માતૃભાષાનો દુરાગ્રહ સ્વીકાર્ય નથી

21 Feb, 2016
12:04 AM

mamta ashok

PC:

મને એવા લેખકો કે કવિઓ પ્રત્યે સખત ચીઢ છે, જેઓ ગામ આખાને કહેતા ફરતા હોય કે, ‘હું ગુજરાતી ભાષાની સેવા કરવા લખું છું.’ ચીઢની સાથોસાથ મને આવા બબૂચકોની નાદાનિયત અને એમના ભ્રમ પર દયા પણ આવે છે. કારણ કે, ગુજરાતી ભાષા ક્યારેય કોઈની સેવાની મોહતાજ નથી રહી અને એટલે જ મારા સહિતના કેટલાય બબૂચકો ગુજરાતીમાં નહીં લખતા હોત તો પણ ગુજરાતી ભાષાના ગઢમાંથી કાંકરીય ખરી ન હોત.

ગુજરાતી તો માર્કેટમાં માછલી વેચવા બૂમ પાડતી માછણની ભાષા છે, ડાયરો જમાવતા ચારણની ભાષા છે, ચોતરાની ભાષા છે, ચબૂતરાની ભાષા છે, ખેતરના શેઢે સરસરતા પવનની ભાષા છે, ગીરના જંગલોમાં મર્દાનગીથી વિહરતી, દક્ષિણની વનરાજીમાં મહેકતી, અરબી સાગરમાં હિલ્લોળા લેતી ભાષા છે, આંદોલનો વખતે નારામાં ગુંજતી ભાષા છે, શહેરોના મોલમાં મહાલતી, રસ્તાઓ પરની ભીડની અને મલ્ટીપ્લેક્સની સ્ક્રીન પર ફરી ધબકતી થયેલી ભાષા છે. હાથમાં મોંઘી હેન્ડબેગ લઈને વિમાનો ઊડાઊડ કરતી, મુંબઈ-લંડન-ન્યુયોર્કની મેટ્રોમાં ચહલપહલ કરતી ભાષા છે, મુંબઈના તખતાના સંવાદોમાં ગરજતી, ફેસબુક પરના સારા-નરસા પ્રતિભાવોમાં ઝળકતી અને દિલ્હીની ગાદી પર તખ્તનશીન થયેલી ભાષા છે. એટલે જ કહ્યું કે, ગુજરાતી ભાષા ક્યારેય કોઈની મોહતાજ રહી નથી. ફેસબુકની લાઈક્સ અને કમેન્ટ્સમાં છબછબિયાં કરતા લેખકોને આ ભાષાની સેવા કરવા વાળી બોગસ વાત કરવાનો કોઈ હક નથી. ગુજરાતી ભાષાને કોઈ વાંધો જ નથી આવ્યો ત્યાં એને બચાવવાની અને એની સેવા કરવાની લપ હમણાથી શું કામ માંડી?

હા, એ વાત સ્વીકારવી રહી કે, અંગ્રેજી માધ્યમના શિક્ષણના વધેલા ચલણને કારણે નવી ગુજરાતી પેઢી માતૃભાષાનું શિક્ષણ મેળવતી નથી અને આ કારણે ગુજરાતી બાળકો દુનિયાભરના રસપ્રદ વિષયો એમની માતૃભાષામાં શીખી શકતા નથી. આ બાબતે અનેક લેખકો, કેળવણીકારો કે ભાષાવિદો ગુજરાતી ભાષાની બાબતે ચિંતા સેવી રહ્યા છે. પરંતુ માતૃભાષામાં શિક્ષણ નહીં મળે તો આવનારા દાયકાઓમાં ભાષા નષ્ટ થઈ જશે એવું કહેવું અનુચિત છે.

એ વાત ડંકાની ચોટે કહી શકાય કે, દુનિયાનો છેલ્લો ગુજરાતી જ્યાં સુધી પૃથ્વી પર જીવતો રહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષા જીવતી રહેશે. એવું બની શકે કે, દુનિયાનો એ ગુજરાતી મુંબઈ, કેનેડા, લંડન કે ટ્રાન્સવાલમાં વસતો હોઈ શકે. પરંતુ કામ-ધંધા માટે માતૃભૂમિ છોડી શકતો ગુજરાતી ક્યારેય એની માતૃભાષા સાથેનો નાતો તોડી શકતો નથી. દાયકાઓથી અમેરિકામાં વસી ગયેલા ગુજરાતીને આજે પણ સપનાં ગુજરાતીમાં આવે છે અને એ હસે કે રડે ત્યારે એના મોંમાંથી નીકળતો ઉદ્ગાર ગુજરાતીમાં જ હોય છે. કારણ કે, એના અભ્યાસક્રમાં ભલે ગુજરાતી નહીં હોય, પરંતુ ડ્રોઈંગરૂમ અને દિલમાં હંમેશાં ગુજરાતી જ ધબકતી રહે છે અને જે વ્યક્તિને એના ડ્રોઈંગરૂમમાં પણ ગુજરાતી બોલવામાં નાનમ અનુભવાતી હોય તો એનું ડીએનએ ચોક્કસ જ ગુજરાતી નહીં હોય.

કેટલાક વિવેચકો, લેખકો, અખબારના તંત્રીઓ કે અધ્યાપકો બોલાતી કે લખાતી ગુજરાતીમાં અંગ્રેજી, હિન્દી કે ઉર્દૂના શબ્દોનો પ્રયોગ થાય ત્યારે મોઢા દિવેલિયા કરીને પોતાની બોદી વિદ્ધત્તાને પંપાળે છે. આવા પંડિતો માટે ચંદ્રકાન્ત બક્ષી શ્રેષ્ઠ ઉદાહરણ છે. બક્ષીની નવલકથાઓના વાક્યોનો ધ્યાનથી અભ્યાસ કરીએ તો એમ પણ બની શકે કે, એમાં ગુજરાતી કરતા ઉર્દૂ-હિન્દી-અંગ્રેજી શબ્દો વધુ હોય, પણ છતાંય ગુજરાતી પ્રજાએ આ લેખકને ‘દિલફેંક’ પ્રેમ કર્યો અને બક્ષીના અવસાન વખતે હિન્દી-અંગ્રેજી અખબારોમાં ‘ગુજરાતી ભાષાના લેખકનું અવસાન થયું’ એવા રિપોર્ટ છપાયેલા. કોઈએ એમને હિન્દી-ઉર્દૂના લેખક તરીકે ઓળખાવેલા નહીં!

ઓશો કહેતા એમ અંગ્રેજી ભાષાને વિશ્વભરમાં સહર્ષ સ્વીકારાઈ એની પાછળનું કારણ માત્ર એક જ છે કે, આ ભાષા સતત ઉત્ક્રાંતિ કરતી રહે છે, જે દર વર્ષે વિશ્વની અનેક ભાષાઓના શબ્દો સત્તાવાર સ્વીકારીને સતત અપડેટ થતી રહે છે. બીજી તરફ આપણા કેટલાક શબ્દકોશમાં હજુ પણ મેજ શબ્દના સર્વસ્વીકૃત અર્થ ‘ટેબલ’ને અવતરણ ચિહ્ન (ઈન્વર્ટેડ કોમા)માં દર્શાવાય છે.

ભાષામાં આવતા બદલાવો કે એમાં સ્વીકારાતા બીજી ભાષાના શબ્દો એ સતત પરિવર્તિત થતાં રહેતા સમયના પ્રતીક છે, જેમ આજે આપણે માથે ગાંધી ટોપી કે ધોતિયું નથી પહેરતા બિલકુલ એ જ રીતના પ્રતીકો! આવા પ્રયોગો થવા છતાં પણ, ભાષાને ઊની આંચ નથી આવતી બલ્કે એ વધુ સરળ અને ચલણી બને છે, એટલે બોલાતી કે લખાતી ભાષામાં ફ્યુઝન થાય તો ડાચું દિવેલિયુ કરવાની જરૂર નથી.

રહી વાત માતૃભાષામાં શિક્ષણ આપવાની તો, બાળકો માતૃભાષામાં શિક્ષણ લે તો વેલ એન્ડ ગુડ અને નહીં પણ લે તો એમાં કોઈ વાંધો નથી. બાળક જો અંગ્રેજી માધ્યમમાં ભણતું હોય તો, માતા-પિતા થોડી વધુ તકેદારી રાખીને બાળકોને ગુજરાતીના સંસર્ગમાં રાખી જ શકે છે. રામાયણ-મહાભારતની વાર્તાઓ હોય કે અન્ય કોઈ પણ બાળવાર્તાઓ હોય, એ વાર્તાઓ જો બાળકોને ગુજરાતીમાં કહેવામાં આવે તો એનાથી રૂડું કશું નથી. સાથે જ સંતાનને અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનો જેટલો આગ્રહ રાખવામાં આવે ત્યારે બીજો પણ એક આગ્રહ રાખવાનો કે, બાળકની સ્કૂલમાં ગુજરાતીનો વિષય ફરજિયાત હોવો જોઈએ. એ પણ હાયસેકન્ડરી સુધી, માત્ર પ્રાથમિક ધોરણો પૂરતું નહીં!

અંગ્રેજીની નાહકની ચિંતા કરવામાં કેટલાક પેરેન્ટ્સ ઘરમાં પણ બાળક સાથે અંગ્રેજીમાં બોલવાનો પ્રયત્ન કરતા હોય છે અને પછી, ‘ચાલ દીકરા, સિટ ડાઉન થઈ જા.’ કે ‘લેગ્સ સરખા વાળ.’ કે ‘હેન્ડ વોશ કર્યા વિના ઈટ કરવાનું નથી.’ જેવી સાવ વાહિયાત ભાષા બોલીને અંગ્રેજીની પણ પત્તર ઠોકતા હોય છે. આગળ કહ્યું એમ ઘરમાં ગુજરાતી બોલીએ તો આપણું સંતાન ન તો અભણ રહી જાય કે ન તો એ બીજા બાળકોથી પાછળ રહી જાય. આ ઉપરાંત સંતાન થોડું મોટું થાય તો એની સાથે ગુજરાતીમાં લખાતા પુસ્તકો- નવલકથાઓ કે ક્લાસિક કૃતિઓ વિશે ચર્ચા કરી શકાય અથવા તમે ગુજરાતીમાં કંઈક સારું વાંચ્યું હોય તો એને પણ એ વાંચવા સજેસ્ટ કરી શકાય.

બાકી, બોલાતી ભાષાઓને ક્યારેય કોઈ વાંધો આવતો નથી. તો જ ગુજરાતી, મરાઠી કે બંગાળી જેવી ભાષાઓની જેમ મારવાડી, હરિયાણવી કે ભોજપુરી જેવી બોલીઓ પણ અત્યંત પ્રચલિત છે અને લોકોને એ બોલીઓ પ્રત્યે અત્યંત અહોભાવ છે. માતૃભાષા પ્રત્યેનો આગ્રહ હંમેશાં સ્વીકાર્ય છે, પરંતુ માતૃભાષા પ્રત્યેનો દુરાગ્રહ ક્યારેય સ્વીકાર્ય નથી. સાથે જ માતૃભાષા વિષયક ખોટી ચિંતાઓ કરવાની પણ જરૂર નથી. એને ક્યારેય કોઈ વાંધો આવતો નથી, વાંધો ત્યારે જ આવે છે, જ્યારે આપણે ભાષામાં આવતા પરિવર્તનો સ્વીકારવા તૈયાર થતાં નથી. બાકી,માને તરછોડીને પારકી સ્ત્રીનું ધાવણ ધાવો છો કે, ગુજરાતી ભાષા સંકટમાં છે કે અંગ્રેજીને કારણે માતૃભાષાઓ નષ્ટ થઈ જશે એ બધી વાત બોગસ અને પાયા વગરની છે. જે સાહિત્યકારો, લેખકો, પત્રકારો કે વિવેચકો ભાષાની આટલી બધી ચિંતા કરે છે એમને કહો કે, પહેલા અમને ઢંગનું બાળસાહિત્ય આપો અને પછી ભાષાની ચિંતા કરો. બાકી, અમને તો અમારી ગુજરાતી પર માત્ર ગર્વ નહીં, પણ અભિમાન પણ છે. જય જય ગરવી ગુજરાતી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.