કેજરીવાલ પ્રમાણભાન ભૂલ્યાં છે

16 Dec, 2015
12:05 AM

mamta ashok

PC:

ગઈકાલે દિલ્હીમાં ફરી એકવાર રાજકીય નાટક ભજવાયું.  CBIએ ગઈકાલે સવારે દિલ્હી સચિવાલયમાં છાપેમારી કરી અને આ ઘટના ઘટી એની ગણતરીની મિનિટોમાં જ અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર વડાપ્રધાનને ફાવે એ ભાષામાં ભાંડવાનું શરૂ કર્યું. સોશિયલ મીડિયાના આ લાડકવાયાએ થોડા સમયમાં વારાફરતી મોદી અને કેન્દ્રસરકાર વિરોધી ટ્વિટ્સનો મારો ચલાવ્યો એટલે સંસદમાં પણ ભરશિયાળે ગરમાટો પ્રસર્યો અને લોકસભા અને રાજ્યસભામાં અટકેલા અઢળક બિલોની ચિંતા મૂકીને બંને ગૃહોમાં સાંસદો હોહા મચાવવા બેઠા. છેક બંગાળમાં બેઠેલા મમતા બેનરજીને સરકારી તપાસમાં અટવાયેલા ભાઈ અરવિંદની ચિંતા થઈ આવી એટલે એમણે પહેલા ટ્વિટર પર અને પછી રાજ્યસભામાં તૃણમુલના સાંસદો પાસે ધમાલ કરાવીને સંસદનું કામકાજ ખોરવ્યું. તૃણમુલ કોંગ્રેસે સંસદમાં ઘણા સમયે હોહા મચાવી અને એ પણ બંગાળના લોકો માટે નહીં પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી માટે. આ છે આપણું લોકતંત્ર, જ્યાં જનપ્રતિનિધિઓ આમ આદમીની ચિંતા કરવા કરતા ખાસ આદમીઓની વધુ ચિંતા કરે છે.

દર વખતની જેમ ગણતરીના કલાકોમાં આખો ઘટનાક્રમ એટલો બધો ગૂંચવવામાં આવ્યો કે, સામાન્ય માણસ માટે એ નક્કી કરવું મુશ્કેલ થઈ પડ્યું કે, આખરે CBIએ છાપો ક્યાં માર્યો? અરવિંદ કેજરીવાલના પ્રિન્સિપલ સેક્રેટરી રાજેન્દ્ર કુમારની ઑફિસ પર કે ખુદ અરવિંદ કેજરીવાલની ઑફિસ પર? કમઠાણ એ છે કે, પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે રાજેન્દ્ર કુમાર કેજરીવાલની ઑફિસમાં જ બેસે છે, એટલે વાત વધુ ગૂંચવાઈ. કેન્દ્રિય ગૃહમંત્રાલય આ મુદ્દે કહી રહ્યું છે કે, CBIની આ છાપેમારી પાછળ સરકારનો કોઈ હાથ નથી તેમજ CBIએ માત્ર કેજરીવાલના પ્રિન્સિપલ સેક્રેટરી રાજેન્દ્ર કુમારની ઑફિસ પર જ નહીં પરંતુ દિલ્હી-ઉત્તર પ્રદેશમાં અનેક જગ્યાએ છાપેમારી કરી છે. ટ્વિટર પર કેજરીવાલ વડાપ્રધાન પર આક્ષેપ કરી રહ્યા છે કે, એમના દોરી સંચાર હેઠળ CBIએ એમની ઑફિસની છાપેમારી કરી અને રાજેન્દ્ર કુમારની છાપેમારીના નામે હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયની કેટલીક ફાઈલોની તપાસ થઈ રહી છે.

લેખની શરૂઆતમાં જ નાટક શબ્દનો ઉપયોગ કરાયો છે કારણ કે, આ કેસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેજરીવાલ સંકળાયેલા છે. એમને તલનો તાડ કરવાની આદત છે. ધારોકે ખુદ કેજરીવાલ પર પણ તપાસ થઈ રહી હોય તો એમણે કાયર કે સાયકો જેવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. વડાપ્રધાન માટે એમણે ટ્વિટર પર વાપરેલો કાવર્ડ (coward) શબ્દનો ડિક્શનરીમાં બાયલો કે ડરપોક એવો અર્થ થાય છે. આવા શબ્દો કોઈ રાજ્યના મુખ્યમંત્રી ઉચ્ચારે એ નહીં શોભે. ગામ આખાને ભ્રષ્ટાચાર નહીં કરીને શિષ્ટાચાર કરવાની શિખામણ આપતા આ મુખ્યમંત્રી પાસે આટલી શિષ્ટતાની અપેક્ષા તો રાખી જ શકાય. અને અરવિંદ કેજરીવાલ તો આમ પણ સાફ છબી ધરાવતા નેતા છે. તો ધારોકે એમના પર પણ તપાસ થાય તો સમય આવ્યે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એમાં ટ્વિટર પર રાડ નાંખવાની શું જરૂર? આંદોલનો વખતે તેઓ જ તો કહેતા હતા કે, સરકારથી થાય એટલી તપાસ કરાવી લ્યો, એનાથી અમને કોઈ ફરક નહીં પડે. તો હવે આવી ચિરકુટ તપાસ થાય ત્યારે કેજરીવાલ કેમ બોખલાય છે?

સરકાર કહી રહી છે એમ, કેજરીવાલના મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમાર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો છે, જેને પગલે CBIએ એમની પૂછપરછ આદરી છે. યાદ રહે કે, કેજરીવાલ પહેલીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનેલા ત્યારે પણ રાજેન્દ્ર કુમાર એમના સચિવ હતા. માધ્યમોમાં જણાવવામાં આવેલી માહિતી મુજબ વર્ષ 1989ના બેચમાં IAS બનેલા રાજેન્દ્ર કુમાર પર પહેલા પણ દિલ્હી સરકારમાં કાળાધોળા આચરવાના આક્ષેપો થતાં રહ્યા છે. બની શકે કે, રાજેન્દ્ર કુમાર પરના તમામ આક્ષેપો ખોટા હોય. પરંતુ જો એમના પર સરકારના વિવિધ વિભાગોમાં ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો હોય તો કેજરીવાલે એમને બબ્બે વાર પ્રિન્સિપલ સેક્રેટરી કેમ બનાવ્યા? 'આપ'ની રચના કરેલી ત્યારે કેજરીવાલ એમ કહેતા કે, તેઓ ભ્રષ્ટાચાર આચરનારા તો શું, જેમના પર ભ્રષ્ટાચારના આક્ષેપો હોય એવા લોકોને પણ એમની નજીક ફરકવા નહીં દે. અલબત્ત, રાજેન્દ્ર કુમારને 'આપ' સાથે કોઈ લેવાદેવા નથી, પણ ભૂતકાળમાં કેજરીવાલ અધિકારીઓ સાથે પણ બાઝી પડ્યાંના ઉદાહરણો પ્રાપ્ય છે. તો કુમાર કેમ આમાંથી બાકાત રહ્યા? જોકે માધ્યમો એવી માહિતી આપી રહ્યા છે કે, રાજેન્દ્ર કુમાર પણ કેજરીવાલની જેમ આઈઆઈટી દિલ્હીના વિદ્યાર્થી રહી ચૂક્યાં છે અને એમને કેજરીવાલ સાથે સારી ઘનિષ્ઠતા છે.

રાજેન્દ્ર કુમાર પર કયા કયા આરોપ છે એ જોઈએ. રાજેન્દ્ર કુમાર આ પહેલા દિલ્હીના શહેરી વિકાસ વિભાગ, પરિવહન વિભાગ, શિક્ષણ વિભાગ, સ્વાસ્થ્ય વિભાગ, આઈટી વિભાગ અને વિદ્યુત બોર્ડમાં મહત્ત્વની જવાબદારી નિભાવી ચૂક્યાં છે. આ મહાશય પર દિલ્હીના જ બ્યુરોકેટ આશિષ જોશીએ એવા આક્ષેપ કર્યા છે કે, રાજેન્દ્ર કુમારે અત્યાર સુધી જે જે વિભાગોમાં ફરજ બજાવી છે એમાં એમણે દિલ્હી સરકારને નુકસાન કરીને ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડ્યો છે. રાજેન્દ્ર કુમાર વિશે બીજી એક થિયરી એવી પણ છે કે, દિલ્હી રાજ્યના કેટલાક સનદી અધિકારીઓએ થોડાં વર્ષો પહેલા વોલેન્ટરી રિટાયર્ડમેન્ટ લઈને એક ખાનગી સોફ્ટવેર કંપની સ્થાપી હતી અને રાજેન્દ્ર કુમાર જ્યારે દિલ્હીના આઈટી વિભાગની જવાબદારીઓ સંભાળી રહ્યા હતા ત્યારે એમણે એ કંપનીના કેટલાક પ્લાન પાસ કરાવી આપ્યાં હતા. આ ઉપરાંત તેઓ વિવિધ વિભાગોમાં સચિવ હતા ત્યારે એમણે અનેક ખાનગી કંપનીઓને ટેન્ડર બહાર પાડ્યા વિના સરકારના પ્રોજેક્ટ્સ આપી દીધાના આક્ષેપો છે.

માની લીધું કે, ગઈકાલે રાજેન્દ્ર કુમાર પર પડેલા દરોડા રાજકારણ પ્રેરિત હોઈ શકે છે. પરંતુ ભ્રષ્ટાચારના આક્ષેપ હેઠળ અવારનવાર છાપે ચઢેલા રાજેન્દ્ર કુમારને કેજરીવાલ એમના પ્રિન્સિપલ સેક્રેટરી કયા હિસાબે બનાવી શકે? ખૈર, આખો દિવસ ટ્વિટરબાજી કર્યા બાદ સાંજને ટાણે કેજરીવાલ મીડિયામાં આવ્યાં હતા. મીડિયામાં પણ એમણે ટ્વિટરવાળી કેસેટ જ વગાડી. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા એમણે એમ પણ જણાવ્યું કે, એવું હોય તો CBIએ માત્ર રાજેન્દ્ર કુમારને જ કેમ ટાર્ગેટ બનાવ્યા? શિલા દિક્ષિત સરકારના જે-તે મંત્રાલયોના ભૂતપૂર્વ મંત્રીઓ અને અન્ય સચિવો પર કેમ કોઈ તપાસ નહીં થઈ? કેજરીવાલની વાત સાચી પણ, તેઓ પણ રાજ્યના મુખ્યમંત્રી છે. હજુ પણ આંદોલનકારીઓની જેમ ફરિયાદ કરતા રહેવા કરતા કે કેન્દ્ર સરકાર પર આક્ષેપો કરતા રહેવા કરતા પોતે એક તપાસ સમીતિ રચીને બાકીના ભૂતપૂર્વ મંત્રીઓ અને સચિવોની તપાસ નહીં કરાવી શકે? આફ્ટર ઑલ તેઓ એક મુખ્યમંત્રી છે. તપાસ સમીતિ તૈયાર કરી શકે એટલી સત્તા તો એમની પાસે છે જ છે. અને મુખ્યમંત્રી બનતા પહેલા કેજરીવાલ આમ પણ બણગા ફૂંકતા હતા કે, તેઓ ભૂતપૂર્વ ભ્રષ્ટાચારી મંત્રીઓને જેલભેગા કરશે.

આ કિસ્સામાં કેન્દ્ર સરકાર પણ દૂધે ધોયેલી નથી. આ તો કોર્ટના આદેશ હતા અને CBI એનું કામ કરી રહી છે એવી વાતો કરીને કેન્દ્ર સરકાર આ કિસ્સાથી પોતાના હાથ ભલે ખંખેરી લેતી હોય, પરંતુ અરવિંદ કેજરીવાલના તાજેતરના કેટલાક નિર્ણયોને કારણે અરુણ જેટલી ફફડી ઉઠેલા છે. થોડા દિવસો પહેલા અરવિંદ કેજરીવાલે DDCA (દિલ્હી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશિયેશન)માં થયેલા ભ્રષ્ટાચારોની તપાસ કરવા માટે સમીતિની રચના કરી છે. આ એ જ DDCA છે, જેમાં અરુણ જેટલી વર્ષો સુધી પ્રમુખ રહ્યા છે. સ્વાભાવિક છે કે, કાલ ઊઠીને આ તપાસમાં ભ્રષ્ટાચાર પકડાયો તો અરુણ જેટલી એમાં ફસાયા વિના નહીં રહે. એટલે કેન્દ્રિય નાણામંત્રીને બચાવવા કેન્દ્ર સરકાર મેદાને ઉતરી પડે અને આ બાબતે સરકાર અને કેજરીવાલનો સંઘર્ષ થાય એ સ્વાભાવિક વાત છે.

વળી, CBIની કામગીરી પર પણ અનેક વખત પ્રશ્નો ઉઠતા રહ્યા છે. ભૂતકાળમાં પણ CBIએ સરકારને ઈશારે કામ કર્યાના આક્ષેપો થતાં જ રહ્યા છે. આ જ BJP જ્યારે વિપક્ષમાં હતી ત્યારે CBIને 'કોંગ્રેસ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન'ના હુલામણા નામે સંબોધતી રહી છે. તો સરકાર બદલાતા અચાનક જ CBIનું હ્રદય પરિવર્તન થઈ જાય એવું શક્ય નથી. એટલે ગઈકાલે થયેલી તપાસ તટસ્થ હતી કે, સરકાર પ્રેરિત હતી એ નક્કી કરવું મુશ્કેલ છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.