કૉલેજની સ્પર્ધાઓને મેં કરિયર તરીકે સ્વીકારી હતી
પ્રશ્નઃ તમે ક્યારેય લેખક થવાનું વિચારેલું ખરું?
ઉત્તરઃ ના, નાનો હતો ત્યારે મારે લેખક જ બનવું છે એ વિશે મેં ક્યારેય નહીં વિચારેલું. હા, જોકે સમજણો થયો પછી ક્યારેક ક્યારેક આવો કોઈક વિચાર આવતો ખરો, જેની પાછળનું કારણ હસમુખ ગાંધીનું ‘સમકાલીન’ અખબાર હતું. એ અખબાર મને ખૂબ ગમતું, જેમાં લેખન અને પત્રકારત્વની અભિવ્યક્તિ ઘણી જુદી રીતે થતી. એ અખબાર વાંચીને મને ઘણીવાર એવો વિચાર આવતો ખરો કે, આપણે પણ આવું કંઈક કરવું જોઈએ. જોકે જેને સપનું કહી શકાય, અથવા આપણી કાચી ઉંમરે કોઈક આપણને પૂછે કે, ‘તમારે મોટા થઈને શું બનવું છે?’ ત્યારે મેં એવું કશું વિચારેલું નહીં કે, મારે લેખક બનવું છે.
અધૂરામાં પૂરું અભ્યાસ અને કરિયરમાં મારો ગમતો વિષય વિજ્ઞાન હતો અને પાછળથી હું મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયો. એટલે કરિયરની દૃષ્ટિએ મેં નથી તો લેખનની કારકિર્દી પસંદ કરી કે નથી મેં એના માટેની કોઈ તાલીમ લીધી.
પ્રશ્નઃ ‘સમકાલીન’ની વાત નીકળી જ છે તો એ સંદર્ભે એક સવાલ. ‘સમકાલીન’નાં સંદર્ભે તમે હાલના ગુજરાતી પત્રકારત્વને કઈ રીતે મૂલવો છો?
ઉત્તરઃ 'સમકાલીન' પ્રકારનું પત્રકારત્વ મેં ક્યારેય નથી જોયું. એ પ્રકારનું પત્રકારત્વ કરવું હોય તો સૌથી પહેલા તો હસમુખ ગાંધી જેવા તંત્રી જોઈએ અને ‘સમકાલીન’માં જે અદભુત ફોજ હતી એવી ફોજ જોઈએ. આ ઉપરાંત શીલા ભટ્ટના તંત્રીપદ હેઠળના ‘અભિયાન’નો હું અત્યારે ઉલ્લેખ કરવાનું પસંદ કરીશ. હરકિશન મહેતા પણ ઉત્તમ તંત્રી હતા, જેમણે ‘ચિત્રલેખા’ મજબૂત રીતે ચલાવેલું. પરંતુ શીલા ભટ્ટ કંઈક જુદા જ પ્રકારનું જર્નાલિઝમ લઈ આવેલા, જેને ઈનવેસ્ટિગેટીવ જર્નાલઝિમ કહેવાય. એ સમયે ગુજરાતીમાં કોઈ પણ મેગેઝિન આ પ્રકારનું પત્રકારત્વ કરતું ન હતું. અંગ્રેજીમાં પણ ત્યારે જૂજ સામયિકોમાં આ પ્રકારનું પત્રકારત્વ જોવા મળતું. ખુશવંત સિંઘના ‘ઈલસ્ટ્રેટેડ વિકલી’માં અથવા વિનોદ મહેતાના ‘આઉટલૂક’માં આ પ્રકારનું જર્નાલિઝમ જોવા મળતું. પણ એ પ્રકારનું પત્રકારત્વ હાલમાં વ્યક્તિગત અપવાદોને બાદ કરતા ગુજરાતમાં ઘણું ઓછું દેખાય છે. જોકે હાલમાં રાજેશ થવાણીના સુકાનપદ હેઠળનું ગુજરાતી 'મિડ ડે' નવો ચીલો ચાતરી રહ્યું છે, જે વાત આપણે સૌએ નોંધવી રહી.
આટલા મજબૂત અખબારો, મેગેઝિન્સ કે તંત્રીઓ હોવા છતાં આપણે ત્યાં એ પ્રકારના પત્રકારત્વનો અભાવ જણાય છે. જોકે સારી ગુણવત્તાના પત્રકારત્વનો સદંતર અભાવ છે એમ પણ નહીં કહું. પણ, મને લાગે છે કે ગુજરાતી પત્રકારત્વમાં મીડિયોકોર માણસો વધુ છે, જેના કારણે ‘સમકાલીન’ કક્ષાનું કામ આજકાલ થઈ શકતું નથી.
આજના ગુજરાતી પત્રકારત્વમાં મોટાભાગે સાહિત્યિક ગુણવત્તા નથી, ઘણાખરા લેખો અને કટાર લેખોની ગુણવત્તા નથી, એક જમાનામાં વાચકોને જે અભિવ્યક્તિની સ્વતંત્રતા હતી એનો અભાવ જણાઈ રહ્યો છે, આ ઉપરાંત પહેલાના તંત્રીઓની પોતાની એક સૂઝ અને પરખ હતી. અને મજાની વાત એ હતી કે, તંત્રીઓનો પોતાનો વ્યક્તિગત સ્ટેન્ડ અત્યંત મજબૂત હોવા છતાં તેઓ એમનાથી ભિન્ન મતને સરસ રીતે સજાવીને આદરપૂર્વક રજૂ કરતા. આ ઉપરાંત લેખના મથાળાથી લઈને એને એડિટ કરવાના હોય, કે પછી વ્યૂઝની ફેંફાફેંફી નહીં કરીને હાર્ડકોર ન્યુઝને યોગ્ય રીતે રજૂ કરવાની તમીઝ અને તાલીમ હોય, જે બધું હમણા ખાસ જોવા મળતું નથી.
પ્રશ્નઃ તમારી લેખન યાત્રા કઈ રીતે શરૂ થઈ?
ઉત્તરઃ માણસ ક્યાં તો શાળાની ઉત્તરવહીઓ દ્વારા લખતો થાય અથવા પત્રો દ્વારા લખતો થાય. પરંતુ મેં ઘરે રહીને મારું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું એટલે મારે ભાગે ન તો ઉત્તરવહીઓ લખવાની આવી કે ન પત્રો લખવાનું આવ્યું. જીવનના એ તબક્કામાં માત્ર વાંચવાનું જ થતું. પણ, જ્યારે માણસ ચિક્કાર વાંચતો હોય ત્યારે એને ક્યાંકને ક્યાંક અભિવ્યક્ત થવાનું મન તો થાય જ. એટલે મેં નિબંધ અથવા લેખનને લગતી અન્ય સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું.
વળી, એ બધી સ્પર્ધાઓમાં ભાગ લેવા પાછળ મારા પપ્પાનું પ્રોત્સાહન પણ જવાબદાર ખરું. શરૂઆતમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું અત્યંત રોમાંચક લાગતું પરંતુ પાછળથી મેં આ બાબતને કરિયર તરીકે અપનાવી લીધેલી. કરિયર તરીકે એટલે કે, ઘરના કેટલાક આર્થિક કારણોસર મેં એવું નક્કી કરેલું કે, મારા ખર્ચાની કમાણી મારે જાતે જ કાઢવી છે.
આજથી પસીસેક વર્ષ પહેલા સમર જૉબની કોઈ સિસ્ટમ તો હતી નહીં કે, આપણે કોઈ નાની-મોટી જૉબ કરીને આપણો ખર્ચો કાઢી શકીએ. એટલે એવા સમયે મારી આવડતનો મેં સહારો લીધો. મને સારું લખવા-બોલવામાં ફાવટ હતી એટલે મેં કૉલેજની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. એ સ્પર્ધાઓમાં નિબંધ- શીધ્ર નિબંધ લખવાના આવે અથવા બોલવાનું આવે, જેના માટે પણ એકવાર તો કંઈક લખવું જ પડે! આ પ્રક્રિયા મારે માટે અત્યંત લાભદાયી પૂરવાર થઈ, જેમાં હું ઘણો ઘડાયો અને મને મને મૌલિક રીતે વિચારવાની, લખવાની આદત પડવા માંડી. વળી, એમાં પપ્પાનું કે નિર્ણાયકોનું માર્ગદર્શન પણ મળતું રહેતું.
આ કારણે મારો આંતરિક વિકાસ પણ ઘણો થયો અને હું સેલ્ફ ક્રિટિક થયો. હું ગુજરાતીમાં લખતા લેખકો અને પત્રકારોના લેખનને મૂલવતો થયો કે ભાઈ, ચંદ્રકાન્ત બક્ષી આમ લખે છે કે ગુણવંત શાહ આ રીતે લખે છે અથવા વાસુદેવ મહેતા, નગીનદાસ સંઘવી, રજનીકુમાર પંડ્યા કે નગેન્દ્ર વિજય આ પ્રમાણે લખે છે. સાથે જ હું મારા વિચારો, મારી માન્યતાની પણ ચકાસણી કરતો ગયો કે, ‘આપણે આ લેવલે આપણા વિચારો પ્રસ્તુત કરી શકીએ છીએ ખરા?’ અલબત્ત, આવું કરતી વખતે એક બાબતનું ખાસ ધ્યાન રાખેલું કે, કોઈની શૈલીની નકલ નહીં કરવાની. પરંતુ એ લેખકોનું જે અસરકારક કોમ્યુનિકેશન છે એ કોમ્યુનિકેશનના સ્તરે હું પહોંચી શકું છું કે નહીં એ બાબત હું ખાસ ચકાસતો. અને બસ આમને આમ હું ઘડાતો ગયો અને લખતો ગયો.
પ્રશ્નઃ … તો પહેલી કૉલમ કઈ રીતે મળી?
ઉત્તરઃ એની પાછળ એક ઈન્સ્ટ્રેસ્ટિંગ વાત છે. મેં આગળ કહ્યું એમ હું વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતો અને એક વર્ષે યુવક મહોત્સવમાં ઘણી બધી સ્પર્ધાઓમાં મને ઈનામ પ્રાપ્ત થયેલા. એ માટે મારી કૉલેજની એક પ્રેસનોટ હતી અને મારા પ્રિન્સિપલે મને એ પ્રેસનોટ ‘ગુજરાત સમાચાર’ની ઓફિસમાં આપી આવવાનું કહેલું. એ પહેલા પણ મને રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ મળેલો, જેના વિશેની માહિતી ‘સંદેશ’માં છપાયેલી. એ માહિતી ‘ગુજરાત સમાચાર’ના રાજકોટના નિવાસી તંત્રી સૂર્યકાંત મહેતાએ વાંચી હશે. એટલે હું જ્યારે મારી પ્રેસનોટ આપવા ગયો ત્યારે સૂર્યકાંત મહેતાએ મને કહ્યું કે, ‘હા ભાઈ, તમારા વિશે આજકાલ છાપામાં ઘણું છપાય છે.’
‘હા, આ રીતના ઈનામો મળતા રહે એટલે છાપમાં એ છપાય એ સ્વાભાવિક છે.’ મેં કહ્યું.
‘ઠીક છે. તમારા પિતા શું કરે છે?’ એમણે મને પૂછ્યું.
મેં કહ્યું, ‘પપ્પા ગુજરાતીના પ્રોફેસર છે.’
‘અચ્છા તો હવે સમજાણું તમારા ઈનામો પાછળનું કારણ. આ બધું તો આમ જ ચાલતું હોય છે.’ એમણે કહ્યું.
એમનો કટાક્ષ હું તરત જ સમજી ગયેલો એટલે મેં એમને કહ્યું કે, ‘તમે જેમ સમજો છો એવું જરાય નથી. મારા પપ્પાને તો ખબરેય નથી હોતી કે હું ક્યાં ભાગ લેવા જાઉં છું. અને જ્યાં જાઉં છું ત્યાં હું મારી રીતે તૈયારીઓ કરીને જાઉં છું. આ ઉપરાંત મારી કૉલેજ પણ એવી કોઈ મહાન કૉલેજ નથી કે, અહીંથી મારા ઈનામો માટે કોઈના પર ફોન જાય. જે કંઈ થઈ રહ્યું છે એ જેન્યુઈનલી થઈ રહ્યું છે.’
મારી વાત સાંભળીને તેઓ હસી પડ્યા અને કહ્યું કે, ‘બધા આમ જ કહેતા હોય છે. પણ, આટલા બધા નંબરો કંઈ એમને એમ નહીં આવે.’
મેં કહ્યું, ‘એવું હોય તો, અત્યારે તમે કોઈક વિષય કહો, જેના પર હું તમને લખી આપું.’
એટલે એમણે જવાહરલાલ નહેરુ પર કોઈક પત્રકારે લખેલો લેખ બતાવ્યો અને કહ્યું, ‘જુઓ, જર્નાલિઝમ ભણેલા પણ નહેરુ પર સારું લખી શકતા નથી.’
મેં કહ્યું, ‘વાંધો નહીં હું એના પર લખી આપું છું.’
એટલે એમણે તો મને થોડાં કાગળ આપ્યા અને પોતે ક્યાંક લટાર મારવા નીકળી ગયા. તેઓ આવે એ પહેલા મેં મારો લેખ પતાવી નાંખ્યો અને એમની ટેબલ પર એ લેખ મૂકીને હું ઘરે આવી ગયો. બીજા દિવસે મારી કૉલેજ પર ફોન કરીને એમણે મને પ્રેસ પર ફરી બોલાવ્યો અને કહ્યું કે, ‘તમે જે લેખ લખ્યો છે એ લેખ અમે કમ્પોઝ કરાવી દીધો છે આવતી કાલે તમારા નામ સાથે એ છપાશે.’
આમ, મારો પહેલો લેખ છપાયો. સાથે જ સૂર્યકાંતભાઈએ મને એમ પણ કહ્યું કે, ‘તમને બીજા પણ કોઈ વિષયો પર લખવાનું મન થાય તો આપતા રહેજો.’ આમ, સમયાંતરે હું લેખો લખતો ગયો અને તેઓ મારી બાયલાઈન સાથે એ છાપતા ગયા.
એવામાં ‘ગુજરાત સમાચાર’ના નિર્મમભાઈ શાહનું મારા લેખો પર ધ્યાન ગયું, જેમણે પૂછપરછ કરી કે, ‘આ કોણ આપણો પગાર વિનાનો પત્રકાર છે, જે વાર તહેવારે આપણે ત્યાં લખતો રહે છે?’ એ દરમિયાન મેં ‘ગુજરાત સમાચાર’માં ઉર્જા પર એક સિરીઝ લખેલી, જે એમને બહુ ગમેલી એટલે એમણે મને અમદાવાદ મળવા બોલાવ્યો, જ્યાં એમણે મને કૉલમ લખવા માટે કહ્યું.
તો મેં એમ કહ્યું કે, ‘હું તો હજુ ભણું છું અને મેં એ દિશામાં હજુ વિચાર્યું નથી.’ એમણે કહ્યું કે, ‘કૉલમ તો ભણતા ભણતા પણ લખી શકાય. આપણે એ છાપીશું. તમે લખો તો ખરા.’
એ વખતે નિર્મમભાઈને મેં આજના જમાનામાં બહુ સિલી લાગે એવો પ્રશ્ન કરેલો કે, ‘પણ કૉલમ માટેના વિષયો હું લાવીશ ક્યાંથી? હમણા તો અહીં હું મને મન થાય ત્યારે લખું છું.’ પણ નિર્મમભાઈ આગ્રહપૂર્વક મારી પાસે કૉલમ શરૂ કરાવીને જ રહ્યા. વર્ષ 1996ના ગાળામાં જ્યારે કૉમ્પ્યુટર્સ નવા નવા આવેલા ત્યારે ‘ગુજરાત સમાચાર’માં અંદરના પાને કોમ્પ્યુટર વિશેની એક કૉલમની બાજુમાં 'સ્પેક્ટ્રોમીટર' શરૂ થયેલી અને ત્યારબાદ અનાવૃત્ત થઈ. હવે તો મારી કૉલમ યાત્રાને વીસ વર્ષ થવા આવ્યાં.
પ્રશ્નઃ લેખ માટે સ્ટોરી આઈડિયા ક્યાંથી મળે છે? અને જ્યારે ઘણા બધા વિષયો એક સાથે મનમાં આવતા હોય તો વિષયની પસંદગી કઈ રીતે કરો છો?
ઉત્તરઃ સ્ટોરી આઈડિયા હંમેશાં જીવાતી જિંદગીમાંથી જ મળતા હોય છે. અને હું જિંદગીને ભરપૂર માણનારો માણસ છું એની આંખોમાં મારી આંખ પરોવીને જીવનારો માણસ છું. હું સતત બહાર ફરનારો માણસ છું, હું વર્ષમાં ઘણા પ્રવાસો કરું છું અને ઘણી બધી ફિલ્મો જોતો હોઉં છું. એટલે લેખ માટેના વિષયો શોધવા માટે ઝાઝી કવાયત નથી કરવી પડતી. ક્યારેક કોઈ ફિલ્મના એક ડાયલોગમાંથી મને લેખ માટેનો વિષય મળી જાય છે. ક્યારેક કોઈનો લેખ વાંચતી વખતે કોઈક વાક્ય દિલને સ્પર્શી જાય અને એના સંદર્ભે આખો લેખ તૈયાર થઈ જાય. તો ક્યારેક કરંટ અફેર્સ પર લખવાનું થાય. અંગતપણે મેં એ બાબતને પ્રાથમિકતા આપી છે કે, સાંપ્રત પર પહેલા લખવું. મારા મનમાં જુદા જુદા પાંચ વિષયો પર લેખ લખવાના વિચારો ચાલતા હોય અને એવામાં સાંપ્રતનો કોઈ મુદ્દો ચગ્યો હોય તો હું સાંપ્રતને પહેલા પસંદ કરું.
આ પાછળનું કારણ પણ હું તમને કહું. મને એક જવાબદારીનું ભાન હંમેશાં રહે છે કે, મારું કામ કોમ્યુનિકેશનનું છે હું માત્ર મારા નિજાનંદ માટે લખતો નથી. આ કૉલમો લખતી વખતે મને આનંદ મળે એ જુદી વાત છે, પણ માટે નિજાનંદની સાથે 'બીજાનંદ' પણ મારે ધ્યાનમાં રાખવાનો છે. મારી જાતને મેં વચન આપ્યું છે કે, જેમ મારી જાત સાથે મારે અન્યાય નથી કરવાનો એમ મારે મારા વાચક સાથે પણ અન્યાય નથી કરવાનો. એટલે હું દેશ-દુનિયામાં બનતી મહત્ત્વની ઘટનાઓ કે મુદ્દા, જે વિવાદ સર્જે અથવા ચર્ચાના કેન્દ્રમાં વધુ હોય એને પ્રાથમિકતા આપું અને એના પર હું મારો મત રજૂ કરું.
હા, પણ આમાં હું એક વાતનો ખાસ ખ્યાલ રાખું છું કે, કોઈ પણ વિષય પર મારો ટિપિકલ વ્યૂ હોય અથવા એ વિષય સંદર્ભે કંઈક સ્પેશિયલ નહીં હોય તો હું એ વિષય પડતો પણ મૂકું છું. કારણ કે મને ખબર હોય છે કે, આ બાબત પર મારો સાથી લેખક પણ આવું જ કંઈક લખશે. તો વાચકને નાહકનો બોર શું કામ કરવો? એવું વિચારીને હું બીજા વિષય પર નજર દોડાવું છું.
વળી, ઘણી વખત એમ પણ બને કે, કોઈ અત્યંત ચર્ચાઈ ગયેલા અને નાહકની દલીલોમાં ચવાઈ ગયેલા વિષય પર મારે કશુંક સ્પેશિયલ, બીજા કરતા અલગ કહેવાનું હોય તો, ભલે પછી એ વિષય પર પૂર્તિઓની પૂર્તિઓ ભરાતી હોય, પણ એના પર હું મારો દૃષ્ટિકોણ રજૂ કરું!
આ ઉપરાંત મને મારા પ્રવાસોમાંથી પણ લેખોના વિષયો મળી જાય છે. ફેસબુક પર પણ મને લોકો કેટલાક વિષયો સૂચવી જાય છે. પુસ્તકો તો ખરા જ પરંતુ જાતજાતાના મેગેઝિન્સ પણ હું રસપૂર્વક વાંચતો હોઉં છું, જેમાંથી પણ મને કોઈક વિષય જડી જાય છે. આપણે ત્યાં એક સામાન્ય છાપ એવી છે કે, ગુજરાતી પત્રકારો ઉઠાંતરી કરવા માટે જ અંગ્રેજી મેગેઝિન્સ વાંચતા હોય છે. પરંતુ મારા કિસ્સામાં એવું ભાગ્યે જ બન્યું હશે કે, મેં કોઈ લેખો સંઘેડાઉતાર લઈ લીધા હોય. કોઈક વાતને રેફ્રન્સ તરીકે લીધી હોય એવું બન્યું હશે અને મારા છેલ્લાં કેટલાય વર્ષોના લેખોને તમે ઝીણવટથી જોશો તો ખ્યાલ પણ આવશે કે, મેં તમામ રેફ્રન્સને ક્વોટ કર્યાં છે.
પ્રશ્નઃ ક્યારેય લખવાનો કંટાળો આવ્યો હોય અથવા એમ થયું છે ખરું કે, યાર આજે નથી લખવું…
ઉત્તરઃ કંટાળો આવ્યો હોય એવું તો ઘણી વાર બન્યું છે. આ ઉપરાંત ક્યારેક થાક્યો હોઉં, લાંબા પ્રવાસો કરીને કંટાળ્યો હોઉં, ઘરની કોઈ જવાબદારી હોય, માનસિક રીતે વિક્ષેપ પડે એવી કોઈક ઘટના બની હોય અથવા કોઈની સાથે જીભાજોડી કરી હોય તો એમ થાય કે હમણા નથી લખવું. ઘણી વખતે મારે જે વિષય પર લખવું હોય એના માટેના યોગ્ય સંદર્ભ નહીં હોય કે પ્રવાસોને કારણે મને જોઈતી ડિટેઈલ્સ મને મળતી હોય તો મને એમ થાય કે, હમણા નથી લખવું અને એવા સમયે નહીં જ લખવું જોઈએ એમ પણ હું માનું છું. પરંતુ ભગવાનની કૃપાથી એક અપવાદને બાદ કરતા મારા તરફથી ક્યારેય લેખ નહીં પહોંચ્યો હોય એવું બન્યું નથી. હા, એવું બન્યું છે કે, જાહેરાતને કારણે કે પૂર્તિ પ્રકાશિત નહીં થઈ હોય અને એના કારણે મારો લખાયેલો લેખ પ્રકાશિત નહીં થયો હોય.
પ્રશ્નઃ … આટલા બધા પ્રવાસો અને વ્યસ્તતા વચ્ચે કૉલમની ડેડલાઈન કઈ રીતે સાચવો છો?
ઉત્તરઃ કૉલમ્સ માટેનું મારું એક કમિટમેન્ટ છે અને એના માટે હું કોઈ પણ ભોગે સમય કાઢી જ લઉં છું. આ કારણે જ વીસ વર્ષની આ યાત્રામાં ‘ગુજરાત સમાચાર’માંથી મારા પર ઉઘરાણી કરતો ફોન નથી આવ્યો. શરૂઆતના તબક્કાથી જ એમને મારા પર ભરોસો છે કે, જયનો લેખ ગમે ત્યાંથી આવી જ જશે.
હા, એવું બન્યું છે કે ડેડલાઈનને પ્રાથમિકતા આપવા જવામાં ક્યારેક ઉતાવળે બહુ સારો લેખ નહીં લખાય. પણ, આવું રેર બને છે અને જ્યારે બને છે તે ત્યારે અત્યંત પરફેક્શનના આગ્રહમાં આમીર ખાન થઈ જવા કરતા હું અક્ષય કુમાર બનવાનું વધુ પસંદ કરું છું, જેથી ડેડલાઈન ચૂકી નહીં જવાય. અને આવે વખતે હું મારી જાતને વચન પણ આપી દઉં છું કે, આ વખતે ભલે આ પ્રકારે લખાયું હોય પરંતુ આનું સાટું વાળવા માટે આવતે વખતે હું આનાથી પણ ઉત્તમ લખીશ.
પ્રશ્નઃ તમે આટલી બધી ફિલ્મો જોઈ અને આટલી બધી નવલકથાઓ વાંચી છે. તો તમે ક્યારેય ફિક્શન કેમ નહીં લખ્યું?
ઉત્તરઃ ફિક્શન એટલે કે વાર્તા કે નવલકથા લખવા માટે તમારે એના વિશ્વમાં મગ્ન રહેવું પડે. તમારા મનમાં એ વિશ્વ સતત સર્જાયેલું રહેવું જોઈએ અને સાથે જ આ પ્રકારના સર્જન માટે તમારે અત્યંત એકાગ્ર રહેવું પડે. વિશ્વના કોઈ પણ મહાન વાર્તાકાર-નવલકથાકારની કેફિયત તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે, આ સર્જકોએ અત્યંત શિસ્ત અને એકાગ્રતાથી કામ કર્યું છે. હા, કદાચ ટૂંકી વાર્તાના કિસ્સામાં થોડી છૂટ મળી શકે કે, તમે સ્ટેશન પરના કોલાહલ વચ્ચે વાર્તા લખી શકો. પરંતુ નવલકથા લખતી વખતે ચિત્ત શાંત રહે કે, કન્ટિન્યુટી જળવાયેલી રહે એ અત્યંત મહત્ત્વનું છે. અને હું એવું માનું છું કે, મારામાં એ શિસ્ત નથી. કારણ કે હું તો ટારઝનની જેમ એક ડાળીએથી બીજી ડાળીએ કૂદકા મારવાનો શોખીન છું.
બીજું કારણ એ કે, મૂળભૂત રીતે હું વિશ્લેષણનો માણસ છું. કેટલાક લોકો એવા હોય છે, જેમનું ઈમેજીનેશન અત્યંત ધારદાર હોય છે. પરંતુ વાર્તા- નવલકથાઓમાં ઘટના કે પાત્રો તૈયાર કરવા માટે જે વિશેષ ઈમેજીનેશન જોઈએ એ હજુ મને મારામાં દેખાયું નથી. હા, પણ મને આસ્વાદ કરાવવામાં ઘણી ફાવટ છે. ઘણી વાર એવું બન્યું છે કે, હું કોઈક વાર્તા અથવા નવલકથા પર લેખ લખું તો એ વાતને અત્યંત બહેલાવીને રજૂ કરું. જેના કારણે મારી પાસે અનેક વાર એવા ફિડબેક આવ્યા છે કે, વાચકોને મૂળ વાર્તા કરતા મારો લેખ વધુ રસિક લાગ્યો હોય.
(આટલુ વાંચ્યા પછી હજુ પણ JVને વાંચવાની ઈચ્છા થાય છે ને? વાંધો નહીં આવતી કાલે અહીં જ આપણે આ ઈન્ટરવ્યુનો બીજો ભાગ પ્રકાશિત કરીશું!)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર