મુક્ત જીવનું મુક્તિ-વૃત્તાંત

12 Mar, 2016
12:05 AM

mamta ashok

PC:

ગયા સપ્તાહે આપણે વાર્તાકાર હિમાંશી શેલત અને એમના સાહિત્ય પ્રત્યેના મારા અહોભાવ વિશેની વાત કરી. આજે એમની આત્મકથા ‘મુક્તિ વૃત્તાંત’ વિશે થોડી વાતો કરીએ. પુસ્તક વાંચવાની શરૂઆત કરીએ એ પહેલા પુસ્તકના કવરપેજ અને પાછળના પાને તૈયાર કરાયેલા ચિત્રો વિશેષ ધ્યાન ખેંચે. એ અર્થસભર ચિત્રો સુરતના ખ્યાતનામ ચિત્રકાર સ્વ. જગદીપ સ્માર્તે તૈયાર કર્યા હતા. પુસ્તક અરુણોદય પ્રકાશને પ્રકાશિત કર્યું છે અને ચંદ્રમૌલિ શાહે પુસ્તકનો આકર્ષક લેઆઉટ તૈયાર કરવામાં એમનો જીવ રેડી દીધો છે.

લેખિકાનો જન્મ 1947માં થાય છે એટલે એમને રાશિ મુજબ હિમાંશી નામ મળે એ પહેલા ‘મુક્તિ’ નામ મળે છે. અને એ મુક્તિ જ્યારે પોતાનું આત્મકથન લખે ત્યારે પુસ્તકને નામ અપાય છે ‘મુક્તિ વૃત્તાંત’. સામાન્ય રીતે આત્મકથાઓ પહેલો પુરુષ એકવચનમાં લખાતી હોય છે, પરંતુ આ તો એક વાર્તાકારની આત્મકથા છે એટલે આત્મકથામાં સંવાદો પણ આવતા રહે છે.

આત્મકથાની શરૂઆત જ એક ઘટના અને ધારદાર સંવાદોથી થાય. સંવાદ પણ કોનો? ખૂદ મુક્તિ(હિમાંશી શેલત)નો એમની જાત સાથેનો! મુક્તિની જાત એને પ્રશ્ન કરે છે કે, ‘આખરે આ આત્મકથા લખવી છે કેમ? જાતને બાજઠ પર બેસાડવા માટે?’ ત્યારે મુક્તિ નકારમાં જવાબ આપે છે કે, ‘છેલ્લું છેલ્લું જોઈ લેવું છે કે કેટલાં પ્રામાણિક થઈ શકાય છે અને કેટલાં નિખાલસ! આ પણ એક પ્રકારનો બાર-ડાન્સ. બધાં જોતાં હોય ત્યારે અજવાળામાં ખુલ્લાં થઈને ઊભા રહેવાની તાકાત કેવીક છે, જોઈએ તો ખરાં!’

મુક્તિની વાત સાચી છે. આત્મકથા લખવું એ ખરેખર અઘરું અને પ્રામાણિકતા માગી લે એવું કામ છે. અહીં કશુંય ચોર્યા કે નહીં ગમતુંને છોડ્યા વિના પોતાની જાત અને જીવનનું મુલ્યાંકન રજૂ કરવાનું હોય છે, જેમાં કેટલીય વખત સાથે જીવેલા લોકો ઉઘાડા પડી જતાં હોય કે, તેઓ વિવાદમાં સપડાઈ જતાં હોય છે.

ઈનશોર્ટ આત્મકથા લખવા માટે જ જિગર જોઈએ જિગર! ઢીલપોચાનું આ કામ નહીં. અને આત્મકથા લખતી વખતે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે, ક્યાંક પોતાની જાતની ખોટી પ્રશંસા તો નથી થઈ રહીને? પોતાની જાતને મહાન ચીતરવાના અભરખામાં કેટલાય લોકો આત્મ-પ્રસશસ્તિમાં ગળાડૂબ થઈ ગયા હોવાના ઉદાહરણો આપણી પાસે પ્રાપ્ત છે જ ને?

ખૈર, ‘મુક્તિ વૃત્તાંત’ પર આવીએ. હિમાંશી શેલતનો પ્રાણી પ્રેમ કે અભાવમાં જીવતા માણસ માટેની એમની વેદના કે દુખીજનો માટેની એમની નિસ્બતના મૂળ એમના બાળપણમાં પડેલાં જોવા મળે છે. નાનપણમાં તેઓ સુરતના અઠવા લાઈન્સ પર રહેતા. આત્મકથામાં અઠવા લાઈન્સનું વર્ણન વાંચીએ તો આજે અઠવા લાઈન્સના પહોળા રોડ પરથી સડસડાટ પસાર થતો માણસ અઠવા લાઈન્સના એ વિસ્તારને ઓળખવાની ના કહી દે. દુકાનો, વહાનો કે માણસોની હિલચાલ સાવ જૂજ. તાપીથી થોડે વેગળે પથરાયેલા એ વિસ્તારમાં આવનજાવન માટે સાવ નાનો રસ્તો અને ચોમેર ઘેઘૂર વૃક્ષો. વૃક્ષોને ચાહતો માણસ તો નક્કી એ વર્ણનો વાંચીને ભીંતમાં માથા ઠોકવાનો કે, બાપા કયા વિકાસની આડમાં આટલા બધા વૃક્ષોનો જીવ લેવાયો?

હા, તો આપણે ક્યાં હતા? હિમાંશી શેલતની સામાજિક નિસ્બતના મૂળિયાં આપણે ખોળતા હતા. આત્મકથામાં બાળપણની બે ઘટનાઓ એમણે વર્ણવી છે, જેમાં માણસો અને પ્રાણીઓ પ્રત્યેના એમના લગાવનો તાળો મળી જશે. અઠવામાં એમના ઘરની આસપાસ શ્રમજીવીઓના કાચાંપાકાં ઘર અને એ ઘરમાં વસતા જણોની આપસી કકળાટ ત્યાંનો રોજિંદો ક્રમ. પણ એક રાત્રે એક નઘરોળે એની પત્ની ભાણીબેનને ઠેઠ ઘરની બહાર ઘસડી કાઢી અને એની સારી એવી ધોલધપાટ કરી.

રોજ નાનીમોટી ગાળ કે એકાદ-બે તમાચા ખાવા ટેવાયેલા ભાણીબેનથી એ ધોલધપાટ સહન નહીં થઈ એટલે એમણે ચીસાચીસ કરી અને એ ચીસો સાથે પાસેના ઘરમાં રહેતી અને બારીમાંથી એ દૃશ્યને જોઈ રહેલી એક નાનકડી છોકરીએ પણ ચીસાચીસ શરૂ કરી. છોકરીની ચીસથી એનું ઘર સફાળું જાગ્યું અને ચીસના કારણો જાણીને કારણ બાબતે પગલાં લેવાયા. એ છોકરી તે મુક્તિ અને એ સમયે મુક્તિની ઉંમર સાત-આઠેક કે એથીય નાની હશે. આ પ્રસંગ વર્ણવતા હિમાંશી શેલત લખે છે કે, ‘જે દુનિયામાં બાકીના વર્ષો ગાળવાના છે એ સંપૂર્ણ સલામત, સુંદર અને પ્રેમભર્યું સ્થાન નથી એ કાચીપાકી સમજનું બીજ એ રાતે રોપાયું હશે.’

બીજી એક ઘટનામાં નિશાળે જવા નિકળેલી નાનકડી મુક્તિ એક દૃશ્ય જોઈએ કકળી ઊઠે છે. એક તબેલાવાળાનો ઘોડો, ઘોડાગાડી સાથે બંધાવાની આનાકાની કરતો હતો એટલે ઘોડાવાળાએ ઘોડાને ફટકારવાની શરૂઆત કરી. માર ખાનારો ઘોડો સોટીના મારથી ચમકીને એનું દર્દ વ્યક્ત કરી રહ્યો હતો, પણ પેલો નપાવટ ઘોડાને મારવાનું બંધ નહોતો કરતો. ઘોડાનું દરદ જોઈને મુક્તિએ વળી ચીસાચીસ આદરી, જેના કારણે ઘરના લોકો વચ્ચે પડ્યાં અને ઘોડાને માર પાડવાનું બંધ કરાવીને એને શાંત પાડ્યો.

બંને કિસ્સા વિશે હિમાંશી શેલત લખે છે કે, ‘આ બંને દૃશ્યો તો સમેટાયાં, પણ એના ચાસ ઘણા ઊંડા. મારનાર અને માર ખાનાર, માલિક અને ગુલામ, શાસક અને શોષિત, એવા વહેંચાયેલા સંસારનો આ પહેલો પાઠ. પ્રાણીઓ બોલે નહીં તોયે એમના અધિકારો છે, આ પૃથ્વી એ સહુ આપણી સાથે વહેંચે છે. એમની સાથે ક્રૂર બની શકતો અથવા એમના પરત્વે લાપરવાહ બની શકતો માણસ નજરમાંથી હેઠો પડ્યો. પડ્યો એ પડ્યો, આજ સુધી એવું જ.’

આ જ આત્મકથામાં પાછળથી એક પ્રસંગ આવે છે, જે આ બે ઘટના જેટલો જ સંવેદનશીલ અને વિચાર પ્રેરક છે. સાથી વિનોદ મેઘાણી સાથે અબ્રામા-વલસાડ રહેવા આવ્યા પછી ‘સખ્ય’ (હિમાંશી શેલત અને વિનોદ મેઘાણીના ઘરનું નામ) અને ‘સખ્ય’ની આસપાસ એ બંનેએ સુંદર વૃક્ષો રોપેલા, પરંતુ ‘સખ્ય’ની આસપાસ વસતા લોકોને એ વૃક્ષો ફાવે નહીં. વૃક્ષો સાથેની એમની દુશ્મનાવટ એટલી જ કે, કાલ ઊઠીને આ વૃક્ષોએ એમની ઘટા વિસ્તારી તો એના મૂળિયાં એમના કમ્પાઉન્ડમાં ધસી આવશે!

આવું સાવ નજીવું કારણ લઈને એમની સોસાયટીના એક ભાઈ હિમાંશીબેન અને વિનોદભાઈ પાસે આવ્યા ત્યારે એમણે એ ભાઈને સમજાવેલા પણ ખરા કે, એવું કશું નહીં થાય તમે ચિંતા નહીં કરો. આશ્ચર્યની વાત એ હતી કે, જે ભાઈને વૃક્ષોનો ડર લાગી રહ્યો હતો એ ભાઈ પોતે સરકારના ખેતીવાડી વિભાગમાં ઉંચા હોદ્દાની નોકરી કરતા હતા! તેઓ હિમાંશીબેન અને વિનોદભાઈની વાત ન માન્યાં તે ન જ માન્યાં અને અઠવાડિયામાં જ મામલતદાર પાસે એન..સી લઈ આવ્યા.

કાયદેસરની પરવાનગી સાથે એ ભાઈ તો મંડ્યા સંહાર કરવા અને જોતજોતામાં એમણે છ વૃક્ષોને વાઢાવી કાઢ્યાં. માણસની આવી સ્વાર્થવૃત્તિથી ડઘાઈને હિમાંશીબેન અને વિનોદભાઈ શરૂઆતમાં તો ડઘાઈ ગયા પરંતુ પાછળથી વૃક્ષો કાપવાની નિયમાવલી લઈ આવીને મામલતદાર અને પેલા ભાઈને એ સોંપી અને કલેકટરને પણ ઘટના સ્થળે લઈ આવ્યા. સ્વાભાવિક રીતે જ થોડો ઠપકો મળવાને કારણે પેલા ભાઈને થોડું માઠું લાગ્યું હશે, એટલે એ ભાઈએ સાટું વાળવા એ વૃક્ષોને મૂળમાંથી જ કાપવાનું જ નક્કી કર્યું અને વૃક્ષો પર જલદ એસિડ છાંટ્યું.

શરૂઆતમાં તો હિમાંશીબેનને ખબર નહીં પડી, પરંતુ એસિડની તીવ્ર ગંધને કારણે આસપાસ તપાસ કરતા એમને ખબર પડી કે સામેના ગુલમહોરના થડ અને મૂળ પાસે કોઈએ સિફતથી એસિડ છાંટ્યું છે. આ કૃત્ય કોનું છે એ નક્કી કરતા એમને વાર ન લાગી અને એસિડના સેમ્પલ લઈને તેઓ બીજા જ દિવસે પોલીસ સ્ટેશને પહોંચ્યાં, જેનું પરિણામ એ આવ્યું કે, પેલા ખેતીવાડીવાળા અધિકારી પોતાની હરકતો કરતા અટકી ગયા અને પેલા છમાંના બે ગુલમહોર દર ઉનાળે એમના કેસરિયા ફૂલોની બિછાત પાથરે છે.

કોઈને એમ થઈ જાય કે, આ તો નર્યું ગાંડપણ કહેવાય. ઝાડવા-પાંદડાં માટે તે કંઈ આવી લમણાઝીંક કરવાની હોય? આવી દોડાદોડી તો કોઈ પોતાના સ્વજનો માટે પણ નહીં કરતું હોય. પણ વહાલા આ જ તો સાચા સર્જકની નિશાની છે, જેઓ માણસોની સાથોસાથ પ્રકૃતિ અને પ્રકૃતિના તમામ જીવો સાથે તાદાત્મ્ય કેળવીને એમની અલાયદી ભાષા વડે એ જીવોની વેદના-પીડા સમજી શકે.

મુક્તિ વૃત્તાંત’માં હિમાંશી શેલતે પ્રાણીઓ અને પ્રકૃતિ સાથેની એમની દોસ્તી કે એમના સંબંધ ઉપરાંત માણસો સાથેના એમના અનુભવો વિશેની અંતરંગ વાતોને પણ વર્ણવી છે. અંગ્રેજીના અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓ પ્રત્યેની એમની કર્તવ્યનિષ્ઠાથી લઈને, ગુજરાતના વિવિધ આંદોલનો, વર્ષ 1992 અને 2002ના કોમી છમકલા અને સુરતના પ્લેગ અને પૂર વિશેની વાતો કંઈક જૂદી રીતે રજૂ કરાઈ છે.

સમગ્ર આત્મકથામાં કોઈના પર પણ લેશમાત્ર દોષારોપણ નહીં કે નથી કોઈ પણ જાતની ફરિયાદ. જે છે એ છે સ્વીકાર! વિવિધ પરિસ્થિતિઓનો, જીવનમાં આવતા લોકોનો, અનેક પ્રાણીઓનો, સ્વજનોના મૃત્યુનો, વર્ષોથી ભેરુની જેમ સાથે રહેલા પ્રાણીઓની વિદાયનો અને વૃદ્ધત્વનો! જે માણસ સ્વીકારી શકતો હોય એ જ આવું હર્યુંભર્યું જીવન જીવી શકતો હોય એનું આ આત્મકથા શ્રેષ્ઠ ઉદાહરણ છે. વાંચનના શોખીનો, પ્રાણીપ્રેમીઓ અને પ્રકૃતિને ચાહનારાઓને આ આત્મકથા બળબળતા તાપમાં શાતા આપે એવી છે. વાંચવાનું ચૂકતા રખે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.