મસ્ત મૌલા મસ્ત કલંદર તૂ હવા કા એક બવન્ડર

08 Apr, 2016
12:06 AM

mamta ashok

PC:

વેદો પુરાણો વાંચનારાઓ કે વાતેવાતે કુરાન-બાઈબલના રેફ્રન્સ ટાંકનારાઓ કરતા મને દુનિયાભરની રખડપટ્ટી કરીને વિવિધ પ્રદેશો ખૂંદનારાઓ વધારે પંડિત લાગ્યા છે. કારણ કે, વેદિયાઓનું પાંડિત્ય એમની ભાષા અને એમની વાતો પૂરતું જ સીમિત રહી જતું હોય છે અને આચરણ તો પ્રાણીઓનેય શરમાવે એવું હોય છે! પરંતુ ભોમિયાઓ વેદો- ઉપનિષદોની વાતો કે કુરાન- બાઈબલના ઉપદેશો જીવી જાણતા હોય છે. તેઓ વિવિધ ધરા ખૂંદતા હોય છે, ભાતિગળ સંસ્કૃતિઓ માણતા હોય છે, પ્રકૃતિના વિવિધ રંગોને શ્વસતા હોય છે, જાતજાતના સ્વભાવ ધરાવતા માનવસમૂહોને મળતા હોય છે- એમની સમસ્યાઓ અને એમની યાતના-પીડાઓ કે એમની લાક્ષણિકતાથી પરિચિત થતાં હોય છે. કદાચ આ કારણે જ તેઓ માનવતાથી મહેકતા હોય છે અને એ મનસ્વી પ્રવાસીઓ અત્યંત મળતાવડા દિલસ્વી માણસો બની જતાં હોય છે.

બુદ્ધે પણ પ્રવાસ કરેલો, મહાવીર અને ગાંધીએ પણ પ્રવાસ કરેલો, અર્નેસ્ટો ચે ગુવેરા મોટરસાઈકલ પર રખડેલા અને અત્યંત તાજુ ઉદાહરણ એવા આપણા વડાપ્રધાન મોદીએ પણ એક સમયે હિમાલયની રખડપટ્ટી કરેલી જ ને? જાતની સમૃદ્ધિ માટે કરાયેલા કેટલાય પ્રવાસો સમાજની સમૃદ્ધિનું કારણ બન્યાં છે એવું હું નહીં પણ માનવ સંસ્કૃતિનો ઈતિહાસ છાપરે ચઢીને ગાઈ રહ્યો છે. ત્યારે વેકેશન પડે ત્યારે અનેક ઘરકૂકડીઓને અને બીજાના ડર કે કોઈની શરમે પોતાનું ગમતું નહીં કરતા લોકોને કહેવાનું મન થઈ આવે કે, બાપા, બીજાને માટે ના સહી, પણ પોતાના માટે તો ક્યાંક ફર. દૂર નહીં તો ક્યાંક નજીકમાં ફર, પણ ક્યાંક તો જા અને આજુબાજુ જે કંઈ જીવંત છે એને માણ તો ખરો… તું એ બધુ મહેસૂસ કરશે તો તને ખ્યાલ આવશે કે, આપણે માણસો તો માત્ર દોડીએ છીએ, પરંતુ વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ, આ ધરતી અને એની માટી કે દસે દિશામાં સરસરાતો પવન ખરેખર જીવે છે. કુદરતના એ બધાય તત્ત્વો કોના માટે જીવે છે એની તને ખબર છે? તારા માટે. માત્ર ને માત્ર તને આનંદ થાય એ માટે પહેલો વરસાદ પડે છે ત્યારે ધરતી મહેકી ઊઠે છે. તું આંખ મીંચીને ટાઢક અનુભવે અને હળવો થાય એ માટે પવન મહાલવા નીકળી પડે છે અને વાહનોના ઘોંઘાટથી તને રાહત મળે એ માટે વગડે પંખીઓ કલશોર કરે છે. પણ યાર, એક તું છે કે, આ બધાને ગણકારતો જ નથી. તને શોરની એવી આદત પડી ગઈ છે કે, કલશોર તને સદતો જ નથી! તને ખૂબ ગમશે આ બધું. અંતર સમૃદ્ધ લાગશે અને જીવન અમસ્તું જ હર્યુંભર્યું લાગશે. એક વાર ટ્રાય તો કર!

જોકે આવા અપ્રવાસીઓને અને ભલભલા ઘરકૂકડીઓને પણ પાનો ચડાવે એવો એક ભડવીર મને જડી ગયો છે એની સાથે વાતો કર્યા બાદ જ મને ઉપરનું જ્ઞાન લાધ્યું છે. ફેસબુક પર જડી ગયેલા એ પ્રવાસીનું નામ છે નકુલ શર્મા, જેણે થોડા વર્ષો પહેલા ટ્રાવેલિંગ શોખ ખાતર શરૂ કરેલું અને હવે તે પ્રોફેશનલ ટ્રાવેલર બની ગયો છે. પોતાની ફેસબુક પ્રોફાઈલમાં નકુલે લખ્યું છે કે, એ દિલ્હીનો રહેવાસી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, વર્ષ દરમિયાન આ ભાઈ એટલા બધા પ્રવાસો કરે છે કે, એ દિલ્હીમાં એટલે કે એના ઘરે વર્ષમાં માત્ર વીસ-પચ્ચીસ દિવસો જ ઠરીઠામ થઈને રહે છે.

પ્રવાસો કરતા રહેવાને કારણે નકુલને ફોટોગ્રાફીનો ચસકો લાગ્યો અને રખડપટ્ટીઓની સાથોસાથ ફોટોગ્રાફીનું શાસ્ત્ર પણ એ વિધિવત્ શીખ્યો, જેના કારણે પોતાના બાયોડેટામાં હવે તે પ્રોફેશનલ ફોટોગ્રાફર છે એવું પણ બોલ્ડ ફોન્ટ્સમાં લખે છે અને એણે ક્લિક કરેલી તસવીરોના પ્રદર્શનો પણ યોજાય છે અને સમયાંતરે વિવિધ ટ્રાવેલ મેગેઝિન્સ અને પુસ્તકોમાં ઉંચી માનરાશિ સાથે માનભેર સ્થાન મેળવે છે.

Untitled-7

ફેસબુક પર ‘ધ હિમાલય ક્લબ’ને નામે એક પબ્લિક ગ્રુપ છે. હિમાલય પ્રેમીઓએ તો પહેલી તકે એ ગ્રુપમાં એડ થઈ જવું, વિશાળ હિમાલયના વિવિધ સુંદર સ્થળો વિશેની જાણકારી તમને મળતી રહેશે અને વિવિધ ફોટોગ્રાફર્સે ક્લિક કરેલા હિમાલયના અદભુત ફોટોગ્રાફ્સ જોવાની તક મળશે એ નફામાં. નકુલ શર્મા આ જ ગ્રુપમાં એના ફોટોગ્રાફ્સ અને પ્રવાસો વિશેની વાતો પોસ્ટ કરતો રહેતો અને આપણે એની વાતો અને એના ફોટોગ્રાફ્સથી પ્રભાવિત થઈને એની સાથે ડિજિટલ ફ્રેન્ડશીપ કરેલી. (આગળ કહ્યુંને મને આવા અલગારીઓ બહુ આકર્ષે છે! એટલેસ્તો!

નકુલ શર્માને પ્રવાસ ગળથૂથીમાં મળેલો છે એમ તો નહીં કહી શકાય પરંતુ એના પિતાનો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ હતો ખરો. પ્રવાસો પ્રત્યેના લગાવ પાછળ કદાચ આ કારણ જવાબદાર હોઈ શકે. પોતાને પ્રવાસો ગમતા હતા એટલે એણે પ્રોફેશનલ ટ્રાવેલર બનવાનું નક્કી કર્યું અને આ કામ માટે નકુલ ફ્રાન્સની એક ટ્રાવેલ એજન્સી સાથે સંકળાયો. વર્ષમાં મે અને જૂન સિવાયના મહિનાઓમાં ફ્રાન્સથી ટ્રાવેલર્સના વિવિધ ગ્રુપ્સ આવતા હોય છે, જે ગ્રુપ્સને લઈને નકુલ દિલ્હીથી લદ્દાખ, હિમાચલ, ખજૂરાહો, રાજસ્થાન અને મુંબઈ તરફ નીકળી પડે છે.

વર્ષ દરમિયાન ટ્રાવેલર્સ ગ્રુપ્સને લઈને તે નીકળે છે ત્યારે પણ એ તેના પ્રવાસો એન્જોય કરે છે અને વિદેશી પક્ષીઓ સાથે મન ભરીને જલસા કરે છે અને ફોટોગ્રાફી પણ કરી લે છે. પરંતુ આ બધા કરતા પણ તેને વધુ આનંદ ત્યારે આવતો હોય છે, જ્યારે નકુલ પોતાની જાત માટે ફરતો હોય! વર્ષ દરમિયાન ટુરિસ્ટ સાથે ફરતો નકુલ મે-જૂનનો મહિનો કે વર્ષમાં ક્યારેક બીજા થોડા દિવસો માટે પણ તક મળે ત્યારે એકલો જ રખડવા માટે નીકળી પડે છે. એને સોલો ટ્રાવેલિંગ ખૂબ પસંદ છે અને આ વિશે એની માન્યતા એવી છે કે, આપણે જ્યારે બીજાઓ સાથે ફરતા હોઈએ છીએ ત્યારે ઘણી લિમિટેન્સ આવી જતી હોય છે. જ્યારે તમે કોઈ બીજી વ્યક્તિ સાથે કે આખી મંડળી સાથે પ્રવાસ કરતા હો છો ત્યારે તમે લોકો સાથે કનેક્ટ થઈ શકતા નથી કારણ કે, પ્રવાસના સમયે પણ તમે તમારી સાથેની બીજી વ્યક્તિ કે મંડણી સાથે રમમાણ હો છો અથવા એમની સાથે કોઈ વાતે લમણાઝીંક ચાલતી હોય છે. જેથી જે-તે સ્થળ અને ત્યાંના લોકો તાદાત્મ્ય સાધી શકાતું નથી. ત્યાંની ભાષા, એમની સંસ્કૃતિ, એમના ઈતિહાસ કે એમના ખોરાક સાથે ઐક્ય સાધી શકાતું નથી.

ઘણી વખત ટોળાંમાં પ્રવાસો થાય છે ત્યારે પ્રવાસીઓ કોઈ એક બાબતે ડિસિઝન લેવામાં પણ ગોથું ખાઇ જતાં હોય છે, પરંતુ માણસ એકલો પ્રવાસ કરતો હોય તો એ પોતે કિંગ હોય છે અને એને મન થાય એ પ્રકારનું ડિસિઝન લઈ શકે છે. આપણે ત્યાં સોલો ટ્રાવેલિંગનું ચલણ ઝાઝું નથી, પરંતુ આ રીતે ટ્રાવેલ કરવું જ જોઈએ.

પોતાની સંકુચિત દુનિયામાં ગોંધાઈ મરતા કે પૈસાની સગવડ હોવા છતાં માત્ર નોકરી-ધંધાની વ્યસ્તતાને કારણે ફરી નહીં શકતા લોકોને પણ પોતાના ટ્રાવેલિંગ દ્વારા પ્રેરણા મળી રહે અને લોકો પોતાના બંધિયાર જીવનથી મુક્તિ મેળવે એ માટે નકુલ એના પ્રવાસ માટે ‘job can wait but travel can’t’ની એક થીમ લઈને આવ્યો છે. એક જાતની ઉશ્કેરણી જ કહોને! ‘જૉબ કેન વેઈટ ટ્રાવેલ કાન્ટ’ની થીમ દ્વારા નકુલ યુવાનોને અને પ્રવાસનો શોખ ધરાવતા લોકોને સમજાવે છે કે, લાઇફમાં કામ અને જવાબદારીઓ જેટલી મહત્ત્વની છે એટલું જ મહત્ત્વનું પોતાની જાત માટે જીવવું અને પ્રવાસો કરવું. વર્ષ 2014થી નકુલ વિવિધ દેશોમાં ફરે છે અને ત્યાંથી ‘જૉબ કેન વેઈટ ટ્રાવેલ કાન્ટ’નું બોર્ડ લઈને ફેસબુક કે અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર પોતાના ફોટોગ્રાફ્સ અપલોડ કરે છે અને પોતાના અનુભવો અને જે-તે સ્થળોની ખાસિયતો વિશે બ્લોગ્સ લખે છે.

2014માં તે થાઈલેન્ડ, ફ્રાન્સ અને સ્પેનમાં ફરી આવેલો તો 2015માં તેણે કમ્બોડિયા, મ્યાનમાર અને વિયેટનામનો પ્રવાસ કર્યો. હવે વીસેક દિવસ પછી નકુલ ‘…ટ્રાવેલ કાન્ટ’ની થીમ હેઠળ યુરોપની ટુર પર જઈ રહ્યો છે, જ્યાં તેનો પહેલો પડાવ ફ્રાન્સ હશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ વખતની ટુર માટે નકુલે માત્ર તેની રિટર્ન ફ્લાઈટ ટિકિટ્સ જ બૂક કરાવી છે. બાકી નથી તો યુરોપમાં એણે ક્યાં ફરવું છે એ સ્થળો વિશેની ક્લેરિટી કે નથી તો એણે એની રહેવા જમવા માટેનું કોઈ બુકિંગ કરાવ્યું! મનમાં એક કાચો ડ્રાફ્ટ તૈયાર છે કે, આ વખતે જો બની શકે તો એણે ફ્રાન્સની સાથે ઈટલી, બેલ્જિયમ અને જર્મનીના વિવિધ સ્થળો જોવા છે અને ત્યાંની ધરા ખૂંદવી છે!

mm

આ વખતે ગાંઠના ગોપીચંદન નહીં થાય એ માટે નકુલે વિવિધ ટ્રાવેલ એજન્સી અને ટ્રાવેલ-ફોટોગ્રાફી મેગેઝિન્સને લખી જોયું, જેમને એ સારા ફોટોગ્રાફ્સ પણ ઉપલબ્ધ કરાવી આપે અને વિવિધ સ્થળો વિશેના ટ્રાવેલોગ પણ લખી આપે. પરંતુ અનેક પ્રયત્નો પછી પણ તેને કોઇ સ્પોન્સર નહીં મળ્યાં એટલે આખરે એ ગાંઠના ખર્ચીને જાત્રાએ જઈ રહ્યો છે. જોકે આ બે વર્ષના ગાળામાં એ દસ જેટલા દેશો ખૂંદી વળ્યો છે.

ભારતમાં પણ નકુલે કાશ્મીર, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ગોવા-મુંબઈ જેવા પ્રદેશોમાં ખૂબ પ્રવાસ કર્યો છે. આ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર અને બંગાળ જેવા રાજ્યોમાં પણ એક-બે પ્રવાસો કર્યા છે. ઈશાન ભારત અને દક્ષિણ ભારતમાં તેણે હજુ એક પણ પ્રવાસ નથી કર્યા, પરંતુ નજીકના ભવિષ્યમાં નકુલ આ પ્રદેશોમાં પણ પોતાનું ખાતું ખોલાવશે. જ્યારે પ્રવાસ નહીં કરતો હોય ત્યારે એ

વિવિધ સ્થળોએ ફોટોગ્રાફીના પ્રદર્શનો અને ફોટોગ્રાફીના વર્કશોપ્સ અને લેક્ચર્સમાં વ્યસ્ત રહે છે.
જોકે દિલ્હીમાં તેની મા રહેતી હોવાને કારણે દર પંદર-વીસ દિવસે તે એકાદ-બે દિવસ માટે દિલ્હી જઈ આવે છે અને મમ્મીના ખબર અંતર પૂછી આવે છે. દિલ્હીમાં એના ઘરે જો ત્રણ-ચાર દિવસ કે એથી વધુ રહેવાનું બને તો એ દિલ્હીના વિવિધ સ્થળોએ એકલો જ નીકળી જાય છે અને કલાકો સુધી વિવિધ પર્યટન સ્થળોએ બેસીને દિલ્હી આવેલા પ્રવાસીઓને નિહાળતો રહે છે. આવું કરવાની એની ટેવ માટે નકુલ કહે છે કે, એને લોકોને વાંચવાનું અને એમનો અભ્યાસ કરવાનું ખૂબ ગમે છે, જેના કારણે જ તે આવું કરે છે.

સતત પ્રવાસો કરતા રહેવાને એને જાતજાતની ભાષાઓ આવડે છે. લાઈફમાં કમ્ફર્ટ નામની એક બાબત આવે છે અને એ બાબત સાથે નકુલને કોઈ સંબંધ રહ્યો નથી. કારણ કે, પ્રવાસોમાં ક્યારેય કમ્ફર્ટ હોતી નથી અને એણે સતત રોજ નવા નવા પડકારોનો સામનો કરવો પડે છે. આપણા જેવા લોકો માટે ચાર દીવાલો અને માથે એક છત ધરાવતું એક મકાન ઘર છે ત્યારે નકુલના ઘરને કોઈ છત નથી કે નથી એના ઘરને કોઈ દીવાલો. તેના માટે તો આ જ દુનિયા ઘર છે.

પોતાના પ્રવાસોમાંથી એ શીખ્યો છે કે, સતત ફરતા રહેવાને કારણે કે વિવિધ વાતાવરણમાં રહેવાથી કે જાતજાતના લોકોને મળવાથી આપણામાં રહેલો ડર મીણની જેમ ઓગળી જાય છે અને આપણામાં કશુંક નવું કરવાનો અને કશુંક નક્કર કરવાનો આત્મવિશ્વાસ આવે છે. એ માને છે માણસ પાસે અગાધ ક્ષમતાઓ છે અને આપણે આજે આ દુનિયામાં જે કોઈ સગવડ ભોગવી રહ્યા છીએ એ સગવડ આપણી ક્ષમતાઓની જ ભેટ છે.

29 વર્ષનો આ યુવાન છેલ્લા કેટલાય વર્ષોથી સતત પ્રવાસો કરી રહ્યો છે અને સતત કંઈ ને કંઈ શીખી રહ્યો છે. એનું અનુભવ વિશ્વ કેટલું અગાધ હશે એ તો એ જ જાણે. નકુલ વિશે આપણે માત્ર એટલું જ કહી શકીએ કે, અઠવાડિયું બહાર ગયા હોઈએ તો જેમ આપણને હોમ સિકનેસ થાય એમ જો નકુલ લાગલગાટ અઠવાડિયું ઘરે રહે તો એને વર્લ્ડ સિકનેસ થઈ આવતી હશે. તો જ એ સતત દુનિયા ખૂંદતો રહે છે અને વિશ્વમાનવ બનીને વિવિધ પ્રદેશોની ધરાને આકંઠ પીતો રહે છે. છે ને મળવા જેવો માણસ?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.