મને 'મા' પર લખવાનું કહેશો નહીં... એ દરિયા પર લખવાનું કહેશો નહીં...
શું લખો સાહેબ? શું લખો?
એ ‘મા’ છે. એના ઉપર લેખ કેમ લખું? પુસ્તક પણ ન લખી શકું. એ દરિયો છે અને હું માછલું. એ દરિયાને કેમ પામવો સાહેબ...
હું થોડા શબ્દોમાં કશુંક કહેવા પ્રયત્ન કરું છું. પણ મને ખબર છે... એના પર લખી જ ના શકાય.
મા...
હું એને 'બા' કહું છું. એ છપ્પન વર્ષનો દરિયો છે. હું એનું છવ્વીસ વર્ષનું માછલું.
એક એવી સ્ત્રી... જે વર્ષો પહેલા પોતાનું પિયર છોડીને એક ટ્રેક્ટરમાં બેસીને સાસરે આવેલી. એણે એ ત્રીસ વીઘા જમીનમાં રોજે સવારથી સાંજ સુધી ખેતી કરતા ખેડૂતને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. રોજે ભાત લઈ જાય. મજૂરોનું ખાવાનું બનાવે. સાંજ સુધી ખેતરે કામ કરે, સાંજે આવીને ઘરે રોટલા ઘડે.
વર્ષો વીત્યા. એક દીકરો થયો. જતીન. એ દીકરો જન્મના થોડા મહિનામાં તાવમાં સપડાઈને ગુજરી ગયો. પછી તો એ જનેતાની પરીક્ષા આ સમાજ લેવા બેઠો જ હતો. પહેલી દીકરી આવી - સંગીતા. બે વર્ષ પછી બીજી દિકરી - કિરણ. સગાઓએ મહેણાં માર્યા કે 'આ હંસા ક્યારેય વારસ લાવે તો સારું, નહીં તો આ પાણી વગરની જમીનમાં કેમ પૂરું પાડશે'
એક ક્યારેય સ્કૂલે પણ ન ગયેલી માસૂમ સ્ત્રીને શું ખબર પડે આ સમાજને જવાબ દેવાની. એ રડતી રહે. ત્રીજી દિકરી પારુલ આવી.
સાહેબ...આ જનેતાની તાકાત તો જુઓ. એ સવારથી બપોર સુધી ત્રણ દીકરીઓ સાચવશે. એક પગે ઘોડિયાની દોરી બાંધીને દિકરીને હીંચકાવતી દસ-વીસ મજૂરોના રોટલા ઘડશે. કાંખમાં એક દીકરી, એક દીકરી આંગળીએ અને એક દિકરીને આગળ ચાલતી કરીને એ સ્ત્રી ભાત દેવા જશે. વૃક્ષ નીચે દીકરીઓને બેસાડીને સાંજ સુધી એ કપાસ વાવશે, ખાતર વેરશે અને ક્યારેક બળદને ચલાવી લેશે.
એ સ્ત્રીને પછી ચોથી પણ દિકરી જ આવી - પાયલ.
સાહેબ... જનેતાને દરેક સંતાન સરખું હોય છે, દીકરા-દીકરીનું કશું જ હોતું નથી. દરિયાને માછલામાં ભેદ હોય? ના. પણ આ હરામી સમાજ ખૂબ પીડાવે. દીકરાના જન્મની તડપ જેટલી મા-બાપને ના હોય એથી દસ ગણી સમાજને હોય.
કેટકેટલીયે માનતાઓ, દોરા-ધાગો કરીને જ્યારે પાંચમાં સંતાન દીકરાનો (મારો) જન્મ થયો ત્યારે એ કશું બોલી ન હતી. ચૂપ હતી. એનો દીકરો કઈ સમાજને આપવાનો 'જવાબ' થોડો હતો? જે હજારહાથ વાળાએ આપેલું એ આપેલું...
બસ...જગતની દરેક માની જેમ તેનું જીવન પણ સંતાનોને મોટા કરવામાં, ભણાવવામાં, સારા કપડાં અને ખોરાક આપવામાં જ ફના કરી દીધું. આ સમપર્ણ એક સ્ત્રી જ કરી શકે. જગતના કોઈ પુરુષની તાકાત નથી. એને માટે સવાશેર સૂંઠ ખાવી પડે સાહેબ...
અમે પાંચ ભાઈ-બહેન સાયન્સ ભણ્યા. બહેનો બધી B.Sc, M.Sc થઈ. હું એન્જિનિયર થયો અને પછી પણ આ એક પણ ચોપડી ન ભણેલા મા-બાપે મને લેખક બનવા સુધી ઉડવા દીધો.
...અને અચાનક આજે તમે કહો છો કે મા ઉપર કૈંક લખો. શું લખું? ચાળીસ વર્ષથી પોતાના લોહી માટે ઘસાઈને એ સ્ત્રી કોની નજરમાં 'ઉજળી' થાય? એના પર લેખ લખીને દીકરો ઋણ મુક્ત થઇ જાય? દરિયાને માછલું શ્વાસ આપવા માટે આભાર કહી શકે?
ના..
આજે મધર્સ ડે છે. હશે. એને માટે તો જેટલા દિવસો ઉજવી શકાય એ ઘટે. પણ હા... એટલું જરૂર કહીશ કે એ મા...સપનેય તને દુઃખી નહી કરું વહાલી...
આ છ સંતાનને તારી કૂખેથી કાઢીને તે તો શરીરને પણ કોથળા જેવું કરી દીધું છે. તારા આ શરીરને કશું પણ થશે આ દીકરો દિવસ-રાત તારી બાજુમાં સારવાર માટે ઊભો રહેશે. તું કહીશ તે લઇ આવીશ, તું માગીશ તે આપીશ.
બીજું તો શું કરી શકું? ખૂબ પાંગળું છે બધું તારા પ્રેમ આગળ.
કાલે ઊઠીને કોઈ બીજી સ્ત્રી મારી જિંદગીમાં આવશે. તારી વહુ. બસ...એ પ્રયત્ન કરીશ કે એ સ્ત્રીની અંદર પણ હું એક તત્ત્વ જોઈ શકું જે મેં તારી અંદર જોયેલું છે: મારા ઈશ્વરનું...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર