હાર્દિક અને આંદોલનઃ પરપોટાનું તો લક્ષ્ય જ ફૂટી જવાનું હોય છે!
ગયા અઠવાડીયે ફેસબુક અને વ્હોટ્સ એપ પર હાર્દિક પટેલનો એક વીડિયો વાયરલ થયો, જેમાં હાર્દિક અંગ્રેજીમાં કશુંક બોલી રહ્યો છે અને બાળકોને એક પર્વતારોહકની વાર્તા કહી રહ્યો છે. જોકે ભૂલથી અથવા જાણકારીના અભાવે હાર્દિક વીડિયોમાં હિલેરી ક્લિન્ટનને પર્વતારોહક તરીકે વર્ણવી રહ્યો હતો. આ સાથે જ એણે ભાંગ્યા તૂટ્યા અંગ્રેજીમાં એક વાક્ય ટાંક્યું હતું, જેને લઈને સોશિયલ મીડિયામાં એની ખૂબ મજાક બનાવાઈ.
ખૈર, સોશિયલ મીડિયાની વાતો કે ત્યાં ચાલતી મજાક-મશ્કરીને બહુ ગંભીરતાથી નહીં લેવાય. કારણ કે, અહીં પાયા વિનાની કોઈ પણ બાબતને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે અને હાર્દિકના આ વીડિયોની હિલેરી ક્લિન્ટનવાળી બાબતને પણ ઝાઝું મહત્ત્વ નહીં આપીએ. પણ એક નેતા તરીકે હાર્દિકનું મૂલ્યાંકન કરીએ તો ખ્યાલ આવશે કે દેશના હાલના યુવા નેતાઓની સરખામણીએ હાર્દિક બધી રીતે ઘણો પાછળ છે. અનામત આંદોલનનું સળગતું ઈંધણ હાથમાં આવી ગયું અને એને લઈને એ રાતોરાત સ્ટાર તરીકે તો ઊભરી આવ્યો. પરંતુ આગલી હરોળના નેતા અથવા આંદોલનકારી પાસે હોવી જોઈએ એટલી વિદ્વાત્તા એની પાસે નથી. એ માટે જે હાજરજવાબીપણું જોઈએ અને એ જવાબમાં વાંચન અને અભ્યાસનો અર્ક છલકવો જોઈએ એ બાબતનો એનામાં સદંતર અભાવ જોવા મળે છે. એના જ સમયમાં જેએનયુ વિવાદમાં ઝળકી ઉઠેલા કનૈયાની સાથે એની સરખામણી કરવામાં આવે તો ખ્યાલ આવે કે, વિદ્ધત્તા કોને કહેવાય અને તર્કબદ્ધ વાતો કોને કહેવાય.
યાદ રહે અહીં કનૈયો કેટલો સાચો છે એ બાબતનો મુદ્દો છે જે નહીં. કનૈયાનો વિવાદ અને એ સંદર્ભનું અન્ય કોઈ મૂલ્યાંકન અહીં અસ્થાને છે. પરંતુ આશય અહીં સરખામણીનો છે કે હજારોની મેદનીનું નેતૃત્વ કરવા નીકળ્યા હો ત્યારે ઈતિહાસનો અભ્યાસ, સાંપ્રતની જાણકારી અને સમસ્યા સાથેની નિસ્બત હોવી અત્યંત જરૂરી છે. બની શકે કે માર્કેટિંગના આ સમયમાં યેન કેન પ્રકારેણ તમે ફેઈમ મેળવી લ્યો. અથવાતો કોઇક ગંભીર સમસ્યાને ઢાલ બનાવીને તમે કૂદી પડ્યા હો તો જનસમર્થન પણ મળી જાય. પરંતુ જો પૂરતો અભ્યાસ અને સમસ્યા સાથેની ખરી નિસ્બત નહીં હોય તો અચાનક મળી ગયેલી ફેઈમ અથવા સમર્થન આજે નહીં તો કાલે હંગામી સાબિત થવાના. દરિયામાં ઉઠેલી કોઈ લહેરની જેમ એનું અસ્તિત્વ ટૂંકા સમયગાળા માટેનું હોવાનું, જેને ઓસરી જતાં પણ વાર નહીં લાગે.
ગાંધીજી જેવા ગાંધીજી વર્ષ 1914માં અંગ્રેજો સામે લડવાના આશયથી ભારત આવેલા ત્યારે લોકમાન્ય ટિળકે એમને ચેતવેલા કે, દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે ભૌગોલિક અને સાંસ્કૃતિક તફાવત જમીન આસમાનનો છે. આવે ટાણે જો તમે દક્ષિણ આફ્રિકાના મોડેલથી ભારતમાં સત્યાગ્રહો કરશો તો તમને સફળતા નહીં મળે કારણ કે અહીંની સમસ્યાઓ સાવ જુદી છે. દક્ષિણ આફ્રિકામાં રંગભેદ હતો તો અહીં અંગ્રેજોની ગુલામી ઉપરાંત કોમવાદ અને જાતિવાદ જેવી સમસ્યાઓ છે. તો પહેલા સમસ્યાઓને સમજો, એનો અભ્યાસ કરો અને પછી કોઈ પણ ચળવળ શરૂ કરો. ટિળકની સલાહ માનીને જ પછી ગાંધીજીએ એક વર્ષ સુધી દેશભરમાં યાત્રા કરેલી અને પછી જે થયું એને આપણે ઈતિહાસના પુસ્તકોમાં વાંચીએ છીએ.
ઈનશોર્ટ અભ્યાસ વિનાના અભિપ્રાયો ફેસબુક કે વ્હોટ્સ એપ પર ચાલી જાય, પરંતુ એક સફળ લોકનેતા તરીકે ઉભરવાની ખેવના ધરાવતા હો તો આવું નહીં ચાલે. હાર્દિકના કિસ્સામાં આવું જ કંઈક થયું છે. કોઈ પણ એક્સ, વાય કે ઝેડ વ્યક્તિના પૈસા અને સપોર્ટથી સરકારને રંજાડવા હાર્દિકે અનામત આંદોલન તો શરૂ કર્યું અને નસીબજોગે એને પાટીદાર સમાજના લોકોનું સમર્થન પણ મળ્યું. પરંતુ એ બધુ હંગામી હતું. એ આખાય આંદોલનની ઉપ્લબ્ધી શું? તો કે સરકારી સંપત્તિનો મોટાપાયે બગાડ અને અનેક નિર્દોષ યુવાનોના મોત, જેને શહિદોનું લેબલ લગાવીને હાર્દિક આણી કંપનીએ મફતની સંવેદનાઓ ઉઘરાવી લીધી.
બાકી, અન્ય કોઈ ઉપ્લબ્ધી ગણવા જઈએ તો ખ્યાલ આવે કે અનામત આંદોલન દરમિયાન એક નેતા તરીકે હાર્દિકે જેટલી માગણીઓ કરેલી એમાંની એકપણ લાગણી સંતોષાઈ નહીં અને ખરા અર્થમાં લોલીપોપ મળી. અરે, અથડામણો દરમિયાન જેટલા લોકોએ જાન ગુમાવ્યા એમના મોત પણ એળે ગયા કહેવાય કારણ કે હાર્દિક પટેલ હવે સુષુપ્તા અવસ્થામાં ચાલી ગયા છે અને એ વાત સમૂળગી ભૂલી ગયા છે કે, એમણે તો સરકાર પાસે અનામત માગવાનું હતું! સોશિયલ મીડિયામાં છાશવારે હાર્દિકની વાતો ઉડે છે ખરી, પરંતુ એ તો ગતકડાં જ કહી શકાય. આંદોલનને બે વર્ષ પૂરા થવા આવ્યા છે ત્યારે, આખું આંદોલન જ ગતકડું સાબિત થયું છે ત્યારે સોશિયલ મીડિયાની તો વાત જ શું કરવી? અને હા, જે રીતે આંદોલન અને જનઆક્રોશ શાંત થયો છે એ જોતા તો એ જ લાગે છે કે, હાર્દિકને હવે પાટીદાર સમાજનો પણ ટેકો રહ્યો નથી, જેનો સાચો પુરાવો આ વર્ષની ચૂંટણીમાં જ મળી જશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર