ઘસાઈને ઊજળાં થઈએ
ડેનિયલ ડેફોની જાણીતી વાર્તામાં રોબિન્સન ક્રુઝો કોઈ અજાણ્યા ટાપુ પર સાવ એકલો હોય છે. આ પૃથ્વી પર ધર્મનો ઉદ્દભવ થયો તે માટે ‘બીજો માણસ’ જવાબદાર છે. બીજો માણસ છે, તો ધર્મ છે. બીજા માણસ સાથે કેવો વ્યવહાર કરવો યોગ્ય ગણાય? ધર્મ આ પ્રશ્નનો જવાબ આપે છે. માનવજાત ધર્મ વગર ટકી ન શકે. અન્ય મનુષ્યનો ખ્યાલ રાખીને જીવવાની વાત ધર્મના પાયામાં રહેલી છે. ‘રામચરિતમાનસ’માં તુલસીદાસ સાચું કહે છે :
પરહિત સરિસ ધરમ નહીં ભાઈ,
પરપીડા સમ નહીં અધમાઈ.
સદીઓથી ધર્મ સાથે બે શબ્દો જોડાયેલા રહ્યા છે : પાપ અને પુણ્ય. બંનેનો સંબંધ મનુષ્યનાં કર્મો સાથે રહેલો છે. પુણ્ય માટે सुकृत શબ્દ પ્રયોજાયો છે. જે કર્મ યોગ્ય રીતે કરેલું હોય તે સુકૃત કહેવાય. યોગ્ય રીતે થયેલા સુકર્મનો કરનારો પુણ્યશાળી (સુકૃતિન્) કહેવાય. સુકૃત એટલે પુણ્ય અને દુષ્કૃત એટલે પાપ. માણસ જો વિવેકપૂર્વક પોતાનાં કર્મોને સખણાં રાખે તો એનું જીવન જળવાઈ જાય. સાર્થક જીવન એટલે યોગ્ય કર્મોથી ભર્યુંભર્યું પુણ્યમય જીવન. બધો આધાર આપણાં કર્મોની ગુણવત્તા પર રહેલો છે. ‘વિદૂરનીતિ’માં પાપ અને પુણ્યની વાત જોડાજોડ કરવામાં આવી છે. કહે છે :
પાપં પ્રજ્ઞાં નાશયતિ ક્રિયમાણાં પુનઃ પુનઃ ।
નષ્ટપ્રાજ્ઞ: પાપમેવ નિત્યમારભતે નર: ।।
‘વારંવાર પાપ કરનારની વિવેકબુદ્ધિ નાશ પામે છે. જેની વિવેકબુદ્ધિ નાશ પામે તે માણસ સદા પાપ જ કર્યે રાખે છે.’
પુણ્યં પ્રજ્ઞાં વર્ધયતિ ક્રિયમાણં પુનઃ પુનઃ ।
વૃદ્ધપ્રજ્ઞઃ પુણ્યમેવ નિત્યમારભતે નરઃ ।।
‘નિરંતર પુણ્ય કરનારની વિવેકબુદ્ધિ વધે છે અને વિવેકબુદ્ધિની વૃદ્ધિ જેનામાં થઈ હોય એવો માણસ સદા પુણ્ય જ કર્યે રાખે છે.’
ભ્રષ્ટાચાર કરનારાઓ, રુશવતખોરો અને અન્યને રોળવીને પુષ્કળ ધન એકઠું કરનારાઓને પોતે કરેલાં પાપોના મારણ તરીકે દાન-પુણ્ય કરવાનો અભરખો જાગે તેમાં વાહવાહ કરવા જેવું નથી. એવું બને તેમાં તો અંદર કનડતી પાપગ્રંથિનો હાહાકાર વરતાય છે. સમાજમાં કેટલાય દાતાઓ એવા હોય છે, જેમનું દાન પરિશુદ્ધ હોતું નથી. પાપ કંઈ એસિડ નથી કે એમાં થોડુંક પુણ્યરૂપી આલ્કલી ઉમેરવાથી પાપનું શમન (ન્યૂટ્રલાઈઝેશન) થાય. મહાભારતમાં કહ્યું છે : ‘જેમ હજારો ગાયમાંથી વાછરડું પોતાની માતાને શોધી લે છે, તેમ પૂર્વે કરેલાં કર્મ પોતાના કર્તાને શોધી લે છે.’
આપણા જેવા સામાન્ય માણસો માટે ફળની કામના વિનાનો કર્મયોગ થોડોક મુશ્કેલ ગણાય, પરંતુ જો कर्मलय પ્રાપ્ત થાય તો સદ્દકાર્યને પણ સહજદીક્ષા પ્રાપ્ત થાય. ‘વિદૂરનીતિ’માં કહ્યું છે : ‘દિવસ દરમિયાન એવું કર્મ કરવું જોઈએ કે જેથી રાતે સુખેથી ઊંઘી શકાય. જીવનભર માણસે એવાં કર્મો કરવાં જોઈએ, જેથી સુખેથી મરી શકાય.’ સદ્દકર્મ સુખદાયક છે, એ વાત ખાસ પાકી કરવાની છે. પુણ્ય માટે ઘેલાં કાઢવાની કે ઘાંઘા થવાની જરૂર નથી. સદ્દકર્મ સુખદાયક હોય તો એ કરવામાં આપણો ‘ખરો સ્વાર્થ’ રહેલો છે. તો પછી દુષ્કર્મ શા માટે કરવું? દુષ્કર્મ દુઃખદાયક જ હોય છે. આવી વિવેકબુદ્ધિ ખીલે તો જ પુણ્યાનુભૂતિનો પ્રસાદ પ્રાપ્ત થાય.
સાધુ એટલે સદાચરણી મનુષ્ય. સંસાર છોડનાર આપોઆપ ‘સાધુ’ ગણાવા લાગે તે યોગ્ય નથી. જે સજ્જન છે, સદ્દગુણી છે અને સદાચારી છે, તે ગૃહસ્થી પણ साधु છે. બધો આધાર મનુષ્યના કર્મ પર રહેલો છે. પોતાને ભાગે આવેલું કર્મ પૂરેપૂરી નિષ્ઠાથી પાર પાડવામાં સાધુતા રહેલી છે. સાધુતાનો ખરો સંબંધ ભગવા ગણવેશ સાથે નથી. સદ્દકર્મમાં ઓતપ્રોત થવું અને ફળની આકાંક્ષા રાખ્યા વગર તે કર્મને ન્યાય આપવો, એ આપણો स्वधर्म છે. સ્વધર્મનું સૌંદર્ય માર્ટિન લ્યૂથર કિંગ (જુનયિર)ના શબ્દોમાં પ્રગટ થાય છે :
જો કોઈ માણસ
ફળિયાનો ઝાડુવાળો હોય તો તેણે
માઇકલ એન્જેલો ચિત્રકામ કરે તે રીતે,
બીથોવન સંગીતરચના કરે તે રીતે,
કે પછી
શેક્સપિયર કવિતા રચે તે રીતે
ફળિયામાં એટલી સુંદર રીતે
ઝાડુ વડે સફાઈકામ કરવું જોઈએ,
કે પૃથ્વી અને સ્વર્ગના નિવાસીઓ
થોભી જઈને એવું કહેવા પ્રેરાય કે :
અહીં એક એવો મહાન ઝાડુવાળો રહેતો હતો,
જે પોતાનું કામ સુંદર રીતે કરતો હતો.
આપણું કન્ડિશનિંગ (અભિસંધાન) એટલું તો થીજી ગયું છે કે આવા પુણ્યશાળી અને સ્વધર્મનિષ્ઠ ઝાડુવાળાને ‘સાધુ’ કહેવામાં આપણને થોડીક તકલીફ થાય છે. આવો ઝાડુવાળો દાન-પુણ્ય ન કરે તેથી શો ફરક પડે? એનું સમગ્ર જીવન પુણ્યની વ્યાખ્યા જેવું છે. પુણ્યાનુભૂતિ એનો સ્થાયીભાવ હોવાનો. આવું પુણ્ય, પાપના શમન માટેની પ્રતિક્રિયા ન ગણાય. ગાંધીજી આવા ઝાડુવાળાને જરૂર ‘સાધુ’ કહે.
મહાભારતમાં વ્યાસજીએ પાપ અને પુણ્યનો મર્મ સમજાવ્યો છે :
શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તં ગ્રંથકોટિભિઃ ।
પરોપકાર: પુણ્યાય પાપાય પરપીડનમ્ ।।
વ્યાસજી કહે છે : ‘જે વાત કરોડો ગ્રંથોમાં કહેલી છે તે વાત હું તમને અર્ધા શ્લોકમાં કહી દઉં છું : પરોપકાર કરવામાં પુણ્ય છે અને અન્યને પીડા પહોંચાડવામાં પાપ છે.’ પુણ્ય માટે ફાંફાં નથી મારવાનાં. જ્યાં જરૂર પડે ત્યાં સહજપણે અન્ય માટે કશુંક કરી છૂટવાની તૈયારી ભલે રહેતી. પૂજ્ય રવિશંકર મહારાજ કહી ગયા છે : ‘ઘસાઈને ઊજળાં થઈએ.’
(લેખકઃ ગુણવંત શાહ)
('ભગવાનની ટપાલ' પુસ્તકમાંથી સાભાર)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર