મૃત્યુદંડ
ખરેખર તો વાર્તા નથી જ લખવી. ના.
અને કોઈ લખો-લખોનો આગ્રહ પણ નથી કરવાનું. આમેય વાચકો-લેખકો-વિવેચકોને કંઈ એકબીજાની પડી નથી. સબ સબ કી તાનમેં. ન લખવાનાં કારણ ખાસ કશાં નહીં. એમ તો બે-ત્રણ મહિના પર એકાદ બે તેજ-તેજ અને આગ-આગ એવા વિવેચકોએ એવું લખેલું કે તમારી વાર્તાકલાનાં હવે વળતાં પાણી, પણ એને ગણકારવાની દાનત જ નથી રાખી. વળતાં તો વળતાં, એનો કોઈ એનો હરખશોક રાખ્યો નથી અને રાખવો નથી. તોયે કોઈ જાવ-જાવ કહ્યા કરે તો અમે જતાંયે રહીએ. કંઈ એવાં નીંભર નથી કે ચોંટી રહીએ કલમને. ઘોળી વાર્તા ને ઘોળ્યું લખવાનું. હાથ ખેંચી, કલમના ખાનામાં પૂરી દઈ, આળસ મરડી બેઠાં છીએ. નિરાંતે. લખ્યું એટલે જીવ્યાં એવું ઓછું છે?
- આ આટલું લખ્યું તે એટલા માટે કે આ કાચી સામગ્રી છે. દળદાર. અને કદાચ દળદાર ન લાગે તોયે છેક કુશકા તો નથી જ. કોઈને એમાંથી એકાદ સંઘેડા-ઉતાર... ઠીક, એ બધું કંઈ કહેવાનું ન હોય. બધાં મરમી છે, બ્લેન્ક સ્પેસનોયે અર્થ સમજે એવાં.
થયું એવું કે ગઈ કાલે લાખી આવી. ભૂખરો સાડલો માથા પર ઢાંક્યા કરતી, અડધા તૂટેલા અને અડધા આખા, પાન ચાવી ચાવીને રંગીન થયેલા દાંત દેખાડતી લાખી. ચહેરો રડમસ અને રઘવાટિયો. કશું અઘટિત અને ભયાનક બન્યાના સમાચાર લઈને આવી હોય એવી દેખાય. છતાં મોટો ધ્રાસકો ન પડ્યો. લાખી તો અમથીયે એવી જ દેખાય. બેબાકળી અને રોતલ. હજી તો કંઈ પૂછીએ એ પહેલાં જ ઠૂઠવો મૂક્યો. કોણ ગયું હશે? પાણી, સાંત્વન, ખભે હાથ - સરવાળે આંસુ પર છેડો દાબી હોઠ ઉઘાડ્યા.
આજ અખબાર પઢ્યા?
લાખી તરફથી આવા અસાધારણ સવાલની ધારણા હોય ખરી? પણ હા પાડી, કારણ કે સવારે સરસરી નજરમાં છાપું જોયું તો હતું જ. એમાં કશું નવીન કે સનસનાટીભર્યું નહોતું. કમ સે કમ લાખીનું ધ્યાન ખેંચે એવું તો નહીં જ. ને લાખીને તો આમેય વાંચતાં-લખતાં આવડતું નહોતું એટલે આપણા લોહીઉકાળા એને ભાગે ન આવે. લાખી સામે ફરી જોયું. એનું મોં સાવ કરમાઈ ગયેલું અને હોઠ થરથરતા હતા.
સબ બોલે કે જુગન કો તો અબ...
જુગન? તારી બહેન ધનવંતીનો છોકરો?
હાં.... ધનવંતી કા જુગન...
આટલું બોલીને લાખી ફરી રડવા બેઠી. આયે ખરો ત્રાસ. કોઈ આમ માથા પર રડ્યા જ કરે એ ખમવાનું બહુ ભારે. જુગનની શી માથાકૂટ હતી. એ ખોળવાનું તો હજી બાકી. પહેલાં તો આ રડતી બંધ થાય તો ઘણું.
ધનવંતી અને શંભુ મધ્યપ્રદેશથી આ તરફ મજૂરીએ આવેલાં. અમારા બાપુજી કૉન્ટ્રાક્ટર પણ લોહીચૂસ નહીં, લાલ સલામવાળા. મજૂરોને સગવડ આપવામાં એમનો જોટો ન જડે. કાયમી મજૂરોને તો પૂરી સગવડવાળી ઓરડીઓ, સંડાસ સુધ્ધાં. બધાં બાપુજીની જય બોલાવતાં. લાખી ધનવંતીની બહેન. વિધવા. એક દીકરો હતો તે અકસ્માતમાં મૂઓ અને તેણે વતન છોડ્યું. એનું ઉમેરણ પાછળનું.
હવે આ બધી વિગતો આપવી પડે, પાછળથી કલાત્મકતા જાળવવા જે ખંખેરી નાખવું હોય તે ખંખેરી નંખાય, પણ અત્યાર પૂરતી તો આ માહિતી... લગભગ અનિવાર્ય જેવું જ.
ધનવંતી અને શંભુનાં લગ્નને પંદરથી વધારે વરસ વીતી ગયાં હશે. સંતાન નહીં. વતન જતાં બંને ડરે. બેયનાં કુટુંબો પઠાણી ઉઘરાણી કરતાં હોય એમ આસપાસ ફરી વળે. વૈદ-હકીમ-ભૂવા-પીર-બાધાઆખડી-જંતરમંતરની માહિતીના ઢગલા ઠાલવે. વતનથી પાછી આવેલી ધનવંતી અહીં રહ્યેરહ્યે જાતજાતના ધતિંગમાં સક્રિય દેખાય. લાલ કપડાં પહેરીને લાલ કરેણથી ગણપતિની પૂજા કરવાની, ખાસ તિથિએ દેવીદર્શન માટે ડુંગરે જવાનું, કદીક એકલા ચોખા ખાવાના તો કદીક માત્ર ફળાહાર, ક્યારેક ત્રણ જ પદાર્થ ભાણે લેવાના તો ક્યારેક માત્ર દૂધ. માદળિયાં, મંત્રેલા દોરાધાગા, માળામણકા, વીંટી બધું પહેરવાનું - કોઈ બાંધછોડ વગરની ચુસ્તી.
એ દિવસોમાં જ મોટા ડૉક્ટરો ફર્ટિલિટી સેન્ટર ચલાવતા અને એની ભારે બોલબાલા રહેતી. શંભુને વળી કોઈકે વાત કરી હશે. એ તો આશાભર્યો ને ઉતાવળો પહોંચ્યો બાપુજી પાસે.
અલ્યા, ખરચ ભારી પડશે! આ બધી મોંઘીદાટ પદ્ધતિ. એંસી હજાર કે લાખના ચક્કરમાં ફસાઈ જશે. સાદી દવા કરતાં તો આટલાં ખેંચાઈ ગયાં છો, ને એટલું કર્યા પછીયે કોઈ ખાતરી નહીં આપે. ગાંડપણ રહેવા દે. જે છે એમાં રાજી રહે! શંભુ પાછો પડ્યો. લાખી કપાળ કૂટ્યા કરે.
ગાંવ મેં કીત્તી ઓરત જબ દેખો પેટ સે... ઘર ભર કે બચ્ચેં. સબ કે યહાં, ઔર એકયે ધનવંતી દેખો, પતા નહીં કહાં સે બૂરી નજર....
ગાંડા છો તમે બધાં! બૂરીફૂરી નજર કંઈ નહીં. દુનિયામાં છોકરા વિનાની કંઈ એકલી ધનવંતી નથી નવી નવાઈની. બીજી ઘણીયે બાઈઓ છૈયાંછોકરાં વિના જીવે છે.
પણ ધનવંતીની હાલત બગડતી જતી હતી. એના પર સતત દબાણ રહેતું. દુનિયાભરની ઓરતોને જે કસબ સહજસાધ્ય હતો તે કસબ અનેક પ્રયત્ન છતાં એને હાથ ચડતો નહોતો. એણે કરતબ દેખાડવાનો હતો, સહુ એને ટીકીટીકીને જોતાં હતાં. પાનો ચડાવતા હતા. શંભુ પણ ચડસે ભરાયો હતો. બંનેનાં કુટુંબનો જીવલેણ કકળાટ એના હઠાગ્રહનું મૂળ હતું.
ચલ અબ બડે ડૉક્ટર કે પાસ. અસ્સી હજાર તો અસ્સી હજાર. બચ્ચા હો ગયા તો પૈસે કહીં સે ભી આ જાયેંગે... એક બાર યે ભી કર લેતે હૈ... ચલ...
પછીના ત્રણ મહિના આ જ ધમાલ ચાલી. શંભુ બે વાર વતન જઈ આવ્યો. શું વેચ્યું અને શું ગીરવે મૂક્યું એ તો ભગવાન જાણે. થોડાઘણા બાપુજી પાસેથી લીધા અને એમ લાંબી અને ખર્ચાળ ટ્રીટમેન્ટ ચાલી.
આવા લોકોનું ગજું નહીં. ગાંડિયાઓ ઓલાદ માટે કેવું કરે છે!
એકસૂરે શંભુ-ધનવંતીને બધાં સંભળાવે. અંતે પરિણામ આવ્યું, અમને બધાંયને શાંતિ થઈ ગઈ. લાખેણો, માગી ભીંખેલો અને ડૉક્ટરનો દીધેલો તે આ જુગન.
જુગન પાંચ વર્ષનો થયો ત્યાં લગી અહીં, અમારી નજર સામે જ હતો. હઠ કરીને ધનવંતી પાસે રોટલો લે, દાની શ્રેષ્ઠીની જેમ ઓટલે બેસે અને આવતાં-જતાં ગાય, બકરી, કૂતરાં, ઊડતાં કાબર-કાગડા, ચકલી-કબૂતરને લેલે કરી નોતરે. ધનવંતી એના રાજાબેટાનાં ઓવારણાં લે. એને માટે જુગન ઈશ્વરે હાથોહાથ દીધેલી મહામૂલી ભેટ. જતનમાં જાત ઓગાળી દે એટલું વહાલ. શંભુ પેલા ઉછીઉધારમાં વ્યાજ આપી આપીને ઘરડો થઈ ગયેલો. બાપુજીએ પચીસ હજાર આપેલા એટલા બાદ. બા ગુસ્સે થતી.
ના પાડી’તી આવું પહાડ જેવું દેવું કરવાની. દેદાર જો તારા! નર્યો ભિખારી લાગે છે... માંદો જ પડવાનો છે આ રંગઢંગથી!
. . . . .
જુગન ત્રણેક વર્ષનો હશે ત્યારે એને એક જીવલેણ માંદગી આવી પડી. પહેલા તો ખબર જ ન પડી કે શી તકલીફ છે. બાપુજીએ શંભુને ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ પાસે ધકેલ્યો. નિદાન થયું. ડિપ્થેરિયા. એને દવા આપવાની ખાસ, ક્યાંયે મળે નહીં. શંભુ હાથમાં કાગળિયું લઈને કેમિસ્ટે કેમિસ્ટે ભટકે, ફોનના આંકડા દાબીદાબીને બાપુજીની આંગળીઓનાં ટેરવાં લાલચોળ થઈ ગયાં. મુંબઈ, પૂના, હૈદરાબાદ - ઠેકઠેકાણે દવા માટે સંપર્ક કર્યો.
બીજી તરફ જુગન જવાની તૈયારીમાં. લાખી રડતીકકળતી દોડધામમાં. ધનવંતી પાગલ જેવી લવરી પર ચડી ગયેલી. માથું કૂટે અને હાયવોય કરે. બિલકુલ હિન્દી ફિલ્મોમાં જોયેલું તેવું જ. એક ખાલી મંદિરમાં જઈને કોઈએ ઘંટ ઝાલીને ઈશ્વરને ધમકાવ્યા નહીં એટલું જ બાકી. બે વાર તો જુગન આ ચાલ્યો, આ ગયો જેવી કટોકટ, અને આ ઘડી મામલો ખતમ તેવી ઊથલપાથલ. ત્યાં વળી ધનવંતીને ખેંચી આવી. નજીકની લેડી ડૉક્ટરને બોલાવી ઘેનનું ઈન્જેકશન અપાવ્યું. બચ્ચાના મોતમાં શું શું કરવાની શાસ્ત્રાજ્ઞા છે એની પડપૂછ કરતી મજૂરોની ઓરતો બારણે જમા થઈ. લાખી સહુથી આગળ, એકધારું રડતી અને બબડતી.
ઈત્ત પૈસા ખર્ચ કિયા, નસીબ નહીં. મેં પહલે સે બોલી, બૂરી નજર સે...
. . . . . . . . .
આ બધી વિગતો જરા બોજારૂપ છે. નહીં? વાર્તામાં આટલી બધી માહિતી આપવાની જરૂર નથી, પણ આમાં શું ગાળવું-ચાળવું એની સ્પષ્ટતા ન હોવાથી બધું જેમ બન્યું તેમ ધરી દીધું છે અને આ વિગતો પાછી નક્કર છે, એમાં અધ્ધર કશું નથી, રજેરજ સચ્ચાઈ.
હવે પલટો કેવો આવ્યો તે જુઓ. અચાનક હવામાન બદલાઈ ગયું. બચી ગયો. જુગન બચી ગયો... દવા તાબડતોબ આવી. આંસુ ગાયબ, આઉટ ઑફ ડેન્જરની ઝંડી મળી ગઈ. કંસાર રંધાયો, પેંડા વહેંચાયા. આયે ગજબનો ખેલ!
આ થયો જુગનનો બીજો જન્મ. પહેલા જન્મ જેટલો જ ખર્ચાળ અને કષ્ટદાયક, પછી શંભુ એને વતનમાં લઈ ગયો. ત્યારે જુગન પાંચેકનો. વતનમાં સહુ એનું વધારે ધ્યાન રાખશે, ભણશે-ગણશે, એને ઈજનેર બનાવીશું. ડાક્ટર બનાવીશું એવાં એવાં સપનાં શંભુ અને ધનવંતીનાં. વહાં બીસ કિલોમીટર પર બડા કાલેજ હૈ, જુગન વહીં પઢેગા...
જુગન ગયો અને એનો ચહેરો અમારે માટે ઝાંખો થઈ ગયો. એ આ તરફ આવતો નહીં અને એકાદ બે વખત આવ્યો ત્યારે અમે નહોતાં. માત્ર લાખી જુગનની વાતો કરતાં થાકતી નહીં. હોનહાર હૈ, કીરકેટ ખેલતા હૈ, ગાના ગાતા હૈ વગેરે. ધનવંતીને તો કંઈ પણ પૂછીએ તો હરખથી હસી પડતી. એને મન જુગન ઈંદ્રરાજાથી ઓછો નહીં. એનું જીવન, એનું ભવિષ્ય, એનો આનંદ-સઘળું જુગન નામના સુવર્ણસ્તંભ પર ટકી રહ્યું હતું.
. . . . . . . .
આજ કા અખબાર પઢ્યા?
લાખીનો સવાલ અથડાયો. હવે તો અખબાર હાથમાં પકડ્યે જ ખુલાસો થાય. છાપું તો લીધું પણ મનમાં થયું કે આ લોકોને લગતું કશુંયે છાપામાં હોય તો ઘરમાં કોઈકે તો ધ્યાન ખેંચ્યું જ હોત. માત્ર ધ્યાન ખેંચવાની વાત નહીં, ખાસ્સી ઉત્તેજના ફેલાઈ ગઈ હોત. લાખી આ એક મુદ્દે કેમ અડી રહી હતી એ સમજાતું નહોતું. પાનાં ફેરવ્યાં. એનું એ જ, રોજના જેવું જ ભરેલું હતું અંદર.
ક્યા હૈ ઈસ મેં?
સબ બોલે કે જુગન કો ભી ફાંસી...
ફાંસી? જુગનને શા માટે ફાંસી થાય? અને ફાંસીના તો કોઈ સમાચાર જ નહોતા. ફરી ધ્યાનથી પાનાં ફંફોસ્યાં. ઠીક, છેલ્લે પાને કોલકાતાના ધનંજયને ફાંસી થઈ તેના સમાચાર હતા. સજા માફ થાય તે માટે દયાની યાચના કરવાની હતી એવું છપાયું હતું. ચોમેરથી દબાણ હતું કે ફાંસી માફ ન થવી જોઈએ. બાર-ચૌદ વર્ષની છોકરી સાથે આવું અમાનુષી કૃત્ય કરનાર અપરાધીને માફી ન હોય એવી રજૂઆત પણ હતી, પણ એની સાથે જુગનને શી લેવાદેવા...?
રડતી લાખીને છોડીને અંદર આવી. આ સાયંકાળના દીવાની તૈયારી કરતી હતી. જોવાનું ગમે એવું દૃશ્ય. સરસ પાતળી એકસરખી વાટ, મોટી દીવીમાં ગોઠવાય. બહાર તુલસીક્યારે ડોકિયાં, ચાર ખૂણે ચાર, દીવી ભગવાનના નાનકડા મંદિર પાસે, બે અગરબત્તીની જોડાજોડ.
બા... આ લાખી કહે છે કે....
બાએ નાકે આંગળી મૂકી. દીવા થઈ જાય પછી બધી વાત એવો એનો અર્થ. દીવાના પ્રકાશમાં બાનો ચાંલ્લો ઝગઝગતો હતો. ભગવાન સામે હાથ જોડીને બેઠેલી આ અપાર્થિવ લાગી. ત્યાં જ ધનવંતી સરકી આવી અને બાની નજીક બેસી ગઈ. હાથ જોડેલા અને આંખમાંથી આંસુ દડદડ દદડે. જાણે ભીતર દરિયાની ગાંડીતૂર ભરતી. બાએ એની સામે જરાક જોયું, એને માથે હાથ ફેરવ્યો અને ધનવંતી તૂટીને વેરવિખેર બાના ખોળામાં પડી, રાખની ઢગલી જેમ. શું થયું હશે એની ભાળ કાઢ્યા વિના અહીંથી ખસવું હવે અશક્ય.
મોડી રાતે બધું જાણીને હું ઓટલે બેઠી. આકાશ સામે જોતી જોતી. જુગન પકડાયો હતો. અગિયાર વર્ષની છોકરી પર બળાત્કાર કર્યા પછી એનું ગળું દાબીને એને મારી નાખવાના આરોપસર. ત્યાં વતનમાં વિવિધ સંગઠનોએ જુગનને ફાંસી થવી જ જોઈએ. એવી માગણી કરી હતી. ધરણાં, ઘેરાવ, સરઘસ, સભાઓ, સરકારમાં રજૂઆત - ભારે હો-હા મચી ગઈ હતી. જો ધનંજયને ફાંસીની સજા થઈ શકતી હોય તો એવા જ આરોપસર પકડાયેલા જુગનને ફાંસી કેમ નહીં?
ખોટું હશે. જુગનને કોઈકે ફસાવ્યો હશે. જુગન એવું કરે જ નહીં...સારો વકીલ રોકીને....
ધનવંતીને સાંત્વન આપવા માટે આનાથી વધારે સૂઝતું નહોતું. પણ હજી આગળ બોલું તે પહેલાં ધનવંતીનું માથું ટટ્ટાર થયું.
જૂઠ નહીં. અપની મરી બચ્ચી કે સર પે હાથ રખકર ઉસકી મા બોલી કી ઉસને જુગન કો દેખ્યા થા. જૂઠ ક્યોં બોલેગી વો? જુગનને હી કિયા, સચ્ચી....
રડીરડીને દડા જેવી થઈ ગયેલી લાચાર આંખો અમારા તરફ મંડાઈ. એમાં કેટકેટલા જનમની પીડા તગતગતી હશે એનો અંદાજ મેળવવાનું મારું ગજું નહોતું. અડતાંવેંત ફરફોલા ઊઠી જાય એવી આ પીડા, જેવી ને તેવી. ને તેટલી, કઈ ભાષામાં આણી શકાય? અને જે બન્યું તેને આલેખવામાં કયો રચનાપ્રપંચ ખપ લાગે એ બાબતે ગોથાં ખાધાં પછી થયું કે નથી લખવી વાર્તા. બહુ થયું હશે. આમેય કેટલુંય કહી શકાય! અમે બે બહેનો નથી પરણી, પરણવાનું ટાળતાં રહીએ છીએ તેનાં અનેક કારણોમાં એક તો...
ડર, ગર્ભનો, પીડાનો ખાળી ન શકાય એવો ડર, જો કે જુગનની વાત સાથે એને સીધો સંબંધ તો નથી એટલે... જવા દઈએ, પણ તમને જો મન થાય એ સામગ્રીમાંથી એકાદ તાજગીસભર, સશક્ત વાર્તા રચવાનું તો... મૂળ આ કથાબીજ મારું હતું એમ નહીં બોલું. પ્રૉમિસ.... આ વેરી ઑનેસ્ટ પ્રૉમિસ... આ કથાબીજ મારું હતું એમ નહીં બોલું, પ્રૉમિસ... અ વેરી ઑનેસ્ટ પ્રૉમિસ....
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર