કૅમેરા… ઈશ્વર સુધી પહોંચવાનું માધ્યમ!
પેલા ગુજરાતી સાધુની સલાહ માનીને વિવેક દેસાઈ નાગા બાવાઓના મુખ્ય ગુરુ પ્રાણગિરિસ્વામીને મળવા જાય છે. જો પ્રાણગિરિસ્વામી વિવેકની વાત માની ગયા તો આવનારા આઠ દિવસો વિવેક દેસાઈના જીવનના શ્રેષ્ઠતમ અને રોમાંચક દિવસોમાંના એક રહેવાના હતા. ઉપરના અખાડામાં સાધુઓ થોડા ઉત્સાહિત હતા. અખાડામાં પ્રવેશ કરતી વખતે વિવેકને કોઇ અટકાવતું નથી. તેઓ અંદર પહોંચે છે ત્યારે શ્વેત દાઢીધારી તેજસ્વી સાધુની અખાડામાં એન્ટ્રી પડે છે. તેજસ્વી સાધુને જોઈને ત્યાં હાજર તમામ સાધુઓ ‘હર હર મહાદેવ’ના નાદ સાથે એમનું સ્વાગત કરીને એમને દંડવત્ પ્રણામ કરી રહ્યા હતા. વિવેક તરત સમજી ગયા કે, આ તેજસ્વી સાધુ જ નાગા બાવાઓના ગુરુ હોવા જોઈએ.
ગુરુજી અને વિવેક વચ્ચે દસેક ફૂટનું અંતર પણ નહીં હતું. એક સાધુએ વિવેકના ખભે ધબ્બો મારીને એમને ગુરુજીના આશીર્વાદ લઈ લેવા જણાવ્યું. અન્ય નાગા બાવાઓને અનુસરીને વિવેકે પણ એમની કૅમેરા બેગ બાજુમાં મૂકીને ગુરુને દંડવત્ કર્યા. ગુરુએ એમને પૂછ્યું, ‘કહાં સે આયા હૈ બચ્ચા?’ એટલે વિવેકે જવાબ આપ્યો, ‘ગુજરાત સે આયા હું, ફોટોગ્રાફર હું ઔર આપ સબ કે સાથ રહકર ફોટોગ્રાફી કરના ચાહતા હું, લિખના ભી ચાહતા હું…’
ગુરુએ વિવેક દેસાઈને કહ્યું કે, ફોટોગ્રાફી જ કરવી હતી તો કુંભમાં આવવું હતું. જોકે બીજી જ પળે તેઓ જાણે ક્રોધે ભરાયા હોય એમ એક ગંદી ગાળ બોલ્યા અને વિવેકને કહ્યું, ‘બચ્ચા, ચલા જા. યે તેરે બસ કી બાત નહીં હૈ.’ આટલું કહીને ચલમ ફૂંફતા તેઓ અખાડામાંથી બહાર નીકળી ગયા અને ઘાટના દાદર ઉતરવા માંડ્યા. એવામાં અચાનક એમને કંઈક સૂઝયું અને તેઓ થંભી ગયા અને એમણે વિવેક દેસાઈને પૂછ્યું, ‘ઈસ ઝોલી મેં કૅમેરા હૈ?’ અને આ સવાલના જવાબે જ વિવેક દેસાઈ માટે એક નવી દુનિયાના દ્વાર ઉઘાડી કાઢ્યાં.
પ્રાણગિરિસ્વામીના સવાલના જવાબમાં વિવેકે એમ જવાબ આપ્યો, ‘ના, ઈશ્વર તક પહોંચને કી મેરી સાધના કા યે માધ્યમ હૈ…’ વિવેક દેસાઈએ એમની કૅમેરા બેગમાંથી કૅમેરા કાઢ્યો અને ગુરુજીને બતાવતા કહ્યું, ‘બાબા, જૈસે યોગ-ધ્યાન આપકા ઈશ્વર તક પહોંચને કા માધ્યમ હૈ, વેસે મેરા માધ્યમ યે કૅમેરા હૈ…’ વિવેકનો જવાબ સાંભળીને ગુરુજી દંગ રહી ગયા. એમને એ વાતની પ્રતીતિ થઈ કે, આ ફોટોગ્રાફર કંઈ અમસ્તા જ ગળે કૅમેરા લટકાવીને નથી નીકળી પડ્યો. એમના માટે ફોટોગ્રાફી પેશન નથી, પણ સાધના છે, જેના માધ્યમથી તેઓ પરમતત્ત્વને પામવાનો પ્રયત્ન કરે છે.
ગુરુજી પર જાણે વિવેક દેસાઈના જવાબનો જાદૂ થયો. ગંગા તરફ જવાનું માંડી વાળીને તેઓ વિવેક તરફ વળ્યાં અને એમને કહ્યું, ‘બડી ઊંચી બાત કરતે હો… હમારે સાથે રહેના હૈ તો ચરસ-ગાંજા પીના પડેગા… કભી દમ લગાયા હૈ?’ સામેથી જવાબ આવે છે, ‘ના…’ ગુરુ જાણે ચેતવણી આપતા હોય એમ બોલ્યા, ‘ગિર જાઓગે ફિર…’ ફરી આત્મવિશ્વાસથી છલોછલ જવાબ આવે છે, ‘ભોલેનાથ ગિરને નહીં દેગા…’ ગુરુજીને જવાબો આપતી વખતે આવા આત્મવિશ્વાસનું ઝરણ ક્યાંથી ફૂટેલું એ તો વિવેક દેસાઈને ખૂદને પણ નથી ખબર. આ વિશે તેઓ એમની સ્મરણકથામાં લખે છે કે, ‘મારામાં આત્મવિશ્વાસ ફુગ્ગાની જેમ ફૂલતો જતો હતો… આવા જવાબો કદાચ મારા હ્રદયમાંથી નીકળતા હતા…’
જોકે ગુરુજી હજુ વિવેકની પરીક્ષા કરવા માગતા હતા એટલે એમણે બીજું એક બ્રહ્માસ્ત્ર છોડ્યું. આ પરીક્ષામાં વિવેક દેસાઈ પાસ થાય એવું ન હતું. ગુરુજી એ હસતા હસતા કહ્યું કે, ‘દેખો બચ્ચા હમારે સાથે રહેના હૈ તો કપડેં ભી ઉતારને પડેંગે…’ પણ આગળ કહ્યું એમ વિવેક દેસાઈના હ્રદયમાંથી અવાજ આવી રહ્યો હતો એટલે ગુરુજી અને ખૂદ વિવેક એમ બંનેના આશ્ચર્યની વચ્ચે વિવેકે જવાબ આપ્યો કે, ‘આપ બોલે તો અભી ઉતાર દૂ… બસ, મુઝે મેરી સાધના કરને કી વ્યવસ્થા મિલની ચાહીએ…’ વિવેકનો આવો જવાબ સાંભળીને ગુરુજી અવાક થઈ ગયા. તેઓ વિવેકને એકીટશે તાકી રહ્યા, વિવેકની નજીક આવ્યા અને એમના ખભે હાથ મૂકીને કહ્યું, ‘ઠીક હૈ, ઉતાર દો સબ કપડેં… ઔર ગંગાજી મેં સ્નાન કરકે આઓ…’
પળનોય વિલંબ કર્યા વિના વિવેક દેસાઈએ એમના બધા કપડા ઉતારીને પ્રાણગિરિસ્વામીના ચરણોમાં મૂકી દીધા અને ગંગા તરફ દોડ મૂકી. વિવેકને પ્રાણગિરિસ્વામીની મુલાકાત કરવાની સલાહ આપનારા ગુજરાતી સાધુ અને એમની ઈઝરાયલી મિત્ર યેલ તો બસ વિવેકને જોતા જ રહી ગયા. કિનારે પહોંચીને એમણે ગંગામાં છલાંગ લગાવી અને દસેક મિનિટ સુધી ગંગામાં સ્નાન કર્યું.
સ્મરણકથામાં વિવેક આ બાબતે લખે છે, ‘એ બધુ અત્યંત સ્વાભાવિકપણે થઈ રહ્યું હતું. નદીમાં વગર કપડે છલાંગ મારતાં બાળકોની કેટલીય ફ્રેમો કંડારનાર હું એ દિવસે કોઇ ફોટોગ્રાફરની ફ્રેમ થઈ ગયો હતો… આ અનુભૂતિ કાગળ પર કે કેનવાસ પર ઉતારી શકાય એમ નહોતું’ ગંગા સ્નાન કરીને તેઓ બહાર આવ્યા ત્યારે પાંચેક નાગા સાધુઓ પ્રાણગિરિસ્વામી સાથે ઊભા હતા. વિવેકે એ સૌને પ્રણામ કર્યા.
એક સાધુએ વિવેકને બે ડગલા આગળ આવવા જણાવ્યું અને બેસી જવા કહ્યું. વિવેક જમીન પર બેઠા એટકે એ બાવાએ એમની ફરતે ભસ્મથી એક કુંડાળું કરી દીધું. એ સાથે જ પાંચેય બાવાઓએ ‘ઓમ નમઃ સિવાય’નો મંત્રોચ્ચાર શરૂ કર્યો. દિગંબર અવસ્થામાં બેઠેલા વિવેક દેસાઈની આંખો બંધ હતી અને પેલા સાધુઓ એમના આખા શરીરે ભસ્મ લગાવી રહ્યા હતા. એમના કપાળે ત્રિપુંડ કરવામાં આવ્યું અને આંખો ખોલીને ગુરુજીના આશીર્વાદ લેવાનું કહ્યું.
વિવેકે પ્રાણગિરિસ્વામીના આશીર્વાદ લીધા ત્યારે ગુરુએ કહ્યું, ‘મન લગા કે કામ કરના, તુમ્હે કોઈ નહીં રોકેગા…’ ગુરુજીએ વિવેકને એક કેસરી કપડું આપ્યું અને ઊંચા અવાજે સાદ પાડ્યો, ‘ઓ અચલગિરિ… ઈધર આઓ… ગુજરાત સે યે બચ્ચા આયા હૈ, ફોટોગ્રાફર હૈ… હરિશ્ચંદ્રઘાટ મેં સ્મશાન કે બગલ મેં ઉસે છોડ દો. વો હમારે બીચ રહેગા… અલખગિરિ કો બોલના કોઇ ઉસે પરેશાન ન કરે…’ આ અનુભવ માટે વિવેક દેસાઈ લખે છે કે, ‘હું મારા સંસારી અસ્તિત્વને હું દૂર છોડી ચૂક્યો હતો… ફોટોગ્રાફી સાથેના મારા રોમાન્સની એ ચરમસીમા હતી…’
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર