોંચી. આબાલ-વૃદ્ધો એમ સૌ કોઈને પ્રિય એવા આ તહેવારની વાત જ અનોખી છે. કારણ કે પાણી અને રંગોથી રંગાતો આ તહેવાર માત્ર પાણી કે રંગો સુધી જ સીમિત નથી, પરંતુ આ તહેવારમાં મનથી મન અને દિલથી દિલ પણ નજીક આવતા હોય છે. મોજ અને મસ્તીનો આ તહેવાર સૌ કોઈને એકતાંતણે બાંધે છે, જેમ નવા વર્ષે લોકો એકબીજાને ગળે મળીને પોતાના ગિલા-શિકવા દૂર કરે એમ ધુળેટીના દિવસે સૌ એકબીજાને રંગોથી રંગીને આવનારા રંગીન જીવનની શુભકામનાઓ પાઠવતા હોય છે. આમ તો આપણા તમામ તહેવારોમાં આનંદ અને ઉલ્લાસનું આગવું મહત્ત્વ હોય છે, પરંતુ હોળી અને ધુળેટીમાં આનંદની સાથે આનંદના અતિરેકનું પણ મહત્ત્વ હોય છે. હર્ષની સાથે અહીં ઉલ્લાસ પણ હોય છે, જેના કારણે જ આ તહેવાર સૌ કોઈનો પ્રિય તહેવાર છે. ધુળેટીની મજા જ એવી અનેરી હોય છે કે, આ દિવસે કોઈ ધુળેટી નહીં રમ્યું હોય તોય એ રંગાયા વિના નહીં રહી શકે કારણ કે, બીજાને રંગાતા જોવામાં કે એમને રંગાયેલા જોવામાં મળતો આનંદ પણ અનેરો હોય છે. અને આપણો આનંદ પણ આખરે તો જીવનનો એક રંગ જ છે ને?
એ વાત અલગ છે કે આજે ધૂળેટી રમવાનો પર્પઝ અને રીતો સાવ બદલાઈ ગયા છે, પરંતુ ધુળેટી પર રંગ અને ફનનું મહત્ત્વ હજુય એ જ રહ્યું છે. પણ આ રંગોનું મહત્ત્વ માત્ર એક જ દિવસ પૂરતું કેમ? આખુ વર્ષ અને આજીવન કેમ નહીં? આખરે રંગો સાથેનો આપણો સંબંધ કંઈ આજકાલનો નહીં પરંતુ સદીઓ જૂનો છે. ઈજિપ્તની નામશેષ થઈ ગયેલી સંસ્કૃતિઓથી લઈ હજારો વર્ષોથી અવિરત ધબકતી આપણી હિન્દુ સંસ્કૃતિમાં રંગોને એક આગવું સ્થાન આપવામાં આવ્યું છે. અને આ કારણે જ માનવ સંસ્કૃતિમાં રંગ અને જીવન સદીઓથી એકબીજાના પર્યાય રહ્યા છે. રંગો જ ન હોય તો વળી જીવન કેવું ને વાત કેવી? રંગો વિનાના જીવનની જરા કલ્પના તો કરી જુઓ. મગજમાં રંગો વિનાનું એકાદ દૃશ્ય પણ આકાર નહીં લે એ વાત શરત મારીને કહી શકાય એવી છે. યાદ રહે કે, બેરંગીયતનો પણ એક રંગ હોય છે.
આજે વર્ષ દરમિયાન લાખો લોકો ઇજિપ્ત સંસ્કૃતિના પુરાતન પિરામિડ જોવા માટે જાય છે. આ પિરામિડ પર દોરાયેલા તેમના દેવી દેવતાઓનાં ચિત્રો અને તેના રંગો આજે 3000 વર્ષો પછી પણ અકબંધ છે. અત્યંત મર્યાદિત સાધનો હોવા છતાં પણ રંગોની બનાવટમાં તે લોકોએ કઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરેલો એ વાત હજુય સંશોધનનો વિષય બની રહી છે. ઇજિપ્તના લોકો માટે એમ કહેવાય છે કે, તેમના જીવનમાં કાળો, સફેદ, લાલ, પીળો, ભૂરો અને લીલો એમ છ રંગોનું ઘણું મહત્ત્વ હતું. આ બધા રંગોનો તેઓ જીવન, મૃત્યુ, પવિત્રતા અને ધર્મના વિવિધ પ્રતીક તરીકે ઉપયોગ કરતા હતા. કેટલાકનું તો એમ પણ કહેવું છે કે તેઓ તેમના ઈશ્વરની કલ્પના પણ વિવિધ રંગોમાં કરતા!
ઈજિપ્તની જેમ જ ઉત્તર અમેરિકાની નેટિવ અમેરિકન્સ સંસ્કૃતિ પણ ઘણી જૂની છે. આ પ્રજાતિઓની શોધ થઈ ત્યારે અહીંના જુદા જુદા વિસ્તારોમાં પથરાયેલી તમામ આદિવાસી (રેડ ઈન્ડિયન) પ્રજાતિઓમાં જો કોઈ એક બાબતની સામ્યતા હોય તો એ રંગો હતા. સંશોધકોને આ આદિમ જાતિઓના જીવનમાં કુદરતની સાથોસાથ રંગોનું પણ ઘણું મહત્ત્વ જોવા મળ્યું હતું. આ રંગો એટલે તેમના રંગીન પહેરવેશ કે ઝૂંપડાની દીવાલો પરના રંગીન ચિત્રો તો ખરા જ, પરંતુ તેમની પૌરાણિક અને લોકકથાઓ કે માન્યતાઓમાં પણ પ્રતીકરૂપે રંગો જ રંગો જોવા મળ્યા! ત્યાંની શેરોકી નામની એક આદિજાતિએ તો પૃથ્વીના ચાર છેડાઓની કલ્પના પણ રંગોથી જ કરેલી. જેમકે, ઉત્તર દિશા એટલે ભૂરો રંગ, દક્ષિણ એટલે સફેદ, પૂર્વનો રંગ લાલ અને પશ્ચિમનો રંગ કાળો. આ ઉપરાંત પણ તેઓ વિવિધ ઋતુઓ અને વાતાવરણનું નિરૂપણ પણ રંગોથી કરતા.
આપણા પાડોશી દેશ ચીનમાં આજે સર્વત્ર લાલ રંગનું વધારે મહત્ત્વ જણાય છે. ચીની નવા વર્ષના દિવસે ત્યાંની એક એક ગલી, મહોલ્લો કે બજાર લાલ રંગ ધારણ કરી લે છે. પરંતુ પ્રાચીન ચીનમાં લાલ કરતા પીળા રંગનું મહત્ત્વ વધુ હતું. કારણકે એ સમયના લોકો માટે પીળો રંગ એ પૃથ્વી, ધરતીનો રંગ એટલે કે જીવન માટેનો રંગ હતો. પ્રાચીન ચીનના લોકો એવી માન્યતા ધરાવતા કે તેમની આસપાસની તમામ વસ્તુઓ પાણી, અગ્નિ, લાકડુ, ધાતુ અને પૃથ્વી એમ પાંચ તત્ત્વોની બની છે. આ તમામ તત્ત્વો માટે તેમણે અનુક્રમે કાળો, લાલ, લીલો/ભૂરો, સફેદ અને પીળો એમ પાંચ રંગો નક્કી કર્યા હતા અને તેમની સમગ્ર જીવનશૈલી આ પાંચ રંગોની આસપાસ જ ઘૂમતી રહેતી.
પરંપરાગત રીતે સાવ નોખા અને રાજકીય રીતે પણ થોડા આડા અને અતડા ચીનના જ એક ભાગ એવા તિબેટના બૌદ્ધ ધર્મીઓ પણ તેમના ધર્મ અને જીવનમાં 'પંચવર્ણમ' એટલે કે પાંચ રંગોને મહત્ત્વ આપે છે. તેમણે ભૂરા અને કાળાને એક જ રંગ ગણી સફેદ, લીલો, લાલ અને પીળા રંગને તેમની કથાઓ અને રોજબરોજના જીવનમાં વણી લીધા છે. તેઓ માને છે કે જ્યારે કોઈ સાધુ નિર્વાણ પામે છે ત્યારે પૃથ્વીના તમામ તત્ત્વો આ પાંચ રંગના મેઘધનુષ્યમાં પરિવર્તિત થઈ જઈને આંખો આગળ પ્રકાશિત થઈ જાય છે. તો આપણે હિન્દુ ધર્મમાં પણ હોળી-ધુળેટી ઉપરાંત વિવિધ તહેવારોમાં સીધી અથવા આડકતરી રીતે રંગોને મહત્ત્વ આપીએ છીએ. અરે, દિવાળીમાં તો સાથિયો જ અનેક રંગોનો હોય છે.
આમ, આ બધા રંગો સ્પર્શી કે જોઈ શકાતા બાહ્ય પરિવેશ સાથે જ નહીં પણ સદીઓથી આપણી આંતરિક ચેતના, આપણી માન્યતાઓ અને શ્રદ્ધા સાથે પણ સંબંધ ધરાવે છે. રંગો માનવજાતની શરૂઆત અને આપણા ઈતિહાસ સાથ પણ સંકળાયેલા છે. કદાચ એટલે પણ આપણે આ ઉત્સવ ઊજવીએ છીએ! રંગો વિનાના જીવન કે આપણી પૃથ્વીની કલ્પના પણ નથી કરી શકાતી. રંગોનું પોતાનું આગવું કોઈ દર્શનશાસ્ત્ર નથી, પરંતુ દુનિયાના તમામ દર્શનશાસ્ત્રો રંગોની વાત વિના અધૂરા છે એ તમે માર્ક કર્યું છે? ધુળેટીની રંગભરી શુભકામનાઓ…
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર