…જ્યાં અસ્તિત્વ એક થાય છે
અભંગ રીતે ભીતર રહેલી મમ્મી,
પ્રથમ તો ખૂબ વિચાર્યું કે તારા વિશે શું લખું? એક પછી એક દૃશ્યો મારી સમક્ષ તરવરતા હતા. ને હું વધુને વધુ બેચેન બનતી જતી હતી. કદાચ મારી આ પેનને આગળ લખવા માટે મારી આંગળીઓએ વધુ ધક્કા મારવા પડતા હતાં. મારા શબ્દોને આજે ખબર ન હતી કે તેમણે કઈ દિશામાં વહેવાનું છે. તેમનું ગંતવ્યસ્થાન પણ મારી જેમ એક ભેદી રહસ્ય સમાન જ હતું.
મમ્મી, હું શું લખું તારા વિશે? જોને આ રાત્રિના 12.30 વાગ્યા છે. સમગ્ર શહેર પોતાની સાથે પોતાના ગર્ભમાં આબોહવાને શ્વસીને જંપી ગયું છે. એકદમ નિરવતા. પણ કદાચ એ મને એના ગર્ભમાં સમાવી શક્યું નથી. દિવસભરના ઉચાટ પછી ઘેરાયેલી શાંતિએ મારા મનમાં એક વિચિત્ર કોલાહલ ઊભો કરી દીધો છે. ને મારું મન એક જ ઝાટકે એક તસવીરમાં કેદ થઈ ઊભું છે. એ તસવીરમાં રહેલો સંબંધ આજે આપણી સમક્ષ એટલો સૂક્ષ્મ છે ને એટલો જ અદૃશ્ય છતાં સતત અજોડ અને અવિચ્છિન્ન.
મમ્મી, મને ખબર નથી કે તું ક્યાં છે? તારી કહેવાતી મારા જીવનમાંથી થયેલી વિદાયની મને હજુ કળ વળી નથી. કદાચ મેં જીવનની ક્ષણભંગુરતાને ખૂબ નજીકથી જોઈ હતી. તારા અવસાન બાદ તારા નશ્વર દેહની જેમ નજીક આવતી ગઈ તેમ હું મારામાં વધુ ને વધુ ઊંડા પ્રશ્નાર્થોમાં ખૂંપાતી ગઈ. હું માની શકવા હજુ પણ સક્ષમ નથી કે પેલી જે તારી પોચી હથેળી મારા માથા પર સ્નેહથી ફરતી હતી તેનો મને હવે ક્યારેય સ્પર્શ થઈ શકશે કે કેમ? ને હું વધુ સજ્જડતાપૂર્વક તારા હાથને પકડી રાખતી હતી. તારા સ્પર્શે સ્પર્શે મારામાં જે સિંચન કર્યું હતું શું આ બધું બસ બે ઘડીના શોક પછી અદૃશ્ય થઈ જશે. હું તારા અગ્નિસંસ્કારની કલ્પનાથી કાંપી ઉઠતી હતી કારણકે જીવને મારી સમક્ષ એનો ખૂબ જ બિહામણો ચહેરો બતાવી દીધો હતો.
મમ્મી તને યાદ છે? એવો પ્રશ્ન હું તને નહીં કરું પણ યાદ તો મારે રાખવાનું છે ને હવે આ બધું, તારા શ્વાસ માનીને મારામાં...
મારી પાછળ ઓળઘોળ થઈ જતી મારી મમ્મી મને ઊની આંચ પણ ન આવવા દેતી, કદાચ અમારા બંનેના જીવનના આધારનું અસ્તિત્વ ઈશ્વરની નજરે ચડી ગયું હતું કે શું?
મારી દીકરી શિક્ષિત અને પગભર હોવી જોઈએ. આ એનું ધ્યેય મને મઠારવા પાછળ એણે એની જાત ઘસી નાખી. રાત્રે 3 થી 4 વાગ્યે મને વાંચવા ઉઠાડવા ઉજાગરા કરતી. સતત મને સ્વાવલંબી અને સ્વાશ્રયી થવાની પ્રેરણા આપતી મારી મા.
એણે જીવનના સંઘર્ષોને ખૂબ નજીકથી જોયાં હતાં... એ મારી મિત્ર હતી, જે મારા હૃદય ને આંખોની બધી વાત કળી જતી. હવે મમ્મી હું શું કરું....?
તેં તારી આંખોમાં સ્વપ્ન જોયાં હતાં. ને એને મારામાં હળવેકથી રોપ્યાં હતાં. ઉપરાંત મારી રસ, રુચિ અને આકાંક્ષાઓને પૂરી કરવાના સતત પ્રયત્નો તેં કર્યા હતાં... મને લાગતું કે એક દિવસ કદાચ એવો આવે કે હું તને કંઈક ખુશીઓ આપીને તારું મુખ હાસ્યથી છલોછલ કરી દઉં પણ આપણને ક્યાં ખબર કે આપણે બસ આટલા નજીક હોવા છતાં આમ સાવ દૂર દૂર જતાં રહીશું? તું આવી રીતે સંતાઈ જઈશ કે મને પછી સતત તારું પગેરું શોધવામાં ખૂંપાવી દઈશ?
તું મારી સમક્ષ નથી પણ મને સતત તારા ભણકારા કેમ વાગે છે? કદાચ ક્યાંકથી તું એમ જ હસતી-હસતી આવીને મને ભેટી પડીશ 'મારી ઈશાબેટા' કહીને.
હું હવે મૌન બની જાઉં છું મમ્મી, માતૃપ્રેમને લગતી કવિતાઓ હું નથી સાંભળી શકતી. પણ જોને મારી આ આંખોને અહીં બહુ રસ પડે છે ને લુચ્ચી વાત જાણી જતી હોય એમ છલકાઈ ઉઠે છે? શું એ અનરાધાર વર્ષા, મારા જીવનમાં હંમેશ માટે સમાપ્ત થઈ ગઈ મમ્મા? કદી મને કોઈ ક્ષણે એનો આમીછાંટણો નહીં પામવા મળે??
ઘણીવાર એમ લાગે છે કે તું મારી સાથે જ છે. તું બધું જ જોઈ રહી છે, દૂર બેઠી સાક્ષીભાવે કદાચ અત્યારે હું લખી રહી છું, એને પણ તું મારી બાલિશતા સમજી મને મીઠી રીતે ટપારતી હોય તેમ ભાસે છે. અને જોને આ પેને પણ મને તારી જેમ દગો દઈ દીધો… મમ્મી તારા પ્રેમાળ ખોળાની ખોટ મને બહુ તીવ્રતાથી સાલે છે. તું ફક્ત એકવાર આવી જા મારી પાસે હું મારી સઘળી ચિંતાઓ નેવે મૂકી એમાં પોઢવા માગું છું. પણ અરે...!!! આટલું અશક્ય જીવન !!!
હું પણ હાલ જીવું છું, શ્વાસને ઉચ્છવાસમાં મારો સમય ગતિ કરે છે. તારી રોગની પીડા અને મૃત્યુએ મને જીવનમાં ખૂબ મોટી ઠોકર આપી છે. એક એવો ઘાવ કે જે દુનિયાના કોઈ મલમથી મટવાનો નથી. હું ઉત્તર શોધવા મથું છું હવે... શું મારી અને સંસારના પ્રત્યેક જીવની આમ અણધારી વિદાયને ગતિ? સમય અનંત રીતે ચાલ્યા કરે છે જોને....
આ દિવસને રાત થાય છે, એની એ જ ચહલપહલ, એના એ જ અટવાતા સંબંધો, વહેવારો ને જીવનની ગૂંથણી મને વ્યગ્ર બનાવી દે છે. કેન્સર શબ્દ મારા માટે ખૂબ ભયંકર બની ગયો છે. એણે જે રીતે તને કારમી વેદના આપી છે 2 વર્ષ સુધીની ભયંકર તે હું મારા શબ્દમાં સમાવી નહીં શકું…
મારી મમ્મી જે એક શિક્ષિકા હતી, જેણે ઘર, સમાજ અને બાળકોની બેવડી જવાબદારીઓ કેટલી તાકાતપૂર્વક અદા કરી હતી એ ભોંય પડી ગઈ. આ રોગ આગળ, મારા કાન એના મોઢે બેટા શબ્દ સાંભળવા તરસતા હતાં. પણ તેના મુખમાંથી કંઈ જ સરતું ન હતું. શબ્દ વિનાના શ્વાસ અને નિઃશ્વાસ, એક સમયની મારી સિંહ જેવા હૃદયવાળી મમ્મી આજે પરવશ હતી..
મમ્મી, હું હવે ક્યાંથી લાવું તારું આ નવું સરનામું?? જીવાતા જીવન સાથે હું વહેતી જાઉં છું, પણ મને ખબર છે કે, હું ક્યાં ક્યાં અટકી જાઉં છું... આ લખ્યું છે તો તને કદાચ એની ભાળ મળે ને મારી પાસે આવતી રહે એવી ઘેલછામાં...!
તારી આંખોના સ્વપ્નોને ગતિ આપવાનો હંમેશાં પ્રયત્ન કરીશ. કેમ કે મારી મમ્મા કદીય હારી નથી, જીવનના અંતિમ પડાવ સુધી. તું મારા ધ્યેયથી અનેકગણી આગળ છે, ને તું હાલ પણ મને ત્યાં પહોંચવા પ્રેરે છે, એ તારા મૌન સંકેતનો મને આભાસ થાય છે. મમ્મી, આપણી વચ્ચે સ્થૂળ અસ્તિત્વની હાજરી ભલે ન રહી પણ તું મારામાં હયાત છે ને તારી આ દીકરીના શ્વાસ જીવંત છે, ત્યાં સુધી તું જીવંત છે. મારી આ પહેલા અચકાતી ને ખટકાતી કલમ હવે દોડવા માંડી કેમકે મેં તને મારામાં શોધી લીધી છે.
ભલે લોકો એમ કહેતાં હોય કે, પાણીમાં આંગળી ડૂબાળીને બહાર કાઢીએ એટલું અસ્તિત્વ હોય પણ એ આંગળીએ પાણી સાથે ઊંડાણપૂર્વક અનુભવેલું સાહચર્ય ને સ્પર્શ એ આંગળી અને પાણી માટે અલાયદા હોય છે અને તેને તે જ જાણે છે.
મમ્મી, તેં મને જે ગતિ આપી છે, તેમાં હુ મારી શક્તિ હશે ત્યાં સુધી અટકવાની નથી. કેમકે મારી મમ્મી અપરાજિતા છે ને હું તેને ક્યારેય હારવા નહીં દઉં. મને ખૂબ વસવસો છે કે હું મારા એમફીલના લઘુ શોધનિબંધને તારા હાથનો સ્પર્શ ન કરાવી શકી. તારી આંખોની ચમક હજુ મારી આંખોમાં છે, એ એમ ઝાંખી નહીં થાય, તું દિવંગત ભલે હો પણ, તું મારાં શ્વાસમાં છે, મારા શબ્દમાં છે... અંત સુધી...
આટલાં વર્ષોનો સહવાસ. સાહચર્યને મારા મૂળભૂત અસ્તિત્વની રચનાકાર તને હું કાગળ પર શબ્દોમાં સ્થાપું. મારું એવું ગજું ક્યાં? આ તો ફક્ત તારી અને મારી વચ્ચે રહેલા ડૂમાનો એક સંવાદ છે, જે ક્યાંક હૃદયમાં ધરબાઈ રહીને પડી રહ્યો છે. ક્યાંક...
એ પણ કદાચ આપણા મેળાપની રાહ જોતો હશેને? પણ મારા આંસુઓને મેં પરાજિત કર્યા છે, કેમકે મારી માતા સદાય હયાત છે. મારામાં એક-એક રોમમાં ને હસે છે. અંતરથી આશીર્વાદ આપતી સદા… તો તું દૂર ક્યાં છે? તને બસ આમ જ મળી લઉં છું ને કંઈક નવીન રીતે… નવા સરનામે....
ને ત્યાં જ હું તને તારા પ્રિય ગુલાબના ફૂલોનો ગુચ્છ ધરીને કહીશ...
હેપ્પી મધર્સ ડે મમ્મા....
લિ.
તારાને મારા વચ્ચેની કાચની દીવાલમાંથી તને જોતી ને તોડવા મથતી તારી દીકરી
- અદિતિ જે. પાઠક
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર