હેપી બર્થ ડે કાન્તિ ભટ્ટ

15 Jul, 2016
12:05 AM

mamta ashok

PC:

કાન્તિ ભટ્ટ વિશેના પહેલા લેખમાં આપણે કાન્તિ ભટ્ટ પત્રકાર કઈ રીતે થયાં એ વિશેની આછેરી વાતો કરેલી. આજે એમના 85માં જન્મ દિવસે એમના હાલના જીવન વિશે થોડી વાતો કરીએ. આ લેખ સંદર્ભે મેં એમને મુંબઈ ફોન જોડેલો. મારે માત્ર એટલું જાણવું હતું કે હાલમાં તેઓ દિવસના કેટલા લેખો લખે છે? એમણે મને કહ્યું કે, 'ભાઈ, મને તો કોઈ છાપનાર જોઈએ છે. બાકી, હું તો કહો એટલા લેખો લખી આપવા તૈયાર છું. મારી પાસે લેખ માગનારને હું ક્યારેય નિરાશ નહીં કરું. પણ આજકાલ કેટલાક દૈનિકોના નવા આવેલા તંત્રીઓ ઈર્ષા ભાવે મારા લેખો નથી છાપતા. એટલે હવે માત્ર 'દિવ્ય ભાસ્કર'માં એક લેખ ડેઈલી અને 'મિડ ડે'માં દર શનિવારે મારો લેખ પ્રકાશિત થાય છે. આજેય દિવસનો એક લેખ ઓછામાં ઓછો લખું છું.'

ઉંમરને હિસાબે કાન્તિ ભટ્ટને હવે સાંભળવામાં ઘણી તકલીફ થાય છે અને અવાજ પણ પહેલા કરતા ઘણો કૃશ જણાય છે. જોકે જીવનનું 86મું વર્ષ બેઠું છે તોય લકવાની બીમારી સાથે તેઓ પોતાની જાતને લેખન-વાંચનમાં પરોવેલી રાખે છે. વૃદ્ધાવસ્થામાં માણસ શારીરિક રીતે અક્ષમ થઈ રહ્યો હોય અને નફામાં અગાધ એકલતા મળી હોય ત્યારે ભલભલો ચમરબંદ નિરાશ થઈ જાય, રોદણાં રડે કે મૃત્યુની રાહ જોતો થઈ જાય, પણ કાન્તિ ભટ્ટ ક્યારેય એવું કહેતા નહીં સંભળાય કે, 'હવે બહુ થયું... ઘણો ત્રાસી ગયો છું કે હવે મોત આવે તો સારું.'

રોજનો એક લેખ લખવાનું કામ સહેલું નથી, એય પંચ્યાસી વર્ષની ઉંમરે તો નહીં જ! દિવસનો બાકીનો સમય કાન્તિ ભટ્ટ માત્ર ને માત્ર વાંચનમાં વીતાવે છે. ફોનમાં કહે, 'વાંચુ નહીં તો બીજું કરું શું?' આવો જ જવાબ એમણે અમને વર્ષ 2014ના અમારા ઈન્ટરવ્યૂ દરમિયાન આપેલો. અમે એમને પૂછેલું, 'આ ઉંમરે લખવું એ તમારો શોખ કે તમારી જરૂરિયાત?' એમણે કહેલું, 'હોબી બોબી કશું નહીં. હોબી વળી કેવી? લખાય છે એટલે લખું છું અને આજે પણ પત્રકારત્વ એ મારા માટે એક ફરજ અથવા મિશન છે. મારા ઘરની સંભાળ રાખવા આવતા હેમા બોરિચા સવારે સાડા આઠે આવે અને બપોરે એક વાગ્યે ચાલ્યા જાય. વળી સાંજે પાંચ વાગ્યે આવે અને સાડાસાત વાગ્યે ચાલી જાય. બાકી બધા સમયમાં હું સાવ એકલો. જો લખું નહીં તો કરું શું? બીજું એ કે જે લખું છું એ બધું વંચાય છે અને લોકોના ખપમાં આવે છે. રાજકોટના દિનેશ તિલવા કરીને એક ભાઈ છે, જે મને ઘણી મદદ કરે છે. તેઓ મને નિતનવા પુસ્તકો મોકલે છે, તે બધા હું વાચું અને એમાંથી કંઈક ઉપયોગમાં આવે એમ હોય તો એના પર લેખ લખું. આજે જે હું દૈનિક કટારો લખું છું એને મેં એક ચેલેન્જ તરીકે લીધી છે. રોજ કોઈ છાપામાં નિયમિત લેખો લખવા એ કંઈ ખાવાના ખેલ નથી. પરંતુ મને આમાં મજા આવે છે, એટલે એક પણ દિવસનો ખાડો પાડ્યા વિના હું લેખો લખું છું.'

આખીય વાતમાં ક્યાંય નકારાત્મક્તા વર્તાય છે તમને? આ લેખનો આશય જ એ છે કે, જો 85 વર્ષે અનેક મુશ્કેલીઓ વચ્ચે કાન્તિ ભટ્ટ એમનું ગમતું કામ કરી શકે છે કે કોઇ પણ ફરિયાદ વિના જીવન જીવે છે તો આપણે શું કામ જીવનરસથી કે આપણી ગમતી પ્રવૃત્તિઓથી વંચિત રહીએ? નકારાત્મકતાનું જીવનમાં સ્થાન હોય જ નહીં! મજાની વાત તો એ છે કે, કાન્તિ ભટ્ટ એમના વાંચનને એટલું મહત્ત્વ આપે છે કે, એમને એમની આત્મકથા લખવાનોય સમય નથી મળતો. તેઓ અત્યંત ઘટનાપ્રચુર જીવન જીવ્યા છે. એમણે જ અમને કહેલું એ મુજબ, અનેક છોકરીઓને પ્રેમ કર્યો છે અને કેટલીય છોકરીઓને ભગાડી છે. થાઈલેન્ડના વેશ્યાવાડાથી લઈ દુનિયાના એંસી જેટલા દેશોમાં ફર્યા છે અને જીવનના કોઇ અનુભવ એમણે બાકી નથી રાખ્યા. પણ રોજિંદા કૉલમ લેખન અને વાંચનમાં એમના દિવસનો મોટાભાગનો સમય પસાર થાય છે અને તેઓ આ બંને કામને જ પ્રાથમિક બાબત ગણે છે, જેને કારણે આપણે એક રસપ્રદ આત્મકથાથી વંચિત રહ્યા છીએ.

એમના ઘરમાં જ્યાંને ત્યાં પુસ્તકો જ પુસ્તકો ગોઠવવામાં આવ્યા છે. ક્યારેક સાંજે છ વાગ્યાની દસ મિનિટની એમની અપોઈન્મેન્ટ લઈને એમને મળવા જશો તો ઘરમાં પુસ્તકોની વચ્ચે રસ્તો કરીને ચાલવું પડશે. પુસ્તકો વિશેની વાત પૂરી કરીએ એ પહેલા એક આડવાતઃ મુલાકાતની બાબતે કાન્તિ ભટ્ટ અત્યંત ચુસ્ત છે. મોટેભાગે તેઓ મુલાકાતીઓને સાંજે છનો સમય આપે છે, એય માત્ર દસ મિનિટ માટે અથવા વધુમાં વધુ વીસ મિનિટ માટે. નિયત સમય પૂરો થાય એટલે એક પણ શબ્દ ચોર્યા વિના તેઓ ઘડિયાળ તરફ આંગળી ચીંધીને તમને જવાનું કહી દેશે અને ઊભા થઈને એમના કામે વળગી જશે. આ લખનારે તો આ અનુભવનો લાભ લીધો જ છે, પણ જાણીતા લેખક-પત્રકાર સૌરભ શાહને પણ એમણે એક વાર, મુલાકાત થયાંની પચ્ચીસમી મિનિટે 'સરસ, તો ચાલો હવે....' કહી દીધેલું. આના પરથી એમ નહીં કહી શકાય કે, 'ડોસો કેવો ખડુસ છે. મળવા આવનારને તે કંઈ આ રીતે વિદાય કરાય?' પણ આપણે એમની પાસે એ શીખવાનું છે કે, પંચ્યાસી વર્ષે પણ એમની પાસે એક-એક મિનિટનો ઉજળો હિસાબ છે અને વહી જતી પ્રત્યેક ક્ષણનું મહત્ત્વ સમજીને એ ક્ષણોનો ઉપયોગ કરી લેવાની એમને ઘણી ઘગશ છે.

હવે પુસ્તકો પર ફરી આવીએ. એમની પાસે નહીં તોય 60 લાખથી વધુ કિંમતના પુસ્તકો હશે, જેમાંના કેટલાય પુસ્તકો એવા છે જે બજારમાં દુલર્ભ છે. આજની તારીખેય એમના ઘરે મહિને બારથી તેર પુસ્તકો આવે છે, જેમાંના કેટલાક તેઓ આખા વાંચી જાય છે તો કેટલાક પર આછડતી નજર મારે છે. જે માણસ હાડોહાડ પુસ્તક પ્રેમી હોય અને જીવન આખામાં હજારો પુસ્તક ભેગા કર્યા હોય એને એના પુસ્તકો પ્રત્યે સ્વાભાવિક જ અદમ્ય લગાવ હોવાનોબે દિવસ પહેલા ફોન પર થયેલી વાતચીતમાં મેં એમને સવાલ પૂછેલો કે, 'તમારા અવસાન પછી આ બધા પુસ્તકોનું શું?' એ દિવસે તેઓ થોડા હળવા મૂડમાં હતા એટલે એમ કહ્યું, 'તમારા જેવા યુવાન પત્રકારોને પુસ્તકો જોઈતા હોય તો આવીને લઈ જાઓ.'

મેં કહ્યું, 'પૈસા લેશો કે સાવ એમ જ?'

'તમારે આપવા હોય તો આપજો અને નહીં આપો તોય શું? હું માગવાનો નથી.'

જોકે બે વર્ષ પહેલા મેં એમને એ જ સવાલ પૂછેલો તો એમણે જવાબ આપેલોઃ

પૈસાની દૃષ્ટિએ જોવા જઈએ તો મારા તમામ પુસ્તકોની કિંમત બે કરોડની આસપાસ થાય. પરંતુ મારે આમાનું કશું વેચવું નથી. મારે આ ઘરને મારી દીકરી શક્તિના નામ પરથી ‘શક્તિ જ્ઞાનમંદિર’ નામ આપવું છે. અહીં કોઈ પણ આવીને બેસી શકશે અને મનફાવે ત્યાં સુધી વાંચી શકશે. (ખડખડાટ હસીને) પરંતુ એક ખાસ ટકોર, કે અહીંથી કંઈ ઊઠાવી નહીં જતા. અનેક પુસ્તકો ઉપરાંત મારી પાસે વિશ્વના આઠ જાતના એનસાઈક્લોપીડિયા છે અને એક હજાર પુસ્તકો થાય એટલા તો મારી પાસે લેખો પડેલા છે. આ બધાનું આર્થિક મૂલ્ય ઘણું છે પરંતુ મેં આગળ કીધું એમ મને પૈસાનો જરાય મોહ નથી. બાકી તો આ હેમાબહેન મારા ઘરનું અને આ બધા પુસ્તકોનું ધ્યાન રાખશે અને મારા લેખો તેમજ રોયલ્ટીમાંથી તેમને પૈસા મળતા રહેશે.'

જીવન જ્યારે આખરી પડાવ પર આવી પહોંચ્યું હોય ત્યારે સામાન્ય રીતે લોકો નિવૃત્તિ લઈ લેતા હોય છે અને જીવનમાંથી એમની શ્રદ્ધા ખોઈ બેસે છે. પરંતુ કાન્તિ ભટ્ટ એવી મિસાલ છે, જેઓ સાડા આઠ દાયકાના જીવન પછી નિવૃત્ત પણ નથી થયાં અને જીવનમાં એમની શ્રદ્ધા અત્યંત ગાઢ છે. આખી કારકિર્દીમાં એમણે મોટિવેશન પર ઘણા લેખો લખ્યાં છે, પણ કાન્તિ ભટ્ટ પોતે મોટિવેશનની વિશાળ ખાણ છે. આપણા જેવા અનેક માટે તેઓ પ્રેરણા છે. હેપી બર્થ ડે કાન્તિ ભટ્ટ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.