મુગલે આઝમનો એક અંશ પણ બની ન શકી બાજીરાવ મસ્તાની
સંજય લીલા ભણશાળીની ફિલ્મ 'બાજીરાવ મસ્તાની' સામે ઈતિહાસ સાથે ચેડાં કરી, ઈતિહાસને તોડી-મરોડીને રજૂ કરવાના મામલે ઊહાપોહ ચાલી રહ્યો છે. ભણશાળીએ કર્યું જ છે એવું કે, ઊહાપોહ થાય જ. બાજીરાવ-મસ્તાની અને બાજીરાવ- કાશીબાઈનાં ઉત્તેજક સીન ફિલ્મમાં ઠાંસી-ઠાંસીને ભર્યા છે. ઈતિહાસમાં ક્યાંય લખ્યું નથી કે બાજીરાવે કાશીબાઈને ક્યાં ચૂમીઓ ભરી કે મસ્તાની સાથે કેવી રીતે સુહાગરાત માણી.
ભણશાળીની ફિલ્મોને ઈમોશન્સથી ભરપૂર માનવામાં આવે છે. 'બાજીરાવ મસ્તાની' માટે પણ ચોસલાગીરી કરતા વિવેચકોએ ઈમોશનનાં વાઘા પહેરાવ્યા છે. સંજય લીલા ભણશાળીએ બાજીરાવમાં ઈમોશનનાં નામે નકરા હિંસક ઈમોશન બતાવ્યા છે અને ઈતિહાસની ધૂળધાણી કરી નાંખી છે. મસ્તાની, કાશીબાઈ જેવી વીર મહિલાઓને ફિલ્મમાં છડેચોક નાચતી દર્શાવી છે. બાજીરાવને ઉછાંછળો અને ટપોરી સ્ટાઈલમાં ગીત ગાતો બતાવ્યો છે. ઈતિહાસ સાથે ક્રૂરતાપૂર્વક ચેડાં કરી ભણશાળીએ પોતાની બીબાઢાળ માનસિકતા જ છતી કરી છે.
એવું કહેવાય છે કે, મસ્તાની માટે તો આખાય મરાઠાવાડને ત્યારે પણ માન હતું અને આજે પણ છે. કાશીબાઈનાં કારણે પુનાનું શનિવારવાડા પ્રખ્યાત થયું તો મસ્તાનીનાં કારણે આઈના મહેલ ફેમસ છે. ફિલ્મમાં બિનજરૂરી ઉત્તેજક સીન અને એ પણ રાજા અને રાણી વચ્ચે દર્શાવવાની જરૂર જ ક્યાં હતી? પેશ્વા ક્યારે શું કરે છે એ બતાવવા કરતાં ભણશાળીએ 'બાહુબલિ' જોઈ લેવાની જરૂર હતી. અરે નહીં 'બાહુબલિ' તો 'મુગલે આઝમ'માંથી પ્રેરણા લઈ લીધી હોત તો પણ એક ભવ્ય અને અફલાતૂન ફિલ્મ બની શકી હોત.
મુગલે આઝમની વાત નીકળી છે તો આ ફિલ્મ સમૂળગી રીતે લવ સ્ટોરી પર આધારિત ફિલ્મ હતી. સલીમ-અનારકલીનાં બે પાત્રો અને અકબર નામનાં રાજાની રાજા સ્ટાઈલની વિલનગીરી. આખીય ફિલ્મનો સ્ક્રીન પ્લે એટલો બધો પાવરફુલ હતો કે કોઈ પણ દૃશ્ય ચૂકવાનું આજે પણ મન થતું નથી. મુગલે આઝમમાં દરેક બાબતોની ચીવટાઈ રાખવામાં આવી હતી. ફિલ્મનાં ડિરેટકર કે. આસીફે મુગલે આઝમને મૂર્તિમંત કરવા માટે સંશોધનો કરેલા અને દરેક સીનની બાંધણીથી લઈ રાજા-બાદશાહ તેમની કનિઝો અને મહેલ અંગેની રીત-ભાતો પર રિસર્ચ કર્યા હતા. ત્યારે ઈન્ટનેટનો યુગ ન હતો. પુસ્તકોનાં હવાલાઓનાં આધારે બધું તૈયાર કરવાનું હતું.
કે.આસીફે બાદશાહ અકબર અને શહેઝાદા સલીમ વચ્ચેનાં સંવાદો કે અનારકલી-સલીમ વચ્ચેનાં પ્રણયફાગને મર્યાદાની પરિમિતીમાં કચકડે મઢયા હતા. આખીય ફિલ્મમાં એક માત્ર ગાર્ડનનાં સીનમાં સલીમ-અનાકરલીનો સીન છે. તાનસેનનાં મલ્હારી રાગ સાથે દિલીપકુમાર મધુબાલાનાં ચહેરા પર મોરપિંચ્છ ફેરવે છે. આ એક માત્ર લવસીન હતો. આ સીન પણ કે.આસીફે પરાણે નાંખેલો. કેમ કે, ફિલ્મમાં ક્યાંય પણ સલીમ-અનારકલી ગીતો ગાતા નથી. માત્ર બાદશાહી અને કનિઝી રીતે સંવાદોની આપ-લેમાં જ પ્રેંમ ખીલતો દર્શાવાયો હતો. કે.આસીફે ઉત્કટ, પ્રગાઢ પ્રેમ દર્શાવવા ગાર્ડનનો સીન ફિલ્માવ્યો હતો.
કે.આસીફ સ્પષ્ટપણે માનતા હતા કે બાદશાહો અને રાજાઓનો પ્રેમ એમના શાહી ઠાઠ પ્રમાણેનો જ હોય છે. મુગલે આઝમ માટે 110 જેટલા ગીતો લખાયા હતા. દિલીપ કુમાર ગીત ન ગાય તો ન ચાલે. પણ સ્ટોરી લાઈન પકડીને પ્રેમમાં સરાબોર શહેઝાદાનું કેરેક્ટરાઈઝેશન કરવામાં આવ્યું. કે.આસીફે ગીતો લખાયા પછી કહ્યું હતું કે, કોઈ બાદશાહ કે રાજા ગીતો પર કેવી રીતે નાચ-ગાન કરશે? કે.આસીફનાં શબ્દો હતા કે, 'બાદશાહ ગાના ગાયા નહીં કરતે, ગાના સૂના કરતે હૈ....'
મુગલે આઝમમાં એક-એક સંવાદ અેક-એક સીન પર મહેનત કરવામાં આવી હતી. ભણશાળીનો દાવો છે કે 10 વર્ષથી બાજીરાવ મસ્તાનીનાં પ્રોજેક્ટ પર કામ ચાલતું હતું. ફિલ્મ જોયા પછી એવું લાગે છે કે 10 વર્ષમાં કેટ-કેટલું સંશોધન થઈ શક્યું હોત. સંવાદ, દ્રશ્યો, ફિલ્મની બાંધણીથી લઈ ગીતોની પસંદગી એમ બધી જ બાબતોને વણી લઈને એક ભવ્ય અને ઐતિહાસિક ફિલ્મની અપેક્ષા પર બાજીરાવ મસ્તાની ખરી ઉતરી નહીં એનું દુખ પ્રેક્ષકોને છે.
યાદ અપાવી દઈએ કે મુગલે આઝમ માટે લખાયેલા ગીતો ત્યાર બાદ 'ચૌધવી કા ચાંદ'થી લઈ રાજેશ ખન્ના અને શમ્મી કપુરની ફિલ્મોમાં લેવામાં આવ્યા હતા. 'ચૌધવી કા ચાંદ હો. યા આફતાબ હો...' ગીત પણ મુગલે આઝમ માટેનું જ હતું. મુગલે આઝમમાં દિલીપકુમાર માટે એક મેલ સોંગ ન હતું. ફિલ્મમાં જે મેલ સોંગ હતું તે પણ પેઈન્ટર સંતરાશનાં ભાગે આવ્યું.
'ઝિન્દાબાદ... ઝિન્દાબાદ... અય મહોબ્બત ઝિન્દાબાદ...' ગીત માટે પણ મહિનાઓ સુધી માથાપચ્ચી કરવામાં આવી હતી.
સંજય લીલા ભણશાળીએ મેકિંગ ઓફ મુગલે આઝમની પુસ્તિકા વાંચી ન હોય એવું બની શકે નહીં. મુગલે આઝમની ચીવટાઈ જ તેને ભવ્યતમ અને બોલિવુડની અજરામર ફિલ્મની કેટેગરીમાં મૂકી જાય છે. સંજયલીલા પગથિયું ચૂકી ગયા અને 'બાજીરાવ મસ્તાની' ફિલ્મ બોલિવુડની આજની મસાલા ફિલ્મ જેવી નરી કર્મશિયલ ફિલ્મ બનીને રહી ગઈ. મને તો વાંધો છે કે, 'બાજીરાવ મસ્તાની'ની સરખામણી દિલવાલે જેવી મસાલા ફિલ્મથી થઈ. પણ વિવેચકો પણ શું કરે? ભણશાળીએ ભોજન જે પીરસ્યું હતું તે પ્રમાણે જ ઓપિનિયન આવેને?
ગાંધી અને સરદાર ફિલ્મમાં શું હતું? ઈતિહાસનાં પાનાઓ પરથી આ બંને મહાનુભવોનાં વૃત્તાંતને ચીપી-ચીપીને પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ગાંધી અને સરદારનાં નામે અનેક વિવાદો કરનારા ચોખલીયાઓની કમી નથી પણ બંને ફિલ્મોનાં ડિરેક્ટરોએ દાખવેલી સતર્કતા લેખે લાગી. ગાંધીજી કે સરદારનાં પુસ્તક ન વાંચ્યા હોય પણ આ બંને ફિલ્મ જોઈ લીધી હોય તો પણ ગાંધીજી અને સરદાર વિશેની બધી ખબર પડી જાય. નો ડાઉટ, આ બંને ફિલ્મો દેશનાં મહાન સપૂતોની ડોક્યુમેન્ટરી ફિલ્મો હતી. સંજય લીલા ભણસાલીએ પણ ડોક્યુમેન્ટરી તો બનાવી નથી પણ ધંધાદારી રીતે જ બાજીરાવ મસ્તાનીને મુગલે આઝમ જેવી મસાલાથી ભરપૂર બનાવી છે. પણ આગળ લખાયું તેમ મુગલે આઝમની જેમ બાજીરાવ મસ્તાનીને ભવ્ય બનાવવાની તક ભણશાળી ચૂકી ગયા છે.
જોધા-અકબરની શાલીનતાને કેમ વિસરાય? આશુતોષ ગોવારીકરે પણ જોધા અને અકબરનાં પ્રણ્યને બખૂબી મર્યાદાશીલ તર્ક સાથે કચકડે મઢયા હતા. ભણશાળીએ જોધા-અકબર બનાવી હોત તો 100 ટકા શાહી મહેલનાં પ્રાંગણમાં ઉત્તેજક લવ સીન અને ગીત પણ કંડારાઈ ગયું હોત. અરે, બાજીરાવમાં કાંગારૂની જેમ હાથમાં વાયોલીન લઈને કુદકા ભરતી મસ્તાની એટલે દિપીકા પાદુકોણનાં ઠેકડા જાણે ફેરફુદરડીની રમત જેવા લાગે છે. જોધા-અકબરમાં ગોવારીકર ધારતે તો લવ સોન્ગની ભરમાર ખડકાઈ ગઈ હોત. ભણશાળી પાસે કે.આસીફ જેવું ઝનૂન ન હતું કે ગોવારીકરની જેમ બોક્સ ઓફિસ કલેકશનની ચિંતા ન હતી. બસ, બે ઐતિહાસિક પાત્રોનાં પ્રેમને જીવંત કરવાનો પ્રયાસ હતો અને એમાં બન્ને ડિરેકટરો સફળ થયા. મુગલે આઝમમાં અકબરનું વૃધ્ધત્વનું પાત્ર જાજરમાન અભિનેતા પૃથ્વીરાજ કપુરે નિભાવ્યું હતું. આજે પણ લોકો કહે છે કે અકબરનું પાત્ર પૃથ્વીરાજ કપુર જ નિભાવી શકે અને અકબર કદાચ પૃથ્વીરાજ કપુર જેવાં જ લાગતા હોવા જોઈએ. જોધા-અકબરમાં ઋત્વિક રોશને યુવાન અકબરનું પાત્ર ભજવ્યું તો એવું લાગ્યું કે યુવાન અકબર ઋત્વિક રોશન જેવો જ દેખાતો હોવો જોઈએ. ડિરેકટર તરીકે ભણશાળીની પ્રતિભા સામે પ્રશ્નો ઉભા કરવાનો પ્રયાસ નથી પણ ઈતિહાસને મચકોડવા સામેનો વાંધો છે.
છેલ્લે આવેલી 'લગે રહો મુન્નાભાઈ'ને લઈ લો. ફરી એક વખત ગાંધીજી સાથે કર્મશિયલ સિનેમાનું સાયુજ્ય જોવા મળ્યું. રાજકુમાર હિરાનીએ ગાંધીજીનાં વિચારો અને મુન્નાભાઈનાં કિરદાર વચ્ચે એક પાતળી મર્યાદાની રેખા બાંધી અને આદર્શવાદનું કમર્શિયલાઈશેઝન કર્યું અને સફળ પણ થયું. બાજીરાવમાં સંજય લીલા ભણશાળીએ બાજીરાવ અને મસ્તાનીનાં પ્રેમને હિંસાની સાથે દર્શાવવામાં એક નહીં અનેક ભૂલો કરી છે. સેટ ડિઝાઈન તો મુગલ બાદશાહોની છે, જ્યાં વચ્ચે ફુવારા ઉડતા હતા.
રઝીયા સુલ્તાનનો ઉલ્લેખ કરવાનું ટાળી શકાતું નથી. ગુલામ અને ભારતની મહારાણી વચ્ચેની પ્રેમ કથાને કેટલી ઠાવકાઈથી પ્રસ્તુત કરવામાં આવી. રાજાશાહીને છાજે તેવી રીતે ગીતો. સંવાદો અને સ્ક્રીપ્ટની ગૂંથણી કરવામાં આવી હતી. આજે પણ રઝીયા સુલ્તાનને જોવાનું અચૂક મન થઈ જાય છે.
ઈતિહાસ સાથે નિસ્બત હોય તો તેનાં સારા-નરસા પાસાઓની છણાવટ કરવાનો બધાને અધિકાર હોય છે. સંજય લીલા ભણસાલી પાસે બાજીરાવ મસ્તાનીને જસ્ટાફાઈ કરવાના અનેક કારણો હશે. પણ નરી આંખે દેખાય છે તેમ પેશ્વાને નાચતો-કૂદતો બતાવવો, સંપૂર્ણપણે ગૃહસ્થ મહિલાઓને લાવણી પર નૃત્ય કરતાં બતાવવી કે પછી મસ્તાની જેવી વિરાંગનાને અનારકલીની જેમ મહેલની વચ્ચે ઊભી રાખી શેરો-શાયરી અને 'દિવાની-દિવાની' ગીત બતાવવાનું અખરે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર