હું ઝાકીયા જાફરી...
હું ઝાકીયા અહેસાન જાફરી. મને અલ્લાહમાં જેટલી શ્રદ્ધા છે એટલી જ શ્રદ્ધા ભારત દેશના બંધારણ અને એના ન્યાયતંત્રમાં છે. જો ન્યાયતંત્રમાં વિશ્વાસ ન હોત તો શું મેં ક્યારેય ન્યાય માટે અદાલતના દરવાજા ખટખટાવ્યા હોત ખરા? હજુ થોડા દિવસો પહેલા જ અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ગુલબર્ગ કાંડ વિશે ચૌદ વર્ષે ચૂકાદો આપ્યો. નામદાર કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, વર્ષ 2002ની 28મી ફેબ્રુઆરીએ થયેલો ગુલબર્ગ હત્યાકાંડ કાવતરું નહોતું અને આ સાથે જ કોર્ટે 24 આરોપીને કસૂરવાર ઠેરવી એમને સજા ફરમાવી હતી. નામદાર કોર્ટના આ ચુકાદાથી મને થોડો અસંતોષ છે અને દેશના બંધારણ મુજબ મને ઉપલી અદાલતમાં જવાનો અધિકાર છે એટલે હું ઉપલી અદાલતમાં જઈશ અને ત્યાં ન્યાય માટેની અરજ કરીશ. પણ ત્યાં સુધી આપણે બધાએ એ માનવું જ રહ્યું કે, ગુલબર્ગ કાંડ એ પૂર્વયોજિત કાવતરું નહોતું અને માત્ર 24 જ લોકો અચાનક થઈ ગયેલી અથડામણમાં સંડોવાયેલા છે!
ખૈર, મારે તો આજે 28 ફેબ્રુઆરી 2002ના રોજ મેં જોયેલા ઘટનાક્રમની વાત કરવી છે, જે દિવસે મારા ઘરમાં, ઘરના આંગણમાં અને ઘરની આસપાસ લોહીની હોળી રમાયેલી. મારા ઘરમાં રમાયેલી એ હોળી પૂર્વયોજિત કાવતરું નહોતું એ ભલે સ્વીકારી લઈએ પણ 28 ફેબ્રુઆરી 2002ના દિવસે મારા ઘરમાં હત્યાકાંડ જ નહોતો થયો એવું કોઈ કહી કે સ્વીકારી નથી શકવાનું. આગલા દિવસે ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં બિલકુલ આવો જ હત્યાકાંડ થયેલો. ગોધરાકાંડની ઘટનાની જાણ થઈ પછી મારા પતિ અને અમદાવાદના પૂર્વ સાંસદ અહેસાન જાફરી અત્યંત ખળભળી ગયેલા. આખરે એક માણસ બીજા માણસના લોહીનો તરસ્યો શું કામ થતો હશે? અનેક નિર્દોષોના મોતથી હેરાન બનેલા જાફરી સાહેબને બીજી એક ચિંતા એ સતાવતી હતી કે, ક્યાંક ગુજરાતનું વાતાવરણ તંગ ન બની જાય! આખરે ગુજરાત રાજ્ય અને અમારું અમદાવાદ શહેર અનેક વાર કોમી બાબતોને લઈને ભડકે બળ્યું હતું અને આ વખતની ઘટના કંઈ નાનીસૂની નહોતી.
જાફરી સાહેબ તો 28મી ફેબ્રુઆરીએ સુરત જવાના હતા. અમારા દીકરા તનવીરની દીકરીનો ભરતનાટ્યમનો બે દિવસનો કાર્યક્રમ હતો. 27 મીએ જાફરી સાહેબ સુરત નહોતા જઈ શક્યા, પણ લાડકી દીકરી વારંવાર ફોન કરીને દાદાને એના કાર્યક્રમમાં હાજર રહેવા કહેતી હતી એટલે 28મીએ સુરત જવું જ છે એવું જાફરી સાહેબે નક્કી કર્યું હતું. એટલામાં તો 27 ફેબ્રુઆરીએ સાબરમતી એક્સપ્રેસની ગોઝારી ઘટના બની અને એ દિવસે બપોરથી જ અમદાવાદ શહેરનું વાતાવરણ ગરમ થવા માંડ્યું. તંગદિલીને ધ્યાનમાં રાખીને બીજા દિવસે એટલે કે, 28મી ફેબ્રુઆરીએ સમગ્ર શહેરમાં સજ્જડ બંધનું એલાન કરાયું હતું. જાફરી સાહેબ ગુલબર્ગ સોસાયટીના ચેરમેન હતા એટલે એમણે 27 મીની સાંજે જ સોસાયટીના લોકોને કહી દીધું હતું કે, આવતીકાલે બંધનું એલાન કર્યું છે એટલે કોઈએ દુકાનો ખોલવી નહીં કે કામ-ધંધા માટે ઘરની બહાર નીકળવું નહીં.
પણ, બીજા દિવસની સવાર થઈ અને હજુ તો પહો જ ફાટી હશે ત્યારે અમારા ધ્યાનમાં આવ્યું કે, ગુલબર્ગ સોસાયટીની બહાર લોકોના ટોળેટોળા ભેગા થઈ રહ્યા હતા. પૂર્વયોજિત કાવતરું નહોતું તોય કોણ જાણે કેમ ધીરે-ધીરે ટોળાની સંખ્યા વધતી જ જતી હતી. આખરે ક્યાંથી આવી રહ્યા હતા એ ટોળા? ટોળાને બ્રહ્મજ્ઞાન લાધ્યું હતું કે, ચાલો ગુલબર્ગ સોસાયટીની બહાર એકત્રિત થઈ જઈએ? ટોળાની સંખ્યામાં થતો વધારો જોઈને સવારના છ-સાડા છ વાગ્યાથી જ સોસાયટીના લોકો અમારે ત્યાં ભેગા થઈ રહ્યા હતા. કશુંક અઘટિત બનવાની આશંકા સૌને હતી અને સૌને એવી આશા હતી કે, જાફરી સાહેબ અમને કશું નહીં થવા દે.
સ્થિતિની ગંભીરતા જોઈને જાફરી સાહેબે ગાંધીનગરથી લઈ દિલ્હી સુધી ફોનનું ચકરડું ઘુમાવવાનું શરૂ કર્યું. શહેરના કમિશનરની સાથોસાથ મુખ્યમંત્રીની ઑફિસ અને છેક દિલ્હીમાં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈ સુધી ફોન થયાં. ક્યાંકથી અમને ધરપત મળી કે, તમે ઘબરાઓ નહીં મદદ આવી પહોંચશે. કોઇકે વળી એમ પણ કહ્યું કે, ચિંતા નહીં કરો, કશું નહીં થાય! પણ સોસાયટીની બહારનો ગરમાવો વધતો જ જતો હતો.
સવારે સાતેક વાગ્યા હશે કે, પથ્થરમારો અને આગચંપી શરૂ થઈ અને સોસાયટીના અનેક ઘરો ભડકે બળવા માંડ્યાં. પૂર્વયોજિત કાવતરું નહોતું તોયે કોણ જાણે એ ટોળા પાસે પેટ્રોલ, કેરોસીનના કેરબા ક્યાંથી આવ્યા? એટલું જ નહીં ટોળાના હાથમાં મોટા-મોટા છરા અને ત્રિશૂલ પણ હતા. સળગાવવાનો અને મારવાનો આટલો બધો સામાન એકત્રિત કરવાનો ટોળાને સમય ક્યારે મળ્યો હશે? અને કયા આશય સાથે એ સામાન એકત્રિત કરવામાં આવ્યો હશે? આખરે એ કાવતરું તો નહોતું જ ને?
આઠેક વાગ્યા હશે ત્યાં સુધીમાં આખી સોસાયટીમાં હાહાકાર મચી ગયેલો. પથ્થરમારા, આગચંપી અને હથિયાર સાથેની મારામારીમાં કેટલાય લોકોના ઢીમ ઢાળી દેવાયેલા. સોસાયટીના રસ્તા પર અને રસ્તાની બંને બાજુ લાશો પડી હતી અને ગુલબર્ગની આજુબાજુની સોસાયટી-મકાનોના માણસો આ આખો ખેલ જોઈ રહ્યા હતા. શહેરમાં તો બંધનું એલાન હતું પણ એ બંધનું એલાન ટોળા માટે તો નહોતું જ. બંધનું એલાન કદાચ પોલીસ માટે હતું, કારણ કે હજારોનું ટોળું હથિયાર સાથે શહેરમાં ફરતું હોય અને કલાકોથી જ્યાં ટોળાએ તંબૂ બાંધ્યા હોય ત્યાં પોલીસની ફોજ ખડકાઈ જવી જોઈએ, પણ અમને પૂરતી મદદ નહોતી પહોંચી.
સવારે નવેક વાગ્યે કમિશનર એમની વાનમાં ગુલબર્ગ સોસાયટી પહોંચ્યા. તેઓ સોસાયટીની અંદર નહોતા આવ્યા અને જાફરી સાહેબને જ બહાર મળવા બોલાવ્યા. જાફરી સાહેબ બહાર ગયા ત્યારે એમણે કહ્યું, 'અમે તમને લેવા આવ્યા છીએ. અમારી સાથે ગાડીમાં ચાલો.' પણ જાફરી સાહેબે એમને ઘસીને ના પાડી કે, 'અહીંની સ્થિતિ આટલી ખરાબ છે ત્યાં હું ક્યાં તમારી સાથે આવવાનો? પણ તમે જલદીથી બે-ત્રણ મોટી વાનનો બંદોબસ્ત કરો, જેથી સોસાયટીના તમામ લોકોને અહીંથી ક્યાંક બીજે ખસેડી શકાય અને બધાને અહીંથી સલામત સ્થળે ખસેડવામાં આવશે તો જ હું અને મારી પત્ની પણ તમારી સાથે આવીશું.' પાંડે સાહેબે કહ્યું, 'ઠીક છે. હું બંદોબસ્ત કરું છું.' અને તેઓ ઘટનાસ્થળેથી નીકળી ગયા. પોલીસ કમિશનર ત્યાંથી ગયા એટલે ટોળું પહેલા કરતા વધુ બેકાબૂ બની ગયું. ટોળાને પણ થયું હશે હવે અમને કોણ રોકવાનું? ટોળાની હરકત વધતા જાફરી સાહેબ ફરી દોડીને ઘરમાં ઘૂસી ગયા અને દરવાજા ચપોચપ ભીડી દીધા. ઘરની અંદર એટલા બધા લોકો હતા કે લોકો ઊભા પણ રહી નહોતો શકતા! મારા બંને પગનું ઓપરેશન થયું એટલે મારાથી ઊભા રહી શકાય એમ નહોતું એટલે જાફરી સાહેબે બે-ત્રણ બહેનો સાથે મને ઉપર મોકલી આપી અને હું ઘૂંટણિયે બેસીને ઉપરની બારીમાંથી આખો તમાશો જોતી હતી.
એ દિવસે મેં માણસની હેવાનિયતની ચરમસીમા જોઈ હતી. નીચે જ્યાં જોઉં ત્યાં ટોળાનો આતંક હતો અને આજુબાજુ સર્વત્ર સળગતા ઘરો, સળગતા ટાયરો અને માણસોની લાશો માણસાઈના મરણનું રુદન કરી રહ્યા હતા. ટોળામાંના કેટલાક લોકો સ્ત્રીઓને પકડીને એમના શિયળ લૂંટી રહ્યા હતા. સ્ત્રીઓના એ કલ્પાંત, લોકોની એ ચીચયારી, એ સહિયારો આક્રંદ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. હું ઉપરથી ટોળાને હાથ જોડીને કહી રહી હતી કે, 'ખુદાને ખાતર આ બધું બંધ કરો. શું કામ આ કત્લેઆમ કરી રહ્યા છો?' પણ ટોળાને માથે એ દિવસે ભૂત સવાર થયેલું એટલે ટોળું કોઇની વાત સાંભળતું નહોતું. કોઇકે નીચેથી ઉપર કાંકરા ફેંક્યા અને મારા હાથ અને પેટનો ભાગ એમાં દાઝી ગયો. દાઝી જવાને કારણે શરીરમાં દર્દ તો ભયંકર થયું પણ મેડિકલ સેવા ઉપલબ્ધ કોણ કરાવે? હું એમ જ સમસમીને બેસી રહી. બીજો કોઈ ઉપાય પણ ક્યાં હતો?
ઘરમાં નીચે એકત્રિત થયેલા લોકોમાંના પણ કેટલાક ઘવાયેલા હતા, જેઓ પાણી માટે કરગરી રહ્યા હતા. પણ સવારથી આટલા બધા માણસો ભેગા થવાને કારણે ઘરમાં પાણીનું એક ટીપું યે બચ્યું નહોતું. પીવાનું પાણી તો ઠીક અમારી આંખોના પાણીય હવે તો ખૂટવા આવ્યા હતા. આક્રંદ કરી કરીને થાકી રહ્યા હતા અમે સૌ! કલાકોથી ચાલી રહેલા મૌતના ખેલને જોઈ-જોઈને કદાચ આદી થવા માંડ્યા હતા અમે એ અત્યાચારના!
અમારા ઘરની સામેનું ઘર હતું ફરહાનનું(નામ બદલ્યું છે). ફરહાનના ઘરમાં જ્યારે ટોળું ઘૂસી ગયું ત્યારે ફરહાન તો ઘરમાંથી ભાગી છૂટીને બાજુના મકાનની ઉપર ચઢી ગયો, પણ એની મા અને બહેન ભાગી છૂટવામાં નિષ્ફળ રહ્યા. ફરહાને એમને પણ એની સાથે લેવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ એની મા અને બહેન ભાગવામાં બધી રીતે અસફળ રહ્યા. બસ, પછી શું? ટોળાએ એ બંને પર હુમલો કર્યો અને ઈતિહાસમાં સ્ત્રીઓ સાથે જે થતું આવ્યું છે એ બધુ જ થયું. ફરહાનની મા કહેતી રહી કે, 'દીકરાઓ હું તો તમારી મા જેવી છું... ખુદાને ખાતર આવું ન કરો...' પણ ટોળું તો એમની માણસાઈ વેચીને ગુલબર્ગ સોસાયટીમાં ઘુસેલું એટલે ફરહાનની માની વાત સાંભળે કોણ? સૌથી દુખની વાત તો એ હતી કે, ફરહાન પોતે એને માથે હાથ દઈને આ બધું જોતો હતો અને આક્રંદ કરતો હતો! પણ એ ટોળા પાસે જાય કઈ રીતે? ટોળા પાસે પહોંચવાનો એક જ અંજામ હતો અને એ અંજામ એટલે મૌત! આવી તો કેટલીય ઘટના એ દિવસે બનતી રહી, પણ કોણ જાણે કેમ એ દિવસે ટોળાને કોઇ રોકવાવાળું કેમ નહોતું?
બપોરના ત્રણેક વાગ્યા હશે ત્યાં અમારા ઘરની બહાર બે-ત્રણ યુવતીઓનો ટોળાએ ઘેરો ઘાલ્યો અને એ યુવતીઓની ઈજ્જત લૂંટાવાનું શરૂ થયું. બિચારી યુવતીઓના માતા-પિતા પણ ન હતા અને તેઓ અમારા ઘરે આશરો લેવા આવી રહી હતી. પણ ઘરની અંદર ઘૂસી શકે એ પહેલા જ ટોળાએ એમને ઝાલી લીધી. જાફરી સાહેબ અંદરથી આ ખેલ જોઈ રહ્યા હતા અને બંને હાથ જોડીને કરગરી રહ્યા હતા કે, 'આ દીકરીઓને છોડી દો. એમને શું કામ પરેશાન કરો છો? તમને જે જોઈએ તે આપવા હું તૈયાર છું, પણ આ દીકરીઓને છોડી દો.' ટોળામાંના કોઈકે જાફરી સાહેબ પાસે પૈસાની માગ કરી, એટલે જાફરી સાહેબ ઘરમાં હતા એટલા પૈસા લઈને દરવાજાની જાળી પાસે પહોંચ્યા. ટોળામાંના જ કોઈકે કહ્યું કે, તમે બહાર આવીને પૈસા આપો અને પેલી યુવતીઓને કારણે જાફરી સાહેબ બહાર આવ્યા અને બધો ખેલ પૂરો થઈ ગયો. હું બધુ ઉપરથી જોતી રહી અને થોડી જ પળોમાં તો જાફરી સાહેબ હતા ન હતા થઈ ગયા. અમારા ઘરને પણ આગ ચાંપી દેવાઈ અને અમે ઘરમાં અનેક લોકો ગૂંગળાઈને કે દાઝીને મૃત્યુ પામ્યા.
સાંજના સાતેક વાગ્યા હશે ત્યાં પોલીસ આવી પહોંચી. ટોળું ધીમે-ધીમે વિખેરાવા માંડ્યું અને અમને સૌને નીચે ભેગા કરવામાં આવ્યા. હું નીચે ઉતરી ત્યારે લાશોના ઢગમાંથી મારે રસ્તો કરવો પડેલો અને પોલીસની વાન પાસે પહોંચી ત્યારે હું ઢગલો થઈને બેસી પડી. શક્તિ જ નહોતી બચી મારામાં. મારી બે આંખોએ આખા દિવસમાં જે જોયું હતું એ અવર્ણનિય હતું. આખો હત્યાકાંડ તો મેં જોયેલો જ પણ મારી આંખો આગળ મેં મારા પતિને મરતા જોયા હતા. ત્યાંથી અમને સૌને પોલીસ સ્ટેશન લઈ જવાયા અને પછી કોઇ હિન્દુ દીકરાઓ મને ગાંધીનગર મારા સંબંધીને ત્યાં મૂકી આવ્યા. મીડિયાને પણ ક્યાંથી ખબર પડી કે, હું ત્યાં છું, પણ રાત સુધીમાં તો હું માઈક અને કૅમેરાથી ઘેરાઈ અને સાથે જ મને પૂછાયા અનેક સવાલો, જે સવાલોના જવાબો હું આજેય નથી મેળવી શકી. હું એટલા બધા માણસોથી ઘેરાયેલી હતી કે, એ રાતે હું ઉંઘી તો નહોતી જ શકી, પણ મારા પતિની મૌત પર માતમ પણ નહોતી કરી શકી. બધુ જ બદલાઈ ગયું હતું એ દિવસથી.... જિંદગી જાણે પાટા પરથી ઉતરી પડી હતી...
એ ઘટના પછી આજ સુધી મેં ટોળાની જાતિ કે ટોળાનો ધર્મ જાણવાનો પ્રયત્ન નથી કર્યો કે નથી તો કોઇ ચોક્કસ ધર્મ કે જ્ઞાતિ પર આરોપ મૂક્યો. ટોળાનો એક જ ધર્મ હોય છે અને એ ધર્મ હોય છે કત્લેઆમનો, જે કત્લેઆમ મેં નરી આંખે નીહાળી હતી. ઘણા લોકો એ ઘટનાને રિએક્શન કહે છે. એવું હોઈ પણ શકે છે. પણ કોઇની એક્શનનું રિએક્શન અમારા પર કેમ? શું આને જ ન્યાય કહેવાતો હશે?અને જો આમ જ આપણે રિએક્શન આપતા રહીશું તો જેમ મેં વેઠ્યું છે એમ મારા જેવી અનેક સ્ત્રીઓએ વેઠવું પડશે, પછી એ કોઈ પણ મઝહબની હોય! આ રીતે વેઠતા રહેવું કેટલું યોગ્ય હોય? આપણે એમ કેમ નથી વિચારતા કે, જ્યારે પણ એક્શન અને રિએક્શનની પ્રક્રિયા થાય છે ત્યારે નથી તો હિન્દુ મરતો કે નથી મરતો મુસલમાન, ખ્રિસ્તી કે શીખ. જે મરે છે એ માણસ મરે છે, પણ સમાજ તરીકે આપણે માણસને માણસ તરીકે કદી જોઈ જ નથી શક્યા. આપણે બસ ટીલાં જોયા, ટપકાં જોયા અને ટોપી અને દાઢી જોઈ. યાદ રહે કે, જ્યારે જ્યારે આ એક્શન-રિએક્શનના થપ્પાદાવ રમાયા છે ત્યારે વિધ્વંસ જ થયો છે. એક્શન-રિએક્શનની પ્રક્રિયા પછી જો કોઇ નક્કર પરિણામ આવતું હોય તો મને સ્વીકાર્ય છે એ થપ્પાદાવ. પણ અહીં તો આપણી અંદરનું ઝેર વધી રહ્યું છે... આપણું વૈમનસ્ય વધી રહ્યું છે અને આ વૈમનસ્યને કારણે સમાજ તરીકે આપણે પાંગળાં થઈ રહ્યા છે, જેનો લાભ કોઈ બીજા લઈ રહ્યા છે. આપણે એ કેમ ભૂલી રહ્યા છીએ કે, આપણા લોહી રેડાય છે એમાં અન્ય લોકો સત્તા સુધી પહોંચી રહ્યા છે અથવા સત્તા સિવાયના અન્ય કોઇ લાભ ચાટી રહ્યા છે. સદીઓ સુધી આ થપ્પાદાવ રમ્યાં પછી આપણે શું મેળવ્યું? આપસી તણાવ જ ને? એકબીજા પ્રત્યેનો ધિક્કાર જ નેે? આવનારી સદીઓમાં પણ આપણે આ જ રમવી છે? જૂજ બળવાન લોકોની સત્તા ટકેલી રહે એ માટે આપણે આ રીતે જ લોહીના ખાબોચિયાં ભરતા રહેવાનું છે?
ના હરગિસ નહીં. હવે પછીના વર્ષોમાં આપણે આ રીતે નથી જ જીવવું. આપણા સૌનો પહેરવેશ અને ખોરાક જુદો હોઈ શકે છે, પણ વિધ્વંસ વખતે જ્યારે પણ આપણા જે લોહી વહ્યાં છે એ લોહીનો રંગ તો હંમેશાં લાલ જ જોવા મળ્યો છે. તો પછી આ વૈમનસ્ય કેમ? આપણે જો આ બધુ ભૂલીશું નહીં અને, 'તમે પહેલા આમ કરેલું... અને પેલાએ ફલાણે વર્ષે તેમ કરેલું...' એ યાદ રાખીને થપ્પાદાવ રમતા રહીશું તો માત્ર લોહી જ વહેવાનું છે અને કોઈ ઉકેલ આવવાનો નથી. આપણે એ પ્રથા તોડવાની છે. કોઈના સ્વાર્થ માટે આપણે આપણું લોહી શું કામ વહેડાવીએ? મારી આંખે જોયેલી આ દાસ્તાન મેં એક માણસ તરીકે લખી છે... માણસો માટે લખી છે... જેથી હવે પછી માણસોના લોહી નહીં રેડાય...
(ઝાકીયા જાફરી સાથે થયેલી વાતચીત પરથી)
(શબ્દાંકનઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર