હું લેખક-પત્રકાર નહીં બનું તો ભૂત બનીશ!

01 Nov, 2016
12:00 AM

પાર્થ દવે

PC: khabarchhe.com

18 એપ્રિલ, 1971ના રોજ જન્મેલા લેખક-પત્રકાર-કૉલમનિસ્ટ-નાટ્યલેખક-નવલકથાકાર તથા ફિલ્મોથી માંડીને પુસ્તકોના રિવ્યુ કરવા માટે વાચકોની વાહ વાહ મેળવનાર શિશિર રામાવતની વિશેષ મુલાકાત અહીં પ્રસ્તુત છે. 

હાલ તેઓ અંધેરી-વેસ્ટ, મુંબઈ ખાતે પત્ની પીન્કી તથા પુત્ર શાંતનુ સાથે રહે છે. વર્તમાનમાં ‘સંદેશ’ની ત્રણ કૉલમ (‘મલ્ટિપ્લેક્સ’, ‘ટેક-ઓફ’, ‘બોલિવુડ એકપ્રેસ’) અને ‘ચિત્રલેખા’ની એક કોલમ(‘વાંચવા જેવું’) લખે છે; જેનાથી આપણે અચ્છી તરહ વાકેફ છીએ. અગાઉ તેઓની ‘અહા! ઝિદગી’માં ‘ફલક’ નામથી કૉલમ આવતી, જેનું એ જ નામથી પુસ્તક પણ પ્રકાશિત થયું છે. આ ઉપરાંત ધારાવાહિકરૂપે પ્રકટ થયેલી એમની નવલકથાઓ પણ પુસ્તકરૂપે પ્રકાશિત થઈ છે, જેને ગુજરાતી વાચકોએ ખૂબ વખાણી-વધાવી છે.

એમણે ‘જન્મભૂમિ’થી લઈ ‘મીડ-ડે’ તથા ‘ચિત્રલેખા’, ‘અભિયાન’થી ‘અહા! ઝિંદગી’ સુધીના અખબારો અને મેગેઝિનોમાં ભરપૂર લખ્યું છે, લખતા રહે છે અને ભવિષ્યમાં પણ તેઓ લખતા જ રહેશે....

 

જામનગરના તમારા બાળપણ વિશે તથા તમારા વાંચન-લેખનની શરૂઆત વિશે થોડું જણાવો...  

જામનગરમાં જ મારો જન્મ. મારા પપ્પા મૂળ ગામડાના, પણ એ ભણવામાટે જામનગર આવી ગયેલા. જામનગરની સેન્ટ ઝેવિયર્સમાં સ્કૂલમાં પ્રાઈમરી એજ્યુકેશન મેળવ્યું. મારી મમ્મી સ્કૂલ ટીચર, પપ્પા ગવર્મેન્ટ ઓફિસર. મારાથી મોટી બે બહેન, જેમાંની એક સાત વર્ષ મોટી અને એક પાંચ વર્ષ મોટી. એટલે હું ઘરમાં સૌથી મુન્નો... લાડકો... 

શરૂઆતથી પપ્પાને વાંચવાનો ઘણો શોખ. તેઓ રેડિયો ઉપર નાટકો પણ લખતા. એટલે, આઈ થિંક પપ્પાએ મારા વાંચનના પ્રાઈમરી સોર્સની ભૂમિકા ભજવી. ત્યારે ઘરે ‘અખંડાનંદ’ કે ‘ફૂલવાડી’ જેવા અનેક મેગેઝિન્સ આવતા, જેમાં 'ચંપક' મને ખૂબ ગમતું. 'ચંપક' મારો જીવ હતો એમ કહું તો પણ ચાલે.

‘ફૂલછાબ’ માં એક બાળવિભાગ આવતો તો 'ચંપક'માં 'વાચકોના પત્રો' વિભાગ આવતો, જેમાં ‘અંત બહુ ગમ્યો’ ને ‘ફલાણી વાર્તા બહુ ગમી’ જેવા પાંચ-છ લીટીના પત્રો આવતા. હું છઠ્ઠા ધોરણમાં ભણતો ત્યારે પહેલી વાર વાચક તરીકે મારું નામ એમાં છપાયેલું. પછી મને યાદ છે કે ‘ફૂલછાબ’ ના એ બાળવિભાગમાં પણ મેં કંઈક ‘ગણિત ગમ્મત’ કે કંઈક ‘જોક’, ‘ટૂંકી વાર્તા’ ને એવું બધું લખેલું. આ રીતે નાની ઉંમરથી જ મેં કાલુંઘેલું લખવાની શરૂઆત કરેલી, જે વાંચવાની ખૂબ મજા પડતી મને! બસ, એ મારું પહેલું લેખન હતું... ધેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ

 

તમારું સાચું નામ જીતેન છે... તો ‘શિશિર’ ક્યાંથી આવ્યું?

યસ, ‘ચંપક’ માં ‘શિશિર વિક્રાંત’ કરીને એક રાઈટર હતા, જેમના કારણે મને એ નામ બહુ ગમતું. મ્યુઝિકલી-ફોનેટિકલી પણ એ નામ બહુ સરસ લાગે. ‘શ’ હોય એટલે મ્યુઝિકલ એલિમેન્ટ એમાં હોય! શરૂઆતમાં હું જીતેન રામાવત નામની સાથે અવતરણ ચિહ્નમાં 'શિશિર' પણ લખતો. અદ્દલ કવિઓ એમના ઉપનામ લખે એમ જ! પાછળથી કૉલેજના મેગેઝિન્સ કે 'પરબ' જેવા સામયિકમાં વાર્તાઓ લખતો થયો ત્યારે શિશિર રામાવતને નામે જ લખતો. અંતે કરિયર માટે બોમ્બે આવ્યો ત્યારે મેં ઓફિશિયલી મારું નામ 'શિશિર' કરી નાંખ્યું. ઉપનામ જ મારું નામ બની ગયું!

 

હવે જીતેન તો ભૂલાઈ ગયું! તમને એ નામથી કદાચ કોઈ ઓળખે પણ નહીં...

હા, (હસીને) જીતેન હવે દફન ગયો... શિશિર નામ તો મેં અપવાની જ લીધું, પરંતુ 'વિક્રાંત' બાબતે પણ એક રસપ્રદ વાત છે. વર્ષો પહેલા 'અભિયાન'માં જ્યારે મારી પહેલી નવલકથા પ્રકાશિત થયેલી ત્યારે એ નવલકથાનું નામ મેં 'વિક્રાંત' રાખેલું. બાળપણમાં જે નામ ગમી ગયેલું એ નામને મેં મારા અસ્તિત્વ અને મારા સર્જન સાથે જોડી દીધું! સાચું કહું તો મને હજુ પણ એ નથી ખબર કે, 'શિશિર વિક્રાંત' કોણ હતા... 

તમને જાણીને આશ્ચર્ય થશે, પણ મને તો મારી સરનેમ પણ 'રામાનુજ' રાખવાની ઈચ્છા હતી! હાહાહા...

 

તમે એક જગ્યાએ એવું લખ્યું છે કે, ‘વડોદરામાં એન્જિનિયરિંગ કરતી વખતે ‘કોલેજ લાઈફ’ને બદલે ‘કોલેજ ડેથ’ની અનુભૂતિ થયા કરતી હતી…’ એવું શા માટે?

ભણવામાં હું ખુબ હોશિયાર હતો. હંમેશાં ટોપર હોઉં. હું સેન્ટ ઝેવિયર્સમાં હતો, જે બેસ્ટ સ્કૂલ ગણાતી, હજુય ગણાય છે. લગભગ ફોર્થ સ્ટાન્ડર્ડથી હું એક્ઝામમાં ફર્સ્ટ રહેતો. વળી, ફર્સ્ટ અને સેકન્ડ વચ્ચે લાં...બો ફરક હોય, દસ-બાર માર્ક્સનો નહીં, પણ દસ-બાર ટકાનો ફરક હોય! એટલે સ્કૂલમાં પણ પ્રિન્સિપલ ને ટીચર્સનો વહાલો. મને બહુ કંડરિંગ મળ્યું છે બાળપણથી. જનરલી પહેલાના સમયમાં એવો ખયાલ કે છોકરો હોશિયાર હોય એટલે ક્યાં તો એ ડોક્ટર બને અથવા એન્જિનિયર બને. મધ્યમવર્ગના લોકોની આ જડબેસલાક માનસિકતા. જો કે, ત્યારે બહુ વિકલ્પો પણ નહોતા. એટલે મને થયું કે મેડિકલ તો નહીં ગમે, તો પછી એન્જિનિયરિંગ રાખું!

એન્જિનિયરિંગ માટે ગયો એમ.એસ યુનિવર્સિટી, બરોડામાં. પહેલા તો નવી કોલેજ, નવો રોમાંચ, બધું ઘણું ગમ્યું... પણ ધીમે ધીમે મને ખ્યાલ આવ્યો કે, એ બધુ વાંચવાનું મને નથી ગમતું. એ વિષયો મને ગમતા નહોતા, કારણ કે એ દરમિયાન મારું સાહિત્યને લગતું વાંચવા-લખવાનું વધી રહ્યું હતું. એ વર્ષોમાં હું ડાયરી પણ લખતો. મારું બધુ ધ્યાન એ તરફ હતું. મારી બહેનો આર્ટ્સ કોલેજમાં ભણતી ત્યારે એમની ટેક્સ બુક્સ કે વાંચવાલાયક જે હોય એ બધુ, હું એમની પહેલા વાંચી લેતો! ત્યારે છઠ્ઠા-સાતમાં-આઠમામાં હોઈશ, પણ મને એ બધું વાંચવું ગમતું. એમની બુક્સમાં ‘કવિતાનું રસદર્શન’ અને ‘વાર્તામાં શું સમજવાનું છે’, જેવું હું વાંચતો. એટલે ત્યારથી જ સાહિત્ય તરફ ઝુકાવ વધી ગયેલો. પણ મને એમ હતું કે, આ તો જસ્ટ શોખ છે. સાહિત્ય ક્યારેય કરિયર ના હોઈ શકે. કરિયર તો એન્જિનિયરિંગ જ છે એવું હું સમજતો. 

એ અવઢવમાં મારા ઘણા વર્ષો ગયા. કૉલેજના સમયે મને થાય કે હું આટલો સિન્સિયર છોકરો, આટલા વર્ષ નંબર વન રહેલો, ઘરમાં આટલું બધું માન અને પાછો ડાહ્યો, સમાજમાં પણ નામ ને હું કેમ આવી અશિસ્ત ધરાવતો છોકરો બની ગયો? અમે હોસ્ટેલમાં રહેતા. મારું ભણવામાં ધ્યાન ન હોય. કોલેજ પણ બન્ક મારું, ફ્રેન્ડસ સાથે ખૂબ ફરું, સાહિત્યને લગતું બધું વાંચતો-લખતો હોઉં. આ બધાને કારણે એટીકેટી આવવાની શરૂ થઈ. જીવનનું ત્યાર સુધીનું અત્યંત ખરાબ પરફોર્મન્સ હતું મારું. 

મારા માટે એ બહુ મોટો શોક હતો ,કે આવું કઈ રીતે બને? હું ખરેખર એ જ છું, જે પહેલા હતો? કોલેજ પહેલાનો જીતેન અને કોલેજ પછીનો જીતેન બંને મને અલગ જણાતા. મને થતું ,આ શું થઈ ગયું મને? ઈનશોર્ટ એ સમજતા મને ઘણી વાર લાગી કે, આ ફિલ્ડ મારા માટે નથી. 

તમને ખ્યાલ હોય તો કેટલાક બાળકો એવા હોય, જેઓ નાનપણમાં ઘડિયાળ કે રમકડા ખોલી નાંખે અને ફરી એને જોડવાનો પ્રયત્ન કરે. હું નાનો હતો ત્યારે મારામાં એવી વૃત્તિ જરાય ન હતી. અરે, મને તો ફ્યુઝ નાંખતા પણ ન આવડે! મારે એમ નથી કહેવું કે, જેઓ નાનપણમાં આ જોડતોડની પ્રવૃત્તિ કરતા હોય તેઓ જ એન્જિનિયર થઈ શકે અને બીજા નહીં, પરંતુ મારા કિસ્સામાં હું એમ કહી શકું કે, એન્જિનિયરિંગ તરફ આકર્ષાવા માટે મારી પાસે એવું નજીવું લક્ષણ પણ નહોતું! એ ઉંમરે બહુ સમજણ પણ ન હતી. આખરે ઉંમર પણ સત્તર વર્ષની જ ને? મારા વાંચન લેખનના પ્રેમ અને એન્જિનિયરિંગના અભ્યાસ વચ્ચે ઘણા વિરોધાભાસો હતા, જેને કારણે જ ઘણી ગૂંચ સર્જાતી અને હું ખૂબ ગૂંગળાતો. એટલે મેં ‘કોલેજ લાઈફ’ ને બદલે ‘કોલેજ ડેથ’ એવું અનુભવ્યું-લખ્યું. એ મારા માટે ડિપ્રેશનનો ગાળો હતો..

 

એ ડિપ્રેશનના ગાળામાં જ તમે વડોદરાના પોલિટેકનિક કેમ્પસ પાસે આવેલા રેલવે ફ્લાયઓવર પરથી કૂદી પડવાના પ્રયત્નો કર્યા હતા… રાઈટ? 

યસ... એ સમયે કદાચ હું સુસાઈડર બની ગયો હતો. જીવનમાં શું બની રહ્યું છે કે, મારે જીવનમાં શું બનવું છે બાબતે કશી જ સમજ પડતી નહોતી. એ સમયે બધુ જ મતલબ વગરનું લાગતું. અભ્યાસમાં મારી નિષ્ફળતા બાબતે મમ્મી-પપ્પા એવું વિચારતા કે, ઘર સાથે હું ઘણો એટેચ્ડ હતો અને ગુજરાતી મિડિયમમાંથી અંગ્રેજીમાં ગયો એટલે કદાચ મને ટફ લાગતું હશે! પણ મને ખબર હતી કે, ભાષાનું માધ્યમ મારા માટે બાધ નહોતું, પરંતુ મને કંઈક રુચતુ-ગમતું જ નહોતું.

અવઢવના એ દિવસોમાં હું પોલિટેકનિક કેમ્પસમાં મારી હોસ્ટેલ પાસેના ફ્લાયઓવર પર જતો. ત્યાંની રેલિંગ પાસે ઊભો રહેતો ને આવ-જા કરતી ટ્રેનોના ટાઈમ મનોમન નોંધતો! વિચાર કરતો કે બસ એક છલાંગ, બે પાટા વચ્ચે શરીર અને વાત ખલાસ… ને જો એમ ન થાય તો બીજી જ મિનિટે આવતી ટ્રેન શરીરનો ખુડદો બોલાવી દેશે. વાત પૂરી! પણ દર વખતે એ જીવલેણ ક્ષણ સચવાઈ જતી અને હું પાછો દોસ્તો સાથે મારી ‘કોલેજ લાઈફ’માં સામેલ થઇ જતો. મારા જીવનનો એ સૌથી પીડાદાયી તબક્કો હતો એમ કહી શકાય. એ સમયે ટકી રહેવા માટેનો શ્રેષ્ઠ આધાર હતો- મારી ડાયરી! ડાયરીનાં પાનાંઓ પર ખાલી થઈ જતો, નીચવાઈ જતો હું… કદાચ એટલે જ પેલા આત્મઘાતી હુમલા શમી જતા...

 

વડોદરાથી તમે મુંબઈ પહોંચ્યા અને પત્રકારત્વમાં ઝંપલાવ્યું. જીવનનો એ અધ્યાય કઈ રીતે શરૂ થયો?

એક વાર સાવ કંટાળીને મેં મમ્મી-પપ્પાને એક વિગતવાર પત્ર લખ્યો અને મારો નિર્ણય જણાવ્યો કે, મારે પત્રકારત્વમાં જ જવું છે. મારે લખવું છે… અને એક દિવસ એન્જિનિયરિંગના છેલ્લા સેમેસ્ટરની થિયરી એક્ઝામ બન્ક કરીને હું મારી રીતે મુંબઈ આવી ગયો.

ત્યાં સુધીમાં ‘શ્બ્દસૃષ્ટિ’ કે ‘પરબ’ જેવા સામયિકોમાં મારી વાર્તાઓ પબ્લિશ થવાની શરૂઆત થઇ ચૂકી હતી. ઓગણીસ-વીસ વર્ષની ઉંમરે આવા સામયિકોમાં તમારી વાર્તા પ્રકાશિત થાય એ એક પ્રકારની સ્વિકૃતિ જ ગણાય. એક વાત મારે એ પણ કબૂલવી રહી કે, એ બધાને કારણે જ હું ઝંઝાવાતના ગાળામાં ટકી પણ ગયેલો!

વળી, વડોદરા હતો ત્યારે ‘અભિયાન’ નવું શરૂ થયેલું, જેમાં મને બક્ષી મળ્યા. એમાંથી સરોજ શાહ મળ્યા, મધુરાય મળ્યા. કાંતિ ભટ્ટ તો જાણે મારા માટે હીરો હતા, એમની ‘આત્મીયતા’ નામની કૉલમ પહેલા પાને આવતી. હમણાં જે ‘ચેતનાની ક્ષણે’ આવે છે એ પહેલા એમાં શરૂ થયેલી. બ્રિલિયન્ટ કૉલમ… આ બધાની પણ મન પર એક અલગ અસર થયેલી.

આ બધું મગજમાં રાખીને મુંબઈ જતા જતા વિચારતો હતો કે, હવે હું પત્રકાર-લેખક નહીં બનું તો હું ભૂત બનીશ! પરંતુ, હવે કોઈ પણ ડિગ્રી નથી લેવી. ડિગ્રી લઈશ તો ફરી પાછો અટવાઈ જઈશ. કોઈ કહેશે કે ડિગ્રી છે તો ચાલો એક-બે વર્ષ જોબ પણ કરી લો! 

મેં પહેલી વખત મુંબઈમાં ક્યારે પગ મૂક્યો એ પાછળ પણ રસપ્રદ વાત છે. વડોદરામાં જ્યોતિષ સાહની કરીને એક વાર્તાકાર છે. એ વખતે તેઓ એક સાહિત્યિક મેગેઝિન કાઢતા. મને એટલી ખબર હતી કે જ્યોતિષ સાહની અમારી હોસ્ટેલની બાજુમાં રહે છે અને તેઓ સાહિત્ય અને પત્રકારત્વ સાથે સંકળાયેલા છે. એમને હું મળવા ગયો અને મેં સલાહ માગી. એક-બે વાર એમણે મને ચકાસ્યો. જોયું કે, હું મારી પરિસ્થિતિઓથી ભાગું છું કે સિન્સીયરલી લેખન જગતમાં આવવા ઈચ્છું છું. એક-બે વાર મને ધક્કા ખવડાવીને કહ્યું કે, ‘તમે મારી સાથે મુંબઈ આવો. હું તમને લઈ જઈશ.’ 

આ રીતે મેં ફર્સ્ટ ટાઈમ બોમ્બેમાં પગ મૂક્યો જ્યોતિષ સાહની સાથે. એ મને ‘મુંબઈ સમાચાર’ની ઓફિસે લઇ ગયા. એમની કોઈ ધારાવાહિક શરૂ થવાની હતી અને ભેગું મારું ઈન્ટ્રોડક્શન પણ થઇ જાય એમ બંને કામ સાથે હતા. ત્યાં અમને દિનેશ ત્રિવેદી મળ્યા. મેં મારી જિંદગીના પહેલા તંત્રી જોયા. એમણે કહ્યું કે, રિપોર્ટર જોઈએ છે જે લોકલ હોય, પરંતુ હું ત્યાં નવો હતો. ત્યાર બાદ અમે તરત ‘જન્મભૂમિ’ની ઓફિસમાં ગયા. ત્યાં તરુ કજારિયા ફીચર્સ એડિટર હતા. એ સમયે કુંદન વ્યાસ દિલ્હી હતા. તરુબહેને ‘પરબ’વાળી મારી વાર્તા વાંચેલી એટલે નેક્સ્ટ ડે મારી ટેસ્ટ લીધી. ત્યારે પીટીઆઈના સમાચારના તાર આવતા, જેમાંના કેટલાક મેં અનુવાદ કરેલા. મારું કામ જોઈએ એમણે કહ્યું, ‘સારું આવી જાઓ!’ અને મહિનાના 4000ના પગાર સાથે હું ટ્રેઈની તરીકે ‘જન્મભૂમિ’માં જોડાયો. 

શરૂઆતમાં હું ત્યાં હોસ્ટેલમાં રહેતો. ‘જન્મભૂમિ’માં અગિયાર મહિના જોબ કરેલી. ત્યાં અઢી મહિનામાં મારી સપ્લિમેન્ટ શરૂ થયેલી. ત્યારે ‘સમાંતર’ અને ‘મીડ ડે’ નવા નવા શરૂ થયેલા. એકદમ યંગ, જોશીલા, નવા પેપર... એટલે મેં કુંદન વ્યાસને લાંબો પત્ર લખ્યો જેમાં સજેશન્સ હતા કે, આપણે આવું આવું કરવું જોઈએ, યુથને એટ્રેક્ટ કરવું જોઈએ, વગેરે વગેરે... એમણે કહ્યું, ફાઈન. તમે કરશો? હું તૈયાર હતો! એટલે એવરી ફ્રાઈડે મને એક આખું પાનું ફાળવી આપ્યું. એનું નામ મેં રાખ્યું હતું: ‘હીપ હીપ હૂર્રે...!’ એમાં ચાર કોલમ આવતી: ઉપર એક મોટું ફીચર હોય, થોડા ક્વોટસ હોય, એક તરફ ‘હોલિવુડ હંગામા’ આવતું અને એક કૉલમમાં ઈન્ટરવ્યૂ હોય…. એ બધું હું એકલો કરતો. ગાઈડ કરવાવાળું કોઈ નહીં, પણ હું ઈચ્છાથી અને સમજ પડે એ રીતે કરતો. મારા માટે આનંદની વાત એ હતી કે, હસમુખ ગાંધીએ એની તરત જ નોંધ લીધેલી.

બોમ્બે આવ્યા બાદ મારો પુનર્જન્મ થયો હોય એવું લાગતું હતું, વડોદરામાં જે ડિપ્રેશન અનુભવેલું એ દૂર થઈ રહ્યું હતું અને પોતાના કામમાં કાબેલ અને સિન્સિયર છોકરો ફરી પોતાનો કોન્ફિડન્સ ગેઈન કરી રહ્યો હતો.  

 

ઓકે. તો તમને ફિલ્મોનો ચસકો આ ‘હીપ હીપ હૂર્રે’થી જ લાગ્યો કે પહેલાથી હતો જ? ફિલ્મ વિશેનો પહેલો લેખ ક્યારે લખેલો..?

મને ફિલ્મો જોવી અને ફિલ્મો વિશે વાંચવું પહેલેથી જ ગમતું. મારા મામાઓને બહુ શોખ હતો. તેઓ મને લઇ જતા ફિલ્મો જોવા. પહેલા સિનેપૂર્તિઓ એ અલગ આવતી, જે હું વાંચતો. જોકે ત્યારે ફિલ્મોનું વાંચવું સારું ન ગણાતું. ‘ચિત્રલેખા’દ્વારા પ્રસિદ્ધ થતું ‘જી મેગેઝિન’ પણ ત્યારે આવતું, એ વાંચવું ખૂબ ગમતું મને. જોકે ફિલ્મો વિશે વાંચ્યા પછી પણ ક્યારેક ગિલ્ટ પણ થતી!

જોકે એક વાત ક્લિયર કરીશ કે, ફિલ્મ જર્નલિસ્ટ તરીકેની મારી ખોટી ઈમેજ પડી ગઈ છે. આઈ એમ નોટ અ ફિલ્મ જર્નલિસ્ટ. ઘણા બધા શોખ અને લખાણની જેમ એક ફિલ્મ છે, એના વિશેનું લખાણ છે. પણ થયું એવું કે, ‘મીડ ડે’માં મારા ફિલ્મ રિવ્યુ ખૂબ વંચાયા, એ કૉલમ ઘણાને ખૂબ ગમી. જોગાનુજોગ ગુજરાતના અખબારોમાં મારી જે કૉલમ આવી એ ‘મલ્ટિપ્લેક્સ’ પણ ફિલ્મ-કોલમ હતી. ગુજરાતના વાચકો સાથેનું એ મારું ફર્સ્ટ ઈન્ટ્રોડકશન હતું, અધરવાઈઝ હું બોમ્બેમાં જ અટવાઈ ગયો હોત. ફિલ્મોને લગતી કૉલમને કારણે મારી એ છાપ પડી ગઈ છે કે આ તો ફિલ્મવાળા ભાઈ! જોકે એવું કંઈ નથી. 

 

ફિલ્મોની વાત નીકળી છે તો ‘ધ સ્પિરિટ ઑફ લગાન’નો તમે જે ભાવાનુવાદ કરેલો એ વિશે પણ જણાવો…

ત્યારે હું ‘અભિયાન’માં હતો. ‘જન્મભૂમિ’ બાદ મને ‘સમાંતર’માં આમંત્રણ આવ્યું. ‘સમાંતર’ અભિયાન ગ્રુપનું હતું. ત્યાંથી ‘ચિત્રલેખા’માંથી આમંત્રણ આવ્યું; ત્યાં પણ ગયો. થોડા સમય બાદ સૌરભ શાહ ‘મીડ ડે’માં તંત્રી થયા અને એમણે મને ‘મીડ ડે’નું આમંત્રણ આપ્યું. એ તો મારા પ્રિય લેખક એટલે એમની સાથે તો કામ કરવું જ પડે!

હું ‘મીડ ડે’માં હતો એ દરમિયાન, 2001મા ‘લગાન’ ફિલ્મ આવેલી. મૂળ અંગ્રેજીમાં લખાયેલી એ ફિલ્મ બુકને એનસીપીએમાં લોન્ચ કરવામાં આવેલી અને લોન્ચ વખતે આમીર, આશુતોષ ગોવારીકર અને પુસ્તકના લેખક સત્યજીત ભટકલે પુસ્તકમાંના કેટલાક અંશોનું પઠન કરેલું. એઝ અ રિપોર્ટર હું ત્યાં હાજર હતો અને ઈવેન્ટ દરમિયાન ખૂબ મજા પડી ગઈ. પુસ્તકમાં ગુજરાત અને ક્ચ્છ વિશેની એટલી બધી વાતો આવતી હતી કે, મને થયું આ પુસ્તક ગુજરાતીમાં હોવું જ જોઈએ. 

એ સંદર્ભે મેં એ પુસ્તકના લેખક સત્યજીત ભટકલને ઈમેઈલ કર્યોઃ ‘તમારું પુસ્તક વાંચીને હું પાગલ થઈ ગયો છું, મારે એનો ગુજરાતીમાં અનુવાદ કરવો છે!’ જોકે એ સમયે આમીરનો કોઈ ફ્રેન્ડ પણ ગુજરાતીમાં અનુવાદ તૈયાર હતો. એટલે જો એ નહીં લખે તો મને એ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરવાનો ચાન્સ મળશે એવું નક્કી થયું. ભટકલ બીજા એક લેખક અને મને એમ બંનેને મળ્યા, પરંતુ મારું કામ અને મારી લગન જોઈને એમણે મને મોકો આપ્યો. એ વખતે આમીરને હું ફર્સ્ટ ટાઈમ મળ્યો હતો. અને સત્યજીત ભટકલે પણ પાછળથી ‘સત્યમેવ જયતે’ સિરીઝ ડિરેક્ટ કરી..

 

યસ, તમે ‘સત્યમેવ જયતે’ સાથે કઈ રીતે જોડાયેલા છો? 

‘સત્યમેવ જયતે’ તો ઘણા વર્ષો પછી શરૂ થયો. ‘ધ સ્પિરિટ ઑફ લગાન’ પછી ભટકલ સાથે મારો બહુ કોન્ટેક્ટ રહ્યો નહોતો. ગુજરાતીમાં બુક આવી ગયેલી. અમે ફ્રેન્ડસ હતા, પણ સંપર્કમાં નહોતા. પછી જ્યારે શૉ શરૂ થયો ત્યારે ખબર પડી કે સત્યજીત જ એના ડિરેક્ટર છે. ‘સત્યમેવ જયતે’ની પહેલી સિઝન જોઈ તો ફરી પાછું એમ થયું કે યાર આ તો અદભુત શૉ છે. આમાં તો કામ કરવું જ પડે. એટલે હું એમને મળ્યો અને એમને કહ્યું, નેક્સ્ટ સિઝનમાં આઈ વોન્ટ ટુ બી વિથ યુ. સત્યજીતે કહ્યું: શ્યોર! એટલે ત્યારબાદની સિઝન ટુ અને સિઝન થ્રીમાં હું હતો. શૉમાં મારું ડેઝિગ્નેશન હતું સ્ક્રિપ્ટ રાઈટર ફોર વેબસાઈટની; પણ પછી હું બધું જ કરતો. એડિટિંગ પણ કરું ને રિસર્ચમાં પણ ભાગ લઉં. અરે, રિપોર્ટિંગ પણ કરેલું! એ મારું ફાઈનેસ્ટ યર હતું પ્રોફેશનલ લાઈફમાં.        

 

તમે ‘અભિયાન’, ‘ચિત્રલેખા’ અને ‘સંદેશ’ માં અનુક્રમે ‘વિક્રાંત’, ‘મને અંધારા બોલાવે...’ અને ‘અપૂર્ણવિરામ’ જેવી નવલકથાઓ લખી છે. નવલકથા લખવાનો વિચાર કઈ રીતે આવ્યો?

બક્ષી મારા પ્રિય, અતિપ્રિય નવલકથાકાર હતા અને છે. હી વોઝ અ નોવેલિસ્ટ. એમની નવલકથાઓ ઉપરાંત મધુ રાય કે પન્નાલાલ પટેલ જેવા અનેક લેખકોની નવલકથાઓ વાંચતો. વળી, મારી તો શરૂઆત જ વાર્તાકાર તરીકે થયેલી. એટલે નવલકથા તો લખવાની જ હોય! પત્રકારત્વ મેં પછીથી શરૂ કર્યું. 

હવે પહેલી નવલકથા પર આવીએ. ‘અભિયાન’માં મારી પહેલી નવલકથા ‘વિક્રાંત’ શરૂ થયેલી. ત્યારે ‘અભિયાન’નો હું એક્ઝીક્યુટિવ એડિટર હતો. આખું મેગેઝિન હું તૈયાર કરતો, એક એક પાનું મારે તૈયાર કરવાનું હોય, જેના કારણે મારો મોટાભાગનો સમય એ બધામાં જતો. ડિમ્પલ ત્રિવેદી એ વખતે ‘સમભાવ’ ગ્રુપના એડિટર હતા એટલે મેં એમને કહ્યું કે, મારે અશ્વિની ભટ્ટને ફરી લઈ આવવા છે. એ માટે હું બોમ્બેથી ખાસ અશ્વિનીભાઇને મળવા ગયો. એ પહેલા ‘અભિયાન’માં એમની ‘આખેટ’, ‘કટિબંધ’ જેવી નોવેલ્સ આવી ચૂકી હતી. અશ્વિનીભાઈએ કહ્યું, ‘આવ આપણે વાત કરીએ.’ પછી આખો દિવસ અમે વાતો કરી-મજા કરી. પછી કહે: ‘ના, નવલકથા તો નહીં લખું!’ જોકે એમણે મને કેટલાક પ્લોટ્સ કહ્યા, કે લે તું લખ! એટલે મેં ડિમ્પલને કહ્યું, ‘અશ્વિની ભટ્ટ તો નથી તૈયાર.’ તો તેઓ કહે, ‘મારા મનમાં એક રાઈટર છે.’ મેં કહ્યું. ‘કોણ?’ તો કહે, ‘શિશિર રામાવત!’ મેં આશ્ચર્યથી એમની સામે જોયું તો કહે, ‘કેમ? તારે નથી બનવું નવલકથાકાર?’ મને થયું કે આ બધી જવાબદારીઓ વચ્ચે હું કઈ રીતે લખીશ…? પણ મેં લખવાનું શરૂ કર્યું અને ‘અભિયાન’ના પાનાંઓ પર ‘વિક્રાંત’નો જન્મ થયો.  

…અને ‘અપૂર્ણવિરામ’ વખતે હું ‘સત્યમેવ જયતે’ માં હતો. એ સમયે મારી પાંચ કૉલમો, એક નવલકથા અને ‘સત્યમેવ જયતે’; બધું એક સાથે ચાલતું હતું. ખબર નહીં કઈ રીતે ચમત્કાર થયો!   

 

નેક્સ્ટ નોવેલ આવે છે? ક્યારે? અને એક નવલકથાકાર તરીકે તમને કેવી લાગણી થાય છે?

યસ, છે પ્લાન. લખાઇ રહી છે; બે ચેપ્ટર લખ્યા છે. ક્યાં આવશે એ ખબર નથી. પણ આવશે. મારી અત્યાર સુધીની સૌથી અઘરી, ટફેસ્ટ નોવેલ એ હશે. સૌથી સ્પેકટેક્યુલર નોવેલ. બહુ એમ્બિસિયસ નોવેલ છે.

પત્રકાર, નાટ્યકાર, નવલકથાકાર, કૉલમિસ્ટ –આ બધામાં મારું પ્રિય સ્વરૂપ હોય તો એ નવલકથાકાર તરીકેનું છે. વાચકોનો સૌથી વધુ એક્ચ્યુલ પ્રેમ નવલકથાઓને મળ્યો. કલ્પી ન શકાય એટલો બધો… નવલકથા અલગ જ બાબત છે. મને હતું કે અત્યારે કોણ નવલકથા વાંચતા હશે? પણ આઈ વોઝ રોંગ. લોકો હજુ પણ પહેલાની જેમ જ વાંચે છે.

 

છેલ્લે તમે ‘હું... ચંદ્રકાંત બક્ષી’ નાટક લખ્યું. લોકોને ખૂબ ગમ્યું. અગાઉ પણ તમે કમર્શિયલ તેમ જ સમાંતર રંગભૂમિ માટે નાટકો લખ્યા છે. ‘પ્રતિપુરુષ’, ‘સાત તરી એકવીસ’, ‘જીતે હૈ શાન સે’, ‘તને રોજ મળું છું પહેલી વાર’ અને ‘હરખપદૂડી હંસા’…. તો એ વિશે થોડું…

સૌથી પહેલા મેં મોનોલોગ લખ્યા હતા. હરકિશન મહેતા વિશે એક ‘શેષ-વિશેષ’ કરીને પુસ્તક તૈયાર થયું હતું. એ બુક-લોન્ચ વખતે હરકિશન મહેતાના પાત્રોને લઈને મનોજ શાહ તથા અલગ અલગ ડિરેક્ટરોએ મોનોલોગ્સ ભજવ્યા હતા. એમાં મને બે મળ્યા હતા, એક ‘જડ-ચેતન’ ની તુલસી અને બીજું ‘સંભવ-અસંભવ’ નું એક પાત્ર હતું, જે સરિતા જોશીએ ભજવ્યું હતું. એ મારું સ્ટેજ સાથેનું પહેલું ઈન્ટરકશન હતું. પછી એક નાટ્યલેખન સ્પર્ધા હતી, એકાંકી સ્પર્ધા. ત્યાં જ બેસીને લખવાનું અને છ કલાકમાં લખીને આપી દેવાનું. ત્યાં મેં ‘પ્રતિપુરુષ’ કરીને એકાંકી લખ્યું, જેનું મને ફર્સ્ટ પ્રાઈઝ મળ્યું. અને ‘સાત તરી એકવીસ’માં એ જ મોનોલોગ કર્યું.                                                     

પછી મનોજ શાહે મને ‘જીતે હૈ જાન સે’ ઓફર કર્યું. પ્રાણીઓની હિંસા પર એ નાટક હતું. એના માત્ર એક-બે શૉ જ કરવાના હતા, પણ નાટકને રિસ્પોન્સ સારો મળ્યો ને એના ઘણા શૉઝ થયા. વર્ષ 2007ના ત્રણ સૌથી વધારે વિચારપ્રેરક નાટકોમાં એક એ ગણાયું. ત્યાર બાદ નીરજ વોરાનું ‘તને રોજ મળું છું પહેલી વાર’ આવ્યું. એ મારું પહેલું કમર્શિયલ પ્લે. બહુ મજા પડી એમાં કામ કરવાની. નીરજ વોરા વોઝ બ્રિલિયન્ટ; એમની કોમેડી સેન્સ અફલાતુન છે. આ એક સોશિયલ કોમેડી નાટક હતું. હોલિવુડની એક ફિલ્મ છે: ‘ફિફ્ટી ફર્સ્ટ ડેટ્સ’; એ પરથી નાટક બન્યું છે. એના પછી સંજય ગોરડિયાનું ‘હરખપદૂડી હંસા’ આવ્યું. એ એમનું જ એક મરાઠી એકાંકી હતું, એના પરથી ફૂલલેન્થ ગુજરાતી નાટક બન્યું. અને છેલ્લે ‘બક્ષી’ બન્યું.

 

(શિશિર રામાવતની લખેલી એક અછાંદસ કવિતા બતાવીને) તમે કવિતા પણ લખી છે. તો શિશિર રામાવતનું એ પાસું…

(હસીને...) મેં આવી ચાર-પાંચ કવિતાઓ લખી છે. કવિતા છે કે ‘કવિતા જેવું’ કંઈક છે આઈ ડોન્ટ નો… હું એવું માનું છું કે કવિતા લખતા પહેલા છંદ આવડવા જોઈએ. આ તો અછાંદસ છે. તમને છંદ આવડે તો તમે અછાંદસ લખી શકો પછી. નિયમ તોડ્યા, પણ પહેલા નિયમ તો જાણો! એટલે હું ડાયરેક્ટ આમાં જ કૂદી પડ્યો હતો! એટલે... આ એક લેખ પણ હોઈ શકત, એક ફકરો પણ હોઈ શકત! પણ મહત્ત્વનો વિચાર છે, થૉટ. તમે કવિતાનું ફોર્મ આપો કે નિબંધ કે એસે લખો..

 

તમારા હાલના વાંચન વિશે...

(થોડી સેકન્ડ્સ પુસ્તકોમાટે શું કહેવું એના શબ્દો જ નહોતા મળતા! પછી શબ્દો ગોઠવાયા) હું પુસ્તકનો કીડો છું. હું કમ્પલસરી બુક બાયર છું! મારે પુસ્તકો ખરીદવા જ પડે. નહીંતર મને કંઈક થવા માંડે! થોડા દિવસ થાય ને એમેઝોન, ફ્લિપકાર્ટમાં ઓર્ડર આપું. એમ ચાલતું જ હોય મારું. (પુસ્તકો તરફ આંગળી ચીંધીને) ગઈ કાલે જ મેં આ બધી મગાવી છે. મારું નેક્સ્ટ ‘મલ્ટિપ્લેક્સ’ આના પર છે.. (ટ્વિન્કલ ખન્નાનું ‘મિસિસ ફનીબોન્સ’) 

…વાંચવાનું ચાલુ જ છે. વાંચ્યા વગરના પુસ્તકો પણ ઘણા પડ્યા છે; સમય નથી મળતો મને કે મારા ગમતા પુસ્તકો હું વાંચુ; કામ માટે તો વાંચતા જ હોઈએ..

 

હવેના પ્રોજેક્ટ વિશે…

હવે, ફરી એકાદ નાટક આવશે. નેક્સ્ટ નોવેલની તૈયારીઓ થઇ રહી છે. બહુ રિસર્ચ માગી લે એવી ડિફિકલ્ટ નોવેલ છે. બીજું, એક મેઘાણીનું પ્લે વિચારું છું. ‘બક્ષી’ જેવું જ પ્લે ‘મેઘાણી’ નું કરવું છે; પણ એકપાત્રિય નહીં, મેઘાણી-મુનશીનું દ્વીપાત્રિય કરવું છે. અત્યારે એના માટે બધું વાંચી રહ્યો છું ત્યારે લાગે છે કે બંને કદાચ એકસાથે નહીં થઇ શકે; તો પછી મેઘાણી એકલા કરીશું. મેઘાણી પોતે ઘણા સમૃદ્ધ છે: એમનું સાહિત્ય, એમનું સંગીત, સ્ટોરીઝ... એટલે મેઘાણીમાં ઘૂસવું પડે લખતા પહેલા… કેમ કે બક્ષીને હું આકંઠ પી ગયેલો હતો, પચાવી ગયેલો હતો એટલે મને બહુ ઈઝી પડ્યું લખવાનું પ્લે; મેઘાણીમાં એવું નથી, એમાં મારે પ્રયત્નપૂર્વક અંદર જવું પડશે. 

 

શું કરવાની કોઈ મોટી ઈચ્છા છે? લાઈક અ ડ્રીમ...

ફિલ્મ્સ લખીશ ભવિષ્યમાં… એ એક ઈચ્છા છે. ક્યારે એ ખબર નથી; હું પ્રયત્ન પણ કરતો નથી, પણ એ થશે.

 

લાસ્ટ ક્વેશ્ચન: શિશિર રામાવત લેખક ન હોત તો...

ઓહ ગોડ! 

એક આર્ટિસ્ટ હોત કદાચ. ફાઈન આર્ટ્સમાં મને જવાની બહુ ઈચ્છા હતી. ત્યાં બરોડામાં હતો ત્યારે ફાઈન આર્ટ્સની કોલેજ જોઇને થતું કે મારી કોલેજ આવી હોવી જોઈએ. તો હું કદાચ ફાઈન આર્ટિસ્ટ હોત! લેખન-પત્રકારત્વ સિવાયના કોઈ પણ ફિલ્ડમાં હોત, અંતે તો એ કલા જ હોત!

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.