મનસ્વીઓ સાથેના અનુભવ
આ પહેલાના લેખમાં આપણે ફોટો સાધક વિવેક દેસાઈની અવઢવ વિશેની વાત કરી. વર્ષ 2007ના કુંભ મેળામાં નાગા સાધુઓની જીવન ચર્યાની ફોટોગ્રાફી કરવાના આશયથી તેઓ બનારસથી અલાહાબાદ પહોંચેલા. ભરશિયાળે કુંભ જામ્યો હોવાને કારણે સવારે અને સાંજે ગંગા તટે ધુમ્મસ થઈ જતું, જેને કારણે ફોટોગ્રાફી માટે જરૂરી એવી લાઇટ મળી શકે એમ નહોતું. વળી, એમને સાધુઓના ક્લોઝ અપ શૉટ્સ લેવામાં પણ કોઇ રસ નહોતો. ચારેક દિવસ સુધી અલાહાબાદમાં રહી સાધુઓના વિવિધ અખાડાઓમાં તેઓ ફર્યા અને થોડી ઘણી ફોટોગ્રાફી પણ કરી. કૅમેરાને જોઈને કેટલાક સાધુઓ ખુશખુશાલ થઈ જતાં, તો કેટલાક ભયંકર વીફરી જતાં. ઈનશોર્ટ નાગા સાધુઓની લાઈફ સ્ટાઈલને કૅમેરામાં કંડારવાનું કામ ઈઝી કહી શકાય એવું નહોતું. વિવેક દેસાઈને ડગલે ને પગલે પ્રતિકૂળતાઓ જ હાથ લાગી. ચારેક દિવસના રોકાણ બાદ એમણે વિચાર કર્યો કે, અલાહાબાદમાં રહેવાનો કોઇ અર્થ નથી એટલે બનારસ પાછા ફરીએ. મનને થોડી સાંત્વના આપી કે, કુંભ સમાપ્ત થશે પછી કેટલાક નાગા બાવા કાશી વિશ્વનાથના મંદિરે બનારસ જરૂર આવશે. ત્યારે જો મેળ પડશે તો જરૂર એમની લાઈફસ્ટાઈલની ફોટોગ્રાફી કરીશું.
આખરે એક સાંજે બનારસ પરત ફરવા તેઓ અલાહાબાદના બસ સ્ટેન્ડ પર પહોંચે છે. કોરાણે ચારેક ચારેક નાગા બાવા એમની વાતોમાં ગુલતાન હતા. એમાંનો એકાદ ધૂની વિવેકભાઈ પાસે આવ્યો અને પૂછ્યું, 'બચ્ચા દિયાસલાઈ હૈ?' સાધુઓએ ચલમ પીવી હતી, પણ બાપડાં અલગારીઓ પાસે માચીસ નહોતી. પોતે ફોટોગ્રાફી કર્યા વિના બનારસ પહોંચી રહ્યા હતા એટલે વિવેક દેસાઈ થોડાં ગુસ્સામાં હતા, પરંતુ કંઇ પણ બોલ્યા વિના નજીકના પાનના ગલ્લા પરથી એમણે સાધુઓને માચીસ લઈ દીધી. એમાંના એક સાધુએ એમને પૂછ્યું, 'કહાં સે આયે હો?' તો વિવેક દેસાઈએ 'બનારસ સે...' એવો એકાક્ષરી જવાબ આપ્યો. પેલા સાધુને કોણ જાણે શું શૂર ચડ્યું, એ વિવેક દેસાઈને ભેટી પડ્યો અને કહ્યું, 'બસંત પંચમી કે બાદ સબ સાધુલોગ બનારસ આયેંગે ઔર શિવરાત્રી બનારસ હી મનાએંગે... જુલૂસ નિકલેગા, ભંડારા હોગા... આપ જરૂર આના...!' બાવાના શરીર પરની બધી રાખ વિવેક દેસાઈના શરીરે ચોંટી ગઈ, પણ બાવાના શબ્દો જાણે ચંદન લેપ હતા, જે વિવેક દેસાઈના દિલની ખૂબ ટાઢક આપી ગયા.
બનારસ પહોંચીને બીજા દિવસની વહેલી સવારે તેઓ કાશી વિશ્વનાથના દર્શ કરીને પોતાનું ફોટોગ્રાફીનું કામ આરંભી દે છે. રોજ સવારે કામ શરૂ કરતા પહેલા ગંગા નદીના દર્શન કરવાનો એમનો નિત્યક્રમ હતો. એક સવારે અશ્વમેઘ ઘાટના પગથિયાં ઉતરીને ગંગાના દર્શને જઈ રહ્યા હતા ત્યારે એમની નજર સાત- આઠ નાગા સાધુઓ પર પડી, જેમાંના કેટલાક અગ્નિકુંડ બનાવવાની મથામણમાં વ્યસ્ત હતા તો બે-ત્રણ ચલમનો ધૂમાડો ખેંચી રહ્યા હતા. સાધુઓને જોઇને એમના જીવને હાશ થઈ, આખરે નાગા સાધુઓ બનારસ તરફ આવી રહ્યા હતા!
વિવેક દેસાઈ એ સાધુઓને જોઈ રહ્યા હતા ત્યારે જ એક વિદેશી મહિલા પણ ગળે કૅમેરા લટકાવીને મનસ્વીઓની હરકત નિહાળી રહી હતી. માથે સોનેરી ગૂંચળા ધરાવતી એ છોકરીને સ્મિત આપી વિવેક બાવાઓ પાસે પહોંચ્યા અને એમની પાસે જઈને મૌન બેસી રહ્યા. બાવાઓએ પેલી યુવતીને પણ પાસે બોલાવેલી એટલે એ વિવેક દેસાઈની નજીક બેઠી. યુવતીએ ઓળખાણ આપી કે, એનું નામ યેલ છે અને એ ઈઝરાયલથી આવી છે. યેલ ભારત બીજી વખત આવી હતી. ભારતની પહેલી મુલાકાત દરમિયાન એ ભારતથી ઘણી પ્રભાવિત થયેલી, જેને કારણે એણે દારૂ, સિગારેટ અને માંસાહાર ત્યજી દીધા હતા. આવી વાતો થઈ રહી હતી એટલામાં બાજુમાં બેઠેલો બાવો અચાનક બોલી ઉઠ્યો, 'શાદી કર લો યે ભૂતની સે...' બાવાની મજાક સાંભળીને આજુબાજુના લોકો તો ખીખિયાટા કાઢવા મંડ્યા પણ વિવેક દેસાઈ અને યેલ માટે એ સ્થિતિ અત્યંત કફોડી થઈ ગઈ. વિદેશી યુવતી ગભરાઈ નહીં જાય એ આશયથી વિવેકભાઈ યેલ સાથે ઊઠીને થોડે દૂર ગયા, પણ હજુ તો તેઓ ઊઠીને થોડે દૂર નહીં ગયા હોય ત્યાં પેલા બાવાઓના મુખ્ય સાધુએ બૂમ પાડી ને કહ્યું, 'યે ભૂતની તેરે લિયે નસીબદાર હૈ, ઉસે છોડના નહીં, તેરા કલ્યાણ હોગા...'
બાવાની વાત સાંભળીને એમને થોડું આશ્ચર્ય જરૂર થયું, પરંતુ હજુ થોડી મિનીટો પહેલા જ મળેલી આ યુવતી વિવેક દેસાઈ માટે કઈ રીતે નસીબદાર સાબિત થવાની હતી એની એમને ખબર નહોતી. એ દિવસે એમણે યેલ સાથે ગંગા નદીમાં નૌકાવિહાર કર્યો, જે દરમિયાન એમને જાણવા મળ્યું કે, ઈઝારાયલમાં 'ડૉલ્ફિન ટ્રેનર' તરીકે કામ કરતી યેલ વીસ દિવસ સુધી સાધુ-બાવાઓના કેમ્પમાં રહી આવી હતી. એને ભારતનું ઘેલું હતું અને પુનર્જન્મની આપણી ભારતીય માન્યતા મુજબ આવતા જન્મે એને ભારતમાં જન્મ લેવાની ઇચ્છા હતી.
યેલથી છૂટા પડ્યા બાદ પણ વિવેક દેસાઈના મનમાં નાગા સાધુઓની ફોટોગ્રાફી કઈ રીતે કરવી એના વિચારો ચાલતા હતા. બીજા દિવસની સવારે અજવાળું થાય ત્યાં સુધીમાં તો નાગા સાધુઓના ટોળેટોળા બનારસ આવી પહોંચ્યા. સાધુઓને જોઈને વિવેક આનંદમાં આવી ગયા અને આગલી સવારે યેલ સાથે જે સાધુઓ પાસે બેઠેલા ત્યાં ફરી જઈને બેઠા. જોગાનુંજોગ યેલ પણ ત્યાં આવી પહોંચી પણ આ વખતે સાધુઓએ કોઇ મજાક નહીં કરી અને યેલને સહજતાથી સ્વીકારી. વિવેક અને યેલે આજુબાજુના ઘાટ પર પણ તપાસ કરી, જ્યાં એમને જોવા મળ્યું કે, મણિકર્ણિકા ને હરિશ્ચંદ્ર જેવા ઘાટ પર મોટી સંખ્યામાં બાવાઓ એમના ટેન્ટ લગાવવામાં વ્યસ્ત હતા. સાધુઓને જોઈને યેલને ખાતરી થઈ ગઈ કે, હવે વિવેકનું સપનું જરૂર સાકાર થવાનું.
યેલ સાથે તેઓ ચાલતા હતા ત્યારે ત્રણેક બાવાઓના ફોટોગ્રાફ ક્લિક કરવા ગયા ત્યાં બાવા વીફરી ગયા અને તેઓ યેલ અને વિવેક દેસાઈને મારવા દોડ્યા. એમાંના એકના હાથમાં તો તલવાર પણ હતી, પરંતુ એમના નસીબ સારા હતા એટલે તેઓ નાગા બાવાઓના હાથમાં નહીં આવ્યા. બાવાઓએ એમને ઠીક ઠીક દોડાવ્યા હતા એટલે બંનેને હાંફ ચઢી હતી. બાવાઓના સ્વભાવના આવા પરચા પછી કોઇ પણ શાણો માણસ વધુ પંચાતમાં નહીં પડતા સીધો ઘરભેગો થઈ ગયો હોત. પરંતુ આ માણસ ગુજરાતી હતો અને વળી અનાવલો પણ હતો એટલે એમણે ત્યાં જ ગાંઠ વાળી કે, હવે તો ચેલેન્જના ભાગરૂપે પણ નાગા બાવાઓની ફોટોગ્રાફી કરવી છે. એ જ દિવસે તેઓ ગંગાના વિવિધ ઘાટ પર ફરતા હતા ત્યારે એક સાધુ એમના શિષ્યને કશીક સૂચના આપી રહ્યો હતો એ વિવેક દેસાઈને કાને પડી. સૂચનામાં જે કહેવાઈ રહ્યું એ ભાષા ગુજરાતી હતી.
પોતાની માતૃભાષા સાંભળીને તેઓ દોડીને તે સાધુ પાસે ગયા અને સાધુ સાથે ગુજરાતીમાં વાતચીત શરૂ કરી. સાથે જ એમણે એ સાધુ આગળ પોતાના મિશન વિશેની વાત પણ કરી. સાધુએ એમને કહ્યું કે, 'તમારું કામ થશે કે નહીં એની મને ખબર નથી, પણ તમને એક રસ્તો જરૂર બતાવી શકું...' સાધુની વાત સાંભળીને વિવેક અત્યંત સતેજ થયાં. સાધુએ એમને સલાહ આપી કે, ઉપરના એક અખાડામાં આજે બાવાઓના ગુરુ આવ્યા છે. એમને જઈને મળો. જો તેઓ રાજી થઈ જશે તો તમારો બેડો પાર થઈ જશે! યેલને પેલા ગુજરાતી સાધુ પાસે બેસાડીને વિવેક દેસાઈ તરત નાગા બાવાઓના ગુરુ પ્રાણગિરિસ્વામીને મળવા ગયા. તેઓ જેમ જેમ ઘાટના દાદર ચઢી રહ્યા હતા તેમ તેમ જાણે એમનું સપનું સાકાર થઈ રહ્યું. એક નવી જ દુનિયા એમની રાહ જોઈ રહી હતી, જોકે એ માટે એમને નાગા સાધુઓના મુખ્ય ગુરુને કન્વિન્સ કરવાના હતા.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર