બિઝનેસ વુમન
સવારે સાડા નવે એ ઊઠી ત્યારે એનું બદન તૂટી રહ્યું હતું. ગઈકાલનો થાક એની આંખોમાં હજુ તરબતર હતો. એને થયું હજુ એકાદ કલાકની ઉંઘ ખેંચી લઉં. પણ કમબખ્ત ઉંઘ એક વાર ઉડે પછી ફરી ક્યારેય આવવાનું નામ નહોતી લેતી. એટલે અમસ્તા જ બેડમાં પડી રહેવાનો કોઈ અર્થ નહોતો. અધૂરામાં પૂરું માથું સખત દુખતું હતું. ગઈકાલે રાત્રે હવે નહીં… હવે નહીં… કરતા એનાથી બે પેક વધુ પીવાઈ ગયેલા. એનું જ હેંગઓવર હતું આ, બાકી ત્રણ પેકની તાકાત નહીં કે, એનું માથું દુખી આવે!
બેડમાંથી ઊઠીને એણે એનો ચેહેરો ધોયો. એના ચહેરા પર એને બહુ ગુમાન હતું. જોકે કેટલાક લોકોને એની આંખો બહુ ગમતી. આંખો માટે એને ઘણા કોમ્પ્લીમેન્ટ્સ મળતા. કોઈ એને કહેતું, ‘તુમ્હારી આંખે બહોત હસીન હૈ’ તો કોઈ એમ કહી જતું કે, ‘તારી આંખોમાં ડૂબકી મારવાનું મન થઈ આવે એવી તરલ અને ભોળકી છે.’ પણ તે એ આ બધા કોમ્પ્લીમેન્ટ્સને ગણકારતી નહીં. વળી એને આવી શાયરાના ઢભ પણ પસંદ નહોતી. એ તો હાર્ડકોર પ્રોફેશનલ હતી. ભલભલી વાત સાવ સીધી રીતે કહીને તડનું ફડ કરી નાંખવાની એની આદત હતી. એનું આ પ્રોફેશનલિઝમ અંગત જીવનમાં પણ એટલું બધું હાવી થઈ ગયેલું કે, એને એકલામાં છીંક આવે તો પણ એ, ‘આઈ એમ સોરી’ બોલી ઉઠતી અથવા બેડરૂમમાં રેશમી ગાઉન પહેરીને સૂતી હોય તો કોઈક એને જોઈ રહ્યું છેનો એને સતત ધ્રાસ્કો રહેતો.
કિચનમાં જઈને એણે મગ ભરીને મસાલા ચ્હા બનાવી. એને તો ચ્હા જ ફાવતી. સર્કલમાં બધા કોફી પીતા. એમાંના અડધા અક્કલના ઓથમીરોને કોફી ભાવતી ન હતી, પણ ફિલ્ડમાં ફોફી પીવાનો ટ્રેન્ડ હતો, એટલે ભાવે કે ન ભાવે તોય દેખાદેખીમાં પોતાની જાતને મોડર્ન સાબિત કરવા બધા કોફી પીતા ‘સાલા ડફોળો’. એને જે નહીં ગમે એ બધા એ ‘સાલા ડફોળો’ જ કહેતી.
ચ્હા લઈને એણે આરામ ખુરશીમાં લંબાવ્યું. આજે એને કામ કરવાનો કંટાળો આવતો હતો. ગમે એમ હોય તોય આજે તહેવારનો દિવસ હતો. નાની હતી ત્યારે તો આજના દિવસની વાત જ અલગ હતી. રોજ કરતા એક કલાક વહેલી ઉઠી પડતી મા એના અને ભાઈના ઉઠ્યાં પહેલા વેઢમી અને ઘરનું શ્રીખંડ બનાવી નાંખતી. ઘરમાં ઘી અને દહીંની ખેંચ હોવા છતાં…
પણ, હવે વાત અલગ હતી. સત્ય એ હતું કે, વંઠેલ થઈ ગયેલો ભાઈ માર્ગ અકસ્માતમાં હોમાઈ ગયો હતો, માને એની બિમારી ભરખી ગઈ હતી અને માને બિમારીમાંથી બચવવા માટે એ પોતે કશું કરી શકી ન હતી. તહેવાર હતો એટલે એને કશુંક કરવાનું મન થયું. એને થયું કે, માની યાદમાં પણ કશુંક તો કરવું જ રહ્યું. માની યાદ આવતા મનમાં ફરી વિષાદ પથરાઈ ગયો. એને થયું કાશ માના અવસાન પહેલા એણે આ બિઝનેસનું સાહસ કર્યું હોત. સફળતા તો એને ત્યારે પણ મળી હોત અને મા માટેના મોંઘાદાટ ઓપરેશનો કરીને માને બચાવી પણ શકાય હોત. પણ ખૈર…
મસાલા ચ્હાનો ફાયદો તો થયો, માથાના દુખાવામાં ફરક પડ્યો. એણે વિચાર કર્યો હિનાને ફોન કરીને બોલાવી લઉં. આમ પણ ક્લાયન્ટ્સને તો સાંજે મળવાનું હતું. હિના સાથે આજનો તહેવાર ઉજવી શકાય, કંઈક સારું બનાવી શકાય અથવા બહારથી કંઈક મગાવીને ખાઈ શકાય. દીવાલ પર લટકતા માની એકમાત્ર યાદગીરી સમા એના ફોટોગ્રાફ આગળ કશુંક ધરાવીને એને પણ તહેવારની ઉજવણીમાં સામેલ કરી શકાય અને જો બપોર સુધીમાં માથું દુખતું બંધ થાય તો હજુ એક બિયર પી શકાય…
હિનાને ફોન ફરતા પહેલ એણે એક વાર વ્હોટ્સ એપ ચેક કર્યું. ગઈકાલે સાંજ પછી એને વ્હોટ્સ એપ ચેક કરવાનો સમય મળ્યો ન હતો. જોયું તો સ્ક્રીન પર 99+ મેસેજીસ હતા. એણે વિચાર્યું હમણા ક્યાં આ બધામાં મગજ ઘસવું…? એમાના અડધા મેસેજ તો પાર્ટીના હશે. તહેવારનો દિવસ છે એટલે હરામજાદાઓએ સબંધ જાળવવા અને આખુ વર્ષ ડિસ્કાઉન્ટ્સ મેળવવા માટે ફાલતું ફોરવર્ડ્સ ઠોક્યા હશે. એણે બધાને ઈગ્નોર કર્યા.
આરામ ખુરશી પર પડ્યાં પડ્યાં જ એણે એનો અંબોડો છોડ્યો. રેશમ સા મુલાયમ એના વાળ ઘટાની જેમ વિખેરાયા. બંને હાથ માથામાં પરોવીને એણે હળવી માલિશ કરી. એને થયું આમ કરીશ તો સરના દુખાવામાં હજુ થોડી રાહત થશે.
એણે વિચાર કર્યો હવેથી લૅટ નાઈટ પાર્ટીઝમાં પડવું જ નથી. કામ તો રાત્રે દસ પહેલાય પતાવી જ શકાય, પણ કમબખ્ત એને જ ફાજલ વાતો અને મસ્તી કરવાનો શોખ હતો, જેને લીધે જ સમય વેડફાઈ જતો રાતના એક-બે વાગી જતાં.
માલિશ કરવાને કારણે તેને થોડી ઉંઘ આવી ગઈ હતી. તંદ્રા જ કહોને! પણ સરખી ઉંઘ આવે એ પહેલા જ મોબાઈલ રણક્યો.
સ્ક્રીન પણ હિના અને એનો સેલ્ફી ફ્લેશ થઈ રહી હતી. એ ખુશ થઈ ગઈ.
‘અરે મેં તેર કો હી ફોન કરને વાલી થી….’
‘વો સબ છોડ, બહૌત બડા લફડા હો ગયા….’
‘ક્યું ક્યાં હુઆ?’
‘અરે વો હરામી કમિશ્નરને બોલા હૈ કી, અભી ત્યોહારો કે દીને મેં ફાલતું ખીટપીટ નહીં ચાહીએ…’
‘મતલબ…?’
‘મતલબ, વો હરામીને ફરમાન કીયા હૈ કી, આજ સે પાંચ દિનો તક શહેરમેં કોઈ અડ્ડા નહીં ચલેગા.’ હિનાએ ફોડ પાડ્યો.
‘ક્યાં બાત કર રહી હૈ?’
‘તો ક્યાં… સાલા ભ… પહેલે બોલતા તો હમ અપના જુગાડ નહીં કર લેતે…? એક તો વો મેનેજર કા બચ્ચા ભી ત્યોહાર મનાને આજ સુબહ ગાંવ ચલા ગયા. નહીં તો ઉસકે પાસ ભી એડવાન્સ લે લેતે.’ હિનાએ નિસાસો નાંખ્યો.
‘સૂનના હિના, મૈં ક્યાં બોલતી હું… તેરે પાસ થોડે બહોત પૈસે હો તો દે સકતી હૈ ક્યાં?’ એણે કહ્યું.
‘અરે નહીં હૈ યાર. યે તો પાંચ-પાંચ દિનો કી બાત હૈ. ગુજારા ભી કૈસે હોગા?’
‘ચલ ઠીક હૈ. જાને દે. કુછ તો હો હી જાયેગા.’
એણે રામ ભરોસે એની હોડી હંકારીને ફોન કટ કર્યોં. હિના કંઈક કહી રહી હતી, એણે એ પણ નહીં સાંભળ્યું… કમબખ્ત બિઝનેસ જ એવો હતો, જેમાં પળેપળે પડકાર રહેતા અને ઉધડિયા કમાણી રહેતી. ઈચ્છા ન હતી તોય એણે કમને વ્હોટ્સ વાંચવા માંડ્યા. આખરે પાંચ દિવસનો સવાલ હતો અને અનિશ્ચિતતાની આ તલવાર દિવસો સુધી માથે લટકી શકે એમ હતી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર