તર્ક સંગત ઉપચાર અને તબીબી જગતની પ્રમાણિકતા

06 Apr, 2016
12:00 AM

mamta ashok

PC:

છેલ્લાં કેટલાક વર્ષોથી વંચિત અને શોષિત આદિવાસી બાળકો સાથે મધ્યપ્રદેશમાં શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા પર કાર્ય કરું છું પરંતુ તે પહેલાં જે સંસ્થામાં છું ત્યાં જ સ્વાસ્થ્ય સંબંધી અનેક પ્રકલ્પો સાથે જોડાઈને કાર્ય કરવાનો અવસાર પ્રાપ્ત થયો હતો. તે દરમિયાન ઉપચાર, રોગો અને સરકારી તેમજ ખાનગી તબીબી સેવાઓને નજીકથી જોવાનો પણ અવસર મળતો હતો. તે અનુભવો પરથી જે વિચારો દ્વારા હું, આંદોલિત થતી હતી તે અહીં વહેંચવાનો પ્રયાસ છે.

તર્ક સંગત ઉપચાર શું છે?

તર્ક સંગત ઉપચારનો અર્થ છે એવી દવાઓનો ઉપયોગ, જે સુરક્ષિત, સસ્તી અને અસરકારક હોય તથા તેની લેવાની પદ્ધતિ સરળ હોય અને આ વાત માટે જરૂરી છે કે તબીબો પાસે પર્યાપ્ત જાણકારી અને જ્ઞાન હોય (અહીં એ માની લેવાની જરૂર નથી કે ગ્રામીણ ક્ષેત્રોમાં તબીબો પાસે ઓછી જાણકારી અને જ્ઞાન છે અને શહેરી ક્ષેત્રોના તબીબો ઉત્કૃષ્ટ હોય છે.) રોગનું ખરું નિદાન અને ઉપચાર માટેનું કૌશલ પણ તબીબ પાસે હોય, સાથે એક વાત આ પણ જરૂરી છે કે તબીબ પાસે પોતાનાં દર્દી માટે સમય અને હમદર્દીનો સંબંધ પણ હોય.

આ રીતે જોઈએ તો તર્કસંગત ઉપચાર એ તર્કસંગત સ્વાસ્થ્ય સેવા (સરકારી તેમજ ખાનગી (Private)નાં વ્યાપક મુદ્દાનું એક અંગ છે.

તર્ક સંગત સ્વાસ્થ્ય સેવાનો શું મતલબ છે?

તર્ક સંગત નિદાન અને ઉપચાર, નિદાન પ્રક્રિયાઓ, પ્રયોગશાળા તપાસ (Lab-test) એક્સ-રે, સોનોગ્રાફી, ICU Care જરૂરી અને તર્કસંગત હોય તો જ કરવામાં આવે, ન વધારે ન ઓછી! (પરંતુ બજારવાદના રાક્ષસના ખોળામાં તબીબી વ્યવસાય જેવું સેવાનું કાર્ય પણ બેસી ગયું હોવાથી તેમ થતું નથી.) તર્કસંગત ઉપચારમાં દવાઓનાં નિર્દેશ, માત્રા આદી સાથે પણ તાર્કિક દૃષ્ટિએ વિચાર કરવામાં આવવો જોઈએ. તબીબો દ્વારા દવાઓની કિંમતનું પૂરું ધ્યાન રાખવામાં આવે અને જરુરી અને ઉપયુક્ત હોય તો જ ખરી માત્રામાં અને જરુરી હોય તો જ દર્દીને આપવામાં આવે.

(1) એક વર્ષનું બાળક જેનું વજન તેની ઉંમરથી ઓછું છે, તેને ડૉક્ટરને બતાવવા તેનાં માતાપિતા બાહ્યરોગી વિભાગ (OPD)માં લાવ્યા છે. કારણ કે છોકરાંનું પેટ ઘણું મોટું દેખાય છે તે મુખ્ય લક્ષણ છે, આ કેસમાં સાફ દેખાય છે કે ગ્રામીણ ક્ષેત્રનું આ બાળક કુપોષણનું શિકાર છે, કુટુંબ ગરીબ છે, બાળકને માતાનું ધાવણ છોડાવી ઉપરનો આહાર આપવામાં આવી જ રહ્યો નથી. (હોય શકે આ વિશે માતાપિતા કંઈ જ જાણતાં ન હોય, અશિક્ષિત હોય) તો આવા બાળકને ઉપચાર શું આપવો જોઈએ? ખોરાક, આહાર સંબંધી તબીબી સલાહ અથવા આલ્કોહોલ આધારિત ટોનિક?

(2) બહુ જ વરસોથી ધૂમ્રપાન કરવાવાળી વ્યક્તિ સવાર સવારની ખાંસીની ફરિયાદ તબીબને કરે છે. તેને માત્ર ખાંસી જ આવે છે, શ્વાસ ભરાઈ આવતો નથી, શારીરિક તપાસમાં બધું જ સામાન્ય દેખાય છે, હવે આ દર્દી સાથે શું થવું જોઈએ. અનેક પ્રકારના ટેસ્ટ, T.B. ટેસ્ટ, ખાંસી બંધ થઈ જાય તે માટેની દવા કે... તે ધુમ્રપાન છોડે તે માટેની વ્યવસ્થા (રિહેબિટેશન) અને સહારો?

(3) એક બાળકને શ્વાસ માર્ગમાં વાયરલ ચેપ છે, તાવ છે અને નાક વહી રહ્યું છે તો શું એને એમોક્સિસિલીન જેવી પ્રતિજૈવિક (Antibiotiec) આપવામાં આવે જે ફક્ત બેક્ટેરીયાને રોકવાનું કાર્ય કરે છે, અથવા એવું સિરપ આપવામાં આવે જેનાથી ખાલી ખાંસી બંધ થઈ જાય (આવી દવાઓ બિલકુલ કારગર ન હોવા છતાં દાકતરો લખતાં રહે છે અને બજારમાં મળતી પણ રહે છે.) અથવા તો આ દર્દી બાળકનાં માતાપિતાને સલાહ આપવામાં આવે કે તેની બીમારી સામાન્ય છે, બે દિવસ રાહ જુઓ, વધારે તાવ આવે તો પેરાસિટામોલ લઈ શકો છો...?

(4) એક બાળકને ઝાડાની ફરિયાદ છે. 5થી 6 ઝાડા થઈ ચૂક્યા છે પરંતુ પેટમાં દુખાવઓ વધારે નથી, તો લોહી પડે છે. શું આ બાળકને જીવનરક્ષક મિશ્રણ (ખાંડ, મીઠાનું મિશ્રણ) (ORS) અથવા ઘરેલુ દવાઓ જેવું કે ભાતનું ઓસામણ વગેરેની સલાહ મળવી જોઈએ કે પછી સિપ્રોફ્લોક્સેસીન દવા જોકે 14 વર્ષથી નાના બાળકને આપવામાં આવતી નથી! કે પછી મેટ્રોનિડેજોલ દવા જે ફક્ત અમીબાવાનો મરડો અને જીયાર્ડિસિએસ્ટ રોગમાં જ જરુરી હોય છે...?

(5) એક વ્યક્તિ જેને આખો દિવસ કમ્પ્યુટર પર બેસી રહીને કાર્ય કરવું પડે છે. ખુરશી પર ખોટી રીતે બેસીને તે આખો દિવસ કામ કરે છે, તેથી તેને કમરદર્દ છે તો શું તેને લંબા સમય માટે દર્દનિવારક દવાઓ આપવામાં આવવી જોઈએ કે પછી બેસી રહેવાની સાચી રીત અથવા વ્યાયામ, કમરને સહારો મળે તેવી ખુરશીની વ્યવસ્થાની સલાહ આપવી જોઈએ?

(6) એક વયસ્ક વિવાહિત મહિલાને સવાર-સવારમાં મોઢામાં મોળ આવવાની અને જીવ ગભરાવવાની ફરિયાદ છે, વધારે વાતચીતથી જાણવા મળે છે કે એને પિરિયડ્સ 15 દિવસ મોડાં થઈ ગયાં છે. શું આ દર્દીને ઊલટીની દવાઓ લખી આપવામાં આવે કે પછી ગર્ભની તપાસ કરવાનું કહેવામાં આવે?

ઉપરનાં ઉદાહરણો આપણે જોતાં રહીએ છીએ પરંતુ ધ્યાનપૂર્વક તેના પર વિચારતા અથવા વિશ્લેષણ કરતા નથી. દરેક ઉદાહરણોમાં દવાની બહુ ઓછી જરૂરત છે અથવા બિલકુલ જ નથી. કુપોષણ માટે ટોનિક, ધૂમ્રપાન કરવાવાળા માટે ખાંસીની બિનજરૂરી દવાઓ, વાયરલ સંક્રમણમાં એન્ટિબાયોટિક દવાઓ આવી દવાઓ બિલકુલ જરૂરી નથી. છતાં તબીબો દ્વારા નિર્દેશિત કરવામાં આવે છે. કોનાં દબાણને કારણે? શા માટે? કયા કારણોસર? કોઈ દિવસ વિચારીએ છીએ?

એથી વિપરીત તો જીવનરક્ષક મિશ્રણ (ORS), ઘરેલુ દવાઓ જે આપણાં રસોડાંમાંથી જ પ્રાપ્ત થાય અને પહેલાં પણ ઓસડીયાં તરીકે વાપરતાં હતાં આપણે તેનાં પર ધ્યાન આપવું જોઈએ.

સામાન્ય રોગોમાં દવાઓની જરૂરત બહુ જ ઓછી અથવા નહીં જ હોય શકે. આવી સામાન્ય બીમારીઓમાં દવા વગરનો ઉપચાર, દવા દ્વારા ઉપચારનો પૂરક હોય છે. જેવી રીતે વજન ઘટાડવાની દવાઓ, ધૂમ્રપાન અથવા દારૂ છોડાવવાની વાતમાં, વાળ લાંબા કરવાની દવાઓ, વાળ કાળા કરવાની દવાઓ, ચામડીને વધુ ગોરી કરી દેનારી દવાઓ, શેમ્પુઓ અને અનેક પ્રકારનાં રસાયણોની જાહેરાતોથી બજાર ઉભરાતું હોય ત્યારે માણસે તર્ક સંગત વિચારો અને વિશ્લેષણ દ્વારા ઉપચાર થાય તેવો આગ્રહ રાખવો જ પડશે. એની જરૂરત છે. આપણાં શરીર વિશે તબીબ નિર્ણય લે છે અને નિર્દેશો, દવાઓ આપે છે તેને તર્કની કસોટી પર પારખવાં જ રહ્યાં તેટલું સામાન્ય શરીર વિજ્ઞાનનું જ્ઞાન અને જાણકારી મેળવવી જ રહી.

દર્દીઓને યોગ્ય જરૂરી જાણકારી મળવી જ જોઈએ

દવાઓનો તર્કસંગત ઉપયોગનો એક અર્થ એ પણ છે કે દર્દીને તેની બીમારી અને તેને અનુલક્ષીને આપવામાં આવતી દવાઓ, લેબોરેટરી ટેસ્ટ અને અન્ય પ્રક્રિયાઓની જાણકારી મળવી જોઈએ અને તે દવા અને પ્રક્રિયાઓનું આકલન અને અન્ય પડનારા પ્રભાવો વિશેની સમજ દર્દીને આપવામાં આવે જ.

ભારતમાં ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં તબીબી ક્ષેત્રો દ્વારા આવી માહિતીઓનો અધિકાર જે દર્દીઓને છે, તેને ગણવામાં જ નથી આવતો. દવાની ચિઠ્ઠી, દવાઓ સંબંધિત અડધી માહિતી જ દર્દી જાણતો હોય છે. જાણી જોઈને તબીબો દ્વારા આવું કરવામાં આવે છે અને સાથે-સાથે દવા કંપનીઓ દ્વારા પણ અડધી જાણકારીઓ પૂરી પાડવામાં આવે છે.

જેના કારણે વંચિતો, પછાત ક્ષેત્રોનાં દર્દીઓએ બહુ જ સહન કરવું પડે છે અને ખાલી તેઓ જ કેમ આપણાં મોટાં મોટાં શહેરોની મોટી-મોટી હોસ્પિટલોમાં શું થઈ રહ્યું છે એના અનેક દાખલાઓ આપણી સામે જ છે. તબીબોની લેબોરેટરી તેમજ બીજી તબીબી પ્રક્રિયાઓ સાથેનાં ગઠબંધનો જગજાહેર છે. તેમજ વગર જોઈતા ટેસ્ટ, સોનોગ્રાફી, એક્સ-રે, મોંઘી બીજી અન્ય પ્રક્રિયા જે બિનતર્કસંગત છે અને દર્દી માટે બિનજરૂરી છે છતાં પણ ફક્ત પૈસાનાં વિષચક્રને ફરતું રાખવામાં તે માટેની સલાહો આપવામાં આવે છે.

આ તો ઠીક પણ જ્યારે તબીબોને દવાઓ અને અન્ય તબીબી પ્રક્રિયા સામે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે અથવા દર્દી પોતાની સમજ મુજબ કોઈ સવાલ ઊભો કરે છે, ત્યારે કહેવામાં આવે છે કે ડૉક્ટર તમે છો કે અમે?

દોસ્તો જ્ઞાનની પણ સત્તા હોય છે, તેનો આ રીતે ખોટો ઉપયોગ થાય છે. ઉપરાંત કેટલાક તબીબો અન્ય ગૈર એલોપૈથી પદ્ધતિમાં કોઈ વિજ્ઞાન જ નથી એમ માનતાં હોય છે અને તેથી તેવી સમજવાળાં તબીબી 'વેપારીઓ' એકઠાં થઈ જાય છે ત્યારે પોતાની પદ્ધતિનો વિશેષાધિકાર સ્થાપિત કરી લે છે. આ પ્રમાણે તેઓ તબીબીશાસ્ત્રની અન્ય પદ્ધિતિનાં જ્ઞાનનાં સ્ત્રોતો પર પોતાનું અધિપત્ય રાખી અન્ય દર્દીને ઉપયોગી હોય એવી પ્રક્રિયા અને પદ્ધતિઓને માત્ર પૈસાનાં લોભમાં દબાવી દેતાં હોય છે. પરંતુ આમજન તો કોઈ એક પદ્ધતિમાં તાર્કિકતાની માગનો અધિકાર રાખે જ છે. (આવી વાતોથી મારાં માટે એમ ન સમજવામાં આવે કે હું 'નીમહકીમો' અથવા 'ઊંટવૈદ્યો'ની વકીલાત કરી રહી છું.)

આનાં સિવાય એવા દાકતરો માટે શું કહીશું કે જેઓ એ મેડિકલ કોલેજોમાં મોટાં અનુદાન ('તથાકથિત') આપીને ડિગ્રી મેળવી છે કે, જ્યાં જે તે કોલેજોમાં તબીબી પરિષદનાં નિયમોનાં અનુસારની સુવિધાઓ પણ નથી અને યેનકેન પ્રકારે માન્યતા હાંસલ કરી છે.

તર્કસંગતતા નહીં હોવાનાં કારણો

(1) બજારમાં ઉપલબ્ધ બિનજરૂરી દવાઓ માટેનાં તબીબોનાં નિર્દેશ.

(2) તર્કસંગત (બીમારીના સંદર્ભે) દવાનો બિનજરૂરી ઉપયોગ

(3) અન્ય તબીબી પ્રક્રિયાઓનો બિનજરૂરી ઉપયોગ અને નિર્દેશ

(4) એક દવા પર્યાપ્ત હોય ત્યાં અનેક દવાઓનું મિશ્રણ લખવું.

(5) પહેલેથી દર્દીની જાણકારીમાં હોય એવી સસ્તી દવાઓને બદલે મોંઘી કંપનીની દવાઓ લખવી.

(6) બિનજરૂરી લેબોરેટરી ટેસ્ટનાં નિર્દેશો આપવા.

હવે સવાલ એમ થાય કે આ બધાં માટે જવાબદાર કોણ? પહેલા નંબર પર સરકાર, બીજા નંબર પર દવાની કંપનીઓ, ત્રીજા નંબર પર તબીબી વ્યવસાય અને તેની સાથે જોડાયેલાં તબીબી સંગઠનો અને અંતમાં આપણે પણ સહુ જવાબદાર છીએ. કારણ કે આપણે વિચારવાનું, પ્રશ્ન પૂછવાનું, વિશ્લેષણ કરવાનું પડતું મૂક્યું છે.

(7) ખોટું નિદાન : પોતાના તબીબી વ્યવસાયમાં દિલચસ્પીનો અભાવ, ભીડથી ભરેલા OPD, સ્વાસ્થ્ય કાર્યકર્તાની અકર્મઠતાને કારણે ગ્રામીણ ક્ષેત્રોમાં ખોટું નિદાન હંમેશાં થતું હોય છે. આઝાદીનાં કેટલાંય વર્ષો થયાં પરંતુ ગામડાંનાં પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોમાં સરખાં સાધનો પણ નથી, જ્યારે એક અઠવાડિયાથી વધારે વખતથી તાવવાળો દર્દી આવે છે ત્યારે તે ક્ષેત્રનાં તબીબને એ ખબર નથી પડતી કે આને મેલેરિયા છે કે ટાઇફોઇડ છે! તો પછી તે અંધારામાં લાકડી મારે છે અને દવા ચિઠ્ઠીમાં મેલેરિયા અને ટાઇફોઇડ બંનેની દવા લખે છે.

(8) દવાઓ વિશે વસ્તુનિષ્ઠ માહિતીનો તબીબમાં જ અભાવ હોય છે. ભારતના મોટાભાગના ડોક્ટર નિયમિતપણે તબીબી જ્ઞાનના માનક પુસ્તકો અથવા શોધ પત્રિકાઓનું ભાગ્યે જ વાચન કરતાં હશે. તેમને તો દવા કંપનીનો મેડિકલ રિપ્રેઝન્ટેટિવ આવીને જે તે દવા વખાણી જાય તે જ તેમના દ્વારા લખાતી હોય છે. રોજ બજારમાં અનેક પ્રકારની નવી દવા આવતી રહે છે પરંતુ તેમાં અસરકારકતાના સંદર્ભમાં કંઈ જ નવું હોતું નથી.

(9) ભારત દેશમાં મેડિકલ ડિગ્રીઓનું પુનઃ પ્રમાણીકરણ અથવા તે સંદર્ભમાં સતત શિક્ષા જેવી વ્યવસ્થા નથી.

દવા કંપનીઓ દ્વારા પ્રલોભનો અને આક્રમક પ્રચાર અને પ્રસાર તેમજ ડૉક્ટરોને ઉપહારોનું વિતરણ મોંઘી વિદેશ યાત્રાઓ કંપનીના ખર્ચે કરાવવામાં આવે છે. આ રીતે તબીબી વ્યવસાયની ભ્રષ્ટતા બરકરાર રહે છે.

છેલ્લે એક નજર ભારતની દવા કંપનીનાં આંકડા પર. ભારતની સર્વશ્રેષ્ઠ દવા કંપનીઓ 50 છે, જે દર વર્ષે 5,340 થાય છે. કુલ નફાના 18% વેચાણ પર ખર્ચ કરવામાં આવે છે, તો પણ દર વર્ષે કોઈ અન્ય ઉત્પાદન ગતિવિધિથી પણ અધિક છે. દવા તો દવા હવે ડોક્ટરોએ આવાં પ્રલોભનોમાં ઈન્ટ્રા-ઓક્યુલર લેન્સ, ઓર્થોપેડિક ઈમ્પ્લાન્ટ્સ, દવાવાળાં કોરોનરી સ્ટેન્ટસ જેવાં દર્દીનાં અંગોને સુધારવાનાં ઉપકરણોમાં પણ આવો જ ભ્રષ્ટાચાર વધાર્યો છે. એક દવા કંપનીનાં ચાર્ટ પર લખ્યું હતું, 'દાક્તરો, તમે અમારી દરેક પ્રકારની ઉંચાઈઓમાં ભાગીદાર છો અને અમારાં નફાના પણ ભાગીદાર છો.'

(લેખકઃ પ્રક્ષાલી દેસાઈ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.