આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવીને વિજય અપાવનારા બેટ્સમેનો
ક્રિકેટ અત્યારે ત્રણ જુદાજુદા ફોર્મેટમાં રમાઈ રહ્યું છે. ટેસ્ટ અને વનડે ક્રિકેટ એ બંને તેના સૌથી જૂના ફોર્મેટ છે. નેવુંના દાયકામાં ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ અને વનડેના જુદાજુદા કેપ્ટનો નિયુક્ત કરીને એક નવો ચીલો પાડ્યો હતો. ત્યારબાદ આ બંને ફોર્મેટ માટે અલગઅલગ ખેલાડીઓ પણ પસંદગી પામવા માંડ્યા, એટલે માઈકલ બેવન જેવો ખેલાડી માત્ર વનડે જ રમે અને જસ્ટિન લેંગર જેવો ખેલાડી માત્ર ટેસ્ટ જ રમે એવી સ્પેશિયલાઇઝ્ડ ટીમો પણ બનવા લાગી હતી. આ પ્રકારના પ્રયોગો સફળ પણ ગયા અને અન્ય ટીમોએ પણ તેને અપનાવ્યા. પરંતુ ઘણા ખેલાડીઓ એવા પણ આવ્યા, જેઓ આ બંને ફોર્મેટ એક સરખા પ્રભુત્વ સાથે રમ્યા અને એટલું જ નહીં એમણે પોતપોતાની ટીમોને અસંખ્ય વિજય અપાવવામાં પણ મદદ કરી.. આજે આપણે એવા ખેલાડીઓ વિશે ચર્ચા કરીશું, જેમણે ટેસ્ટ અને વનડે એમ બંને ફોર્મેટ રમીને પોતાની ટીમના વિજયમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવીને પોતાનો ફાળો આપ્યો છે.
રાહુલ દ્રવિડ (ભારત) – કુલ આંતરરાષ્ટ્રીય વિજયી રન: 10860
એક સમયે એવી છાપ પડી ગઈ હતી કે રાહુલ દ્રવિડ માત્ર ટેસ્ટમેચો જ રમી શકે છે. પરંતુ રાહુલ દ્રવિડે વનડેમાં પણ એટલા જ પ્રભુત્વ સાથે બેટિંગ કરી અને ભારતને કેટલાક યાદગાર વિજયો અપાવ્યા હતા. આ ઉપરાંત લાંબા સમય સુધી રાહુલ દ્રવિડે બંને ફોર્મેટમાં ત્રીજા નંબરે આવીને ટીમને બાંધી પણ રાખી હતી. ભારતની વિજયી મેચોમાં દ્રવિડની એવરેજ 56ની થાય છે, જેમાં 23 સેન્ચુરી અને 70 હાફ સેન્ચુરીનો પણ સમાવેશ થાય છે.
મેથ્યુ હેડન (ઓસ્ટ્રેલિયા) - કુલ આંતરરાષ્ટ્રીય વિજયી રન: 10923
એકસમયે ઓસ્ટ્રેલિયા માટે રમવા માટે જેનું નામ વિચારાવાનું પણ બંધ થઈ ગયેલું એવા મેથ્યુ હેડને ભારત સામેની સિરીઝમાં પસંદગી પામીને પોતાનું સ્થાન એવું તે મજબૂત કર્યું કે તેને ટેસ્ટ અને વનડે બંને ટીમોમાં શામેલ કરવામાં આવ્યો. ટેસ્ટ હોય કે વનડે મેથ્યુ હેડન મોટેભાગે આક્રમક થઈને જ રમતો અને બોલરોને પહેલેથી જ નિસહાય બનાવી દેતો. વિજયી મેચોમાં હેડનની એવરેજ 51 ની થાય છે તો આ મેચોમાં તેણે 31 સદીઓ અને 49 અડધી સદીઓ પણ બનાવી છે.
ઈન્ઝમામ ઉલ હક (પાકિસ્તાન) - કુલ આંતરરાષ્ટ્રીય વિજયી રન: 10860
પાકિસ્તાન માટે ટેસ્ટ અને વનડે એમ કુલ 265 મેચોમાં ઈન્ઝમામે શિરકત કરી હતી. આ મેચોમાં ઈન્ઝીએ કુલ 24 આંતરરાષ્ટ્રીય સદીઓ અને 75 અડધી સદીઓ પણ લગાવી હતી. પાકિસ્તાની બેટિંગ લાઈન અપ ના એક્કા તરીકે ઈન્ઝમામે વર્ષો સુધી પોતાની સેવાઓ આપી હતી. પાકિસ્તાને જ્યારે જ્યારે વિજય મેળવ્યા હતા ત્યારે ત્યારે ઈન્ઝમામની એવરેજ 60 સુધી પહોંચી ગઈ હતી.
સનથ જયસૂર્યા (શ્રીલંકા) - કુલ આંતરરાષ્ટ્રીય વિજયી રન: 12172
એકસમયે માત્ર વનડે સ્પેશિયાલિસ્ટ ગણાતા સનથ જયસૂર્યાએ પોતાનું વનડે ફોર્મ ટેસ્ટ ફોર્મેટમાં પણ દેખાડી દીધું હતું અને મેથ્યુ હેડનની જેમ જ ટેસ્ટમાં પણ તે એકસરખી આક્રમકતાથી રમતો. ટેસ્ટ અને વનડે બંનેમાં શ્રીલંકાની જીત સમયે જયસૂર્યાએ 31 સેન્ચુરી બનાવી હતી. આ વિજયી 292 મેચોમાં સનથ જયસૂર્યાની એવરેજ 45ની રહી હતી.
એડમ ગિલક્રિસ્ટ (ઓસ્ટ્રેલિયા) - કુલ આંતરરાષ્ટ્રીય વિજયી રન: 12183
જયસૂર્યા અને હેડનથી વિરુદ્ધ એડમ ગિલક્રિસ્ટ વનડેમાં ઓપનિંગ કરતો અને ટેસ્ટમાં છેક છઠ્ઠે કે સાતમે નંબરે બેટિંગ કરવા આવતો. પરંતુ હા, તેની આક્રમકતામાં ભાગ્યે જ ફેર પડતો. ટેસ્ટમાં આટલા નીચલા ક્રમે આવતા હોવા છતાં ગિલક્રિસ્ટે વિજયી મેચોમાં દસ હજારથી પણ વધુ રન બનાવ્યા છે એ આશ્ચર્ય પમાડે તેવો આંકડો છે. ગિલક્રિસ્ટે ઓસ્ટ્રેલિયાની 282 મેચોમાં વિજયી ભૂમિકા ભજવી હતી અને આ મેચોમાં તેણે 30 સદીઓ ફટકારી હતી.
માહેલા જયવર્દને (શ્રીલંકા) - કુલ આંતરરાષ્ટ્રીય વિજયી રન: 14131
ક્રિકેટમાં શ્રીલંકાના સંક્રાંતિકાળ દરમિયાન પોતાનું ડેબ્યુ કરનાર જયવર્દને લાંબા સમય સુધી શ્રીલંકન મિડલ ઓર્ડરની કરોડરજ્જુ બનીને રહ્યો હતો. ટેસ્ટ અને વનડે એમ બંને ફોર્મેટમાં જયવર્દનેની બેટિંગ ક્લાસિક સ્ટાઈલની રહેતી. જયવર્દનેની હાજરીમાં શ્રીલંકાએ 336 મેચોમાં જીત મેળવી હતી અને આ મેચોમાં તેની એવરેજ 48ની થઈ જતી. વિજયી મેચોમાં જયવર્દનેએ 34 સદી અને 71 અડધી સદીઓ બનાવી હતી.
કુમાર સંગાકારા (શ્રીલંકા) - કુલ આંતરરાષ્ટ્રીય વિજયી રન: 14605
એક સમયે ટેસ્ટ અને વનડે બંનેમાં મહત્ત્વના બેટ્સમેન ઉપરાંત વિકેટકીપિંગની પણ જવાબદારી ઉપાડનાર કુમાર સંગાકારાએ થોડા સમય પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. પરંતુ નિવૃત્તિ લીધા અગાઉ સંગાકારાએ શ્રીલંકન વિજયમાં 37 સેન્ચુરી અને 53 રન પ્રતિ મેચની એવરેજથી પોતાનું પ્રદાન આપ્યું હતું. સંગાકારાએ ટીમમાં પોતાની હાજરી દરમિયાન કુલ 305 વિજયો પણ જોયા હતા.
જેક કાલીસ (સાઉથ આફ્રિકા) - કુલ આંતરરાષ્ટ્રીય વિજયી રન: 14827
વનડે તેમજ ટેસ્ટ એમ બંને ફોર્મેટમાં ત્રીજા નંબરે આવીને બેટિંગ કરવા ઉપરાંત જેક કાલીસે ઓલ રાઉન્ડર હોવાની ફરજ પણ સુપેરે નિભાવી હતી. આજે વિશ્વના મહાન ઓલ રાઉન્ડર્સમાં જેક કાલીસની ગણના થાય છે. કાલીસે પોતાની ટીમના કુલ 305 વિજયોમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, જેમાં તેણે 35 સેન્ચુરી અને 89 હાફ સેન્ચુરી બનાવી હતી. આ સમય દરમિયાન તેની એવરેજ 55ની રહી હતી.
સચિન તેન્દુલકર (ભારત) કુલ આંતરરાષ્ટ્રીય વિજયી રન: 17113
જ્યારે જ્યારે શ્રેષ્ઠ બેટ્સમેનોની ગણતરી મંડાશે ત્યારે સચિનનું નામ સદાય ઉપર રહેશે, પરંતુ જ્યારે વિજયી ફાળો નોંધાવવાની વાત આવશે ત્યારે સચિનનું સ્થાન બીજું રહેશે. સચિને ભારતના કુલ 307 વિજયોમાં પોતાનું પ્રદાન આપ્યું હતું. આ મેચોમાં તેણે કુલ 53 સદીઓ અને 83 અડધી સદીઓ ફટકારી હતી. આ ઉપરાંત ભારતની વિજયી મેચો દરમિયાન સચિનની એવરેજ 58.20 જેટલી ઉંચી રહી હતી.
રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) - કુલ આંતરરાષ્ટ્રીય વિજયી રન: 20140
ટેસ્ટ અને વનડે બંનેમાં ત્રીજા નંબરના અત્યંત મહત્ત્વના સ્થાને બેટિંગ કરવા આવવું. આ ઉપરાંત આ બંને ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ પણ કરવી, બે-બે વાર ટીમને વનડેનો વર્લ્ડકપ જીતાડવો અને પોતાની કપ્તાનીના મોટાભાગના સમય દરમિયાન ઓસ્ટ્રેલિયાને ટેસ્ટમેચોમાં પણ વિજયો અપાવતા રહેવું. આટલું ઓછું હોય તેમ ટીમના વિજયમાં વીસ હજારથી પણ વધુ રન બનાવવા એ બિલકુલ રમતવાત નથી. આ માટે રિકી પોન્ટિંગને જેટલી સલામો ભરીએ એટલી ઓછી છે. પંટરે કુલ 377 ઓસ્ટ્રેલિયાઈ વિજયોમાં હિસ્સો લીધો હતો, જેમાં તેણે 55 સદીઓ કરી હતી અને 112 અડધી સદીઓ કરી હતી આ તેનો ટીમના વિજયમાં નક્કર ફાળો પણ દર્શાવે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર