જો લડ સકા હૈ વો હી તો મહાન હૈ…

03 Mar, 2016
12:07 AM

mamta ashok

PC:

લેખના ટાઈટલમાં વપરાયેલા શબ્દો ‘ગુલાલ’ ફિલ્મમાં પિયુષ મિશ્રાએ લખેલા અને ગાયેલા જોરદાર ગીતના શબ્દો છે. ગીતના લિરિક્સ, મ્યુઝિક અને પિયુષ મિશ્રાના અવાજનો જાદુ એવો નશીલો છે કે, એ સાંભળતી વખતે આપણને અમસ્તું જ પોરસ ચડતું રહે અને આપણામાં કંઈક કરવાની ભાવના જાગૃત થયા કરે.

ગુલાલ’નું એ આખું ગીત ભાગવ ગીતાના સાર સમું છે. ગીતામાં માત્ર કર્મની વાત થઈ છે ફળની નહીં. ગીતાની જેમ જ આ ગીત પણ લડવાની વાત કરે છે, શૌર્યના પ્રદર્શનની વાત કરે છે, જીતવાની નહીં. કોઈ કર્મ બાદનું ફળ કે લડાઈ બાદની જીત તો, જે-તે ક્રિયાની બાયપ્રોડક્ટ છે. અને લડવૈયાઓ માત્ર લડાઈની અને એમના વ્યૂહની રચનામાં ગળાડૂબ હોય છે. તેઓ ક્યારેય બાયપ્રોડક્ટની પરવા કરતા નથી.

લડવૈયા તો સ્થિતપ્રજ્ઞ, સંયમી અને અનાસક્ત હોય છે. યુદ્ધકળામાં માહેર હોવાની સાથે યૌદ્ધા માટે નિર્મોહી હોવું પણ અત્યંત જરૂરી છે. તેઓ જેમ જીતની ખુશીથી છલકાઈ પડતા નથી એમ હાર પણ એમને ચલિત, વ્યથિત કે પરેશાન કરી શકતી નથી. આફ્ટરઑલ જે બેટ્સમેન પીચ પર રમવા ગયો છે એના ભાગે જ છગ્ગા ફટકારવાના કે આઉટ થવાનું આવે છે. મોઢામાં ગુટકા ફાંકીને પાનના ગલ્લે ક્રિકેટ મેચનું સરવૈયુ કરતા નવરાઓના નસીબમાં તો બોલ પ્લેટ કરવાનું સુખ પણ નથી લખ્યું હોતું!

એટલે જ આગળ કહ્યું એમ જીવનની પરીક્ષાઓ હોય કે સ્કૂલ-કોલેજની પરીક્ષાઓ હોય, એ બધામાં મેદાનમાં ડટી રહેવું મહત્ત્વનું હોય છે, જે-તે સ્થિતિનો સામનો કરવો તેમજ પોતાની કુનેહ અને કુશળતા દ્વારા એ પરિસ્થિતિમાંથી બહાર આવવાનું અતિમહત્ત્વનું હોય છે.

પરંતુ આપણી તકલીફ એ હોય છે કે, આપણામાં આવડત, કૌશલ્ય અને સાહસ હોવા છતાં ઘણી વાર આપણે સ્થિતિનો સામનો કરતી વખતે ગભરાઈ જઈએ છીએ. અર્જુન જેવો અર્જુન પણ કૌરવોની સેના જોઈને એકવાર ખચકાયેલો, તો આપણે તો સાવ સામાન્ય કહી શકાય એવા જીવો છીએ. એટલે કોઈક કપરી પરિસ્થિતિ સામે અથવા મહત્ત્વના નિર્ણયો કરતી વખતે કે કોઈક સાહસ કરતી વખતે આપણને થતાં ગભરાટને સ્વાભાવિક લેખી શકાય. એની ઝાઝી ચિંતા કરવી નહીં.

કવિ નર્મદે વીરરસથી ફાટફાટ થતું ગીત ‘સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે…’ અમસ્તુ નથી લખ્યું. જમાનો ભલે બદલાતો રહેતો હોય, પરંતુ માણસનો આંતરિક ભય હંમેશાં એ નો એ રહે છે. અને માણસની આંતરિક ગભરામણ હંમેશાં માણસને કંઈક નવું કરતા રોકે છે.

ત્યારના સમયમાં સાગર ઓળંગી વિદેશ જવું ગુનો ગણાતું. અને સાગર ઓળંગી દેશદેશાવર વેપાર કરતા ભડવીરોને નાત બહાર મૂકાતા. નર્મદે આ રૂઢિ સામે કવિતામાં બંડ પોકારેલું અને નેપોલિયનથી લઈને કોલંબસ અને પરશુરામ સુધીના શૂરવીરોના ઉદાહરણ આપીને સમાજને સાહસ કરવાનું પ્રોત્સાહન આપેલું.

અરે, ખુદ મહાત્મા ગાંધી બેરિસ્ટરનું ભણવા વિલાયત જવાના હતા ત્યારે એમણે નાતની ખફગી વહોરવી પડેલી અને વૈષ્ણવોએ ગાંધીજીને પણ નાત બહાર કરેલા. જો મોહનદાસે ત્યારે સાહસ નહીં કર્યું હોત અને નાતના ડરથી વિલાયતમાં બેરિસ્ટરી કરવાનો વિચાર માંડી વાળ્યો હોત તો તેઓ મોહનમાંથી મહાત્મા ક્યારેય નહીં બની શક્યા હોત! ત્યારે માઉટેન્ટ ડ્યૂ જેવું કશું ન હતું, છતાં ગાંધી કે નર્મદ જેવા યોદ્ધાઓએ એમના જીવન દ્વારા સાબિત કરી બતાડ્યું કે, ‘ડર કે આગે જીત હૈ!

એ જીત મેળવવા માટે માત્ર મચી પડવાનું છે અને મચી પડવા પહેલા, કોણ શું વિચારશે? કે કોણ શું કહેશે? કે જો સફળતા હાથ નહીં લાગી શું કરીશું? જેવા નાહકના ડરની પરવા કરવાની નથી.

અર્જુન-નર્મદ કે ગાંધીએ કોણ શું કહેશેની ચિંતા તો નથી જ કરી, પરંતુ પરિણામની પણ ક્યારેય ચિંતા નથી કરી. એમણે માત્ર એક જ બાબતનો હંમેશાં વિચાર કર્યો હતો કે, પોતે જેના માટે લડી રહ્યા છે ત્યાં સત્ય અને ધર્મ છે કે નહીં? એમના અંતરાત્માને એમણે આ એક જ સવાલ પૂછ્યો છે અને જ્યારે જ્યારે એમના અંતરે હકાર ભણ્યો છે ત્યારે તેમણે માત્ર પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને પોતાની તમામ ઊર્જા એ લક્ષ્યને પમવામાં ખર્ચી કાઢી છે. રાધર એમ પણ કહી શકાય કે પોતાનું લક્ષ્ય પામવા માટે એમણે એમની ઊર્જા ઈનવેસ્ટ કરી છે!

મોરલ ઑફ ધ સ્ટોરી એટલી જ કે, લાઈફની કોઈ પણ પરીક્ષામાં એટેમ્પ્ટ એટલે કે કોશિશ અત્યંત મહત્ત્વની છે.(કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી… યાદ છે ને?) અને એ એટેમ્પ્ટ માટે જરૂરી છે સાહસ અને પોતાની જાતમાંની શ્રદ્ધા. જો સાહસ અને શ્રદ્ધા નહીં હોય તો માણસ ખલી જેવું શરીર ધરાવતો હશે તોયે શેક્યો પાપડ પણ નહીં ભાંગી શકે.

અલબત્ત એનો અર્થ એ પણ નથી થતો કે, મોપેડ ચલાવતા નહીં આવડતું હોય ત્યારે તમે પૂરપાટ ઝડપે થંડરબર્ડ ચલાવાના સપનાં જોવાના શરૂ કરી દો. જો જે-તે ક્ષેત્ર વિશેની પાયાની જાણકારી નહીં હોય અને પછી એમાં કોઈ લાભ જોઈને તમે નર્મદને યાદ કરશો અને ‘યા હોમ’ કરીને કૂદી પડશો તો તમે ચોક્કસ જ ઉંઘા માથે પડવાના અને તમને ખૂબ માર વાગવાનો.

યુદ્ધ લડતા પહેલા યુદ્ધની યોગ્ય તૈયારી કરવું પણ અત્યંત મહત્ત્વનું છે અને શાંત ચિત્તે પોતાના માર્ગમાં આવતા પડકારો વિશેનો પણ અભ્યાસ કરી લેવો જોઈએ. અભ્યાસ વિના કોઈ ક્ષેત્રમાં ઝંપલાવવું હિતકર નથી. પૂરતા અભ્યાસ વિના જો લડ કા હૈ વો હી તો મહાન હૈની થિયરી લાગુ પાડવા જશો તો તમને કોઈ નહીં બચાવી શકે.

આ આખી ગાથા ગાવાનું કારણ છે આવતા અઠવાડિયે અને આવતા મહિનેથી શરૂ થઈ રહેલી પરીક્ષાઓ. માર્ચનો મહિનો બેસતા જ શિક્ષણ જગતમાં હોહા મચી જાય છે અને દેશમાં યુદ્ધ જાહેર કરાયું હોય એવી તંગ સ્થિતિ ઊભી થઈ જાય છે, જેના કારણે વિદ્યાર્થીઓ મૂંઝાઈ જાય છે અને કર્ણની જેમ યુદ્ધના ટાણે પોતાની વિદ્યા ભૂલી જાય છે.

હવે સીધા બોર્ડની પરીક્ષાઓ પર આવી જઈએ. બાપડા વિદ્યાર્થીઓને ઉપરનો લવારો કદાચ સમજમાં ન પણ આવે! કહેશે, ‘બાપા, એ બધુ તો ઠીક છે, પરંતુ અમારી પરીક્ષા નજીક છે તો એ વિશે કંઈક કહોને, નર્મદ-ગાંધીને તો અમે આમ પણ ગોખી કાઢ્યાં છે, તો એનું રિવિઝન શાને કરાવો છો? કંઈક પરીક્ષાલક્ષી કહો…’ તો ચાલો હવે માત્ર પરીક્ષાની જ વાત.

બોર્ડની પરીક્ષાઓ નજીક છે ત્યારે ચોરેચૌટે સલાહકારોના રાફડા ફાટી નીકળ્યાં હશે. શુભેચ્છા આપવાને બહાને ઘરે ધસી આવતા કે ફોન-વ્હોટ્સ એપ પર પંચાત કરતા પંચાતિયાઓ પોતે જાણે બોર્ડમાં પ્રથમ આવ્યા હોય એમ વિદ્યાર્થીઓને સલાહ સૂચન કરતા હશે. સૂચનને નામે કેટલાક બગાડિયાઓ વિદ્યાર્થીઓને ગભરાવી પણ જશે અને એનું મોરલ તોડવાનો પ્રયત્ન કરશે. પરંતુ વહાલા વિદ્યાર્થીઓએ એ બધાઓને ધ્યાનમાં લેવાની જરૂર નથી. ઘરે જેમ તમે પપ્પા-મમ્મીની વાતો નહીં માનો એમ જ!

આમ પણ, આપણે ત્યાં બોલવાવાળાઓની ક્યારેય કમી નથી રહી, આપણે ત્યાં કમી માત્ર કરવાવાળાઓની જ રહી છે. અને તમે તો આવતીકાલના નાગરિકો છે એટલે તમારે માત્ર કરવા પર એટલે કે માત્ર તમારા અભ્યાસ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરવું. બીજી વાતોમાં મગજ બગાડવું નહીં.

પરીક્ષાઓ નજીક છે ત્યારે અખબારોમાં પણ સીસીટીવી કેમેરાના પહેરા અને સ્ક્વોડની રચનાના સમાચારો ઝળકતા રહેશે. જેણે મહેનત કરી છે કે જેની ચોરી કરવાની ખોરી દાનત નથી એવા વિદ્યાર્થીઓએ આનાથી પણ ગભરાવાની જરૂર નથી. સ્ક્વોડ કંઈ તમને ખાઈ જવાની નથી. એ લોકો એમનું કામ કરશે, તમે તમારું કરજો!

પરીક્ષા આપતી વખતે એટલું જરૂર યાદ રાખજો કે, તમે માત્ર શાળાની પરીક્ષા આપી રહ્યા છો, તમને સિયાચિન કે કારગિલને મોર્ચે લડવા નથી મોકલાયા. તમારે માત્ર પેપર લખવાનું છે અને પેન પાસે માત્ર પેનનું કામ લેવાનું છે, એમાંથી ગોળીઓ નથી છોડવાની! એટલે એકદમ કુલ રહો અને મન પર જરા સરખુ ટેન્શન લેવાનું નથી. શું કહ્યું?

પરીક્ષા પહેલાના થોડા દિવસો કે કલાકો દરમિયાન અને પેપર લખતી વખતે એકદમ સ્વસ્થ અને હળવા ફૂલ રહો. પેપર હાથમાં આવે એટલે શાંતિથી પેપર પર એક નજર કરી જાઓ અને તમને આવડે એવા પ્રશ્નોથી શરૂઆત કરો. જે પ્રશ્નો નહીં આવડતા હોય કે કોઈક પ્રશ્ન કે દાખલો લખતા-ગણતા ગોથું ખાઈ જવાય તો એમાં જરાય ગભરાવાનું નહીં. નહીંતર એની ચિંતાની અસર તમારા આવડતા પ્રશ્નો પર પણ પડશે અને તમે વધુ ગૂંચવાશો. એના કરતા એ પ્રશ્નના બીજા વિકલ્પ તરફ નજર કરીને એ પ્રશ્ન સોલ્વ કરો.

ધારોકે તમારું કોઈક પેપર ખરાબ ગયું કે એમાં ધબકડો વળી ગયો તો તમારું કશું જ લૂંટાઈ જવાનું નથી. થોડા માર્ક્સ તમારું ભવિષ્ય કે તમારી આવડત ક્યારેય નક્કી નહીં કરી શકે એ યાદ રાખજો. એટલે પેપર ખરાબ જાય તો ઘરે આવીને એની જરાય રડારોળ કે લેશમાત્ર ચિંતા કરવી નહીં. વીતેલા સમયમાં ક્યારેય બદલાવ આણી શકાતો નથી કે એમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. તો પછી નાહકની ચિંતા કરીને માથા શું કામ ફોડવાના? એના કરતા સ્વસ્થ મને પછીના પેપર્સની તૈયારી નહીં કરીએ? જેથી આગળના પેપરના માર્ક્સ પણ કવર કરી શકાય. અને માર્ક્સ કવર નહીં કરાય તોય આવનારા પેપર્સ સારા તો સારા જશેને?

બાકી તો તમે મહેનત કરી જ હશે અને કોઈક કારણસર મહેનતમાં કસર પડી હોય તોય બહુ ચિંતા નહીં કરતા. દિલથી પેપર લખજો અને પરીક્ષા પૂરી કરજો. જો હોગા વો દેખ જાયેગા, તુમ ટેન્શન ફ્રી રહો ઓર મજે કરો. ઑલ ધ બેસ્ટ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.