પ્રિય પારિજા...

22 Jun, 2016
12:00 AM

mamta ashok

PC:

પ્રિય પારિજા...

મોબાઈલ, ઈ-મેઈલ, એસ.એમ.એસ., વોટ્સ અપ, કે ફેસબુકના આ જમાનામાં કોઈનો... એમાંયે મિત્રનો કાગળ મળે ત્યારે મન ખુશીથી તરબતર બન્યા સિવાય કેમ રહી શકે? તારો પત્ર વાંચવાની મજા પડી ગઈ. આપણી વચ્ચે રહેલું માઈલોનું અંતર પળવારમાં ગાયબ.... મનોજ ખંડેરિયા કદાચ આવા જ કોઈ પ્રસંગે બોલી ઉઠ્યા હશે...

સારું થયું કે શબ્દો મળ્યા તારે નગર જાવા...
ચરણો લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે.

પારિજા, કોલેજકાળથી છૂટા પડ્યા પછી આજે સાવ અચાનક આપણે વરસો બાદ મળીએ છીએ... અને તે પણ પત્રને રસ્તે... શબ્દોને સથવારે. તારો પત્ર મળ્યો અને વચ્ચેના વરસો પાનખરના પર્ણની માફક ખરી ગયા. અને આપણે સાથે વીતાવેલ વરસોની લીલીછમ્મ ક્ષણો મનમાં મહોરી ઊઠી.

તારા પત્રમાં હોસ્ટેલ શબ્દ વાંચતા જ મારું મન મસમોટો કૂદકો મારીને જીવનના પાંત્રીસ વરસો એકી સાથે વળોટી ગયું. સમયના ઘેઘૂર વાંસવનમાં અમુક સ્મૃતિઓ પોતાની ચોક્કસ જગ્યા અંકે કરી લેતી હોય છે. અલબત્ત એ ક્ષણો આપણી ઉપર હાવી ન થઈ જવી જોઈએ... કે આપણી આજને છીનવી લેતી ન હોવી જોઈએ. એટલું જ... કેમ આખરે જે આપણા હાથમાં છે એ ફક્ત ને ફક્ત આજની ક્ષણ જ હોય છે.

કિશોરાવસ્થાનો ઉંબરો પસાર કરી થનગનતા યૌવનના પ્રથમ પગથિયે... આંખોમાં અગણિત શમણાં અને ઉજ્જવળ ભાવિની ઝંખના સાથે એક છોકરી પહેલીવાર ઘરથી બહાર નીકળી... એક નવા વિશ્વમાં... પ્રથમ પગલું માંડે છે ત્યારે એના મનોજગતમાં... એના ભાવવિશ્વમાં અનેક ઉર્મિઓના ઘોડાપૂર ઉછળતા હોય છે. ઘરથી, માતા-પિતાથી દૂર... સુરક્ષાનું કોચલું છોડી એક અપરિચિત દુનિયામાં પ્રવેશવાની ક્ષણે થોડો ડર, થોડી શંકા, રોમાંચ, થોડો ઉત્સાહ, કુતૂહલ, આશા, ઘરના બંધનોથી મુક્ત, સ્વતંત્રતાનો ઉન્માદ અને અઢળક શમણાં એના સાથીદાર હોય છે. સાથે હોય છે માતા પિતાનો વિશ્વાસ અને અસંખ્ય સૂચનાઓનું ભાથું... આપણે પણ એવા અનેક શમણાં સાથે હોસ્ટેલમાં પ્રવેશ્યા હતા ને?

કોલેજના એ મસ્તીભર્યા દિવસો... એ થનગનાટ, એ રંગીન સપનાં... એમાંથી કેટલાક હકીકતમાં પરિણમ્યા હશે... તો કેટલાક અડધે રસ્તે રોળાઈ ગયા હશે. ઢોળાઈ ગયા હશે... કેટલાકે બદલાઈને નવું રૂપ ધારણ કર્યું હશે... ઘણું પામ્યું હશે... તો થોડું ગુમાવ્યું પણ હશે... એ વાતો એકમેક સાથે વહેંચવી ગમશે....

પ્રત્યક્ષ તો ક્યારે મળીશું એની જાણ નથી પણ અત્યારે તો પત્રમાં છલકીએ... ઠલવાઈએ... એકમેકને પામીએ... જિંદગીના પોત ઉપર કેવા અને કેટલા આભલા ટાંકી શક્યા... કયા કયા રંગોમાં રંગાયા... કેવા કેવા અનુભવોથી ઘડાયા... જિંદગી માનવીને ઘણું બધું શીખવાડતી હોય છે. ઘણીવખત જે અનેક સુંદર પુસ્તકોમાંથી નથી પામી શકાતું... એ એકાદ અનુભવમાંથી પમાતું હોય છે. એ અનુભવ સુખદ પણ હોઈ શકે અને દુઃખદ પણ હોઈ શકે.... જીવનમાં કંઈ ફક્ત સુખની રંગોળી જ નથી હોતી. તડકો હોય તો જ અને ત્યારે જ છાંયડાની કિંમત સમજાતી હોય છે.

શું વાત કરીશું બોલ? કુટુંબની, બાળકોની, પતિદેવની વિગેરે વાતો તો ફોનમાં આપણે કરી લીધી. અહીં તો આપણે વાત કરીશું આપણા અંતરની... ઉઘાડીશું અંતરના આગળા અને એકમેક પાસે જેમ પહેલા ઠલવાતા હતા એમ જ ફરી એકવાર વરસીશું... લીલાછમ્મ બનીશું... હા... એમાં ક્યારેક પતિદેવ કે બાળકો, મિત્રો, રસ્તામાં દેખા દઈ ગયેલા મિત્રો, કોઈ પરિચિત કે અપરિચિત ક્ષણો... કંઈ પણ અનાયાસે ડોકિયા કરી જાય એવું પણ બની શકે... કેમકે જે ક્ષણો જીવ્યા છીએ... એને સાવ અળગી તો કેમ પાડી શકાય? આપણા સૌ પાસે પોતપોતાના અનુભવો હશે... એમાંથી થોડા અવિસ્મરણીય પણ હશે... એને સાથે મળીને મમળાવીશું ને?

યાદ છે? કોલેજમાં આપણી પાછળ ફરતો પેલો કિશન.. આપણે બધા એની કેવી ઉડાવતા... મશ્કરી કરતા અને ઉલ્લુ બનાવતા... આ ક્ષણે પણ એ યાદની સાથે હું ખડખડાટ હસી પડું છું. સાવ એકલી એકલી... કદાચ કોઈ જુએ તો એમ જ કહે કે બહેન અડધા પાગલ લાગે છે. અને એમાં મારા પતિદેવને સહમત થતા કદાચ વાર પણ ન લાગે! કોલેજ લાઈફમાં આવી કોઈ યાદ તો કોના જીવનમાં નથી હોતી? દિલના પટારામાં પૂરાયેલી એવી કોઈ મીઠી યાદોને કદીક મમળાવવી પણ ગમતી હોય છે. આમ પણ કડવી વાતો યાદ કરવી માણસને ભાગ્યે જ ગમતી હોય છે.

પારિજા, તું ત્યાં અમેરિકામાં અને હું અહીં આપણા દેશમાં, ભૌતિક રીતે જોઈએ તો આપણી વચ્ચે સાત સાગરનું અંતર કહેવાય. પણ અંતરના તાર મળેલા હોય ત્યારે ભૌતિક અંતર આપોઆપ ખરી પડતું હોય છે.

તું કદાચ નિયમિત પત્ર ન લખી શકે તો પણ મારે તો મહિનામાં એક પત્ર લખવાનો જ. આ શબ્દો વાંચીને થયું કે તારી મસ્તીભરી દાદાગીરી હજુ ગઈ નથી. હોસ્ટેલમાં પણ તારી દાદાગીરી ક્યાં ઓછી હતી? હસી પડી ને? અલબત્ત એ સ્નેહની દાદાગીરી હતી અને એથી જ ચાલતી હતી. સ્નેહની કડી સહુથી વડી જ હોય ને?

વધારે તારા પત્ર પછી... હવે તો મળતા રહીશું. શબ્દોને સથવારે, અંતરને ઓવારે... બરાબર ને?

લિ. અંતરાની સ્નેહયાદ

બીજી વાતો ફરી ક્યારેક... આજે તો ડો. મહેશભાઈની મારી મનગમતી એક પંક્તિ સાથે જ વિરમીશ.

ટાંકવા'તા આભલા આ જિંદગીનાં પોત પર ક્યાંક રંગો ક્યાંક ભાતેભાત અફવા નીકળી !
મળતા રહીશું શબ્દોને સથવારે, પત્રને ઝરૂખે....

ખૂબ ખૂબ વહાલ સાથે

તાન્યાની સ્નેહયાદ

 

(લેખિકાઃ નિલમ દોશી)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.