તમને ખબર છે?
મારા વહાલા બા,
આજે લખવા બેઠી છું તમને પત્ર, પરંતુ શું લખું? કલમ ને કાગળ હાથમાં પકડતા જ મારી આંખમાંથી ખરી પડેલા આંસુ વિશે લખું? આપણા બંનેના સંબંધ, તમારી લાગણીઓ વિશે લખું? કે પછી, તમારા પ્રેમને કાગળ પર નથી વર્ણવી શકતી એવા મારા શબ્દોની વ્યથા વિશે લખું?
હું મારા ત્રણેય બાની આભારી છું. હા મારે ત્રણ બા છે. પહેલા મારા ફોઇબા, જેમણે મને ઘરકામ અને રસોઇકળામાં પારંગત બનાવી. બીજા મારા માસીબા, જેમણે મારું ધાર્મિક ઘડતર કર્યુ. અને ત્રીજા તમે મારા જન્મદાત્રી. જેમનું હું લોહી, એમનો રંગ અને એમનો જ પ્રતિબિંબ જાણે! તમે મને ફક્ત જન્મ જ નથી આપ્યો પરંતુ મને વિચારો આપ્યા છે, મારા જીવનનું ઘડતર કર્યુ છે. મારા જીવનમાં આતુરતા, મક્કમતા, હિંમત, આત્મવિશ્વાસ, નિડરતા, મહત્વાકાંક્ષા જેવા રંગો પૂર્યા છે. હું તમારી આભારી છું કારણ કે મારું અસ્તિત્વ તમારા થકી છે.
તમે મારા પર કરેલા ઉપકારો માટે હું ઋણી છું તમારી. મારા સપનાઓમાં તમે જીવ્યાં છો હંમેશાં. મારી હર એક ભૂલોને ભૂલીને મને સાથ આપ્યો છે. મારી સહેલી બનીને મારા સુખ-દુઃખ, દર્દ, આંસુ, ઉપાધિઓમાં સહભાગી બન્યા છો. આપણે ક્યારેક લડતા પણ ખરાં, મને કયારેક લાગી પણ આવતુ અને હા, હું કયારેક તમને બિલકુલ નથી સમજી શકી પરંતુ તમે હંમેશાં મારી સતત કાળજી રાખતા હતા.
મને યાદ છે તમે મને સરસ વાળ ઓળી આપતા હતા. આંખોમાં કાજળ કરીને નજર ના લાગે એટલા માટે તો કપાળ પર કાજળનું ટપકું કરતા! તમે મારા સપનાં પૂરા કરવા કેટલી બધી જહેમત ઉઠાવી લેતા હતા? આગળ અભ્યાસ કરવાના મારા નિર્ણયમાં મારી સાથે રહીને ઘરના સભ્યો અને કુટુંબીઓ સામે લડ્યા હતા અને મારી અભ્યાસની ફી માટે તમે તમારી અંગત મૂડી સુદ્ધાં ખર્ચી નાખેલી.
તમે ઘરમાં એવું વૃક્ષ બનીને જીવ્યાં છો, જે પોતે ધોમધખતો તાપ સહન કરીને બીજાને છાંયડો આપે છે. તમારા પ્રેમ અને લાગણીઓની તોલે કોઇ જ ના આવી શકે. તમે હંમેશાં મારા માટે ભગવાન જેવા પૂજનીય, મારા પ્રેરણામૂર્તિ, મારો વિશ્વાસ રહ્યા છો. તમે નિરાશાના ઘોર અંધકારમાં આશાનું દિવ્ય અજવાળું છો. Love u Mamma...
મને ખબર છે...
આ શરીરને તાવ ચડે છે ને બાની આંખો આખી રાત જાગે છે, ખબર છે.
લાડકીને જરીક ઓછું આવેને રડવા પોતાનો ખોળો આપે છે, ખબર છે.
ગાયાં કરે ગીત મજાનાં, વેલણને પાટલી વચ્ચે રોટલી ફરે છે, ખબર છે.
માથા પર ઘૂંઘટ સંકોરે છે, વહાલી બા સ્નેહના સરવાળા કરે છે, ખબર છે.
મારા બા પોતાનું જીવન મેં જોયેલા સપનાંમાં જીવે છે, ખબર છે.
મારી સખીરી, એ મમતાની મૂરત, લોકો જેને ઇશ્વર કહે છે, ખબર છે.
લિ.
તમારી રીંકલ
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર