રંગભૂમિ પર રણભૂમિનો અહેસાસ કરાવતું ‘કોડમંત્ર’

07 Jan, 2016
12:05 AM

mamta ashok

PC:

સુરતના રંગભૂમિના ચાહકોને નવા વર્ષના પહેલા જ અઠવાડિયે એક ધમાકેદાર ગિફ્ટ મળી. કારણ કે, એક, બે નહીં પરંતુ પૂરા ત્રણ દિવસ સુધી સુરતમાં બહુચર્ચિત ‘કોડમંત્ર’ નાટક ભજવાયું. દર્શકો માટે વિઝ્યુઅલ ટ્રીટ સમા આ નાટકને જોઈને અમે ફેસબુક પર લખેલું કે, આ નાટકને ગુજરાતી રંગભૂમિનો અપવાદ ગણવો કે રંગભૂમિનો ટર્નિંગ પોઈન્ટ? જોકે ‘કોડમંત્ર’ જેમણે જોયું હોય એ લોકો આ બાબતે સ્પષ્ટ જવાબ આપશે કે નાટક ટર્નિંગ પોઈન્ટ છે કે નહીં એ તો ભવિષ્ય નક્કી કરશે. પરંતુ વર્તમાન સમયમાં તો ‘કોડમંત્ર’ને નાટ્યજગતનો અપવાદ જ કહી શકાય. કારણ કે એકસાથે ત્રીસથી વધુ કલાકારો મંચ પર પરફોર્મ કરતા હોય કે નાટકનું મ્યુઝિક અને સંવાદો સાંભળતા જ રૂવાં ખડા થઈ જતાં હોય કે નાટકમાં પ્રાણ પૂરાય એ માટે કલાકારોની જગ્યાએ સાચા સૈનિકો તખતા પર આંટાફેરા કરતા હોય તો એને વિના સંકોચ અપવાદ ગણવો.

હજુ ગયા ઑક્ટોબરમાં જ ફ્લોર પર આવેલા આ ‘કોડમંત્ર’નું દિગ્દર્શન ડિરેક્ટર રાજેશ જોષીએ કર્યું છે. તો નાટકનું લેખન અભિનેત્રી સ્નેહા દેસાઈ અને નિર્માણ ભરત ઠક્કરે કર્યું છે. ‘કોડમંત્ર’ને ગુજરાતી રંગભૂમિના અત્યાર સુધીના સૌથી મોંઘા નાટક તરીકે લેખવામાં આવે છે, જ્યાં ખૂદ ભરત ઠક્કર એક દિવસ કેલ્ક્યુલેટર લઈને બેઠેલા ત્યારે રમતા રમતા એમણે નાટક પાછળ ખર્ચેલા ત્રીસેક લાખનો હિસાબ કરી નાંખેલો!

જોકે આકર્ષણની વાત નાટક પાછળનો ખર્ચો નથી જ નથી. પૈસો ખર્ચવાથી કોઈ દિવસ કલાકૃતિ ઉત્તમ બની જતી નથી. એવું હોત તો સંજય લીલા ભણસાણીની તમામ ફિલ્મો સુપર હિટ હોત! પરંતુ કૃતિની શ્રેષ્ઠતા પાછળ હંમેશાં જવાબદાર હોય છે એક યુનિક વિચાર અને એ વિચારને અમલમાં મૂકવા માટેની આવડત અને ડેડિકેશન. ‘કોડમંત્ર’ના સંદર્ભે આ સુખદ અપવાદ થયો છે કે, પ્રોડક્શન, સ્ક્રીપ્ટ, ડિરેક્શન અને અભિનય જેવા તમામ પાસાં સાથે સંકળાયેલી વ્યક્તિએ નાટક બાબતે સંપૂર્ણ ડેડિકેશન દાખવ્યું છે, જે મહેનત ચાલુ નાટકે છાપરે ચઢીને પોકારે છે.

પ્રોડક્શનને લઈને ભરત ઠક્કરે પૈસાની પરવા કર્યા વિના નાટકની પ્રોપર્ટી વસાવી છે. ભારતીય સૈનિકોના ગણવેશથી લઈને, બંદૂકો, તલવારો, કોંબેટ બૂટ્સ, હેલમેટ કે સૈનિકોના ગણવેશ પરના બિલ્લા સુધીની બાબતો અત્યંત રિસર્ચ કરીને તૈયાર કરાવવામાં આવી છે અને આર્મી રિલેટેડ તમામ બાબતો આર્મીના અધિકારીઓને પૂછીને કે આર્મીમાંથી મંગાવીને તૈયાર કરાઈ છે. ભરત ઠક્કરના જણાવ્યા મુજબ તો એમને ‘કોડમંત્ર’ની પ્રોપર્ટી ભેગી કરવાના રિચર્સ પાછળ કે એને એકઠી કરવામાં જ છએક મહિના થઈ ગયેલા! જોકે ઉપરની વાત નહીં લખી હોય તો પણ ‘કોડમંત્ર’ના સેટની ભવ્યતા જોઈને સામાન્ય દર્શકને ખ્યાલ આવી જાય કે, આ સેટ કંઈ અમસ્તો જ તૈયાર નથી થયો.

નાટકની સ્ક્રીપ્ટ તૈયાર થઈ, એના કલાકારો નક્કી થયાં અને થોડાં દિવસોના રિહર્સલ્સ થયાં બાદ નાટકમાં ક્યાંક કાચું નહીં કપાય એ વાતનું ધ્યાન રાખીને નાટકના વીસ જેટલા ગ્રાન્ડ રિહર્સલ્સ કરાયા હતા, જેથી ‘3 મહારાષ્ટ્ર બટાલિયન’ના સાચા સૈનિકોને મંચનો પુરતો અનુભવ મળી રહે અને તેઓ તખતાની રીતભાતથી પરિચિત પણ થાય. વાચકોને જણાવી દઈએ કે, ગ્રાન્ડ રિહર્સલ્સમાં કલાકારો સેટ, લાઈટ્સ, સાઉન્ડ કે કોસ્ચ્યુમ્સની પૂરી તૈયારી સાથે મંચ પર નાટકો ભજવતા હોય છે, જેમાં માત્ર દર્શકો જ હાજર નથી હોતા, બાકી બધું જ હોય છે!

સેટ્સ બાદ નાટકની સ્ક્રીપ્ટ પર આવીએ તો નાટકના જ અભિનેત્રી અને ખ્તાતનામ નાટ્ય લેખિકા સ્નેહા દેસાઈએ નાટકની સ્ક્રીપ્ટ તૈયાર કરતી વખતે પુષ્કળ સંશોધન કર્યું છે. લેખિકાને સલામ ઠોકવા જેવી વાત તો એ છે કે, જ્યારે સ્ત્રી લેખિકાઓ યુદ્ધ કે આર્મી જેવા ભારેખમ અને કંઈક અંશે રફ તેમજ ઉંડું સંશોધન માગી લેવા એવા વિષયોને સ્પર્શવાનું ઓછું પસંદ કરે છે ત્યારે આ લેખિકા પોતાની અસરકારક વાર્તા અને ધારદાર સંવાદોને કારણે મંચ પર રણભૂમિ તૈયાર કરવામાં સફળ થયા છે.

આ નાટકની વાર્તા એવી નથી કે, કોફીનો મગ અને થોડા કાગળ લઈને ટેબલ પર બેસી ગયા અને નર્મદની જેમ લમણે હાથ મૂકીને થોડું વિચાર્યું એટલે વાર્તા કે સ્ક્રીનપ્લે તૈયાર થઈ જાય. આ નાટકની સ્ક્રીપ્ટ માથું ફેરવી કાઢે એવા ફેકચ્યુઅલ્સ તેમજ સામાન્ય રીતભાતમાં નહીં વપરાતી વાસ્તવિકતા પર આધારિત છે એટલે મજબૂત સ્ક્રીપ્ટ લખવા માટે કે વાસ્તવિકતાની લગોલગ પહોંચવા માટે સ્વાભાવિક જ સાચા પાત્રોને મળવું પડે અને નક્કર વાસ્તવિકતાનો અભ્યાસ કરવો પડે.

સ્નેહા દેસાઈએ આ તમામ બાબતોનું બખૂબી ધ્યાન રાખ્યું છે અને આર્મીના પ્રોટોકોલ્સનું પૂરું ધ્યાન રાખીને અત્યંત ધીરજથી સાતેક મહિનાની મહેનત બાદ સ્ક્રીપ્ટ તૈયાર કરી છે. નાટક બાબતે સ્નેહા દેસાઈ અમને જણાવે છે કે, ‘આર્મી સાથે સંબંધ ધરાવતી ઘણી ઓછી વાર્તાઓ ગુજરાતી તખતા પર ભજવાઈ છે એટલે એક લેખક તરીકે મને આ પડકાર ઉઠાવવાનું મન થયું. વળી, આ નાટકને કારણે હું મારી વર્સિટાલિટી પણ સાબિત કરી શકી છું.’

નાટકમાં ફરજ અને ફરજના અતિરેક વચ્ચેની પાતળી ભેદરેખાની વાત કરવામાં આવી છે. ફરજની બાબતે માત્ર પોતે જ નહીં, પરંતુ પોતાની આખી ટીમ હરદમ અવ્વલ રહે એ માટે માનવીય સંવેદનાને નેવે મૂકીને ફરજનો આગ્રહ રાખતા એક આર્મી ઑફિસરની વાત છે, જેના પર આર્મી કોર્ટમાં ખટલો ચાલે છે અને એક મહિલા ડિફેન્સ લૉ એક્સપર્ટ એ ઓફિસરને કોર્ટમાં ફરજ અને ફરજના અતિરેકની વચ્ચેની ભેદરેખા સમજાવે છે. નાટકની વાર્તાની નાટ્યાત્મક્તા પણ જોરદાર છે. પરંતુ એ બધી વાતો અહીં આલેખીને વટાણા નથી વેરવા. જોકે નાટકની વાર્તામાં એક-બે જગ્યાએ મને નાનકડાં છીંડા નજરે ચઢેલા પરંતુ એ બાબતની ખરાઈ કરવા મારે ફરી એક વાર નાટક જોવું જ રહ્યું.

અભિનયની બાબતે પ્રતાપ સચદેવ અને સ્નેહા દેસાઈ, અમિત સોની કે સુરજ વ્યાસ જેવા કલાકારો ખરા અર્થમાં અનગાંઠેબલ છે. ચાલુ નાટકે જ્યારે આર્મીના સૈનિકો જ્યારે માર્ચ કરે છે કે, કમાન્ડ આપે છે ત્યારે તમે ક્ષણભર માટે ભૂલી જાઓ છો કે, તમે નાટ્યગૃહમાં બેઠાં છો. તમને એમ જ લાગે કે, તમે વાઘા બોર્ડર પર છો અથવા 26મી જાન્યુઆરીની પરેડ નીહાળી રહ્યા છો.

આવું મેઈન સ્ટ્રીમથી ઘણું અલગ અને અત્યંત મહેનત માગી લેતું નાટક રજૂ કરવા માટે ખરા અર્થમાં છપ્પનની છાતી જોઈએ. નાટકનો ખર્ચો તો ઠીક છે પરંતુ જ્યાં સાસુ વહુ કે છગનમગન છાપ દ્વિઅર્થી કોમેડીની બોલબાલા હોય ત્યાં ગંભીર નાટક લઈને આવવું ઘણી મોટી વાત છે. એ માટે ‘કોડમંત્ર’ની આખી ટીમને અભિનંદન આપવા જ રહ્યા. નાટકને લઈને પ્રોડ્યુસર ભરત ઠક્કરને ઘણી ચિંતા હતી કે, ગુજરાતી પ્રેક્ષકો આ નાટકને સ્વીકારશે કે નહીં? જોકે ગુજરાતી પ્રેક્ષકો આ બાબતે સવાયા સાબિત થયાં છે અને આ કદરદાનોને કારણે જ મુંબઈમાં આ નાટકના મહિનામાં દસથી બાર શૉ થઈ રહ્યા છે.

સુરતમાં છ-સાત અને આઠ જાન્યુઆરી સુધી ભજવાયેલું ‘કોડમંત્ર’ સમગ્ર ગુજરાતમાં પહેલીવાર ભજવાયું હતું. ગુજરાતમાં નાટકને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે એટલે ટીમ ‘કોડમંત્ર’ વતી અમે એ વાતે શ્યોર છીએ કે, નાટક ગુજરાતમાં પણ ધૂમ મચાવવાનું અને ઠેરઠેર એના શૉ થવાનાં.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.