તરંગી તંત્રીનું સતરંગી પત્ર
કલ્પના શબ્દ અને એ નામની વ્યક્તિઓ સાથે અમને ઘણો ઘરોબો છે. કારણ કે, શેખચલ્લીના સીધી લીટીના વારસદાર એવા અમને જાતજાતની બાબતોએ તરંગી વિચાર કરવાની આદત છે. અમારા એ અવળચંડા તરંગોને શિષ્ટ ભાષામાં કલ્પના કહેવાય છે અને બસ, એટલે જ અમને કલ્પના શબ્દ સાથે ઘણું ફાવે છે. એમાંય આ તો નવું વર્ષ એટલે તો અમારી બોણીનો ટાઈમ કહેવાય. બે જુદા કેલેન્ડર મુજ્બ વર્ષમાં બે વખત આવતા નવા વર્ષના દિવસોએ ન્યુ યર રિઝોલ્યુસનને નામે અમે હોલસેલ ભાવમાં તરંગો આઈમીન કલ્પનાઓ કરીએ છીએ, જેમાંની 99.99% કલ્પનાઓને અમારે રિવાઈઝ કરીને ફરી અમારા તંરોગોના શોપિંગ કાર્ટમાં ફરી એડ કરવી પડે છે. એવામાં આ વખતે ચોમાસુ સારું રહેવાને કારણે અમારો તરંગોનો પાક મબલક ઉતર્યો અને પરિસ્થિતિ એ થઈ કે, હવે અમારી પાસે આટલા બધા તરંગોને સ્ટોરેજ કરવાની કોઈ વ્યવસ્થા નથી. બીજી મુશ્કેલી એ કે, જો વર્ષ 2016 પતે એ પહેલા એ તરંગોને સગેવગે નહીં કરાય તો ભયંકર બગાડો થાય. એટલે અમે વચલો રસ્તો એ કાઢ્યો કે, અમે અમારા તરંગો વાચકોને પણ વહેંચીએ, જેથી એની સ્ટોરેજની તકલીફ પણ મટી જાય અને તરંગોનો બગાડ થતો પણ અટકે.
અમારા તરંગો ગુજરાતી અખબારોની પૂર્તિઓ સાથે સંકળાયેલા છે. વાચકો એ વાત જાણે જ છે કે, ગુજરાતી અખબારોમાં વર્ષના છેલ્લા અઠવાડિયામાં 'ગુડબાય 2015', 'આવજો 2015', 'ભલે પધાર્યા 2015' કે, 'મુલાકાત બદલ આભાર 2015' જેવી વર્ષ આખાનું સરવૈયુ આપી દેતી સરસ મજાની પૂર્તિઓ છપાય છે. આપણે ભલે એ પૂર્તિઓ પર થોડી ઘણી નજર ફેરવીને એના પર ભજિયાં ઝાપટી જતાં હોઈએ, પરંતુ એ પૂર્તિઓ કઈ રીતે તૈયાર થાય એ તો તૈયાર કરનારા જ જાણતા હશે. આપણે પાછા પીડ પરાઈ જાણનારા વૈષ્ણવજન પણ ખરા, એટલે આવી વિશેષ પૂર્તિઓ વખતે ભજિયાં ખાવાનું થોડું મુલતવી રાખીએ અને પેલા બાપડા સંપાદકોની મહેનત એડે ન જાય એ ખાતર 'ટાટા બાય બાય' વાળી વિશેષ પૂર્તિઓ પર વિશેષ નજર મારીએ.
જોકે આ વખતે તો જાન્યુઆરીમાં પેલું વિમાન તોડી પડાયુ અને માર્ચમાં ત્યાં ગોળીબાર થયેલો અને જૂનમાં પેલાની હત્યા થઈ, જેવી અઢળક માહિતી વાંચતા વાંચતા અમને કંપારો છૂટી ગયેલો. કારણ કે, એ બધીય પૂર્તિઓમાં એક સારા ન્યૂઝ વાંચવા હોય તો દસ નેગેટિવ ન્યૂઝમાંથી પસાર થવું પડે અને પેલા નેગેટિવ ન્યૂઝનું હેંગઓવર એટલું જોરદાર હોય કે, ફલાણા દેશમાં ફલાણી શોધ થઈ કે, ફલાણી જગ્યાએ શાંતિના કરાર થયેલાના સમાચાર વાંચવા મળે તો પણ એની મજા નહીં આવે અને દિલમાં એવો તો ચચરાટ થાય કે, અમે ભજિયાં ખાવાનું પણ માંડી વાળીએ!
ભજિયાં ખાવાનું માંડવાળ કર્યા બાદ પણ અમારા તરંગ સ્ત્રાવમાં કોઈ કમી નહીં આવી અને આ વખતે તો અમારા મનમાં તરંગોની જાણે ત્સુનામી ઊઠી. અમને એમ થયું કે, જેમ વર્ષના અંતે આખા વર્ષની ઘટનાઓ ઘટી ગયા બાદ એ ઘટનાઓનું સંપાદન કરીને પૂર્તિઓ તૈયાર થાય છે એમ વર્ષના પ્રારંભે જ વર્ષમાં શું ઘટવાનું છે કે ક્યાં શું બનશે, એની પૂર્તિઓ તૈયાર થતી હોય તો? અને પાછું એ પૂર્તિઓમાં લખાયેલું સાચું પણ પડતું હોય તો? માની લીધું કે, કુદરતી ઘટનાઓ કે અકસ્માતોને આપણે નિવારી શકવાના નથી પણ કુત્રિમ ઘટનાઓ કે બાબતોને તો નિવારી જ શકાય. તો કુદરતી ઘટનાઓના પાનાં કોરા રાખવાના અને ચિત્રગુપ્તની જેમ આગોતરા જ સ્ક્રીપ્ટ તૈયાર કરીને કુત્રિમ ઘટનાના પાનાં વર્ષના પહેલા અઠવાડિયામાં પ્રકાશિત કરી દેવાના. એટલે આપણી મરજી મુજબનું પણ થાય અને પેલા ગુજરાતી અખબારોના સંપાદકો-તંત્રીઓના વર્ષના અંતે લોહી ઉકાળા પણ ઓછા થાય. આ તરંગમાં વળી અમને પેટા તરંગ એમ આવ્યો કે, એવા સમાચાર અને ઘટના લખતી વખતે સ્વર્ગલોકમાંથી કોઈ વિશેષ પરી આવશે, જે અમારા તમામ તરંગોને આબરા કા ડાબરા કરીને સાચા બનાવી દેશે અને પછી આપણે એય લહેરથી સમાચારો લખશું અને લહેરથી આખું વર્ષ જીવીશું પણ.
આપણે જો એ પૂર્તિના તંત્રી હોઈએ તો પૂર્તિનું નામ સાવ ચીલાચાલું 'વેલકમ 2016' જ રાખીએ. કારણ કે એક તો આજકાલ ચીલાચાલુંનો ટ્રેન્ડ પણ જોરમાં છે અને જો નામ વિચારવાની પળોપણમાં પડવા ગયા તો અન્ય પત્રકારોની જેમ નામ વિચારતા જ રહી જઈશું અને પૂર્તિ ત્યાંની ત્યાં જ રહી જશે. જાન્યુઆરીથી શરૂ કરીએ તો સૌથી પહેલા ન્યૂઝ હું એમ લખું, ' વર્ષ 2016ની ધમાકેદાર શરૂઆતઃ દુનિયાભરમાંથી ગરીબાઈ દૂર થઈ અને પ્રત્યેક જણ જીવનની પ્રાથમિક જરૂરિયાત પામ્યો.' દુનિયાનો દરેક માણસ પૂરતો ખોરાક પામે અને એનું પેટ ભરાય તો માણસનું મોટાભાગનું દુખ અમસ્તુંય વરાળ થઈને ઉડી જાય. મૂળ જફા જ પેટની છે અને પેટ જ ભરાયેલું હોય તો માણસ નાની નાની વાતોએ જૂઠાણાં નહીં ચલાવે કે ન તો એ નાનીમોટી ચોરીઓ કરે. પેલી પરી વધારે વાંધા વચકા કાઢ્યાં વિના આ સમાચાર પર તરત આબરા કા ડાબરા કરી દે તો સારું!
ત્યાર પછી એકાદ સમાચાર એવા લખું, 'અહો આશ્ચર્યમ! 2016માં દુનિયા આખીમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુનો એક પણ કેસ નહીં નોંધાયો!' આ સમાચાર પણ સાચા ઠરે તો કેટલું સારું? રોજ સાંજ ઢળ્યે ઘરનું માણસ વિના કોઈ વિઘ્ને ઘરે આવી જાય એને કોઈ ઘાત નહીં નડે. વળી, એકાદ સમાચાર એવા પણ લખું કે, 'એપ્રિલ મહિનામાં અબુ બકર બગદાદીએ ISનું વિલીનીકરણ કર્યું અને દુનિયાભરમાં શાંતિ સ્થપાય એ માટેના નક્કર કાર્યો હાથ ધર્યા' આવું કંઈક થાય તો કેટલાય નિર્દોષ જીવો બચી જાય અને અને દુનિયા અત્યંત હસીન થઈ જાય અને ન તો ક્યાંય ક્લેશ હોય કે ન ક્યાંય હોય ક્લાન્તિ, બસ સર્વત્ર હોય શાંતિ! આ જ મહિનાની ઘટનામાં સિરીયામાં પણ શાંતિ સ્થપાયાના સમાચાર લખી દઉં, જેથી ન તો કોઈએ ત્યાંથી હિજરત કરવી પડે કે ન કોઈએ સતત મોતના સાયા હેઠળ જીવવું પડે. આ સમાચાર કદાચ પેલા બાળકને ખરી શ્રદ્ધાંજલિ હશે, જે બાળક હિજરત કરતી વખતે દરિયા કિનારે મૃત હાલતમાં મળી આવ્યું હતું.
એવામાં વચ્ચે વચ્ચે સપ્રમાણ વરસાદ, યોગ્ય ખેતી, સર્વધર્મ સમભાવ અને પ્રેમ સૌહાર્દના સમાચારોનો મારો ચલાવું. સંપાદક તરીકે અમને અવઢવ થઈ જવી જોઈએ કે, 'હારુ, આ સમાચાર લઉં કે પેલા? આનું વધારે મહત્ત્વ છે કે પેલા સમાચાર મહત્ત્વના છે?' ઓગસ્ટનો મહિનો માત્રને માત્ર ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશની ખબરો વડે ભરયેલો હોય, જેમાં ભારત- પાકિસ્તાન વચ્ચેના શાંતિપૂર્ણ સંબંધ, સરહદ પર સિઝ ફાયરનું નહીંવત ઉલ્લંઘન જેવા સમાચારો હોય. ત્રણેય દેશો આમ ભલે રાજકીય રીતે જુદા હોય પરંતુ સાંસ્કૃતિક રીતે આપણી અખંડિતતા જળવાયેલી રહે. અને સમગ્ર ઉપમહાદ્વિપમાં, જેણે જ્યાં જવું હોય ત્યાં બેરોકટોક હરી ફરી શકે. કોલકાતામાં બેસેલા માણસને ઢાંકે ફરવા જવાનું મન થાય તો એ ઢાંકા જઈ આવે અને લખનૌમાં બેઠેલા કોઈને લાહૌર જવાનું મન થાય તો લાહૌર આંટો મારી આવે!
આમને આમ આખું વર્ષ પસાર થાય અને આખરી મહિનો ડિસેમ્બર આવી જાય. એ મહિનાની છેલ્લી કેટલીક ઘટનાઓ આલેખીને મારે અંક પૂરો કરવાનો આવે અને છેલ્લા સમાચાર હું એ જ લખું કે, 'ભારત સહિત દુનિયાભરમાં વર્ષ દરમિયાન બળાત્કાર, છેડતી કે સ્ત્રીઓ પર અત્યારનો એક પણ કિસ્સો નહીં નોંધાયો.' નિર્ભયાની ઘટનાના આ મહિનામાં જ્યારે આ સમાચાર લખાશે ત્યારે નિર્ભયા જ નહીં, દુનિયાભરની તમમ પીડિતાઓને ન્યાય મળશે અને દુનિયામાં જીવતી તમામ બહેનો, માતાઓને સંપાદક તરીકે મારી એક ગર્વિષ્ઠ ભેટ હશે.
અમારા આવા સમાચારો વાંચીને હવે તો તમે એક વાતે તો શ્યોર થઈ જ ગયા હશો કે, આ ભાઈ ખરે જ શેખચલ્લીના સીધી લીટીના વારસદાર છે. પરંતુ અમે ખૂલ્લી આંખે કરેલી આ કલ્પનાઓનો એકાદ અંશ પણ સાચો ઠરે તો દુનિયા ખૂબ સુંદર થઈ જશે. અમારે તો એ જ જોઈએ છીએ. એવું જો કંઈક થાય તો અમે પાગલ ઠરવા પણ તૈયાર છીએ. તમને પણ આવી પાગલપંતી કરવી હોય તો બોલો. ભેગા મળીને આ ગાંડપણ કરવામાં આપણું યોગદાન આપીએ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર