લોકતંત્રનું અપમાન અને મોરારજીની ધરપકડ

29 Feb, 2016
12:09 AM

mamta ashok

PC:

આજે 29મી ફેબ્રુઆરી એટલે મોરારજી દેસાઈની જન્મ જયંતિ. બ્રિટીશરાજના હાથમાંથી હિન્દુસ્તાનને મુક્ત કરાવવાની અહિંસક લડતોમાં અને આઝાદી બાદ ભારતમાં લોકશાહીના મુલ્યોનું જતન થાય એ માટેના પ્રયત્નોમાં મોરારજી દેસાઈના યોગદાનને વીસરી શકાશે નહીં. અને જ્યારે જ્યારે ભારતની આઝાદી અને ભારતની લોકશાહીની પ્રશસ્તિગાથા ગવાશે ત્યારે ગુજરાતના આ સપૂતને વિશેષરૂપે યાદ કરાશે.

મોરારજીને આજીવન ગાંધી અને ગીતામાં અત્યંત શ્રદ્ધા હતી અને આ શ્રદ્ધાને પગલે જ જીવનના આઠમાં દાયકામાં પણ લોકહિત માટેનું એમનું કર્મ બરકરાર રાખ્યું. વર્ષ 1975માં ઈન્દિરા ગાંધીએ જ્યારે દેશની સંસદમાં લોકશાહીનું ચીરહરણ કર્યું ત્યારે જયપ્રકાશ નારાયણ જેવા અનેક નેતાઓની સાથે મોરારજી દેસાઈની પણ ધરપકડ કરાયેલી. આ ધરપકડ વખતે એમની ઉંમર 79 વર્ષની હતી, જ્યાર બાદ એમણે પૂરા ઓગણીસ મહિના જેલમાં રહેવા પડેલું. તો ત્યારબાદ જીવનના 84મા વર્ષે લોકતાંત્રીક પદ્ધતિથી ચૂંટાઈ આવીને એમણે દેશનું સુકાનપદ પણ સંભાળ્યું.

આજે આપણે કટોકટી વખતે મોરારજીના જેલવાસ વિશેની વાતો કરીએ. પોતાની આત્મકથા ‘મારું જીવનવૃત્તાંત’ના છેલ્લા પ્રકરણમાં એમણે એમના જેલવાસ વિશેની રસપ્રદ વાતો આલેખી છે. વાચકોને આત્મકથામાનું એ મૂળ પ્રકરણ વાંચી જવાની વણમાગી સલાહ આપું છું. ન મળે તો મને કહેજો, હું પ્રકરણ મોકલી આપીશ. પણ વાંચવાનું ચૂકતા નહીં. ગજબની હકારાત્મકતા સાંપડશે!

વર્ષ 1971માં દેશની સામાન્ય ચૂંટણીઓ થયેલી ત્યારે ઈન્દિરા ગાંધીની આગેવાની હેઠળની ઈન્ડિયન નેશનલ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતિ મળેલી. જોકે એમાં ઈન્દિરા ગાંધી પર ગંભીર ગેરરીતિના આક્ષેપો થયેલા અને એ હેઠળ ઉત્તરપ્રદેશની અલ્હાબાદની વડી અદાલતામાં એક ખટલો પણ ચાલેલો. ચારેક વર્ષની અદાલતી કાર્યવાહી બાદ 12 જૂન 1975ના રોજ અલ્હાબાદની વડી અદાલતે ઐતિહાસિક ચુકાદો આપેલો, જેમાં કોર્ટે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને બધા આક્ષેપોમાં દોષી જાહેર કરેલા અને સજારૂપે એમની ચૂંટણી રદબાતલ જાહેર કરીને છ વર્ષ સુધી એમના પર દેશની કોઈ પણ ચૂંટણી લડવા પર કડક પ્રતિબંધ લાદી દીધેલો, જેના કારણે ઈન્દિરા બંધારણીય રીતે લોકસભાના સાંસદ અને વડાપ્રધાન તરીકેની લાયકાત ગુમાવી બેઠા હતા.

જોકે ઈન્દિરા ગાંધી સુપ્રિમ કોર્ટમાં આ ચુકાદાને પડકારી શકે એમ હતા એટલે તાત્કાલિક એમણે અલ્હાબાદ કોર્ટના ચુકાદા પર મોકૂફીનો હુકમ મેળવ્યો અને દેશની સર્વોચ્ચ અદાલતના દરવાજા ખટખટાવ્યા. ઈન્દિરાને પોતાને પણ ખબર હતી કે, સર્વોચ્ચ અદાલતમાં ખટલો ચાલે ત્યાં સુધી ભલે તેઓ વડાપ્રધાન તરીકે ચાલુ રહે, પરંતુ સર્વોચ્ચ અદાલતે પણ અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો તો એમને કોઈ બચાવી શકે એમ ન હતું.

બીજી તરફ જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઈ જેવા બિનસામ્યવાદી વિરોધપક્ષાના નેતાઓએ અલ્હાબાદ કોર્ટના ચુકાદાનું પાલન થાય અને લોકતાંત્રીક મુલ્યોનું સન્માન જળવાયેલું રહે એ માટે ઈન્દિરા ગાંધીના રાજીનામાની ઉગ્ર માગ કરી. આ માટે એમણે દેશભરમાં આંદોલનો પણ છેડ્યાં. આવા જ એક આંદોલનના ભાગરૂપે 25મી જૂન 1975ના રોજ તમામ વિરોધપક્ષના નેતાઓએ દિલ્હીના રામલીલા મેદાનમાં એક જંગી સભા સંબોધેલી. મોરારજી દેસાઈના પ્રમુખપદે યોજાયેલી આ સભામાં જેપી અને દેસાઈએ આગ ઝરતા ભાષણો કરેલા, જેને પગલે ઈન્દિરા વિરુદ્ધ ભયંકર લોકજુવાળ પ્રગટેલો.

આ કારણે ઈન્દિરા ગાંધી પામી ગયેલા કે, કોર્ટનો ચુકાદો તો આવશે ત્યારે આવશે, પરંતુ વિરોધપક્ષોના આ નેતાઓ જ્યાં સુધી છૂટાદોર રહેશે ત્યાં સુધી મુશ્કેલીઓ એમનો પીછો છોડવાની નથી. આ માટે એમણે લોકશાહીના મહોરા હેઠળનો એક કારસો ઘડી કાઢ્યો અને રાષ્ટ્રપતિ પાસે ભારતના બંધારણની કલમ 352ની પેટાકલમ (1) હેઠળ રાતોરાત કટોકટી જાહેર કરાવી.

એ કટોકટી માટે કારણ આપતા એમણે જણાવ્યું કે, ‘દેશની આંતરિક અંધાધૂંધીને કારણે ભારતની સલામતી જોખમમાં આવી પડી છે.’ પરંતુ વાસ્તવિકતા એ હતી કે, પોતાના કૌભાંડોને કારણે એમની સત્તા જોખમમાં આવી પડી હતી. એટલે એમની ભ્રષ્ટ સત્તાનો વિરોધ કરનારા નેતાઓને બાનમાં લેવા એમણે ભારતની સલામતીની ઓથ લઈને કયદાથી વિરુદ્ધ જઈને કટોકટી જાહેર કરાવી હતી. 

કટોકટી જાહેર કરાવ્યા પછી ઈન્દિરા ગાંધીએ ભારતના બંધારણ સાથે કયા પ્રકારની અવહેલના કરી અને ગીતા-કુરાન કે બાઈબલ જેટલા જ પવિત્ર આપણા બંધારણ સાથે કેવા ચેડા કર્યા એ વિશે એક અલાયદુ પુસ્તક લખી શકાય એવું છે. પરંતુ અહીં એટલો જ ઉલ્લેખ કરવો રહ્યો કે, સંસદના બંને ગૃહો અને દેશના રાષ્ટ્રપતિનો દુરુપયોગ કરીને ઈન્દિરાએ બંધારણમાં કેટલાક બિનજરૂરી અને સ્વહિત લક્ષી સુધારા કરાવ્યા, જે સુધારા હેઠળ ચૂંટણી વખતે એમણે આચરેલો ભ્રષ્ટાચાર કાયદેસર અને યોગ્ય પગલું આલેખી શકાતો હતો. વળી, એમણે બંધારણમાં એક સુધારો એમ પણ કરાવ્યો કે, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોની સાથે વડાપ્રધાન પર પણ ફોજદારી મુકદ્દમા ચલાવી શકાશે નહીં અને વડાપ્રધાન એમના પદ પરથી નિવૃત્ત થાય પછી પણ એમના પર કોઈ ફોજદારી મુકદ્દમા ચલાવી શકાશે નહીં!

બંધારણનો એ સુધારો, સુધારો નહીં પરંતુ ભારતના કરોડો લોકો, ભારતની લોકશાહી અને લોકશાહીના પવિત્ર ગ્રંથ ભારતના બંધારણનું અપમાન હતું. કારણ કે, એ સુધારાને કારણે ઈન્દિરા ગાંધી પર દેશની કોઈ પણ કોર્ટ, કોઈ પણ પ્રકારનો કેસ ચલાવી શકતી ન હતી. જો ખટલો જ નહીં ચાલે તો ચુકાદો કેવો ને સજા કેવી? આ સુધારાથી ઈન્દિરાને ભ્રષ્ટાચાર કરવાનો બંધારણીય પરવાનો મળી ગયો એમ પણ કહી શકાય!

આ બધો ખેલ ઈન્દિરાએ કટોકટીના મહિનાઓ દરમિયાન કરેલો, જ્યારે દેશની સંસદમાં એક પણ વિપક્ષ હાજર નહોતો અને એમની સામે વિરોધ કરનારો એક-એક જણ જેલની યાતનાઓમાં સબડતો હતો.
રાતોરાત કટોકટી જાહેર કરાવી દીધા બાદ 25મી જૂનની અડધી રાતથી જ ઈન્દિરાએ એમના વિરોધીઓની ધરપકડ કરાવવાની શરૂ કરી દીધેલી. મોરારજી દેસાઈના દિલ્હીના ઘરે રાતના અઢી વાગ્યે પોલીસ એમની ધરપકડ કરવા આવી હતી, પરંતુ રાત્રીના એ પ્રહરે મોરારજી આરામ કરતા હતા એટલે પોલીસે એમના ઊઠવા સુધી ઘરની બહાર રાહ જોઈ.  આખરે 26મી જૂને સવારે ચાર વાગ્યે મોરારજી ઉઠ્યાં ત્યારે એમને જાણ કરવામાં આવી કે, મિસાના કાયદા હેઠળ પોલીસ એમની ધરપકડ કરવા આવી છે.

આ બાબતે આત્મકથામાં મોરારજી નોંધે છે કે, ‘મારી ધરપકડના સમાચારથી મને આશ્ચર્ય કે આધાત થયો ન હતો.’ ઈન્દિરાને પીછાણી ચૂકેલા આ નેતાને ઈન્દિરા પાસે આનાથી વિશેષ કોઈ અપેક્ષા પણ નહીં હોય, એટલે જ એમને બહુ આધાત નહીં લાગ્યો હોય એ માની શકાય છે. પોલીસ પાસે મોરારજીએ કલાકનો સમય માગ્યો અને પરવાનગી મળતા જ એમણે એમની રાબેતા મુજબની દિનચર્યા અને પૂજાપાઠ પતાવીને પાંચ વાગ્યે પોતાને લઈ જવાની પરવાનગી આપી. જતી વખતે પોલીસ એમને ક્યાં લઈ જઈ રહી છે એ તો એમણે ન જ પૂછ્યું, પણ પોતાના સ્વજનોને જાણ કરવાની પણ એમણે ચિંતા નહીં કરી અને હાથમાં બે જોડી કપડાં, એક રેટિંયો અને બે-ત્રણ પુસ્તકો સાથે લઈને મળસકે પાંચ મોરારજી જેલ જવા ચાલી નીકળ્યાં.

સૌથી પહેલા પોલીસ એમને એક પોલીસ સ્ટેશને લઈ ગઈ અને ત્યાંથી એક મોટરમાં બેસાડીને પંજાબના મોહાલી પાસે આવેલા સોહાના નામના પર્યટન સ્થળે એમને લઈ જવાયા. ત્યાં પહોંચ્યા પછી મોરારજીને ખબર પડી કે, જયપ્રકાશને પણ અહીં લવાયા છે. આમ તો આ બંને નેતાઓની મુલાકાત થાય એ શક્ય નહોતું, પરંતુ વિવેકી પોલીસ અધિકારીએ એ લોકનેતાઓને થોડા સમય સુધી મળવા દીધા અને પછી આજુબાજુના બંગલામાં એમને કેદ કર્યા.

ઈન્દિરા ગાંધીએ આ બંને નેતાઓના કેદખાનાની વ્યવસ્થા યોગ્ય કરી હતી અને જેલની જગ્યાએ એમને બંગલામાં રખાયા હતા. પરંતુ પાંજરું આખરે પાંજરું હોય છે. પાંજરું સોનાનું હોય તો પણ, પંખીને તો એનું આકાશ નસીબ નથી જ થતું!

સોહના પહોંચ્યા પછી મોરારજીએ મનોમન નિર્ણય કર્યો કે, જ્યાં સુધી એમનો છૂટકારો નહીં થાય ત્યાં સુધી એમણે રાંધેલો ખોરાક ખાવો નથી. એટલે જ્યારે એમને ખોરાક માટે પૂછવામાં આવ્યું ત્યારે એમણે દૂધ અને ફળ માગ્યા અને રોજ બંને સમય આ જ પ્રકારનો ખોરાક આપવો એવી સૂચના આપી.

કેદ દરમિયાન શરૂઆતમાં મોરારજીના ઓરડાને તાળાં મરાતા નહીં, પરંતુ થોડા દિવસો પછી એમને ખ્યાલ આવ્યો કે, એમના ઓરડાને બહારથી તાળાં મારી દેવામાં આવે છે. આથી એમણે ત્યાં ફરજપરસ્ત અધિકારીઓને સ્પષ્ટ કહી દીધું કે, જો એમના ઓરડાને બહારથી બંધ કરાશે તો તેઓ પણ અંદરથી ઓરડાને બંધ કરશે અને પછી તેઓ ઓરડો ક્યારે ખોલે એનું કશું નક્કી નહીં! ફરજપરસ્ત પોલીસ અધિકારીઓએ મોરારજી પ્રત્યેના પોતાના આદરને કારણે એમના પર ઓર્ડર હોવા છતાં મોરાજીની વાત માની લીધી અને એમના દરવાજાને બહારથી તાળાં મારવાના બંધ કર્યા.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, મોરારજી અને જયપ્રકાશની ચોકી કરવા માટે ઈન્દિરા ગાંધીએ નાનકડા ગામમાં બે ડી.એસ.પી, એક ઈન્સપેક્ટર, છ સબ ઈન્સપેક્ટર અને ત્રીસથી ચાળીસ પોલીસવાળાને ખડકી દીધા હતા! મોરારજી અને જેપી બંને અહિંસક લડતના કટ્ટર સમર્થકો હતા અને રાષ્ટ્રની સામે તેઓ દ્રોહ કરે એવું તો સપનેય નહીં બને, છતાં ઈન્દિરાએ આ બે નેતાઓની ચોકી માટે એક નાના શહેરમાં ફરજ પર હોય એના કરતા વધારે પોલીસવાળા રોક્યાં. કેમ? કારણ કે, ઈન્દિરાને સત્ય અને અહિંસાની શક્તિ વિશે સુપેરે જાણ હતી. ઈન્દિરા એ પણ જાણતા હતા કે, સત્ય અને અહિંસા જ્યારે એની ચરમસિમાએ પહોંચે ત્યારે જો ચારસો વર્ષોથી રાજ કરનારી સત્તાઓના મૂળિયાં ઉખડી ગયા હોય તો, એની સામે પોતાનાં ભ્રષ્ટ શાસનની તો શું વિસાત? જોકે સત્યને પ્રતાડિત ભલે કરી શકાતું હોય, પરંતુ એને પરાજિત કરી શકાતું નથી, જેનો પરચો પાછળથી ઈન્દિરાને પણ મળ્યો જ હતો.

કેદ દરમિયાન મોરારજીએ અખબારોની માગણી કરી, પરંતુ પોલીસે એમને કહ્યું કે, આ માટે તમને પરવાનગી નહીં મળે. મોરારજીએ કહ્યું કે, ‘જો મને અખબાર નહીં અપાય તો હું ઉપવાસ પર જઈશ એટલે સત્વરે તમારા ઉપરીઓ પાસે મારા અખબારોની પરવાનગી લઈ આવો.’ મોરારજી જો ઉપવાસ પર જાય અને એમને કોઈ તકલીફ થાય તો ઈન્દિરાની મુશ્કેલીમાં ઓર વધારો થઈ શકે એમ હતું, એટલે સરકારે એમની સામે ઝૂકવું પડ્યું અને તાત્કાલિક એમની અખબારોની માગ સંતોષવામાં આવી.

અખબારો પર નજર કરી તો મોરારજી દુખી થઈ ગયેલા, કારણ કે, લોકતંત્રની મહત્ત્વની જાગીર એવા અખબારોમાં કટોકટીની વિરુદ્ધમાં એક પણ લખાણ ન હતું કે ન તો ધરપકડ કરાયેલા નેતાઓની યાદી કે એમના વિશેના કોઈ સમાચાર અપાયા હતા.

એમને જાણવા મળ્યું કે, ઈન્દિરા ગાંધી દ્વારા અખબારો પર સેન્સરશિપ લાદવામાં આવી હતી, જે હેઠળ અખબારો સરકાર વિરુદ્ધ કશું લખી શકતા નહીં અને સરકાર જે સમાચારો માન્ય નહીં રાખે એ સમાચારો પ્રકાશિત કરી શકતા નહીં. આ રીતે લોકોને અંધારામાં રાખવાનું ઘોર કૃત્ય કરવામાં આવ્યું હતું, જે જાણીને એમને પોતાની ધરપકડ કે પોતાની સાથે થયેલા અન્યાયો કરતા વધુ દુખ થયું.

કાલે મોરારજી દેસાઈની કારાવાસ દરમિયાનની દિનચર્યા અને ઈશ્વર તેમજ જીવનમાં એમની શ્રદ્ધા વિશેની કેટલીક વાતો કરીને લેખમાળા પૂરી કરીએ. અને કાલે ‘મેગેઝિન વિશેષ’માં નહીં પણ, ‘ટેક ઈટ ઓર લીવ ઈટ’માં મળીએ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.