મજાક અને વિરોધમાં પણ મર્યાદા હોય
નરેન્દ્ર મોદીએ 2014ની લોકસભાની ચૂંટણી વખતે વડોદરાથી ફોર્મ ભરેલું ત્યારે જશોદાબેનને લઈને મીડિયાએ ઘણો ઉહાપોહ મચાવેલો. મોદીના કેટલાક ટીકાકારોનાં મોઢાંમાં પણ બગાસું ખાતા પતાસું પડેલું એટલે એમણે ‘જૂઠાણાં ચલાવવામાં મોદીને કોઈ નહીં પહોંચે’ કે ‘મોદી લોકોને છેતરવામાં એક્કા છે’ જેવી વાતો ખૂબ ચગાવેલી. લોકસભાની એ ચૂંટણીથી ઈલેક્શન કમિશને ફોર્મ ભરવાના નિયમોમાં કેટલાક ફેરફાર કરેલા, જે હેઠળ ચૂંટણી લડનાર ઉમેદવારે ફોર્મમાંની તમામ બાબતો ફરજિયાત ફિલ-અપ કરવાની રહેતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન આવો કોઈ નિયમ નહોતો એટલે મોદી લગ્ન વિશેની માહિતી માગતું ખાનું ખાલી રાખતા, પરંતુ ફરજિયાતનો નિયમ આવ્યો એટલે એમણે પોતે પરિણીત હોવાની વાત લખી. બસ, પછી તો તલનું તાડ થયું અને કોઈ ગંભીર રાજકીય કટોકટી આવી પડી હોય એમ ટેલિવિઝન પર પ્રાઈમ ટાઈમ શૉ થયાં અને કિચડ ઉછડવાની પ્રવૃત્તિ જોરમાં ચાલી.
જશોદાબેનને મુદ્દે હજુ થોડો વિવાદ જગાડી શકાય અને થોડીઘણી ટીઆરપી મેળવી શકાય એ આશયથી મીડિયાએ વિરોધપક્ષોના નેતાઓને પણ સાધેલા. જેમાં એકાદ-બે જણા માઈક અને કેમેરા લઈને મોદીના કટ્ટર રાજકીય વિરોધી અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પાસે પહોંચેલા. બાપુ કંઈક બોલે અને બળતામાં ઘી હોમાય એ આશયથી પત્રકારોએ બાપુને મોદી અને જશોદાબેનના લગ્ન વિશે પૂછ્યું ત્યારે, બાપુએ એક આદર્શ લોકનેતાને છાજે એવો જવાબ આપેલો. એમણે કહેલું, ‘મોદી અને જશોદાબેનના લગ્ન થયેલા એટલે ટેક્નિકલી મોદી પરિણીત કહેવાય અને એટલે જ એમણે ઉમેદવારી પત્રકમાં પોતે પરિણીત છે એવી વાત લખી છે. પરંતુ હું એ વાતનો પણ સાક્ષી છું કે મોદી અને જશોદાબેન ક્યારેય સાથે રહ્યા નથી.’
બાપુએ અતિમહત્ત્વની અને આપણે સૌ એમાંથી શીખ લઈ શકીએ એવી વાત તો પછી કરી કે, ‘આ વાત મોદીની અત્યંત અંગત વાત છે અને જાહેરમાં કોઈના અંગત જીવન વિશેના ફીફાં ખાંડવું શોભાસ્પદ નથી.’ આવા જવાબ માટે શંકરસિંહ બાપુને સો સો સલામ કરવી પડે. ચૂંટણીને ટાણે આવો વિવાદાસ્પદ મુદ્દો તો સોનાની લગડી કહી શકાય, જેને ખૂબ ચલાવીને વિરોધીઓ પણ આકરા પ્રહાર કરી શકાય એની ગમે એટલી બેઇજ્જ્તી કરી શકાય. પણ, બાપુ પોતાની મર્યાદા નહીં ચૂક્યા અને મોદી-જશોદાબેનના કિસ્સા પર મોટું પૂર્ણવિરામ મૂકી દીધું.
આ કિસ્સા દ્વારા બાપુ માત્ર રાજકારણીઓને જ નહીં, પરંતુ આપણને સૌને એમ શીખવે છે કે કોઈની સાથે ગમે એટલો મતભેદ હોય કે આપણે કોઈના ગમે એટલા વિરોધી હોઈએ ત્યારે પણ આપણે કોઈના અંગત જીવન સુધી નહીં પહોંચવું અને એ મુદ્દાને જાહેરમાં ઉછાળીને ખોટા લાભ નહીં લેવા.
દરેક બાબતની જેમ વિરોધ અને મજાકની પણ એક મર્યાદા હોય છે અને આ બાબતે પણ ઘણો શિષ્ટાચાર હોય છે. પણ સમાજ તરીકે ઘણી વાર આપણે એ મર્યાદાઓનું પાલન કરવાનું ચૂકી જતાં હોઈએ છીએ. સમાજની આવી વૃત્તિઓનો શિકાર સામાન્ય રીતે સામાન્ય માણસો નથી બનતા. જેને ફેસબુકના સ્ટેટ્સ પર પાંચ-પંદર લાઈક્સ જેમતેમ મળતી હોય એવા વર્ગે આ પરેશાનીનો ક્યારેય સામનો નથી કરવો પડતો. ઈવન સો-બસો લાઈક્સ મળતી હોય એમણે પણ આવું કંઈક વેઠવું નથી પડતું! પરંતુ રાજકારણ, રમત જગત કે બોલિવુડ જેવા જાહેર ક્ષેત્રોમાં કાર્યરત જાણીતા ચહેરાઓએ આ વાત ઘણી વખત ફેસ કરવી પડતી હોય છે, જ્યાં લોકો એમના કામનું એનાલિસિસ કરવાની જગ્યાએ, કે એમના કામની ટીકા-સરાહના કરવાની જગ્યાએ એ વ્યક્તિઓની અંગત જિંદગીના કિસ્સાઓ ખોદી ખોદીને બહાર લાવે છે અને એનો વિરોધ કરીને કે એની મજાક બનાવીને એ વિશે જમકે મેસેજમારો કરે છે.
તાજેતરમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના કિસ્સામાં પણ આવું જ કંઈક થયું. રાધર છેલ્લા એક વર્ષથી એવું થઈ રહ્યું છે એમ કહી શકાય. ગયા વર્ષે વર્લ્ડકપ હતો ત્યારે અનુષ્કા શર્માની પેવેલિયનમાંની હાજરી અપશુકનિયાળ માનવામાં આવતી. વર્લ્ડકપ સેમિફાઈનલમાં વિરાટ કોહલી સારું પ્રદર્શન નહીં કરી શક્યો અને વર્લ્ડકપમાં લગાતાર જીતતી રહેલી ટીમ ઈન્ડિયા એક જ મેચમાં હારીને ઘરભેગી થઈ ગઈ ત્યારે પણ સોશિયલ મીડિયામાં હારની ઠીકરી અનુષ્કા શર્માને માથે ફોડવામાં આવેલી અને એની મજાક કરતાં અનેક મેસેજીસ અને મેમેઝ વ્હોટ્સ એપ-ફેસબુક-ટ્વિટર પર ખૂબ ફરતા થયેલા.
બરાબર એક વર્ષ પછી જ્યારે વિરાટ કોહલીએ T-20માં સારું પ્રદર્શન દેખાડ્યું અને ગયા રવિવારે ઓસ્ટ્રેલિયાની ટીમને ધોબી પછાડ આપી ત્યારે પણ મેચ પૂરી થયાંની ગણતરીની મિનિટ્સમાં અનુષ્કા શર્માને ટાર્ગેટ બનાવતા અને એની મજાક ઉડાવતા વ્હોટ્સેપીયાં ફોરવર્ડ થયાં. ભદ્દી મજાકનો આ ખેલ લગભગ સોમવારે બપોર સુધી ચાલ્યો અને વ્હોટ્સ એપથી લઈને ફેસબુક કે ટ્વિટર સુધી કોઈ પણ ટોમ-ડીક એન્ડ હેરીએ અનુષ્કાની મજાક ઉડાવતા સ્ટેટ્સ અને મેમેઝનો મારો પૂરબહારમાં ચાલાવ્યો.
આવું અનુષ્કા સાથે જ નહીં, જાહેર ક્ષેત્રોમાં કામ કરતી ઘણી વ્યક્તિઓ સાથે આવું થઈ ચૂક્યું છે. આવી મજાકોથી મોદી પણ બાકાત નથી રહી શક્યા કે નથી રાહુલ ગાંધી કે અરવિંદ કેજરીવાલને બાકાત રખાયા. કેટલાક સો કોલ્ડ ક્રિએટિવ લોકોનું આ ઈરાદાપૂર્વકનું કાવતરુ હોય છે. આવા સામાજિક રોગનો કોઈ ઉકેલ પણ નથી. આખરે કેટલાના મોઢે તાળાં પણ દેવા જવાના? પણ હા, મજાકના ભાગરૂપે કોઈક અશિષ્ટ કે ભદ્દો મેસેજ આપણા પર આવે ત્યારે એને બીજા ગ્રુપ્સમાં શેર નહીં કરતા એને ડિલિટ કરીને એની એટ અ ટાઈમ દફનવિધિ જરૂર કરી શકાય. પરંતુ આવી પ્રતિબદ્ધતા ઘણા ઓછા લોકોની હોવાની.
વળી, કેટલાય લોકો આને બહુ ગંભીર બાબત નહીં માનતા એને ફન કે મજાક મસ્તી કહે છે. એમની વાત પણ સાચી કે, આપણા જીવનમાં મજાક હોવી પણ જોઈએ, એનાથી જીવન હર્યુંભર્યું લાગે છે. પણ આપણી મજાક જ્યારે ભદ્દી બની જાય છે કે કોઈના અંગત જીવનને ધમરોળી જાય ત્યારે મોટી સમસ્યા ખડી જાય છે, જે બાબત સમાજ તરીકે આપણે કેટલા શિષ્ટ છીએ એ બાબતની ચાડી ખાતી હોય છે.
ખૈર, આ બાબતે ઝાઝું ઓપિનિયન આપવા જેવું નથી. પણ વિરાટ અનુષ્કાના કિસ્સામાં પણ વિરાટે ખરી સ્પોર્ટ્સમેનશિપ દેખાડી અને મેચ પછી એના બીજા દિવસે એટલે કે, સોમવારે અનુષ્કાને ટાર્ગેટ કરીને ભદ્દા ફોરવર્ડિયા તૈયાર કરીને એને વાઈરલ કરતા માથાના ફરેલોને આડે હાથે લીધા. સાથે એમ પણ લખ્યું કે, અનુષ્કાએ મને હંમેશાં હકારાત્મક્તા પણ પૂરી પાડી છે!
વિરાટની આ હિંમતને જ ખરી સ્પોર્ટ્સમેનશિપ કહેવાય, જ્યાં એણે બીજી વાર લોકોની મજાક બનવાની પૂરી શક્યતાઓ હોવા છતાં જાહેરમાં અનુષ્કાની સાઈડ લીધી અને એના વખાણ કર્યા. આ ઘટના આપણી આંખ આગળ લાલ બત્તી ધરે છે કે, કોઈ વ્યક્તિ જાહેર ક્ષેત્રમાં કામ કરતી હોય એટલે એનું જીવન પણ જાહેર થઈ જતું નથી, કેટલીક બાબતો અત્યંત અંગત હોય છે અને એ અંગત બાબાતોની મર્યાદા જાળવતા આપણે શીખવું જોઈએ. આપણા અંગત જીવનને લઈને કોઈ આપણી મજાક કરે તો એ આપણને સારું લાગે ખરું? કોઈની ભદ્દી મજાકના મેસેજ ફોરવર્ડ કરવામાં કંઈ ખોટું નથી એમ જો લાગતું હોય તો સાથે એ વાત પણ એટલી જ સાચી કે, એ કોઈ એવું મહાન કે મર્દાનગીપૂર્ણ કામ પણ નથી. આવું કરવાથી કે ન કરવાથી સમાજ તરીકે આપણે કેટલા સિવિલાઈઝ્ડ છીએ અને આપણી શિષ્ટાચારની વ્યાખ્યામાં આપણે કઈ કઈ બાબતોનો સમાવેશ કરીએ છીએ એ બાબતો જ છતી થાય છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર