ઠંડી, ગરમી કે ડર એ આપણા મગજની ઉપજ છે
નાગા સાધુઓના ગુરુ પ્રાણગિરિ સ્વામી તરફથી પરવાનગી મળતા વિવેક દેસાઈએ જાણે નાગા સાધુઓ પાસે દિક્ષા લઈ લીધી અને એમણે પોતે પણ દિગંબર અવસ્થા ધારણ કરી લીધી. પ્રાણગિરિસ્વામીએ બાવાઓને સૂચના આપી હતી કે, કોઇએ વિવેકને પરેશાન નહીં કરવા. આ કારણે તેઓ મુક્તમને નાગા સાધુઓની ફોટોગ્રાફી કરી શકતા હતા. બાવાઓએ વિધિ કરીને એમના પર ભસ્મ ચોપડી અને પછી એમને હરિશ્ચંદ્ર ઘાટ પર રહેલા સત્તર બાવાઓના એક ટોળામાં લઈ જવાયા. બાવાઓને જોઈને વિવેકે એમને પ્રણામ કર્યા તો સામે છેડે આશીર્વાદ આપવા ચોત્રીસ હાથ હવામાં ઉંચા થયા. એ બધાય બાવા કુંડાળું બનાવીને ચલમ ફૂંકી રહ્યા હતા. વિવેક ચલમ પીવાની બાબતે થોડી અવઢવમાં હતા ત્યાં તો દિક્ષા લીધા બાદ સૌથી પહેલા એમણે ચલમનો સામનો કરવાનો આવ્યો. મંડળીની વિધિ પ્રમાણે ચલમ વારાફરતી કુંડાળામાં ફરતી ફરતી વિવેક પાસે આવી. એક બાવાએ કહ્યું, 'લે બચ્ચા દમ લગા લે...' વિવેકના મનમાં સવાલ થયો કે, ચલમ પીને ક્યાંક બેભાન થઈ જવાયું તો આ કૅમેરાનું શું?
એમની બાજુમાં બેઠેલા એક બાવા જાણે વિવેકના વિચારોને પામી ગયા હોય એમ એમણે કહ્યું, 'એ ભગત દેખો, ગર્મી-ઠંડી-ડર સબ દિમાગ મેં હોતા હૈ... વાસ્તવ મેં યે સબ હમારા ડર હૈ... વહેમ હૈ... સબ ચિંતા છોડો... અપને અંદર પડે ઈશ્વર કો જાગ્રત કરો ઔર અપને કામ મેં લગ જાઓ.' એક-બે સાધુઓએ વિવેકને ચલમ ફૂંકવાની પદ્ધતિ પણ શીખવી જ હતી, પણ પેલા સાધુના શબ્દો એમના પર અસર કરી ગયા અને એમણે મુઠ્ઠીની વચ્ચે ચલમ ખોસીને ચલમ હોઠે અડાડી. એમણે જોરથી શ્વાસ અંદર લીધો અને ધુમાડાના ગોટા બહાર કાઢ્યા. એમને જોરથી ખાંસી આવી ગઈ અને બાવાઓનું જાણે મનોરંજન થઈ ગયું હોય એમ એમણે અટ્ટહાસ્ય માંડ્યું. ચલમ પીધા પછી બે-ત્રણ મિનીટ સુધી એમને કંઈક વિચિત્ર લાગ્યું પણ પછી બધુ રુટિન થઈ ગયું.
પહેલા દિવસે વિવેક દેસાઈ હરિશ્ચંદ્ર ઘાટ અને એની આસપાસના વિસ્તારોમાં ખૂબ ફોટોગ્રાફી કરી. દિગંબર અવસ્થામાં સાધુઓને તો અનેક લોકોએ જોયા હશે, પણ ગળે બેગ લટકાવી હાથમાં કૅમેરા લઈને ફરતા ફોટોગ્રાફરને કોઇએ દિગંબર અવસ્થામાં નહીં જોયા હોય. સામાન્ય લોકોને તો આવું દૃશ્ય જોઈને આશ્ચર્ય થાય જ, પણ નાગા સાધુઓને પણ આ નવીન દૃશ્ય આશ્ચર્ય પમાડે એવું હતું. જોકે આપણા આ અલગારી ફોટોગ્રાફરને એવી બધી બાબતોની કોઇ પરવા ન હતી. એ તો એમની મસ્તીમાં ફરતા હતા અને જ્યાં મન થયું ત્યાં ઊભા રહીને નાગા સાધુઓના વિવિધ મૂડ, એમની દિનચર્યાની ફોટોગ્રાફી કરતા હતા. ન તો એમને કોઇ રોકવાવાળું હતું કે ન એમને કોઇ ટોકતું હતું. મનસ્વીઓના ટોળામાં આ ફોટોગ્રાફર પણ મનસ્વી થઈને ફરતા હતા.
સાંજે ચારેક વાગ્યા સુધી એમણે ફોટોગ્રાફી કરી હશે, ત્યાં સૂરજ ડૂબવા માંડ્યો. ગંગાને કિનારે સૂર્યાસ્ત વહેલો થતો હતો વળી વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધી રહ્યું હતું. સાંજે જ્યારે તેઓ અખાડા તરફ પરત ફર્યા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે, ડિજિટલ કૅમેરામાં મેમરી ફૂલ થઈ જાય એને ટ્રાન્સફર ક્યાં કરવી? આમ ને આમ તો રોજ સાંજ સુધીમાં મેમરી ફૂલ થઈ જવાની. તો હવે ફોટોગ્રાફી કરવી કેમ? અને કેમેરાના મેમરીકાર્ડમાંથી ફોટોગ્રાફ્સ ટ્રાન્સફર કરવા ક્યાં? આ માટે સાયબર કાફેમાં જવું પડે અને દિગંબર અવસ્થામાં સાયબર કાફેમાં જવું શક્ય ન હતું. આ સ્થિતિ માટે વિવેક દેસાઈ એમની સ્મરણ કથામાં નોંધે છે કે, 'મારા કપાળ પરની રાખ પસીનાથી ભીની થવા માંડી...'
પોતાની આ મુશ્કેલીની વાત કોની આગળ બયાં કરે એનો તેઓ વિચાર જ કરતા હતા ત્યાં આજુબાજુના બધા નાગા સાધુઓએ 'હર હર મહાદેવ.... હર હર મહાદેવ...'નો નાદ પોકાર્યો. વિવેકે ચોંકીને જોયું તો એમને ખ્યાલ આવ્યો કે, પ્રાણગિરિસ્વામી અખાડા તરફ આવી રહ્યા હતા. પ્રાણગિરિસ્વામી વિવેકની પાસે આવીને ઊભા રહ્યા અને એમને પૂછ્યું, 'ક્યૂં? કૈસા હૈ બચ્ચા? રહોગે કે જાઓગે?' વિવેકે તરત જ જવાબ આપ્યો, 'રહૂંગા.' આ સાથે જ એમણે ગુરુજી આગળ એમની અવઢવ રજૂ કરી. વળી, વિવેકે જ ગુરુજીને ઉપાય સૂચવ્યો કે, જો યેલને અહીં રોજ સાંજે પાંચ મિનિટ માટે આવવાની પરવાનગી મળે તો એમનું કામ થઈ જાય! વિવેકનો ઉપાય સાંભળીને ગુરુજીએ વિવેકને એક કેસરી કપડું આપ્યું અને કહ્યું, 'તું યે સ્મશાન કે પીછે વાલી ગલી મેં સે જા ઔર ઉસે બુલા કે લા.'
વિવેકે લુંગીની જેમ એ કપડું લપેટ્યું અને બજાર તરફ દોટ મૂકી. જોકે વળી પાછો એમને સવાલ થયો કે, યેલને શોધવી ક્યાં? પણ આ કુંભ વખતે નસીબ બધી રીતે વિવેક દેસાઈની સાથે હતું, જેના કારણે મુશ્કેલીઓ દરમિયાન સામે ચાલીને એમને મદદ મળી રહેતી અને તેઓ મુશ્કેલીમાંથી ઉગરી જતા. યેલને શોધવાની પળોજણમાં પડવા કરતા વિવેકે વિચાર્યું એમના ગેસ્ટ હાઉસના માલિક અને એમના મિત્ર સંતોષને જ ફોન કરું, જેથી એના તરફથી કોઇ મદદ મળી રહે.
એમણે સંતોષને ફોન કર્યો એટલે સંતોષે એમને સામેથી કહ્યું, 'સાધુ બન ગયે! મુઝે યેલને અભી-અભી બતાયા. લો ઉસ સે બાત કરો.' મજાની વાત એ હતી કે, વિવેકે જ્યારે હોટેલમાં ફોન કર્યો ત્યારે યેલ પણ ત્યાં જ હતી, જેને કારણે યેલને શોધવાની માથાકૂટ નહીં કરવી પડી. ઝાઝી વાતચીત કર્યા વિના એમણે યેલને ઘાટ પર આવી જવા કહ્યું. યેલ સાથે થોડી વાતચીત કરીને પ્રાણગિરિસ્વામીએ એને રોજ સાંજે એક આંટો મારી જવાની પરવાનગી આપી અને આમ વિવેક રોજ સાંજે યેલને મેમરી કાર્ડ અને બેટરી આપી દેતા અને યેલ એમને ચાર્જ્ડ બેટરી અને ખાલી કરેલો મેમરી કાર્ડ આપી જતી. વિવેકને એમ લાગી રહ્યું હતું કે, યેલ ઈન્ડિયા આવે એ માટે ઈશ્વરે જ ખાસ આયોજન કર્યું હોવું જોઈએ. નહીંતર આવડા મોટા શહેરમાં અમસ્તુ જ કોઇ અજાણ્યું ભટકાઈ જાય અને એ આટલી બધી મદદ કરતું હશે?
આખા દિવસના રઝળપાટ દરમિયાન વિવેકને ખોરાક વિશે કોઇ વિચાર આવ્યો ન હતો. પરંતુ સાંજે પડ્યે એમને કકડીને ભૂખ લાગી. એમને એ પણ ખ્યાલ ન હતો કે, આ સાધુઓ ખાતા શું હશે? પણ એમને સાધુઓ જેવું જ જીવન જીવવાનું હતું એટલે સાધુઓ જે ખાય એ ખાવાનું હતું. યેલને ઘાટ સુધી પહોંચાડીને તેઓ બાવાઓના કેમ્પ પર આવ્યા ત્યારે એક બાવાએ પચાસ એક બટાકા કાઢીને ઘૂણીમાં નાંખ્યા. એક બાવાએ એમને જાણકારી આપી દીધી કે, આ જ આપણું ખાવાનું છે! બીજી તરફ બે-ત્રણ બાવા દાડમ લઈને સમારવા બેઠા. થોડી વારમાં બટાકા શેકાઈ ગયા હતા એટલે ધૂણીમાંથી બટાકા કાઢી લેવાયા અને એ બટાકા છોલવાની પ્રક્રિયા હાથ ધરાઈ. એક સાધુએ બે બટાકા છોલીને વિવેક તરફ ફેંફ્યાં અને કહ્યું, 'ખા લો ઈસે.' વિવેકે એ બટાકા લઈ લીધા અને એને સાફ કરીને ખાવાનું શરૂ કર્યું. સ્મરણ કથામાં તેઓ લખે છે એ મુજબ બટાકા એમને મીઠા તો લાગ્યા પણ ઊભા પગે બેસીને એ ખાતી વખતે ઘર, ડાઈનિંગ ટેબલ અને પરિવાર યાદ આવી રહ્યા હતા.
બટાકાનું જમણ પૂરું થયું એટલે બધા સાધુઓએ ગંગાનું પાણી પીધું અને બધા પોતપોતાના કામમાં પરોવાયા. થોડા કુંડાળામાં બેસીને ચલમના ધૂમાડા કાઢવા માંડ્યા તો થોડા ઉંઘવાની તૈયારીઓમાં જોતરાયા. કેટલાક અલગારીઓ ગંગા તરફ ગયા અને કેટલાકે પદ્માસનમાં બેસીને ભગવાન શિવનું ધ્યાન ધર્યું. થોડા સમય પછી બધા ધૂણીની આસપાસ સૂઈ ગયા. નાગા બાવાઓ સાથેની વિવેકની આ પહેલી રાત હતી. જોકે એમને કશો ભય નહોતો, જે કંઈ હતું એ માત્ર રોમાંચ હતો. આંખ આગળ એક નવી દુનિયા ઉઘડી જવાનો રોમાંચ, આપણા જેવું જ શરીર ધરાવતા, પણ આપણા કરતા કંઈક ભિન્ન મનોબળ ધરાવતા અને આપણાથી કંઈક અલગ જીવન જીવતા લોકોની સાથે રહેવાનો રોમાંચ.... અને બધા કરતા કંઈક અલગ કરવાનો રોમાંચ...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર