મારી સલાહ એ જ કે, કોઈની સલાહ માનવી નહીં
પ્રશ્નઃ તમારા લેખોમાં લાઘવ નથી. તમને ટૂંકુ લખતા ફાવતું નથી કે એક જ લેખમાં ઘણી બધી માહિતી આપી દેવાનો લોભ ટાળી શકવાના નથી?
ઉત્તરઃ હા, એ વાત સાચી કે એક લેખમાં ઘણી બધી વાતો કહેવાનો લોભ છૂટતો નથી. પરંતુ એવું પણ નથી કે, મને ટૂંકુ લખતા આવડતું નથી. ‘ગુજરાત સમાચાર’ કરતા મારી ‘અભિયાન’ની કૉલમ ટૂંકી હતી અને ‘મિડ ડે’ની કૉલમ તો એનાથીય ટૂંકી હતી. ફેસબુક પર પણ દર વખતે એવું નથી બનતું કે, મારા સ્ટેટ્સ લાંબા જ હોય. કેટલીય વખત એવું બન્યું છે કે, મેં માત્ર બે શબ્દોમાં ફિલ્મનો રિવ્યુ લખ્યો હોય!
પ્રોફેશનલ દૃષ્ટિએ જોઈએ તો કોઈ પણ પ્રોફેશનલ લેખક એક જ લેખમાં દુનિયાભરની વાતો મૂકવા કરતા, જુદા જુદા ત્રણ લેખોમાં એ વાતો લખે. કારણ કે, એ લાંબુ લખે કે ટૂંકું લખે, એને એનું મહેનતાણું તો એ જ મળવાનું છે, જે નક્કી થયું હોય. તો પછી એક જ લેખમાં આટલી બધી વાતો સમાવી લેવાની જરૂર જ શું? પણ હું એવું માનું છું કે, બધી માહિતી એકસાથે આપી દેવાથી લેખની આર્કાઈવ્લ વેલ્યુ વધે છે અને લેખ પણ સંપૂર્ણ બને છે.
વાત નીકળી જ છે તો હું એ પણ કહીશ કે, પ્રચલિત માન્યતા ભલે એમ હોય કે, લોકોને લાંબુ ફાવતું નથી. પરંતુ દુનિયાની બ્લોકબસ્ટર ફિલ્મોની યાદી પર નજર નાખશો તો ખ્યાલ આવશે કે એ ફિલ્મોનું ડ્યુરેશન સામાન્ય ફિલ્મો કરતા વધુ હશે. ઉદારણ તરીકે ‘અવતાર’ અને ‘ટાઈટેનિક’ જેવી ફિલ્મો લઈ લ્યો કે પછી આપણે ત્યાંની ‘શોલે’થી લઈને ‘દિલવાલે દુલહનિયા લે જાયેંગે’ અને ‘પીકે’ અથવા ‘બજરંગી ભાઈજાન’ સુધીની ફિલ્મો લઈ લ્યો.
પ્રશ્નઃ તંત્રી તરફથી ક્યારેક કોઈ સુધારા કે સજેશન્સ આવ્યા હોય એવું બન્યું છે? એ સજેશન્સ સ્વીકારો છો ખરા?
ઉત્તરઃ તંત્રીઓ કે સહતંત્રીઓના સજેશન્સ આવ્યા હોય અને જો એ દમદાર હોય તો હું એને જરૂર જ સ્વીકારું. પ્રણવ અધ્યારુ(જાણીતા પત્રકાર- ફિલ્મ ક્રિટીક) જ્યારે ‘અભિયાન’માં હતા ત્યારે તેઓ છાશવારે મને ક્રિએટીવ સજેશન્સ આપતા રહેતા અને હું એમના સજેશન્સ મુજબ સુધારા પણ કરી આપતો. ‘ગુજરાત સમાચાર’માં પણ એક-બે વાર આવું બન્યું છે.
પ્રશ્નઃ એવો કોઈક વિષય છે ખરો, જેના પર તમે નહીં લખ્યું હોય?
ઉત્તરઃ મેં ભારતીય શાસ્ત્રીય રાગો અને ભારતીય શાસ્ત્રીય નૃત્યો પર નહીંવત લખ્યું છે એમ કહી શકાય. અલબત્ત, ક્યાંક આછડતો ઉલ્લેખ કર્યો હશે, પરંતુ આ વિષયો પર આખો લેખ નથી લખ્યો. છેલ્લા કેટલાક સમયથી મને એબસર્ડ કે સરરિયલ બાબતો પર લેખો લખવાની ઈચ્છા છે. એ પ્રકારની કળા કે પછી વાર્તા, કવિતા અથવા ફિલ્મો પર મારે સંપૂર્ણ લેખો લખવા છે. આ ઉપરાંત મેં ફાયનાન્સિયલ પોલીસીઝ પર પણ નથી લખ્યું.
પ્રશ્નઃ અત્યાર સુધીની જિંદગીમાં કશુંક નહીં કરી શક્યાનો વસવસો ખરો?
ઉત્તરઃ મારા જીવનમાં પણ વસવસા તો છે જ. એમાંનો એક વસવસો છે સ્પોર્ટ્સનો. ઘરે ભણવાને કારણે હું મેદાની રમતો નહીં રમી શક્યો, જેનો મને વસવસો ખરો. બીજું એ કે અત્યારે ભણતરમાં જેટલા વિકલ્પો વધી રહ્યા છે કે, જે દિશાઓ ખૂલી રહી છે એ વિકલ્પો મારા ભણતરના સમયે મને મળ્યાં હોત તો મેં ફિલ્મ મેકિંગ અથવા બીજું કંઈક ક્રિએટીવ શીખી લીધુ હોત, તો મારી સમજણો કોઈક બીજા સ્તરે,વધુ ખીલી હોત. શરૂઆતના તબક્કે જો અમુક આર્થિક મુશ્કેલી ન હોત તો પ્રવાસો અને પ્રેમ બંનેનો અનુભવ થોડો વહેલો લીધો હોત. આ ઉપરાંત ટફ બાઈકિંગ કે ડ્રાઈવિંગ નહીં શીખ્યાનોય વસવસો છે.
પ્રશ્નઃ તમે એક સમયે કેટલા પુસ્તકો વાંચો?
ઉત્તરઃ આજથી દસ-બાર વર્ષો પહેલા એકસાથે હું જેટલા પુસ્તકો વાંચતો એટલા પુસ્તકો હાલમાં નથી વંચાતા. કારણ કે, હવે પહેલા જેવી નિરાંત મળતી નથી. ત્યારે તો એવું બનતું કે હું પાંચેક પુસ્તકો એક સાથે વંચતો હોઉં. કોઈક પુસ્તક ઈતિહાસનું હોય તો, બીજું પુસ્તક નવલકથાનું હોય. તો ત્રીજું પુસ્તક લેખ સંગ્રહ હોય. આ પુસ્તકોની ભાષાઓ પણ જુદી જુદી રહેતી. કેટલાક પુસ્તકો તો એક જ બેઠકે પણ વાંચી જવાતા. પરંતુ સતત પ્રવાસોને કારણે હવે એક પુસ્તક વાંચવા માટે પણ વિશેષ રીતે સમય કાઢવો પડે છે.
પ્રશ્નઃ તમારે ક્યાં સુધી લખવું છે? જીવનના કોઈ તબક્કે લેખન છોડી દેવાનો વિચાર છે ખરો?
ઉત્તરઃ હા, ચોક્કસ એવી ઈચ્છા છે. કારણ કે એકને એક બાબતમાં બંધાઈ રહેવાની મારા જીવને આદત નથી. હજુ તો જિંદગી પૂરી થઈ જાય તોય નહીં જોઈ શકાય એટલી ફિલ્મો જોવાની બાકી છે. એટલા જ સ્થળો જોવાના બાકી છે અને એટલી જ વાનગીઓ ચાખવાની બાકી છે. એ બધા માટે સમય ફાળવવાનો છે. કાન્તિ ભટ્ટ કે બીજા કોઈ લેખકની જેમ હું એમ તો નહીં જ કહું કે, ‘હું નહીં લખું તો જીવી નહીં શકું!’ પરંતુ સ્થિતિ એ છે કે હાલના તબક્કે હું રિટાયર્ડમેન્ટ અફોર્ડ કરી શકું એમ નથી. એક દૃષ્ટિએ જોવા જઈએ તો હું નોકરી વગરનો માણસ છું. મારી પાસે નથી કોઈ પીએફ કે નથી કોઈ ગ્રેજ્યુએટી કે નથી કોઈ સિક્યુરિટી. બીજી તરફ મારે માથે જવાબદારીઓ છે અને મારા ખર્ચા પણ એટલા જ છે, જેટલા કોઈ સામાન્ય માણસને હોય. એટલે હાલના તબક્કે મારે મારા લેક્ચર્સ કે મારી કૉલમ્સ કોઈ પણ ભોગે ચાલુ રાખવાની છે.
પ્રશ્નઃ જય વસાવડાના પાંચ પ્રિય પુસ્તકો કયા?
ઉત્તરઃ
૧) લા મિઝરાબ (ગુજરાતી અનુવાદઃ દુખિયારા) (વિક્ટર હ્યુગો)
ર) મિસટિરિયસ આઈલેન્ડ (ગુજરાતી અનુવાદઃ સાહસિકોની સૃષ્ટિ) (જૂલે વર્ન)
૩) અમૃતકથા (રમલલાલ સોની)
૪) ઓશોનું ભારતઃ સુર્વણ કા પારખી થા કભી, આજ ભિખારી હૈ જગત કા
૫) ‘પ્રતિમાઓ’ અને ‘પલકારા’ (ઝવેરચંદ મેઘાણી)
પ્રશ્નઃ એ જ રીતે જય વસાવડાની પાંચ પ્રિય ફિલ્મો?
ઉત્તરઃ
૧) અમિતાભ બચ્ચનની 'અગ્નિપથ'
૨) 'ટાઈટેનિક'
૩) ઋષિકેશ મુખર્જીની 'સત્યકામ'
૪) સ્ટિવન સ્પિલબર્ગની ફિલ્મ 'હૂક'
૫) 'લગે રહો મુન્નાભાઈ'
નીચેની પાંચ બાબતો વિશે મને હંમેશાં એવું લાગ્યું છે કે, જેના માટે જયભાઈને સોફ્ટ કોર્નર રહ્યો છે. તો ચાલો જાણીએ, જયભાઈ આ પાંચ બાબતો માટે એક અક્ષરમાં શું જવાબ આપે છે.
૧) નરેન્દ્ર મોદી- કીમિયાગર
૨) અમિતાભ બચ્ચન- પૌરુષ
૩) મોરારી બાપુ- સમતા
૪) સ્પેક્ટ્રોમિટર અને અનાવૃત્ત- અભિવ્યક્તિ
૫) ગોંડલ- મૂળિયાં
નીચેના સવાલો થોડા વિચિત્ર લાગે એવા છે, પણ JVએ એમના જવાબો પણ બહુ સુંદર રીતે આપ્યાં છે.
પ્રશ્નઃ ધારો કે બરાક ઓબામા તમને વ્હાઈટ હાઉસમાં જમવા બોલાવે તો તમે એમના માટે ભેટમાં શું લઈ જાઓ?
ઉત્તરઃ એવું બને તો હું ઓબામા માટે ઈન્ડિયન ઈન્સ્ટ્રુમેન્ટ મ્યુઝિકની સીડી લઈ જાઉં તેમજ ઈન્ડિયન મોનસુનના ફોટોગ્રાફ્સનું એક આલબમ અને ગુજરાતી તેમજ બંગાળી વાનગીઓ લઈ જાઉં.
પ્રશ્નઃ ધારોકે જય વસાવડાને એક દિવસ માટે વડાપ્રધાન બનાવાય તો તમે એક દિવસમાં કયા કયા કામો કરો?
ઉત્તરઃ આહા! હું જો વડાપ્રધાન બનું તો સૌથી પહેલા તો હું અભિવ્યક્તિના માધ્યમો પરની સેન્સરશીપ હટાવી દઉં. આ ઉપરાંત શિક્ષણ પદ્ધતિમાં અભ્યાસક્રમો અને પરીક્ષા પદ્ધતિને જડમૂળમાંથી બદલી દઉં. આ ઉપરાંત કામગીરીને નામે આપણે ત્યાં જે ભાષણીયા કાર્યક્રમો થયાં કરે છે એના પર પ્રતિબંધ લાદી દઉં.
પ્રશ્નઃ જય વસાવડાના જીવનમાંથી પુસ્તકો, ફિલ્મો અને પ્રવાસો બાદ કરી દેવામાં આવે તો એમના જીવનમાં શું બચે?
ઉત્તરઃ મારા જીવનમાંથી આ ત્રણ બાબતોને બાદ કરી દેવામાં આવે તો સ્વાભાવિક રીતે જ જીવન બ્લેક એન્ડ વ્હાઈટ થઈ જાય. જોકે આ ત્રણ ઉપરાંત મારા જીવનમાં સંગીત અને સૌંદર્યનું પણ આગવું મહત્ત્વ છે, એટલે એ ત્રણની બાદબાકી થઈ જાય તો હું સંગીત અને સૌંદર્યની મજા માણું!
પ્રશ્નઃ ધારોકે જેકલીન ફર્નાન્ડિઝ તમને કહે કે, તમે મને એક દિવસ માટે ક્યાંક ફરવા લઈ જાઓ. તો તમે જેકલીનને ક્યાં લઈ જાઓ અને એની સાથે દિવસ કઈ રીતે પસાર કરો?
ઉત્તરઃ જો ધારવાનું જ હોય તો દિવસ નહીં પરંતુ રાત ગુજારવાની વાત હોવી જોઈએ! અને હું એને એવી જગ્યાએ લઈ જાઉં, જ્યાં વાતો ઓછી કરવાની હોય અને અમને જોવાવાળા ઓછા હોય, જેથી અમારે જે કંઈ કરવું હોય એ અમે શાંતિથી કરી શકીએ.
પ્રશ્નઃ જય વસાવડા જીવે છે. કારણ કે…?
ઉત્તરઃ કારણ કે… મને જીવન અત્યંત એક્સાઈટીંગ લાગ્યું છે. કારણ કે… મને જીવનમાં બહુ સારા માણસો મળ્યાં છે. કારણ કે... જીવનમાં મને ઘણી બધી અતૃપ્તિ છે, જેના કારણે મને જીવન હંમેશાં જીવવા જેવું લાગ્યું છે.
પ્રશ્નઃ નવી પેઢીના ઉગતા લેખકોને શું કહેવા માગશો?
ઉત્તરઃ નવી પેઢીના લેખકોને એટલું જ કહીશ કે, અભ્યાસ વિનાના અભિપ્રાયો ક્યારેય નહીં ચાલે. અને લેખકોની બાબતે તો આ જરાય નહીં ચાલે. એમણે પુષ્કળ અભ્યાસ કરવો જોઈએ. કોઈ પણ ઘટના કે બાબત પ્રત્યે તટસ્થતા રાખતા શીખવું જોઈએ. અને બીજાના પ્રભાવમાં નહીં તણાઈ જતાં એમની પોતાની અલાયદી શૈલી હોવી જોઈએ. અને યાર, સાચુ કહું ને તો, કોઈની સલાહ માનવી જ ન જોઈએ! મારી પણ નહીં. :p
(સમાપ્ત)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર