આદ્યશક્તિના અનોખા ઉપાસકો

18 Oct, 2015
12:00 AM

mamta ashok

PC:

વ્હોટ્સ એપ પર ઘણા સમય પહેલા એક મેસેજ વાંચેલો, ‘જો તમારી પાસે સારા બૂટ પહેરવાના પૈસા નહીં હોય ત્યારે એવા માણસનો વિચાર કરજો, જેને પગ જ નથી! અને પછી ઈશ્વરનો આભાર માનજો, જેણે તમને પગ આપ્યાં છે, જે પગને કારણે તમે હરીફરી શકો છો!’ મેસેજનો હાર્દ એટલો જ કે, જીવનમાં જ્યારે તમને કોઈ અભાવ સતાવે અથવા અચાનક તમારી સામે કોઈ પડકાર આવીને ઊભો રહે ત્યારે તમારે તમારી આસપાસ નજર દોડવવાની અને દુનિયાના બીજા માણસોના અભાવો, એમની પીડાઓ સાથે તમારી પીડા સરખાવી જોવાની. જરાક સંવેદનશીલતાથી આસપાસમાં તપાસ કરશો તો ખ્યાલ આવશે કે, આપણને જે બાબતોનો તલસાટ છે કે, આપણને જે પીડાઓ સતાવે છે એ આ બધાના દુખોની સામે રતીભાર છે. અને પછી જોજો પળવારમાં આપણી પીડાઓ વરાળ થઈને ઊડી જશે!

ઉપરના એકસો ઓગણીસ શબ્દોની માંડણી એક મજાની વાત કરવા માટે કરવી પડી. વાત છે વાપી પાસેના દેગામના ‘મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ’ની શાળામાં ભણતા ત્રીસ ખાસ બાળકોની. આમ તો ‘મનોવિકાસ’માં ભણતા તમામ બાળકો અસામાન્ય એટલે કે ખાસ છે. પરંતુ આપણે જે ત્રીસ બાળકોની વાત કરી રહ્યા છીએ એ બધા નવરાત્રીના આ પર્વમાં કંઈક નોખું કરી રહ્યા છે.

આ ત્રીસ બાળકો નથી બોલી શકતા કે, નથી તેઓ સાંભળી શકતા. અને તોય આ બાળકો ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી રહ્યા છે! પોતાને જરા સરખુ સંભળાતું નહીં હોવા છતાં આ બાળકો જ્યારે સામાન્ય લોકોમાં ભળીને સામાન્ય લોકોની જેમ નૃત્ય કરે છે ત્યારે કદાચ ખૂદ ઈશ્વર પણ અચંબામાં પડી જતો હશે કે, જે ગરબો, સંગીતની મદદ વિના થઈ જ નથી શકતો એનો આ બધિર બાળકો આનંદ કઈ રીતે લઈ શકતા હશે? પણ આપણી અમાપ શક્તિ દ્વારા ઈશ્વરને અચંબામાં પાડતા રહેવું એ આપણી યુગોથી ચાલી આવતી હૉબી છે, આપણે માણસો એમને ડગલે ને પગલે અચંબિત કરતા જ રહીએ છીએ!

garba00251

નવરાત્રી નજીક આવતા જેમ સામાન્ય લોકો ત્રણ મહિના પહેલા ગરબા ક્લાસિસ શરૂ કરે છે એમ આ મૂક-બધિર બાળકોએ પણ ગરબાના વિવિધ સ્ટેપ્સની મહિનાઓ સુધી તાલીમ લીધી છે. આ બાળકોને બે-પાંચ નહીં, પરંતુ પૂરા છપ્પન પ્રકારના સ્ટેપ્સ આવડે છે. ટ્રેડિશનલ કેડિયાં અને ચણીયા-ચોલીમાં સજ્જ આ બાળકો જ્યારે ગરબા કરતા હોય ત્યારે પહેલી નજરે આપણને એ વાતનો ખ્યાલ નહીં આવે કે, મંચ પરથી રેલાઈ રહેલું સંગીત આ બાળકોના દિલને તો શું એમના કાનને પણ સ્પર્શી નથી શકતું! પરંતુ જ્યારે આપણે એમની આજુબાજુના લોકોને નિહાળીએ ત્યારે આપણને થોડોઘણો ખ્યાલ આવે છે. જે લોકો સામાન્ય છે એ લોકો મંચ પરથી રેલાતા ગરબાનો આનંદ લઈને ગાયકના સૂરમાં સૂર મિલાવીને ગરબે ઘૂમે છે. પરંતુ આ બાળકોના હોઠો પર અંતરના આનંદની આભા સિવાય બીજું કશું જ નજરે નથી ચઢતું!

આ બાળકોને નૃત્યની તાલીમ આપી છે મુકેશ જયસ્વાલે, જે પોતે વાપી અને વલસાડની આસપાસના વિસ્તારોમાં પ્રોફેશનલ ડાન્સ માસ્ટર તરીકે કાર્યરત છે. મુકેશની પોતાની ‘MJ ડાન્સ એકેડમી’ છે. આ બાળકોને નૃત્યની તાલીમ આપવા માટે તેઓ ખાસ વાપીથી થોડે વેગળે આવેલા દેગામ સુધી જાય છે અને ત્યાં દર રવિવારે માનદ સેવાઓ આપીને બાળકોને વિવિધ નૃત્યો શીખવે છે.

‘Khabarchhe.com’ સાથેની વાતચીત દરમિયાન મુકેશ જણાવે છે કે, ‘અમે બીજાથી નોખા છીએ અથવા અમે શારીરિક રીતે સક્ષમ નથી એવી લાગણી આ બાળકોને નહીં થાય અને પોતાની મર્યાદાઓને જ એમની ઢાલ બનાવીને તેઓ મેઈન સ્ટ્રીમમાં ભળે એ માટે હું આ બાળકોને નૃત્ય શીખવું છું. આ બાળકોની નજીક જઈને એમના અંતરમાં તપાસ કરીશું આપણને ખ્યાલ આવશે કે, એમનામાં પ્રચંડ શક્તિનો ભંડાર સમાયેલો છે. માત્ર જરૂર છે એમની સ્પેશિયલ કેરની અને એમની સાથે થોડી ધીરજથી કામ લેવાની. પણ આપણી વિટંબણા એ છે કે, એમને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાની જગ્યાએ આપણે એમની દયા ખાઈએ છીએ, જે દયાની એમને ખરેખર કોઈ જરૂર નથી!’

તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ બાળકો માત્ર ગરબા જ નહીં પરંતુ હિપહોપ, બોલિવુડ, કન્ટેમ્પરરી, બામ્બુ ડાન્સ કે અન્ય કોઈ લોકનૃત્યો પણ બખૂબીથી પરફોર્મ કરી શકે છે! નવરાત્રીની વાત પર ફરી આવીએ તો, આ બાળકોની સાથે ‘MJ ડાન્સ એકેડમી’માં ડાન્સ શીખતા અન્ય બાળકો-યુવાનો પણ નૃત્ય કરે છે. લગભગ પચાસેક બાળકોના આ ગ્રુપની ગોઠવણ અનોખી રીતે કરવામાં આવી છે. અહીં બે મૂક-બધિર બાળકોની વચ્ચે એક સામાન્ય બાળક નૃત્ય કરે છે. આથી દર દસમી કે પંદરમી મિનિટે જ્યારે દોઢિયું બદલાય ત્યારે નોર્મલ બાળકો બધિર બાળકોને ઈશારત કરીને હવે પછી કયું દોઢિયું કરવાનું છે એની સમજણ પાડી દે છે!

બાળકો નવરાત્રીની મજા લઈ શકે એ માટે ‘મનોવિકાસ’ ટ્રસ્ટે ખાસ તકેદારી રાખી છે. ‘અમારે પણ નવે નવ દિવસ નવરાત્રીની મજા લેવી છે’ એવો ઈશારો આ બાળકો દ્વારા થતાં જ ‘મનોવિકાસ’ ટ્રસ્ટે એ તમામ બાળકોના સિઝન પાસથી લઈને એમના નવ દિવસના ટ્રેડિશનલ ડ્રેસ, એક બસ, સાથે બે-ત્રણ હેલ્પર, એક સુપરવાઈસર અને કેટલાક શિક્ષકોની જોગવાઈ કરી આપી. જેથી રાત્રે હજારોની મેદનીમાં બાળકો ક્યાંક ભૂલા નહીં પડી જાય અને એમની કોઈ પણ જરૂરિયાત તુરંત પૂરી કરી શકાય!

બાળકો જ્યારે ગરબા કરતા હોય ત્યારે એમની સાથે આવેલા પહરેગીરો સતત એમના પર ધ્યાન રાખે છે અને જ્યારે પણ કોઈ બાળકને પાણી અથવા રૂમાલની જરૂર પડે તો તેઓ દોડાંક એ બાળકની પાસે જઈને એમને મદદ પૂરી પાડે છે. આજે જ્યારે લોહીના સંબંધો એકબીજાની પડખે ઊભા રહેવા કે એકબીજાની મદદ કરવા તૈયાર નથી થતાં ત્યારે આ બાળકોની સેવામાં ખડે પગ તૈનાત રહેતા ‘મનોવિકાસ’ના ટ્રસ્ટી હિતુ પટેલ અને સુપરવાઈસર વંદના કાજરોલકરને સલામ કરવાનું મન થઈ જાય છે.

અમે એવા બાળકોનોની સાથે પણ વાત કરી, જેઓ નોર્મલ છે અને જેઓ આ બાળકોની વચ્ચે ગરબા કરીને એમને વિવિધ સ્ટેપ્સની જાણકારી આપતા રહે છે. બાળકો કહે છે કે, ‘અમે જ્યારે એમની સાથે નૃત્ય કરીએ છીએ ત્યારે સૌથી મહત્ત્વની એક બાબતનું ધ્યાન રાખીએ છીએ. અમે એમને એવું જરા પણ ફીલ નથી થવા દેતા કે, અમારી અને એમની વચ્ચે કોઈ ભેદ છે. જોકે આ બાળકો એટલા બધા એનર્જેટિક છે કે, એમની સાથે રહીને અમને પણ સતત પ્રેરણા મળતી રહે છે. એમની સાથે રહીને અમે એ વાતનો અનુભવ કર્યો છે કે, આપણા કોઈ કામમાં જરા સરખી ખામી રહી શકે છે. પરંતુ એમના કોઈ કામમાં જરા પણ કચાશ નથી હોતી.’

મુકેશ જયસ્વાલ હવે આ બાળકોને લોકપ્રિય ટેલિવિઝન ડાન્સ રિયાલિટી શૉમાં લઈ જવાનું આયોજન કરી રહ્યા છે. એમને વિશ્વાસ છે કે, આ બાળકો આગળ જતાં નૃત્યના ક્ષેત્રમાં જરૂર કંઈક નવાજૂની કરશે. બધું સમુંસૂતરું પાર પડ્યું તો આવતી 26મી જાન્યુઆરીએ આ બાળકો દિલ્હીમાં પ્રજાસત્તાકદિનની પરેડમાં પણ ભાગ લેશે.

આદ્યશક્તિના આ અનોખા ઉપાસકો જ્યારે ગરબે ઘૂમતા હોય છે ત્યારે એમને જોઈને તમારામાં ગજબની હકારાત્મકતા આવે છે. તમારામાં અનોખી શક્તિનો સંચાર થાય છે! આ લખનાર સ્વાનુભવ પછી જ આ વાત અહીં લખી રહ્યો છે.

કુદરતે આ બાળકોને આપેલી લાચારીને એમણે ચકનાચૂર કરી દીધી છે. વાપીના ચલા રોડ ખાતે યોજાતા ‘ટહૂકા’માં જ્યારે આ બાળકો ગરબે ઘૂમે છે ત્યારે, તેઓ ઈશ્વરે એમને આપેલા બોલી- સાંભળી નહીં શકવાના પડકારનો ઈશ્વરને જવાબ આપતા હોય એવું લાગી આવે! તેઓ બોલી નહીં શકતા હોવા છતાં આ લખનારને કંઈક આવું સંભળાતું રહેલું, ‘તારે અમને જે પડકારો આપવા હોય એ આપ. ચાહે તું અમને મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં મૂક. પણ, અમેય તારા જ સંતાનો છીએ. તે આપેલા પડકારોનો ખમીરપૂર્વક સામનો કરીશું. તારી આંખમાં ગર્વભેર અમારી આંખ પરોવીશું અને જો અમને રસ્તો નહીં જડે તો ભીંતમાંથી પીપળો ઊગી નીકળે એમ અમે પોતે અમારો રસ્તો શોધી લઈશું. પણ અમે ટકી રહીશું!’

ઇતિ!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.