જીવનમાં પૈસા કરતા લાગણીને વધુ મહત્ત્વ આપો

20 Dec, 2015
12:00 AM

mamta ashok

PC:

આજકાલ ફરિયાદો થઈ રહી છે કે, ગીતો તો પહેલા બનતા... હવે તો બસ ગીતોને નામે ઘોંઘાટ જ બને છે. તમારું આ વિશે શું કહેવું છે?

જુઓ માંડીને સમજાવું આ વાત. ફિલ્મી ગીતોની પણ એક ક્રાંતિ હોય. એક ટાઈમ સાયકલ હોય.  અગર તમને ખૂબ જ ગમતા ગીતોની યાદી બનાવવાનું કહેવામાં આવે તો વધુમાં વધુ કેટલા ગીતોનું લિસ્ટ બનાવી શકો? હું શરત લગાવી શકું કે તમારી યાદશક્તિ બહુ જ સારી હોય તો પણ તમે 100 થી વધુ ગીતો લખી નહીં શકો. એ 100 ગીતો એવા હોય છે, જે તમને આટલા વર્ષો પછી પણ યાદ રહ્યા છે. એ ટાઈમ લેસ છે! એવું નહોતું કે પહેલા ખરાબ ગીતો નહોતા બનતા. ત્યારે પણ વાહિયાત ગીતો બનતા જ. પણ, સમયની ચાળણીમાં ચળાઈને જે ગીતો યાદ રહે એ સોનું. શા માટે 'મન તડપત હરિ દર્શન કો' 55 વર્ષે પણ યાદ રહે છે. શા માટે ગુલઝારજી એ લખેલું 'છોડ આયે હમ વો ગલિયાં' આજે પણ ગાવું, સાંભળવું ગમે છે? એનું કારણ એ જ કે, એ શબ્દોમાં, એ કવિતામાં, એ સંગીતમાં દમ છે એટલે. જૂનું અને નવુંની વાત અને સરખામણી જ ખોટી છે. કારણકે જૂનું સંગીત જૂનું સંગીત છે અને નવું સંગીત નવું સંગીત છે. ક્રિયેટીવ ફિલ્ડમાં કોઈ સરખામણી શક્ય જ નથી. ધારો કે, કોઈક સરખામણી કરે તો પણ એ અન્યાય છે. આ વાત જ ખોટી છે. 'શ્રી 420' અને 'દિલ સે' ના ગીતો અલગ અલગ સમયકાળમાં બનેલા છે, પણ પોતપોતાની જગ્યાએ બંને મહાન છે, બંને શુદ્ધ કવિતાઓ છે. એટલે ગીતોની બાબતે તો હું એટલું જ કહીશ કે, જે ગીતો પંદર પંદર વર્ષે પણ યાદ રહે એ જ સાચું સોનું છે.

તમને કોઈ આઈટમ સોંગ લખવાનું કહે તો લખી શકો? તમે 'DJ વાલે બાબુ મેરા ગાના ચલા દો' જેવા ગીતો સાંભળો છો? શું છે આઈટમ સોંગનું ચક્કર?

( ખડખડાટ હસીને) અરે, મેં પણ 'ચમેલી' ફિલ્મ માટે સુનિધિ ચૌહાણે ગાયેલું 'મેં સાત સમન્દર ડોલ ગયા, જો તુ આંખો સે બોલ ગયા' લખેલું. એ મારું લખેલું પહેલું આઈટમ સોંગ હતું. હું પણ 'પ્રેમ રતન ધન પાયો' જેવી ફિલ્મો માટે એકદમ હળવા સોંગ્સ લખતો રહું છું. સી, આઈટમ સોંગ સમયની જરૂરિયાત છે. એમાં કોઈ આત્મા ન હોય પણ પ્રમોશન-માર્કેટિંગ માટે એ બધું ચાલે એટલે અમારે ગીતકારોએ એ લખવું પડે ક્યારેક. હા, 'DJ વાલે બાબુ મેરા ગાના ચલા દો' ગીત મેં સાંભળ્યું છે. એની ધૂન ચેપી છે અને એ સરસ ગીત છે. એ પણ એક આઈસ્ક્રીમ જેવી ફ્લેવર છે. એવા ગીતોને ધિક્કારો નહીં, એને પણ સાંભળો.

તમે ગીતો સિવાય બીજું શું લખો છો? તમારી બીજી કવિતાઓ 'એક મહિના નઝમો કા' વિશે કંઈક જણાવો...

'એક મહિના નઝમો કા' એ મારું પહેલું પહેલું પુસ્તક છે, જે મેં આ વર્ષે જ ફેબ્રુઆરીમાં લોન્ચ કરેલું. વહેલી સવારની ખામોશીમાં મારી લાગણીઓ ને મેં એ પુસ્તકમાં નિતારી છે. એ શબ્દો કદાચ ફિલ્મનાં ગીતો તરીકે ન પણ ચાલી શકે. પણ એ પુસ્તક કવિતાના, સારી નઝમોના પ્રેમીઓ માટે છે. પુસ્તક માટે મને ખૂબ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે. હમણા જ એની ત્રીજી આવૃત્તિ પણ છપાઈ રહી છે. તમને જો ઈર્શાદ કામિલના શબ્દો ગમતા હોય તો તમે એ ઓનલાઈન કે ઓફલાઈન લઈ શકો છો. એમાં તમે કંઈક નવું જાણશો, માણશો એની ગેરંટી મારી.

અચ્છા, ગીતો પહેલા લખાય કે સંગીતની તર્જ પહેલા બને? અમને જરા સંગીત સર્જનની પ્રોસેસ સમજાવોને...

સામાન્ય રીતે આપણી ઈન્ડસ્ટ્રીમાં સંગીતની તર્જ પહેલા બનતી હોય છે. ટ્યુન રચાતી જાય પછી સંગીતકાર ગીતકારને બ્રિફ આપે અને પછી અમે એ સંગીતમાં શબ્દોની ગૂંથણી કરીએ. પણ 'રોકસ્ટાર' કે 'જબ વી મેટ' વખતે એવું પણ બન્યું છે, કે શબ્દો પહેલા લખાયા અને પછી રહેમાન કે પ્રિતમે એનું સંગીત બનાવ્યું. એ ફિલ્મો દરમિયાન મેં 'ફિર સે ઉડ ચલા', 'નાદાન પરિંદે ઘર આજા', 'આઓગે જબ તુમ ઓ સાજના, અંગના ફૂલ ખીલેંગે' જેવા ગીતો પહેલા લખેલા અને ધૂન પછી બનેલી. જોકે આ બધું સંગીતકાર અને ગીતકાર વચ્ચેનાં ટ્યુનિંગ પર આધાર રાખે છે.

ઈર્શાદ કામિલની દિનચર્યા શું હોય છે? ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલા દોસ્ત બન્યા? મુંબઈની આપાધાપીમાં મલેરકોટલા યાદ આવે?

હું રોજ મળસકે ચાર વાગ્યે ઊઠી જાઉં છું અને પછી યોગ કરું છું. હું કોઈ પ્રકારનું ધુમ્રપાન કે દારૂનું સેવન નથી કરતો. મને ફક્કડ શબ્દો લખવા માટે દારૂના સહારાની ક્યારેય જરૂર નથી પડી. આ ઉપરાંત રાત્રે જાગીને ક્યારેય નથી લખતો. જે ઉત્તમ કવિતાઓ સૂઝે એ વહેલી સવારે મુંબઈ શહેર જાગી જાય એ પહેલા જ રચાઈ જાય છે. હા, મલેરકોટલા બહુ જ યાદ આવે છે. મેં એક કવિતા પણ લખી છે મારા વતન પર. અહીં બે લાઈન કહેવા માગુ છું.

એમણે કવિતા કહેવાની વાત કરી એટલે અમે કહ્યું, ''ઈર્શાદ... ઈર્શાદ...'

ગાંવ કી ગલિયાં, પૂછ રહી હૈ, કહાઁ રહે તુમ ઈતને દિન?
નિમ્મો કી તો શાદી હો ગઈ, હાર ગઈ થી દિન ગિન ગિન,
બહોત દેર તક રસ્તા દેખા, ગાંવ કો ખૂદ પે હસતા દેખા,
ઉસે યકિન થા લૌટોગે તુમ એક દિન, તુમ તો હો ગયે શહર મેં હી ગુમ!
તૂટ ગઈ ફિર વો બેચારી, ઈન્તેઝાર મેં હારી હારી,
ખૂદ સે ખૂદ હી ગઈ છીન, કહાં રહે તુમ ઈતને દિન?

વાંચનની આદત વિશે યંગસ્ટર્સને શું કહેવા માગો છો?

આ નવી પેઢી ઘણી એક્સ્પ્રેસિવ છે. એમને મૌજથી જીવવા દો. બહુ પ્રીચિંગ ન કરો અને એમને પાણીની જેમ વહેવા દો. બાકી, સાહિત્યનું તો એવું છે કે, રોજ ફક્ત 10 મિનિટનું સારું વાંચન પણ અનહદ જ્ઞાન તો આપે જ છે, પણ આપણને વિચારતા પણ કરે છે. માણસ પોતાની ભાષાને જાણતો થાય, સમજતો થાય, નવું એક્સ્પ્લોર કરતો થાય એનાથી વિશેષ શું હોય?

'તમાશા' વિશે તમારો શું અભિપ્રાય? તમને ગમી? ફિલ્મમાં તમારા ગમતા ગીતો કયા?

મને તો 'તમાશા' બહુ જ ગમી. પોતાને શું ગમાડવું અને ન ગમાડવું એની લોકોને આઝાદી હોવી જોઈએ. મને તો 'તુ કોઈ ઔર હૈ...', 'અગર તુમ સાથ હો...' અને 'હીર તો બડી સેડ હૈ...' બહુ જ ગમે છે. 'સફરનામા' લોકોને બહુ ગમ્યું છે એનો આનંદ છે.

તમને કયા ગાયકો ગમે છે? તમારા ગમતા સંગીતકારો કયા?

મારા ગીતોને મોહિત ચૌહાણે સૌથી વધુ અસરકારક રીતે ગાયા છે. આ ઉપરાંત મને લકી અલી, રહેમાન સાહેબ અને અરિજિત સિંઘ પણ બહુ જ ગમે છે. હું શંકર મહાદેવન, વિશાલ અને શેખર તેમજ પ્રિતમને દિલથી સાંભળું છું. મેં વિશાલ શેખર માટે 'હેપી ન્યુયર'માં 'મનવા લાગે' લખેલું, જે લોકોને ખૂબ ગમેલું!

તમે અગાઉ કહેલું કે, ગીતકારોને જોઈએ એટલા પૈસા અને પ્રસિદ્ધિ તેમજ તવજ્જુહ નથી મળતા જેના તેઓ હકદાર છે. ઊગતા ગીતકારો માટે કોઈ મેસેજ?

હા, છેક હમણાં સુધી અમે લોકો પરદા પાછળ જ રહેલા એ દર્દનાક છે. ગીતો સુપરહિટ થાય ત્યારે એ ગીતો લખનારને પૂરતું મહત્ત્વ કે લાઈમલાઈટ ન મળે એ કેવું? જોકે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે એનો આનંદ છે. ઊગતા ગીતકારો અને લેખકો માટે એટલું જ કહીશ, તમે ખૂબ લખો, ખૂબ મહેનત કરો, મફતમાં ન લખો અને તમારી મહેનતનું પૂરતું મહેનતાણું લો. એમાં શરમાવાની જરૂર નથી. બીજું એ કે, હિન્દી-ઉર્દૂ કે તમારી ગુજરાતી અથવા કોઈ પણ પ્રાદેશિક ભાષાને વધુ જાણો, એને સમજો. ભાષા પરની પકડ હોવી ખૂબ જ અનિવાર્ય છે. એના વગર તમે કંઈ નથી.

અમને આ ઈન્ટરવ્યું ખતમ કરવાનું મન નથી થતું. પણ કોઈ એવી વાત કહેતા જાઓ, જે અમારા દિલને સ્પર્શી જાય.

હા ચોક્કસ, તમે સારા 'લિસનર બનો. શબ્દોનું મહત્ત્વ સમજો. ગીતોને ઉતાવળે નહીં પણ ધ્યાનથી સાંભળો અને એને સમજો. એવું કરશો તો તમે દર વખતે કંઈક નવું એક્સપ્લોર કરશો જ. સંગીત અને કવિતાની કદર કરો. જિંદગીમાં પૈસાથી વધુ મહત્ત્વની છે લાગણીઓ અને લાગણીઓની હંમેશાં કદર થવી જોઈએ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.