સરદાર : ન ભૂતો ન ભવિષ્યતિ

31 Oct, 2015
03:28 PM

mamta ashok

PC:

એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેર (31-10-1875)

સરદાર પટેલનો જન્મદિવસ. ખરેખર? સરદારના જ શબ્દોમાં કહું તો, 'જનમ ક્યારે થયો એ તો હવે ગામડામાં કોણ યાદ રાખે? આ તો મેટ્રિકની પરીક્ષામાં જનમતારીખ માગી એટલે મનમાં જે આવી એ લખી દીધી. બાકી સાચો જન્મદિવસ તો હરિને ખબર.'

જેની સાચી જન્મતારીખ કોઈને ખબર નથી, એવી એક અજોડ વ્યક્તિ અખંડ ભારતનું બેનમૂન નિર્માણ કરી ગઈ. શ્રી અરવિંદે સરદાર પટેલ વિશે લખ્યું છે કે, 'વિભૂતિઓ આમ જ જન્મ લેતી હોય છે. સરદાર ખાદીધારી ફકીર છે. એમની સાદગી, નિ:સ્પૃહતા, દેશદાઝ અને પ્રામાણિકતાની તોલે હિન્દુસ્તાનનો બીજો કોઈ નેતા આવી શકે એમ નથી.'

સરદારની આજે 140મી જન્મજયંતી જ્યારે આપણે મનાવી રહ્યા છે ત્યારે એક વિચાર તો આવે જ છે કે, સરદાર પટેલ પછી એક પણ રાજપુરુષ ભારતને નથી મળ્યો જેમણે સ્વહિતની પરવા કર્યા સિવાય દેશહિતમાં નિર્ણયો લીધા હોય.

આપણે સૌ સરદારને અખંડ ભારતનાં શિલ્પી અને લોહપુરુષ તરીકે તો ઓળખીએ જ છીએ. 'ભારતના બિસ્માર્ક' કહેવું એ સરદારનું અપમાન છે, કારણકે બિસ્માર્કના કાર્ય આગળ સરદાર સાહેબનું કાર્ય એટલું મહાન છે કે એમાં કોઈ તુલના જ નહીં થઈ શકે. પણ આપણામાંથી ઘણા ઓછાને ખબર છે કે ભારતનું બંધારણ ઘડવામાં સૌથી મહત્ત્વનો ફાળો સરદાર વલ્લભભાઈ પટેલનો છે. ભારતનાં બંધારણમાં સમાવિષ્ટ પ્રત્યેક કલમ સરદાર સાહેબની મંજૂરીથી જ બંધારણમાં સમાવિષ્ટ છે. બંધારણસભાનો રેકોર્ડ અને એની પ્રત્યેક વિગતો લોકસભાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે, એ જોતા સ્પષ્ટ જણાય છે કે, બંધારણસભાની લગભગ પ્રત્યેક ચર્ચામાં સરદાર હાજર રહ્યા છે.

વર્ષ 1931થી સરદાર સાહેબના હાથમાં મૂળભૂત કોંગ્રેસની કમાન આવી, અહિંસક લડત અને ગ્રામોદ્ધારનાં પાયા સરદારે મજબૂત કર્યા, વર્ષ1947 પહેલાં ભારત તરફથી સૌપ્રથમ ભાગલા સ્વીકારનારા સરદાર સાહેબ હતા, આઝાદી પછી સમગ્ર ભારતને એક કરી ભારત ગણરાજ્ય રચવાનું અશક્ય અને અકલ્પનીય કાર્ય
સરદાર સાહેબે કર્યું અને ભારતના બંધારણની રચના દરમિયાન સમગ્ર બાબત પર એમની નજર હતી. ગૃહમંત્રી તરીકે દેશમાં ભાગલા પછી જે હિંસક વાતાવરણ સર્જાયું હતું એને વ્યવસ્થિત કરવાનું કાર્ય પણ સરદાર સાહેબે જ કર્યું.

આપણે રોજ બૂમાબૂમ કરીએ છીએ, 'સરદાર સાથે અન્યાય થયો, ગાંધીજીએ એમને પ્રથમ વડાપ્રધાન નહીં થવા દીધા... સરદાર દેશના પ્રથમ વડાપ્રધાન હોત તો આમ થાત અને તેમ થાત.' પણ સાડા ત્રણ વર્ષની સરદાર સાહેબની કામગીરી જુઓ અને પછી વાત કરો. લગભગ વર્ષ 1938થી જ સરદારને આંતરડામાં અલ્સર હતું. એક સમય તો એવો પણ આવ્યો કે, સરદારની હાલત જોઈને બધાને સતત એક ધ્રાસ્કો રહેતો કે, સરદાર જીવશે કે કેમ? આ બધાની વચ્ચે સરદાર જીવ્યા, ત્યારબાદ સૌથી મોટો આઘાત એ ગાંધીજીની હત્યા. બાપુની હત્યા પછી સરદારને બે વખત હાર્ટ એટેક આવ્યા અને એમાંથી ભારતનાં સદનસીબે સરદારસાહેબ હેમખેમ ઊગરી ગયા. જે વ્યક્તિ આવી નાદુરસ્ત તબિયત અને અગણિત મનોવ્યથા વચ્ચે પણ સ્થિતપ્રજ્ઞ રહીને સદીઓનું કામ કરી ગયા એ વડાપ્રધાન હોય કે નહીં હોય શું ફરક પડે?

સરદાર સાહેબ જે ખુરશી પર બેસે એ ખુરશી વડાપ્રધાનની જ થઈ જતી હતી એવા તો અગણિત પ્રસંગો છે. શરૂઆત કરીએ તો પહેલા તો ભારતના ભાગલા. 'દેશ વર્ગવિગ્રહમાં ધકેલાઈ જાય એના કરતાં તો દેશનું વિભાજન થઈ જાય એ જ વધુ યોગ્ય છે.' -સરદારનું આવું માનવું હતું. (આજે સરદારના નામે કેટલાક અસામાજિક તત્ત્વો દેશને વર્ગવિગ્રહ તરફ ધકેલી રહ્યા છે.) ગાંધીજી, નહેરુ અને સમગ્ર કોંગ્રેસને ભાગલા માટે મનાવવાનું કાર્ય સરદાર સાહેબે કર્યું.

ત્યારબાદ હૈદરાબાદની વાત કરીએ તો રાતે બે વાગ્યા સુધી ગવર્નર જનરલ હાઉસમાં (અત્યારનાં રાષ્ટ્રપતિ ભવનમાં) હૈદરાબાદ વિશે ચર્ચાઓ ચાલી, પણ બેઠકમાં કોઈ જ નિર્ણય લેવાયો નહીં. બીજા દિવસે સવારે સાડા છ વાગે ફરી બેઠક મળી. પંડિત નહેરુએ ચર્ચા શરુ કરી ત્યાં જ સરદાર બોલ્યા કે, 'ચર્ચા રહેવા દો, રાત્રે જ લશ્કરી કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. થોડા સમયમાં હૈદરાબાદ આપણી પાસે હશે.' આ સાંભળી નહેરુ અકળાઈને બોલ્યા કે, 'તમે આમ કાર્યવાહી કેમ કરી શકો?' સરદારે અત્યંત શાંતિથી જવાબ આપ્યો, 'રાતે લશ્કરને મોકલવું જ પડે એવી ગંભીર સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. અને તમારી ઊંઘમાં ખલેલ પાડવાનું મને યોગ્ય લાગ્યું નહીં.' હજી વાત કરું તો નહેરુની ઈચ્છા હતી કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજાજી બને, પણ સરદારે ડૉ. રાજેન્દ્રપસાદને બનાવ્યા. સ્વતંત્રતા અને ગાંધીજીના મૃત્યુ બાદ કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી થઈ. સમગ્ર દેશ જાણતો હતો કે ખરેખર એ સરદાર અને નહેરુની ચૂંટણી છે. નહેરુ ઈચ્છતા હતા કે કૃપાલાની પ્રમુખ બને અને સરદારનું દૃઢ માનવું હતું કે એ પરિસ્થિતિમાં પુરુષોત્તમદાસ ટંડન જ કોંગ્રેસ પ્રમુખ માટે યોગ્ય છે. ચૂંટણી થઈ અને ટંડન જ જીત્યા.

સરદાર સાહેબે જે ધાર્યું એ જ કર્યું, જ્યાં સુધી તેઓ જીવ્યા ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનાં અધિષ્ઠાતા બની રહ્યા. એમની મંજૂરી વિના કોંગ્રેસમાં એક પણ નિર્ણય લેવાયા નથી. સરકારમાં નહેરુ જ્યારે સરદારની ના હોવા છતાં ધરાર પોતાની મરજીનું કરવા ગયા છે ત્યાં ત્યાં માઠા પરિણામો ભોગવ્યા છે. કાશ્મીર એનું જીવંત ઉદાહરણ છે. યુનોમાં કાશ્મીરનો પ્રશ્ન લઈ જવાની જાહેરાત જ્યારે નહેરુએ કરી ત્યારે સરદાર આઘાત પામ્યા અને પછી એટલું જ બોલ્યા, 'પંડિતજી ઊનામાં ગયા છે, હવે ટાઢા થઈને આવશે.'

શું આ આપખુદશાહી હતી? શું આ એકચક્રી શાસન હતું?

ઉત્તર છે ના, સહેજ પણ નહીં. સરદાર સાહેબ હિન્દુસ્તાનની રગ રગથી વાકેફ હતા. અને એટલે એમણે જે કોઈ નિર્ણયો લીધા એ ફક્ત આ દેશનાં હિતમાં લીધા હતા. અને કદાચ એટલે જ એમના પ્રત્યેક નિર્ણયો સર્વમાન્ય હતા.

સરદાર વલ્લભભાઈ પટેલ એટલે, જેમણે પોતાનું સર્વસ્વ હોમીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. ચાર જોડ ખાદીનાં ધોતિયાં અને કફની, બે બંડી અને એક તરફથી દાંડી તૂટી ગઈ હતી એવા ચશ્માં..! ક્યારેય મળશે આવું વ્યક્તિત્વ કદી?

ઉત્તર છે: ન ભૂતો ન ભવિષ્યતિ.

 

સીમાચિહ્ન:

'એક વાર સાંભળ્યું મેં આતમાનું,
એ પછી એ વચ્ચે વારંવાર બોલ્યો.'

-અજ્ઞાત

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.