આજે રાતે
આજે રાતે હું આત્મહત્યા કરીશ.
જેને જે કહેવું હોય તે ભલે કહે. કાયર તો કાયર અને ભાગેડુ તો ભાગેડુ. એની સાથે મારે હવે લેપન નથી. જીવન પર પૂર્ણવિરામ મૂકી દેવું છે આજે રાતે. એ પહેલાં આ લખાણ-મારી કલમે છેલ્લું-કવરમાં બીડી સંપાદકને મોકલવા તૈયાર રાખીશ. એટલું કામ ઘરનું કોઈ પણ કરશે. લખાણ છપાશે ત્યારે કેટલાકની આંખો એના પર ફરશે, કેટલાક કદાચ ધ્યાનથી વાંચશે તો કોઈ વળી પાનાં ફેરવી આગળ વધશે, વધુ રસાળ ક્ષેત્રોની શોધમાં.
મારે તો બધું છોડતાં પહેલાં થોડી વાત જ કરવી છે. કદાચ વ્યક્તિની લાચારીની, એની અસહાય દશાની, એની હયાતીની વિડંબનાની. આવી વાતમાં બધાને રસ ન પડે એમ બને.
બીજી માર્ચનો દિવસ જેમ તેમ પૂરો થયો. રાત વળી દિવસ કરતાં અનેકગણી ડરામણી. કશામાં મન લાગે નહીં. સાડાઆઠે ફોન આવ્યો. સામેની શાંતિવન સોસાયટીમાંથી વંદનાબહેનનો. અવાજ ગભરાટથી બેસી ગયેલો અને તરડાયેલો.
- અહીં આસપાસમાં કોઈને કહેવાય એમ નથી. ઝટ કહેજો, વખત નથી.
- પોલીસને ખબર આપી?
- આપી, પણ એ તો મોડીયે આવે. ગોઠવણ આપણે જ કરવી પડે. એને ભરોસે ન બેસાય.
- ભલે, મોકલો. કહેજો કે ધમાલ કર્યા વિના આવે. ખબર ન પડવી જોઈએ.
- મને પૂછે છે કે બકરીઓનું શું કરીએ...
- છોડી મૂકે. બીજું તો શું થાય?
- રાતે બેંબેં કરશે તો લોકો જાગી જશે. આપણને ખબર નથી કોણ કેવું વિચારે છે. કદાચ છોને એટલાથી....
- તો પછી જે થાય તે. એકલા જ ભલે આવે. રોકડ રકમ ભલે સાથે હોય, બીજું ભેગું કરવામાં વખત બગાડે નહીં એમ કહો...
- તમેય પોલીસને ફોન તો કરો જ.
- આ હમણાં જ કરું છું.
આંગળાંને લકવો થઈ ગયો હોય એવું. નંબર સરખા ફરે નહીં. માંડ નંબર લાગ્યો. આ ચાલતું હતું ત્યારે મારું આખુંયે ઘર મારી સામે એકઠું થઈ ગયું.
- શું થયું? વંદનાબહેન હતાં? મને લાગ્યું જ કે એ હશે.
- કહે છે આ તરફ ટોળાં આવે છે. કાદરભાઈના ઘર ભણી.
મારાથી માત્ર કાદરભાઈનું જ નામ લેવાયું. બાકી ગઈ સાલ સૈફી પાર્કમાંથી જ કોઈ મુન્નાભાઈ પકડાયેલા, આતંકવાદીઓ સાથેના ઘરોબાને કારણે. કાદરભાઈની દુકાને તો જૂના જમાનાથી ઘરનાં ગોદડાં, રજાઈ, ઓશીકાં તૈયાર થાય. અમારે વસ્તાર ઝાઝો, મહેમાન બાબતે કદી ઓટ નહીં અને વધારામાં મોટા જયેશની હોસ્પિટલ એટલે કાદરભાઈ જોડે હિસાબ પૂરો થાય નહીં. એમ જ કહેવાય. એમને ત્યાં બનેલાં ગાદલાં પર જ વડસસરાએ છેલ્લા શ્વાસ લીધેલા અને નાની ચકુ એમને ત્યાં બનેલી રેશમી રજાઈ ઓઢીને જ સૂતી, એના પગ રજાઈ બહાર નીકળવા લાગ્યા ત્યાં સુધી.
- તેં શું કહ્યું વંદનાબહેનને?
- ના ઓછી પાડું? કહ્યું કે આવી શકે એ લોકો અહીં. અડધી રાતે ન કરે નારાયણ ને કંઈક થાય તો જાય ક્યાં બાપડા?
કોઈ કશું બોલ્યું નહીં. અંદરના ખાટલામાં સળસળાટ થયો. માજી ઊભાં થયાં હોય એવો અણસાર. ચશ્માં સરખાં કરતાં બહાર આવ્યાં, વગર લાકડીએ.
- શી વાત છે? કંઈ થયું એટલે મે’કું ચાલ જાણી આવું. જાણ્યા વિના ઊંઘ આવે કેમ કરીને!
- ના, હોં દેવી, એમને આટલે આવવાનું ન કહેવાય. વંદના ને જયંત ભલે એમને ફાવે એ કરે. એ બધાં સર્વોદયવાળાં એટલે એમને આવું ચાલે, આપણે ઘરે એ ધમાલ નથી નોંતરવી.
- પણ હજી ક્યાં કોઈ આવ્યું છે? આ તો માત્ર અફવા જ હોય, શી ખબર! હવે વંદનાબહેન આટલું પૂછે ને હું ના પાડું? આંગણે આવનારને આશરો આપવાની વાર્તાઓ તમે આ છોકરાંવને નહોતાં કહેતાં?
મારો અવાજ ઉકળાટ પકડતો જતો હતો. એ વચ્ચે પડ્યા.
- નાગરિકોનું રક્ષણ પોલીસની ફરજ છે. હું હમણાં જ પેલા ચૂડાસમાને ફોન કરું છું.
- પોલીસને તો જયંતભાઈએ ફોન કરેલો જ છે. તમે જાણો છો તો કે પોલીસ કોઈ જાદુ નથી કરવાની. ગઈકાલે જેનાં ઘર બળી ગયાં એ ત્રણ બાઈઓ મેઈન રોડ પર દોડી ગઈ તોયે પોલીસે ઉગારી નથી એમને, વાંચ્યું નથી?
- તો ભોગ બધાના! આપણે ઠેકો નથી લીધો ગામને બચાવવાનો. ગામનાં પાપ માથે લેવાની જરૂર નથી.
- ગામને બચાવવાની વાત નથી. આપણી ત્રેવડ પણ નથી. આ તો વર્ષોથી તમારી નજીક રહે છે અને તમે જેને જાણો છો એમની જ...
- બધું કર્મ પ્રમાણે થતું રહે છે. આપણે કોઈનો ન્યાય કરવાનો નથી. સાચુંખોટું જોવાની આપણી હેસિયત કેટલી? જે થાય તે સાક્ષીભાવે જોવાથી વધારે માણસથી કશું થતું નથી. પોતે કશું કરવા સમર્થ છે એ માનવું જ ખોટું....
પુસ્તકોનું સતત વાચન અને વ્યાખ્યાનોના શ્રવણની કાયમી અસર હેઠળ મોટા ભાઈ આવું જ બોલે. નવાઈ ન લાગી.
મારાં ચાળીસ વર્ષ સ્કૂલમાં કાળા પાટિયાની પડખે અેન ચોક-ડસ્ટરના મેળમાં. કાનમાં રાત દિવસ ઘંટ સંભળાય. ગુડ ડે મે’મ, ગુડ મૉર્નિંગ ટીચર, બહેન, નમસ્તે... સ્મિત ઊજળા ચહેરાઓની વચ્ચે એ ચાળીસ વર્ષ રેશમી પડદાની પેઠે ઊડાઊડ, નિવૃત્તિ તો હજી ગયે સાલ જ આવી. નૈતિક મૂલ્યોનું સિંચન, જીવનઘડતર અને સુદૃઢ વ્યક્તિત્વની કેળવણી જેવા શબ્દો મારા નામ સાથે ચસોચસ વળગાડ્યા હતા સહુએ. આરંભનાં દસ પ્રાઈમરીમાં, પછીનાં ત્રીસ હાયર સેકન્ડરીમાં. દર વર્ષે ઓછામાં ઓછા સો વિદ્યાર્થીઓ ગણો તોયે અત્યાર સુધીમાં તો કુલ ચારેક હજાર સાથે ઘનિષ્ઠ સંપર્ક. અત્યારે એમાંના ઘણા સાળીસે પહોંચ્યા હશે કે પાર કરી ગયા હશે. આ દેશના સમજદાર અને સંવેદનશીલ નાગરિકો. મને જાણ છે કે એમાંના કેટલાયે ઊંચા સરકારી હોદ્દા પર છે, પોલીસ ખાતામાં છે અને શિક્ષણમાં તો છે જ છે. છેલ્લાં દસ વર્ષથી તો વ્યક્તિત્વવિકાસની શિબિરોમાં નિયમિત જવાનું થાય છે, નિવૃત્તિ પછીયે. આખા રાજ્યનાં છોકરાં હોય. એમ ગણીએ તો કેટકેટલાંને સાવ નજીકથી જાણ્યાં. એ સુનયના ને શબનમ, પેલો નીરવ અને ગૌતમ, લીલી અને તસનીમ, સતબિન્દર, અને બેપ્સી, ફરહાના અને થૉમસ.... નથી. નામ ભૂલી, નથી ચહેરા. આમાંથી કોઈ પણ રસ્તે ભેટી જાય તો એ જ ઉમળકો, એ જ સ્નેહાદર. મારો હાથ એ બધામાંથી કોઈ પણ પકડે તો એમાં વહેતા લોહીની ઉષ્માને રીતસર અડી શકું. એ તમામ કંઈ આ શહેર છોડીને જતા નથી રહ્યા. પ્રત્યેક પીરિયડની દસ મિનિટ ઊંચાં મૂલ્યોની ભીતર પ્રવેશ માટે. માણસ બનાવવાનું કામ હતું, જવાબદારીની ખબર હતી મને. બે દિવસ મેં રાહ જોઈ હતી. કોઈક આવશે ને કહેશે કે આ ખોટું થાય છે, ચાલો રોકવાની કોશિશ કરીએ. કોઈક કહેશે કે રાજીનામું તૈયાર રાખ્યું છે પણ કશું ન કરવાની વાત નહીં કબૂલ કરું. પાંચેક જણને તો પાછળ પડીને મેં જ ઘેર બોલાવ્યાં.
- ન જવાય બહેન. આવામાં નીકળાય જ નહીં. પોલીસ જ પકડીને ગોંધી દેશે.
- આવો વિચાર તમને અત્યારે આવ્યો જ શી રીતે મેડમ. ટોળાંને તો માથું હોય જ નહીં અને જેને માથું ન હોય એની સાથે ખટપટમાં પડાય જ નહીં.
- ઈટ ઈઝ યુઝલેસ, મે’મ, નો પૉઈન્ટ ઈન ડુઈંગ એનીથિન્ગ...
- દિલ્હી ફોન કરીએ. અહીં તો ટોટલ કેઓસ છે.
- આપણી ગુજરાતી ફિલ્મોનાં તો હીરો-હિરોઈન બી નક્કામાં. એ પાઘડાં-ઓઢણીવાળાં આવે ટાણેય ખપનાં નહીં. બાકી બોલિવુડમાંથી કોઈ આવી જાય ને ભાષણબાષણ ફટકારે તો વખત છે ને તોફાન અટકેય ખરાં!
- પણ રવિન, તું તો સ્વૈચ્છિક સંગઠનોમાં અને ગાંધીવાદી કાર્યકરોમાં ઘણો સક્રિય છે. એ બધાંને ભેગાં ન કરી શકાય? ને સ્ત્રીઓને એકઠી કરવામાં તો લીલી, શબનમ, રચના બધાં જ મદદ કરી શકે.
- સ્ત્રીઓને ભેગી નહીં કરી શકાય બહેન, એમનાં ભેજાંનો કચરો તમે નથી જોયો. એ સારું જ છે. આ આખી ને આખી સોસાયટીઓ સળગાવી ત્યારે અગાશીની પાળે બેસીને નિરાંતે ભડકા જોતી’તી કેટલીયે બાઈઓ, કોઈના પેટનું પાણી ખળભળ્યું નથી ત્યારે!
- ને મેડમ, માણસોને જલાવી દેતાં ટોળાંમાંથી જે પાંચ પકડાયા તેમને છોડાવવા પોલીસચોકીને ઘેરો ઘાલ્યો હતો, આઠ હજાર સ્ત્રીઓએ, હાય હાય બોલાવે ત્યાં લગી તો ઠીક, એમને મોંએ જે ગાળો નીકળી છે... તોબા તોબા...
પછી મેં પ્રયત્નો છોડી દીધા. કરફ્યુમાં રંજન અને અલકા નવરાં પડ્યાં. એટલે રસોડામાં સમય ગાળે. કેક પર ડેકોરેશન કરતાં રંજન બોલી હતી કે પુઅર મમ્મા, આટલી શિબિરો કરી પણ રમખાણોમાં શાંતિ સ્થાપવા પાંચ જણ પણ ન આવ્યા એને મદદ કરવા. માજી અંદર કોઈક સ્વામીજીની કેસેટ સાંભળતાં હતાં. સમય આને પર જો હમેં બલ દેતા હૈ, સત્ય, ન્યાય ઔર પ્રેમ કે પથ પર ચલને કી શક્તિ દેતા હૈ વહી ધર્મ હૈ... ધર્મ ન મંદિર મેં બંધ હૈ ન હી કોઈ...
ફોનની રિંગ. મને ખબર જ હતી એ કોનો ફોન હતો. જયંતભાઈ. ભયના ઘેરામાં ભીંસાયેલો અવાજ, ઉતાવળો, બેબાકળો.
- આ લોકોને મોકલું છું. લગભગ પંદરેક જણ છે. વ્યવસ્થા થશે ને?
- કરીશ. કરવાની જ હોય.
- ખબર આપી દીધી છે. આવે તો સારી વાત છે. રિસિવર હેઠું. સન્નાટો ચસોચસ. કોઈ કંઈ બોલ્યું નહીં.
- કાયમ આપણે જ માર ખાઈએ છીએ એમ નહીં. કોઈક વાર આપણેય... હું દાઝી ગઈ. આ મારું જ લોહી હતું. મેં જ મોટો કરેલો પ્રણવ. જેને ભોંય પરનાં ઝીણાં ફૂલો જોતાં અને કીડી પણ કચરાય નહીં એ રીતે ચાલતાં શીખવેલું અને રોજેરોજ આંગળી ચીંધીને આકાશ કેટલું વિશાળ છે એ દેખાડેલું.
બોલવાનું શું હોય? સાઠ પસાર કરી ચૂકેલી એક સામાન્ય શિક્ષિકા. પેલા મહાશક્તિશાળી તંતોતંત સાચા સમર્પિત માણસનું વર્ષોનું તપ એળે ગયું હતું તો મારી કોઈ વિસાત નહીં.
- દાદીમા, હમણાં આવશે દસ-પંદર જણ આપણે ઘેર...
- મરજાદીના ઘરમાં માંસાહારીઓ...
- તે તમારા પૂર્વજો નહોતા ખાતા માંસ?
રંજનની દલીલ. એને દલીલો કરવાની ગમ્મત પડતી. પોલીસ આવી જાય તો પીડા નહીં. અગ્નિપરીક્ષા આપવાનો વખત જ ન આવે. બધું સચવાઈ જાય. એમણે મારી મથામણ જાણી લીધી અને ફોનને વળગી પડ્યા.
- કંઈ કરોને યાર ઝડપથી. અફવા કે સાચું જે હોય તે. માત્ર અફવા માની લઈએ તો મૂરક ઠરીએ. અત્યારે તો સાચું માનીને જ ચાલવું પડે...
- ‘પ્રદેશ પ્રહરી’માંથી? ત્યાં સાવલિયા છે? જરા આપો તો પ્લીઝ...
- કોણ ગણેશભાઈ? તમે પોલીસચોકીએ જઈને જરા આટલું કરીને....ને તરત જ, ઈમર્જન્સી ગણજો.
કોઈકે ઊઠીને બારણાં બંધ કર્યા. શા માટે બંધ કર્યા? હમણાં એ બધાં આવી પહોંચશે. ઉપરના રૂમમાં અને બાલ્કનીમાં પંદરેક તો આરામથી સમાઈ શકશે. થોડાંક તો છોકરાંઓ હશે એટલે વાંધો નહીં આવે. પાણી પૂરતું છે. બિસ્કિટ પણ પડ્યાં છે.
એમણે પાંચ-છ ફોન કર્યા હશે ફટાફટ. પછી કહે કે લો થઈ ગઈ વ્યવસ્થા. હવે હોમમિનિસ્ટરને કોઈ ધર્મસંકટ નહીં નડે. આ ઘડીએ પોલીસ આવશે.
કોણે કહ્યું કે હું ધર્મસંકટમાં હતી? માણસાઈથી બીજો કોઈ ધર્મ મારો નથી એમ મારે બોલવું હતું પણ એ શબ્દો અત્યારે અસંબદ્ધ લાગ્યા.
વાગ્યા હતા તો સાડાનવ પણ બહારનું અંધારું બહુ ડરાવતું હતું. સ્ટ્રીટલાઈટો તોફાનીઓએ આગળ જ તોડી હતી એટલે ઘરમાંથી જે પ્રકાશ બહાર રેલાય તે જ. ઓટલા પર પડતી નાની બારી જ ખુલ્લી રાખી હતી. દૂર દૂરથી અવાજો આવ્યા કરતા હતા. પ્રાગ્ ઐતિહાસિક કાળના ગુફામાનવો સમૂહમાં શિકારે નીકળ્યા હોય એવા. માજીનો હનુમાનચાલીસાનો પાઠ ચાલતો હતો. સમય ચૂકતાં નહીં પાઠનો. એ અધીરા થઈ આમતેમ આંટા મારતા હતા અને પોતે આટઆટલા ફોન કર્યા છતાં કોઈ ઘડી ન આવ્યું એનો બળાપો કરતા હતા. બારીમાંથી જરા ડોકું કાઢીને પ્રણવ ચોમેર જોતો હતો, અંધારું ભેદીને.
- આવે છે, આવે છે એ લોકો...
- કોણ પોલીસને? હું નહોતો કહેતો! તમે અમથાં જ ગભરાઈ જાવ!
- અરે પોલીસ નહીં, ટોળાંઓ, જુઓ સળગતા કાકડા અંધારામાં.
આંગળીઓ થીજી ગઈ હતી તો પણ વંદનાબહેનને ફોન જોડ્યો. બીકથી અવાજ થોથવાતો હતો.
- રોકો, રોકો, એમને ત્યાં જ રોકો. આ તરફ તો ટોળાંઓ આવી લાગ્યાં છે.
- અરે પણ એ તો અહીંથી નીકળી ગયા છે. ક્યાંક રસ્તે જ હશે અધવચ્ચે, હવે?
- ઓ મા! પેલાંઓને બચાવો. પ્રણવ... જલદી... તમે ચાલો મારી જોડે, આપણે ત્યાં પહોંચી જઈએ...
- ને એમણે મને જકડી લીધી. મુશ્કેટાટ.
- ગાંડી થા મા! ન જવાય ત્યાં. ટોળાં તારું કહેલું નહીં માને. મરી જઈશ તોયે નહીં માને...
- તો ભલે, આમ બેસી રહેવા કરતાં છો મરી જવાતું!
- જરા નૉર્મલ માણસની જેમ વરતો મમ્મા, ટોળાંની વચ્ચે એમ દોડી ન જવાય. અત્યાર સુધીમાં કોઈ ગયું હોય એમ સાંભળ્યું છે તમે? તમને એમ લાગે છે કે એ ચિચિયારી પાડતાં ભૂતો તમારી વાત સાંભળશે? એ કંઈ આઠમા ધોરણનો ક્લાસ નથી!
પછીની ખેંચતાણની વિગતો આપવામાં સાર નથી. પાંચ-દશ મિનિટમાં તો પિશાચી કોલાહલ અને ભયથી લથબથ ચીસોથી ઘરની દીવાલને ભૂકંપના ઝટકા લાગ્યા.
- લે, નીકળ્યાં હોત તોયે પહોંચાયું ન હોત. હવે જીવ બાળવાનો છે કશો અર્થ?
બહાર ધુમાડાના ગોટેગોટા, બકરીઓની વ્યાકુળ ભાગદોડ, કૂતરાંની ભસાભસ અને લબકારા લેતા ભડકાઓ, હવામાં પેટ્રોલ, કેરોસીનની અને બળતાં કપડાં સાથે માનવશરીરની ગંધ...
- બારી તો બંધ કરો હવે!
- મમ્મા, મમ્મા, આ તો બેભાન થઈ ગઈ કે શું?
* *
ના, બેભાન, નહોતી થઈ. માત્ર શરીર ખોટું પડી ગયેલું, લકવો થયો હોય એમ. અમે કોઈએ એકમેક સાથે વાત કરી નહીં. અજાણ્યાં થઈને પડી રહ્યાં. રાત પૂરી થાય એની વાટ જોતાં.
એ બિહામણી રાત પૂરી તો થઈ પણ સવાર ન પડી. એ વાદળછાયા દિવસે સૂરજ નીકળ્યો જ નહીં. કરફ્યુ હતો એટલે સહુ ઘરમાં અટવાતાં રહ્યાં. પોતપોતાનો તાપ લઈને બળતાં. મોડેથી વંદનાબહેનનો ફોન આવ્યો. કાદરભાઈનું આખું કુટુંબ અને એમની જોડે નીકળેલાં બીજાં પણ રાતના બનાવમાં... એ કહેતાં રહ્યાં...
- હું ને જયંત દોડ્યાં પણ અમને ધક્કે ચડાવીને જ એ લોકો એ... સુમનભાઈને ત્યાંથી અમને મદદ કરવા કોઈ આવે એવા વિચારે દોડ્યાં. એનું ઘર તો બહારથી જ બંધ કરી દીધું બદમાશોએ...
મેં ફોન મૂકી દીધો.
ત્યારથી બોલેલા અને સાંભળેલા, લખેલા અને વાંચેલા શબ્દો મારી સામે ફાંસીને દોરડે લટકતા શબ જેવા ટીંગાય છે. બોલું છું. ત્યારે કોઈ શબ્દ સમજાતો નથી, લખું છું ત્યારે એનો અર્થ એની સાથે જતો નથી. આ રમત હવે ચાલુ નથી રાખવી. દસમાની પરીક્ષામાં સંજના નાપાસ થઈ ત્યારે એણે આત્મહત્યા કરેલી. એને ઘેર આશ્વાસન આપવા ગઈ ત્યારે હું બોલી હતી કે સંજના મને મળવા આવી હોત તો સારું થાત.
આજે હું કોઈની પાસે જઈ શકું એમ નથી. મેં કાલે રાતે જે જોયું એવું ફરી જોવું નથી. આજે રાતે હું જીવન પર પૂર્ણવિરામ મૂકીશ, જીવવાની લાયકાત મેં ગઈ રાતે ગુમાવી દીધી છે માટે. આજે રાતે હું -
(વાર્તાકારઃ હિમાંશી શેલત)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર