લખવું એટલે જાતને, જીવનને સમજવાની-પામવાની મથામણ

12 Jan, 2017
02:52 PM

અંકિત દેસાઈ

PC: khabarchhe.com

લેખનની શરૂઆત ક્યારે કરી?

બહુ મોડી, લગભગ ૧૯૮૦ પછી. જ્યારે મારું થિસીસનું કામ પત્યું પછી મેં મારા લેખનની શરૂઆત કરી.

સર્જનનું માધ્યમ વાર્તા જ કેમ?

વાર્તા મને પહેલેથી જ બહું આકર્ષતી. મને પહેલેથી જ વાર્તાઓ વાંચવાનો ખૂબ શોખ હતો. હું જ્યારે ભણતી ત્યારે પણ ખૂબ અંગ્રેજી વાર્તાઓ વાંચતી. આમ, મારા એ શોખમાંથી જ મેં વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. જોકે હું વાર્તાઓ લખીશ જ એવો મને બહું ખ્યાલ ન હતો. વાર્તાઓ લખવી મને ઘણો મોટો પડકાર લાગતો કારણકે વાર્તામાં તમારે ખૂબ જ થોડાં પાનાઓમાં અને ઓછા શબ્દોમાં વાચકો આગળ તમારી વાત મૂકવાની હોય છે. આ આખી પ્રકિયા જ મને ખૂબ ગમતી. આથી મને જ્યારે લખવાનો વિચાર આવ્યો ત્યારે મેં વાર્તામાં જ વ્યકત થવાનું પસંદ કર્યું.

તમારા માટે વાર્તા એટલે શું?

મારા માટે વાર્તા એટલે હું જે સમયમાં જીવું છું એ સમયગાળાને પૂરોપૂરો સમજીને અને તેને આત્મસાત કરીને તેમાં જે કંઇ પણ બને છે તેને અનુભવીને પકડવાનો પ્રયત્ન કરવો. એટલેકે સાંપ્રતની કેટલીક ક્ષણોને પકડવાનો અને એ સંવેદનોને ભાવક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો. આમ, ભાષા દ્વારા કલાનાં ધોરણો સાચવીને તમારી સામાજિક નિસ્બતને વ્યક્ત કરવી એટલે વાર્તા. વાર્તા એ કેવળ ચબરાકી હોય તેની તરફેણમાં હું ક્યારેય રહીં નથી. પૂરી સ્માર્ટનેસથી કે ભાષાનાં ખેલથી સપાટી ઉપરનું લખાયેલુ હોય અને તેમાં કોઇ પણ સંવેદન વ્યકત ન થયું હોય એ બધું સાહિત્ય બહું લાંબા ગાળા સુધી ટકતું નથી. આમ, વાર્તા વાંચવાનો રસ સૂકાઇ જાય ત્યાં સુધીની સ્વરૂપની મથામણ અને ગોઠવણ કે ચબરાકીમાં હું માનતી નથી.

તમારી સર્જન પ્રકિયા વિશે થોડું જણાવશો?

આ વિશે જણાવવું થોડી અધરી વાત છે. પણ મને એક વાર વાર્તાનું બીજ મળે તો મને મળેલી તે કાચી સામગ્રીનું વાર્તામાં કેવી રીતે રૂપાંતર કરવું એ વાતમાં મને ખૂબ રસ પડે છે. મને કાચી સામગ્રી મળતાં જ હવે તેનું રૂપાંતર કેવી રીતે થશે કે કેવું થશે અને કલાત્મક થશે કે નબળું થશે તે અંગેનાં વિચારોમાં હું જોતરાઇ જાઉં છું. આ ઉપરાંત મને પાત્રોનું પણ ખૂબ આકર્ષણ. મારી મોટા ભાગની વાર્તાઓ પાત્રોમાંથી જ મળી છે. મને એક વાર પાત્ર મળે પછી તેની આસપાસ ગોઠવવા જેવી વસ્તુઓને હું ગોઠવી દઉં છું. જોકે હું માનું છું કે મારી વાર્તાનાં મૂળ તો બે તબક્કા છે એટલેકે હું સામાજિક કામ નહોતી કરતી તે પહેલો તબક્કો અને બીજો એ લોકોપછીનો તબક્કો એટલેકે હું સામાજિક કામો કરતી થઇ એ પછીનો તબક્કો. આ બે તબક્કા વચ્ચેનો ભેદ પણ તરત ખબર પડે એવો છે.

આપે હંમેશાં રઝળતા બાળકો અને મૂંગા પ્રાણીઓ માટે કામ કર્યું છે. શોષિતો અને નિરાશ્રિતો માટેની આ સંવેદનશીલતાનાં બીજ ક્યાંથી રોપાયાં?

હું ભણતીથી ત્યારથી જ. મારા ઘરનું વાતાવરણ ગાંધીવાદી હતું એટલે ઘરમાં ખૂબ જ સંવેદનશીલ વાતાવરણ હતું. ઉપરાંત મારી સ્કૂલ જીવનભારતીનું વાતાવરણ પણ એ માટે જવાબદાર રહ્યું. કારણકે, ત્યાં દર વર્ષે એક શ્રમ સપ્તાહનું આયોજન થતું, આ દરમિયાન અમે એક અઠવાડિયા સુધી વિવિધ સામાજિક કાર્યો કરતાં. એટલે કદાચ ત્યાંથી જ આ બીજ રોપાયા હશે. અને પ્રાણીઓ તો મને પહેલેથી જ બહું ગમતા. મને ક્યારેય કોઇ માણસ કોઇ પ્રાણીની હત્યા કરે અથવા તેને કનડે તે ક્યારેય ગમતું નથી. મને ક્યારેય પ્રાણીઓનો ભય નથી થયો. હું માનું છું કે અહીં આપણો જેટલો અધિકાર છે એટલો જ અધિકાર પ્રાણીઓનો પણ છે. એટલે કોઇ પ્રાણીઓને મારે અથવા મારી નાંખે એ બધું મને ખૂબ જ ત્રાસદાયી લાગ્યું છે. મને આ પૃથ્વી પર સૌથી ઉપદ્રવી પ્રાણી માણસ જ લાગ્યો છે, પ્રાણીઓનો તો કોઇ જ ઉપદ્રવ નથી.

પ્રાણીઓ અને બાળકો સાથેનાં અનુભવો કેવા રહ્યાં? એમની સાથેની ક્ષણોને વર્ણવી શકો?

બાળકો અને પ્રાણીઓની વૃત્તિ હંમેશા ઘણી સાફ હોય છે. મેંપ્લેટફોર્મ નં ૪માં તેમના વિશે કહ્યું છે કે મેં તેમને કંઇ જ આપ્યું નથી, તેમણે જ ઘણું બધું આપ્યું છે. હું બાળકો પાસેથી ઘણું બધું શીખી છું. તેમનાંમાં આનંદ મેળવાની અનહદ ક્ષમતાઓ રહેલી હોય છે. મેં મારી આસપાસનાં જે ભદ્ર વર્ગનાં લોકોને જોયાં છે તેમનાંમાં મને લાલસા સિવાય બીજું કંઇ દેખાયું નથી, તેમનામાં આનંદ મેળવવાની કોઇ ક્ષમતા જ નથીઆમ, બાળકોની અને પ્રાણીઓની સહજતા જ મને બહુ આકર્ષી છે આથી હું તેમનાં તરફ ઘણી ખેંચાઇ છું.

ટૂંકી વાર્તાઓમાં કથાની અદભુત ગૂંથણી કરતા હિમાંશી શેલતે નવલકથાઓ આંગળીને વેઢે ગણાય એટલી જ લખી છે. એનું કોઇ કારણ?

લાંબુ લખવાનું મને બહું નથી ફાવતું. નવલકથામાં કથાની જે ગૂંથણી કરવી જોઇએ એ દિશામાં મારી શક્તિઓ વળી નથી અથવા મારી એ શક્તિ છે પણ નહીં. ‘આઠમો રંગમેં અમૃતા શેરગીલ પ્રત્યેનાં અત્યંત પ્રેમને કારણે લખી. અમૃતાની વાત ટૂંકી વાર્તામાં મૂકી શકાય એમ પણ ન હતી આથી મેં નવલકથા લખી. અને આઘાતથી પીડાતા બાળપણ વિશે હું સતત અજંપ રહેતી અને આ વાત પણ ઓછા શબ્દોમાં કહીં શકાય એમ ન હતી, એટલે મેંસપ્તધારાલખી. મારી આ બન્ને નવલકથાઓથી મને બહુ સંતોષ નથી થયો. જોકે મેં લાંબી વાર્તાઓનાં (‘કાળા પતંગિયા અને ક્યારીમાં આકાશપુષ્ય’, ‘પંચવાયકા’, ‘ગર્ભગાથા’) પ્રયોગો કર્યાં છે, જેમાં મને લાગ્યું છે કે મેં સારું કામ કર્યું છે. આમ લાંબી વાર્તાઓ લખવી મને ફાવે છે પરંતુ નવલકથાનાં પોતને વણવાની મારામાં આવડત નથી.

વાર્તાનાં સ્વરૂપમાં કેવા બદલાવ આવ્યા છે? આ બદલાવો અંગે તમારું શું કહેવું છે?

ગુજરાતી સાહિત્યમાં વાર્તાઓ ઘણી સારી લખાય છે. આપણી મુશ્કેલી એ જ છે કે આપણી વાર્તાઓ બહાર ઓછી પહોંચે છે. આધુનિક વાર્તાની વાત કરીએ તો સુરેશ જોષીએ આપણને મનુષ્યની ચેતનાનાં વિશ્વમાં પ્રવેશ કરવાનું શીખવ્યું. ત્યારબાદ પણ વાર્તામાં જુદાં જુદાં તબક્કા આવ્યાં. પછી પરિસ્કૃત વાર્તાનો તબક્કો આવ્યો જેમાં લોકજીવન તરફ આપણે પાછા ફર્યા. ભાષાની દૃષ્ટિએ પણ તેમાં ઘણાં ફેરફારો થયાં. આ તમામ ફેરફારોનું આગવું મૂલ્ય છે. આજે દરેક જણ કોઇની અસર હેઠળ આવ્યાં વિનાં પોતાની પ્રતીતિથી વાર્તા લખે છે, જે આજની વાર્તાની સૌથી મોટી ફલશ્રુતિ છે.

તમને કયા પ્રકારનું વાંચન ગમે છે? તમારા પ્રિય સર્જકો અને પ્રિય પુસ્તકો ક્યાં?

આમ તો હું બધું જ વાંચુ. તો પણ ફિકશન અને આત્મકથાઓ સૌથી વધુ ગમે. મને ઉત્તમ કવિતાઓ પણ વાંચવી ગમે છે જોકે ગઝલોનો મને બહુ શોખ નથી. સાત્રનાં મિત્ર સિમોન દ બુવાની આત્મકથા મને અત્યંત પ્રિય છે. તેમની આત્મકથા વાંચ્યા પછી જ મને આત્મકથાઓ પ્રત્યે ખૂબ ખેંચાણ રહ્યું. ઉપરાંત નવલકથાઓ પણ વાંચવી ગમે છે. પરંતુ ગુજરાતીમાં મેં પ્રમાણમાં ઓછી નવલકથાઓ વાંચી છે કારણકે આપણે ત્યાં નવલકથામાં એટલું સંતોષકારક કામ નથી થયું. મારા પ્રિય વાર્તા સર્જક કેથરીન મેન્સફિલ્ડ છે જેમની વાર્તાઓ મને આજે પણ ખૂબ ગમે છે. ઉપરાંત મને મહાશ્વેતા દેવી, આશાપૂર્ણા દેવી, મનુ ભંડારી જેવાં પ્રાદેશિક સર્જકો પણ ઘણાં ગમ્યાં છે. તો ગુજરાતીમાં જયંત ખત્રીથી લઇ અત્યાર સુધીનાં વાર્તાકારોનું કંઇ ને કંઇ ગમ્યું છે.

વિનોદ મેઘાણી સાથે પરિચય કેવી રીતે થયો? તેમની સાથેની સફર કેવી રહી?

હું વિનોદ મેઘાણીને બહું મોડી મળી એટલેકે લગભગ ૧૯૯૫માં મળી. ચારેક મહિનાનાં પરિચય પછી અમે લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. ત્યારે હું નંદીગ્રામ સાથે સંકળાયેલી હતી એટલે મકરંદ ભાઇની સલાહથી 1995મા અમે રજિસ્ટર્ડ લગ્ન કરી લીધા. હું નંદીગ્રામની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હતી અને વિનોદ પણ મકરંદભાઇ સાથે સંકળાયેલા હતાં, આથી તેમની સાથે કામ થઇ શકે એ માટે તેમણે મુંબઇ છોડ્યું અને મેં સુરત છોડ્યું અને અમે બન્ને વલસાડ આવી ગયાં. તેમની સાથેની સફરની વાત કરું. અમે બન્ને અહીં બહું કામમાં રહેતાં. હું મારા કામોમાં વ્યસ્ત હતી તો તેઓ પણ સંપાદનોમાં અને અનુવાદોમાં રોકાયેલા રહેતાં. જોકે અમારું કામ ભાષાનું અને પુસ્તકોનું હતું એટલે એ રીતે અમને સાથે કામ કરવાની મજા પણ આવી. અમે સાથે મળીને બાપુજી(ઝવેરચંદ મેઘાણી)નાં બે પ્રોજેક્ટ્સ પર પણ કામ કર્યુ. આમ, અમારી સફર પ્રમાણમાં ઘણી સારી રહી. પરંતુ અમારી સફર બહુ ટૂંકી રહી અમને જો વધુ સમય મળ્યો હોત તો થોડું સારુ થાત, કારણકે કોઇ પણ સંબંધ માટે ચૌદ વર્ષનો ગાળો ઘણો ટૂંકો કહેવાય. આ ઘરમાં આવ્યા પછી અમે બન્નેએ અમારું મેજર વર્ક અહીં જ કર્યું.

વાંચન અને લેખન સિવાયનાં આપનાં કોઇ શોખ?

આમ તો વાંચન-લેખન મારું મૂળ કામ. પરંતુ ત્યાર પછીનું મારું કામ મારી સામાજિક નિસ્બત છે. મેં મારા જીવનનાં ઘણાં વર્ષો સામાજિક કામો માટે આપ્યાં છે. અને આ કામો મેં કોઇ સેવાનાં આશયથી નથી કર્યા. પણ આ કામો કરવા મને ગમે છે એટલે હું તે કરતી હતી.

આજની ગુજરાતી ટૂંકી વાર્તાઓ તમને કેવી લાગે છે? નવા વાર્તાકારોમાં કોને વાંચવા ગમે?

અત્યારની ગુજરાતી વાર્તા ચોક્ક્સ સારી જ છે. પણ છતાં ભાષાની એક કમનસીબી છે કે હાલમાં સાહિત્યનાં કોઇ પણ સ્વરૂપમાં ગજાનો યુવા સાહિત્યકાર મળવો મુશ્કેલ છે. હા, સારું લખવાની શક્યતા ધરાવતા એકાદ બે આપણને મળી આવે ખરા. આપણે ત્યાં રિસર્ચનાં કામોમાં ભરત મહેતા કે હેમંત દવે જેવાં માણસો મળી રહ્યાં છે પરંતુ કવિતા કે સાહિત્યનાં અન્ય સ્વરૂપોમાં ગજાનાં માણસો મળી રહેવા થોડાં  મુશ્કેલ છે. હા જોકે નીવડેલા વાર્તાકારો આપણી પાસે ઘણાં છે જેમાં મોહન પરમાર કે વિનેશ અંતાણી જેવાં વાર્તાકારોનો સમાવેશ કરી શકાય છે.

આજની પેઢીના વાચકો વિશે તમારું શું કહેવું છે? ગુજરાતીઓ પુસ્તકો ખરીદતા નથી અથવા વાંચતા નથી તેવી ફરિયાદ તમને કેટલી સાચી લાગે છે?

ગુજરાતીઓ પુસ્તકો નથી ખરીદતા એ વાત સાવ સાચી. કારણકે કોઇ પણ સારા વાર્તાકારોની કૃતિઓ એટલેકે જેને ખરા અર્થમાં સાહિત્ય કહીં શકાય એવી કૃતિઓની ૧૨૦૦-૧૫૦૦ નકલ વેચાવામાં જો ઘણો લાંબો સમય જતો હોય તો એનો અર્થ એ થાય છે કે આપણે વાચક તરીકે એટલા બધા સારા નથી. ઉપરાંત જે લોકો પુસ્તકો ખરીદે છે તે લોકો કેટલું વાંચે છે અને શું વાંચે છે તે પણ મોટો પ્રશ્ન છે. જોકે આમાં અન્ય માધ્યમો એ પણ ઘણી અસર કરી છે કારણકે હવે લોકોને પુસ્તકો ખરીદવાની બહુ જરૂર રહી નથી. ગુજરાતી સાહિત્યની વાત કરું તો ઉસનશ સાહેબના અવસાન વખતે બહુ જુજ કહીં શકાય એટલા લોકો આવ્યાં હતાં. આટલા ગજાનાં સર્જક માટે જેટલા લોકો હોવા જોઇતા હતાં એટલા લોકો ત્યાં ન હતાં. આમ, ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જક હોવું એટલે તમારી આ જ સ્થિતિ થાય એ પણ તમારે સ્વીકારી લેવું. પણ છતાં થોડાં મુઠ્ઠીભર લોકો એવાં છે જે તમને વાંચે છે અને એ વર્ગ ભલે નાનો હોય પણ તમને લખતા પણ રાખે છે.

તમને ગુજરાતી કથા સાહિત્યનું ભવિષ્ય કેવું લાગે છે?

ગુજરાતી કથા સાહિત્યનું ભવિષ્ય સારું છે. જોકે નવલકથા બાબતે થોડી મુશ્કેલી લાગી રહી છે. કારણકે છેલ્લાં એક દાયકાની ઉત્તમ નવલકથા યાદ કરવી હોય તો એ મુશ્કેલીભર્યુ કામ છે. ‘કૃષ્ણાયનજેવી એકાદ નવલકથા મળી આવે કે આપણે કહીં શકીએ કે હા, થોડુંક સરખુ કામ થયું છે. જયંતભાઇ ગાડીત હતાં ત્યાં સુધી નવલકથામાં થોડું સારુ કામ કરી શક્યા હતાં. પરંતુ ગુજરાતી વાર્તાઓનું ભવિષ્ય ઉજળુ છે.  

તમારા માટે લખવું એટલે?

જવાબઃ મારે માટે લખવું એટલે જાતને અને જીવનને સમજવાની અને પામવાની મથામણ. હું કથાસાહિત્ય લખું છું એટલે મને એકસાથે ઘણાં બધા જીવન જીવવાની તક મળે છે. મારા સર્જન દરમિયાન કેટલીક ક્ષણો સુધી હું પોતે હું રહેતી નથી. આમ, લખવુ એટલે પોતાની જાતને ભૂંસી કાઢવી અને બીજાનાં જીવનની નજીક આવવું. આમ, મારે માટે લખવું એટલે જીવનને વધારે ઊંડાણથી પામવુ.

એવોર્ડ વિશે આપ શું માનો છો?

2002 પછી મેં કોઇ પણ એવોર્ડ લીધા નથી. પરંતુ એક વાત સાચી કે એવોર્ડ મળે તો તમને સારા પ્રકાશકો મળી રહે છે. કારણકે ગુજરાતી સાહિત્યમાં પ્રકાશકો સરળતાથી મળી રહેતા નથી. મને ઘૂમકેતુ એવોર્ડ અને સાહિત્ય અકાદમીનાં એવોર્ડ પછી ઘણાં સારા પ્રકાશકો મળી રહ્યાં હતાં.

આપનાં આગામી કોઇ પ્રોજેક્ટ અથવા વિશેષ કામ?

હા, હાલમાં હું મારા જીવન ઉપર લખી રહી છું, જેનાં ત્રણેક હપ્તાઓમીપેમાં છપાઇ પણ ગયાં છે. મારે મારી આત્મકથાનું કામ જલદીથી પુરું કરવું છે. કારણકે મારે એ કામ ઘણું પહેલા પતાવવાનું હતું.

(આ મુલાકાત વર્ષ 2013મા ‘ગુજરાત ગાર્ડિયન’માં પ્રકાશિત થઈ હતી, જેમાં આજના સંદર્ભે કોઈ ફેરફાર કરાયા નથી )

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.