મને મારી મા જેવું નથી થવું

14 May, 2017
04:00 AM

બ્રિન્દા ઠક્કર

PC: pinimg.com

થોડા સમય પહેલા આવું એક નાટક ભજવાયેલું અમદાવાદમાં. મને આ શબ્દો અને તેમાં રહેલી પીડા, તુમાખી અને લાચારી સ્પર્શી ગઈ.

મા એટલે પ્રેમનો દરિયો ને મા એટલે ગળ્યો સંસાર... આ બધું જ બરાબર છે. વર્ષોથી કહેવાય છે ને સત્ય પણ છે. પરન્તુ મારી વાત જરા જુદી છે. અથવા જુદી રીતે કહેવી છે.

મારી મા એ આખી જિંદગી જે કંઈપણ સહન કર્યું છે ચુપચાપ, એ હું નહીં કરું. મારી મા એ જાત ઘસી નાખીને પોતાને અવગણ્યા કરી છે બીજાની ખુશીઓ માટે, એ હું નહીં કરું. મારી મા સત્ય બોલતા બોલતા ક્યારેક ખરી પડી છે, હું નહીં પડું.

તદ્દન વિરુદ્ધ વાતાવરણમાંથી પસાર થઈને, સંબંધો પ્રત્યે વફાદાર રહીને મારી માએ રોજ પોતાની જાત પ્રત્યે બેવફાઈ કરી છે, હું નહીં કરું.

દયાળુ, માયાળુ અને ધર્મ-પરાયણતાને જીવતી મારી મા.. પોતાના અંગત શોખની બલી ચડાવીને હસતા મોઢે રામાયણ વાંચી શકે છે, હું નહીં કરી શકું. 

-------------------------------------

એક જવાબદારી હોય છે મા પર. એ ફક્ત એક બાળકને જન્મ નથી આપતી, દેશના એક નાગરિકને જન્મ આપે છે. એના સંસ્કાર, એની નીતિ, એની બોલી, એના કાર્યો અને એના વિચારોથી એક નાગરિકનું ઘડતર થતું હોય છે.

મા જે ભાષા બોલે છે એ માતૃભાષા. બાળક એ માતાની કર્મભૂમિ છે. અને મા એ બાળક પાછળ આપેલો સમય એ જગતનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે.

ક્યારેક રાત્રે અમંગળ સપનું જોઈને જે ખાલી ચડી જાય છે, એને મા ની હૂંફ ઉતારી શકે છે. કોઈ બાળક માટે જયારે 'નમાયો' શબ્દ સાંભળીએ છીએ ત્યારે પેટમાં શેરડો પડે છે. ભૂખ માટે તરફડતા બાળક પાસે લાચાર બાપને જોઈને જગત નિયંતાને પણ ફાળ પડતી હશે કે મેં આ શું કરી નાખ્યું? એક મા ક્યારેય પોતાના બાળકને ભૂખ્યું સુવા દેતી નથી, કુદરતે એટલી તાકાત એના હૃદયમાં આપી છે.

દીકરીના લગ્ન વખતે હૈયાફાટ રુદન કરતી માનાં ધબકારા ક્યારેય માપ્યા છે? બાપ મૂંગી સંવેદના છે, ને મા સતત વહેતો સ્નેહનો સાગર.

માની આંખડી ઠારવાનું સદભાગ્ય દરેકના નસીબમાં નથી હોતું. પણ જો તમારી પાસે મા હોય ને, તો એને તૃપ્ત કરી લેજો.. કારણકે જેની પાસે 'મા' શબ્દ સાંભળનાર ને દોડી આવનાર અસ્તિત્વ નથીને.. એણે ધબકતા રહેવાનું કારણ સતત શોધતા રહેવું પડે છે!

સત્ય, પ્રેમ અને કરુણાને લોહીમાં જ સીંચીને મમ્મીએ મને મોટી કરી છે. તો હું એને એક નાનકડી ભેટ ન આપી શકું?

એક સફેદ કવર લઈને એમાં લાલ રંગથી મારે લખવું છે મોટા અક્ષરે..

"તારી બધીયે વાત સાચી મા, 

પણ 

તારા ગમતા ગીતની છેલ્લી લીટી તને યાદ છે હવે?"

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.