અકરાંતિયા સામે મધલાળ
ચૂંટણીઓ આવે છે અને આટલા બધા પક્ષોના પ્રતિનિધિઓ અને એથીયે વધારે અપક્ષ ઉમેદવારો તેમાં ઝંપલાવે છે. એ બધાનો ઉદ્દેશ પ્રજાની સેવા કરવાનો છે. એવી ભ્રમણા હવે ભાગ્યે જ કોઈના મનમાં રહી હશે. નાનું કે મોટું સત્તાનું કોઈપણ પદ મેળવવા દોટ મૂકનારા એ અકરાંતિયાઓની નજર સામે મધલાળ તો છે સત્તાની સાથે મળતી સંપત્તિની, સગવડોની અને વિશેષાધિકારોની.
આ દેશની લોકસભાના 545 સભ્યો છે. રાજ્યસભાના 250 છે અને રાજ્યોનાં વિધાનગૃહોના મળીને બીજા 4,500 જેટલા સભ્યો છે. એ બધાને જે ભાડાંભથ્થાં-પગારોને સવલતો સાંપડે છે તે આકાશના તારાની જેમ ગણ્યાં ગણાય નહીં એટલાં બધાં છે, અને હજી તેમાં ઉમેરો થતો જ જાય છે.
સંસદના સભ્યોને ઠરાવેલો માસિક પગાર મળે છે, દૈનિક ભથ્થું મળે છે. મતવિસ્તારનું જૂદું ભથ્થું મળે છે. ઑફિસ-ભથ્થું મળે છે. પત્રવ્યવહાર-ભથ્થું મળે છે. સંસદમાં તેમજ તેની વિવિધ સમિતિઓની બેઠકોમાં હાજરી આપવા માટે પ્રવાસ-ભથ્થું મળે છે. રહેણાકની સગવડો મળે છે, આરોગ્યની સવલતો મળે છે. વાહન-ખરીદી માટે લોન મળે છે, આવકવેરામાં રાહત મળે છે. વિદેશી હૂંડિયામણ મળે છે, સરકારી પાસપોર્ટ મળે છે. દેશમાં ને વિદેશમાં મુસાફરીઓ કરવાના હક મળે છે. આ બધાં ભથ્થાં-સવલતો પાછળ સરકાર કેટલાં નાણાં ખરચે છે તેનો આંકડો માંડવો સહેલો નથી. પણ એટલું જરૂર કહી શકાય કે દરેક સભ્ય પાછળ દર મહિને ઘણા ઘણા લાખ રૂપિયા ખરચાતા હશે.
આ ઉપરાંત એમને જે બીજા વિશેષાધિકારો મળે છે તે હવે જોઈએ. એકાદ વરસ માટે પણ જે કોઈ વ્યક્તિ સંસદ-સભ્ય રહી ચૂકી હોય, તેને આખી જિંદગી સુધી પેન્શન મળે છે. આ પેન્શન રાજ્યોનાં વિધાનગૃહોના સભ્યોને પણ લાગુ પાડવામાં આવ્યું છે. આ રીતે આજીવન પેન્શન આપવા સામે દેશની સર્વોચ્ચ અદાલત સમક્ષ ‘કોમન કોઝ’ નામની દિલ્હીની સંસ્થાએ ફરિયાદ દાખલ કરેલી, તેને નવ વરસથી વધુ સમય વીતી ગયો છે. એમની દલીલ એવી છે કે સંસદ-સભ્યોને પગાર આપવાનું બંધારણે ઠરાવેલું છે. પરંતુ ધારાગૃહોના સભ્યોને પેન્શન આપવાની જોગવાઈ બંધારણમાં ક્યાંય નથી. પેન્શન આપવાનું, જ્યાં યોગ્ય જણાયું ત્યાં બંધારણમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે જ.
આ ફરિયાદ સર્વોચ્ચ અદાલતના જે ન્યાયમૂર્તિઓએ સાંભળી, તેમને લાગ્યું કે આમાં તો બંધારણના અર્થઘટનનો સવાલ આવે છે. એટલે અદાલતની બંધારણ-બેન્ચને તે ફરિયાદ મોકલી આપી. પણ આટલાં બધાં વરસો સુધી બંધારણ બેંચ સમક્ષ તેનો વારો આવ્યો નથી. દરમિયાન, જે હજારો લોકો ક્યારેય પણ મધ્યસ્થ કે રાજ્યોનાં ધારાગૃહોના સભ્ય હતા તે લહેરથી પોતાનાં પેન્શનો મેળવતા રહે છે.
સંસદમાં એકાદ વરસ પણ જે રહ્યા હોય તે તમામને જિંદગીભર રેલવેમાં મફત મુસાફરી કરવાના પાસ 1992થી આપવામાં આવેલા છે. આ મુસાફરી આખા ભારતમાં ગમે તેટલી વાર પહેલા કે વાતાનુકૂલીત વર્ગના શયન ડબ્બામાં કરી શકાય છે અને એક સાથીદારને પણ બીજા વર્ગમાં મફત લઈ જવાની છૂટ મળે છે. તે માટે દલીલ એવી કરવામાં આવી હતી કે પોતે સાંસદ મટી જાય પછી પણ જાહેર જીવનમાં સક્રિય ભાગ લેવાનું તેઓ ચાલુ રાખી શકે એ માટે આ સવલતોની તેમને જરૂર છે. આ બાબત સામે અલ્લાહાબાદની વરિષ્ઠ અદાલતમાં ફરિયાદ કરવામાં આવી, એટલે સરકારે તે અંગે વટહુકમ બહાર પાડીને અદાલતી કાર્યવાહીમાં છીંડું પાડ્યું. હવે એ વટહુકમ સામે પણ સર્વોચ્ચ અદાલતમાં દાદ માગવામાં આવી છે.
સંસદની બેઠકોમાં ભાગ લેવા ઉપરાંતના પ્રવાસો માટે પણ સંસદ-સભ્યોએ વિમાન-સફરની ખાસ સવલતો આપવામાં આવી છે. દરેક સાંસદ, એક સાથીદારને લઈને, વરસમાં 32 મફત હવાઈ સફરો કરી શકે છે.
દરેક સંસદ-સભ્યને ત્રણ ટેલિફોન રાખવાનો અધિકાર મળેલો છે : દિલ્હીમાં તેના ઘરે, ઑફિસે અને તેના મતવિસ્તારમાં. આ દરેક ટેલિફોન પરથી વરસના 50,000 કોલ મફત કરી શકાય છે. વરસના 50,000 કોલ એટલે એમાંના દરેક ટેલિફોન પરથી રોજના 100થી વધુ કોલ - ગમે તેટલા લાંબા સમય સુધી કરી શકાય.
‘મતવિસ્તાર વિકાસ ફંડ યોજના’ થોડાં વરસ પર દાખલ કરવામાં આવી છે તે મુજબ દરેક સાંસદને એકએક કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા. જેમાંથી એ વિસ્તારના વિકાસ માટે પોતાને ઠીક લાગે તે કાર્યક્રમો એ ચલાવી શકે. પાછળથી એ રકમ વધારીને વરસના બે-બે કરોડની કરવામાં આવી હતી. અને હવે તે ચાર કરોડ સુધી લઈ જવાની માગણી થઈ રહી છે. આટલી ગંજાવર રકમો જરૂરી વિકાસકામોમાં જ વપરાય છે અને વેડફાતી નથી તે માટે કોઈ ખાતરી નથી હોતી.
ઉપર જણાવેલી ‘કોમન કોઝ’ સંસ્થાએ આ બાબત પર સર્વોચ્ચ અદાલત પાસે ધા નાખી છે, કારણ કે આવી યોજના તો ચોખ્ખેચોખ્ખી પક્ષપાતી ગણાય. ચાલુ સંસદ-સભ્યને પોતાના મતવિસ્તારમાં વાપરવા માટે આવી જંગી રકમ ફાળવાય તેથી, આવતી ચૂંટણીમાં તેની સામે ઊભા રહેનારા બીજા ઉમેદવારો કરતાં એ વધુ સબળો બને છે. આ ફરિયાદ પણ સર્વોચ્ચ અદાલત સમક્ષ હજી પડેલી છે.
વળી જુદાં જુદાં રાજ્યો વધુ ને વધુ વિશાળ મંત્રીમંડળો રચવા માંડ્યા છે, તે પણ મોટી ચિંતાનો વિષય છે. ઉત્તર પ્રદેશમાં એ કાફલો 92 સુધી પહોંચ્યો છે, બિહારમાં 82 ઉપર. આટલાં બધાં ફુગાવેલાં મંત્રીમંડળોમાં પણ જેમનો સમાવેશ થઈ શકે નહીં એવા શાસકપક્ષના ધારાસભ્યો માટે સરકારનાં ઔદ્યોગિક કે બીજા સાહસોનો ધૂમ ઉપયોગ કરવામાં આવે છે.
એક યા બીજા પ્રકારના ગુનાઓમાં જે સંડોવાયેલા હોય એવા વધુ ને વધુ લોકો ચૂંટણીમાં જીતવા લાગ્યા છે. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરનારાં રાજ્યોનાં વિધાનગૃહોના મત ખરીદાતા હોવાની વાતો ખુલ્લેઆમ થાય છે. વિવિધ રાજકીય પક્ષો મોટા મોટા કેટલાય બંગલાઓ બંધાવીને બેઠા છે અને વીજળી-પાણી વગેરેની સગવડો માટે ભાડાં ભરવાની કશી જ પરવા એ કરતા નથી. ચૂંટાયેલા સભ્યોને મળતી વિમાન-સફર સહિતની પ્રવાસ-સવલતોનો ઘોર દુરુપયોગ થઈ રહ્યો છે. કેટલાક કિસ્સામાં તો ભારતીય વિમાન દળનાં વિમાનોનો પણ પ્રધાનો સુદ્ધાંએ નફ્ફટપણે અંગત ગેરઉપયોગ કરેલો છે અને તેનાં ભાડાંની થતી લાખોની રકમો ચૂકવી નથી.
આપણા ચૂંટેલા પ્રતિનિધિઓ, જે પગારભથ્થાં ને સવલતો મેળવે છે તે અંગે સ્પષ્ટ ને જાહેર ખુલાસા પ્રજા માગે તેવો સમય હવે આવી પહોંચ્યો છે. પોતાને મળેલ સત્તા અને વિશેષાધિકારોનો દુરુપયોગ તેઓ ન કરે તે માટે એક વ્યાપક આચારસંહિતા લાગુ પાડવાનો કાળ પણ હવે પાકી ગયો છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર