વીતી ગયો એક જમાનો...
છ દાયકા સુધી હિન્દી સિનેમામાં વિવિધ ચરિત્ર ભૂમિકાઓ ભજવનાર કૃષ્ણકાંત મગનલાલ ભૂખણવાળા પોતાના મૂળ નામ કરતા કે.કે અથવા કૃષ્ણકાંત તરીકે વધુ મશહુર છે. મૂળ સુરતના કે.કેનો જન્મ ૧૫ સપ્ટેમ્બર ૧૯૨૨માં પશ્ચિમ બંગાળના હાવરા ખાતે થયો હતો. વર્ષ ૧૯૪૩માં ‘પરાયા ધન’ નામની હિન્દી ફિલ્મથી અભિનયની કારકિર્દી શરૂ કરનાર કે.કે ૧૧૦ જેટલી હિન્દી ફિલ્મો ઉપરાંત સોળ ગુજરાતી તેમજ બે બંગાળી ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે. તેમણે ‘રૂટ ઓફ એવિલ’ અને ‘ઈન્ડિયન નૉક્ટરન’ જેવી બે અંગ્રેજી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. હિન્દી સિનેમામાં કામ કરતા કરતા તેમણે નાટકના તખ્તા પર પણ એન્ટ્રી મારેલી અને સાત ગુજરાતી અને એક હિન્દી નાટકમાં મહત્ત્વની ભૂમિકાઓ ભજવ્યા બાદ નાટકોમાંથી વેળાસર એક્ઝિટ લઈ સિનેમા તરફ વળેલા. ફિલ્મોમાંથી નિવૃત્તિ લઈને વર્ષ ૧૯૯૩માં તેઓ વતન સુરતમાં સ્થાયી થયેલા, જોકે નિવૃત્ત થયાં પછી પણ તેઓ ફિલ્મ સંબંધિત કેટલીક પ્રવૃત્તિઓ સાથે વર્ષો સુધી પ્રવૃત્ત રહ્યા. પાછળથી હિન્દી સિનેમામાં તેમણે ગાળેલા વર્ષોની રસપ્રદ વાતો આલેખવા તેમણે કલમ ઉપાડી અને ‘ગુઝરા હુઆ ઝમાના’ને નામે હિન્દી સિનેમાની કેટલીય અંતરંગ વાતો આલેખી. તેમના પુસ્તક ‘ગુઝરા હુઆ ઝમાના’ને ગુજરાતનું પહેલું એવું પુસ્તક કહી શકાય કે, જેમાં કોઈ ફિલ્મ સમીક્ષકે નહીં પરંતુ ખુદ કલાકારે જ તેની સ્મરણકથા આલેખી હોય. અલબત્ત, આ પુસ્તકના લેખનમાં લેખક બિરેન કોઠારીનું અનન્ય યોગદાન હતું.
ગઈકાલે સાંજે હ્રદયરોગના હુમલા બાદ એમનું 95 વર્ષની જૈફ વયે અવસાન થયું હતું, જેની સાથે એક આખા યુગનો અંત આવ્યો હતો. મૂળ 'ગુજરાત ગાર્ડિયન' અખબાર માટે લેવાયેલી આ મુલાકાત આજે કે.કે.ની શ્રદ્ધાંજલિ રૂપે ફરી પ્રકાશિત કરવામાં આવી છે. મુલાકાત વર્ષ 2013માં પ્રકાશિત થઈ હતી, જેમાંની કેટલીક વાતોને એમની એમ રાખવામાં આવી છે.
તમે નાટકો, હિન્દી સિનેમા તેમજ ગુજરાતી ફિલ્મોમાં વિવિધ જવાબદારીઓ સંભાળી છે. આ માધ્યમોમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
બધા જ માધ્યમોમાં કામ કરવાનો અનુભવ ઘણો સારો રહ્યો. આ દરેક માધ્યમો કોઈક એક તબક્કે એકબીજાથી અલગ પડે છે અને એ તમામની આગવી વિશિષ્ટતા છે. જેમ માધ્યમો જુદા એમ એમાં કામ કરવાની થ્રિલ પણ જુદી. નાટકોમાં મેં માત્ર અભિનેતા તરીકે જ કામ કર્યું, દિગ્દર્શન ક્યારેય નહીં કર્યું. પરંતુ તખ્તા પર દર્શકોની સામે અભિનય કરવાનો અનુભવ ફિલ્મોના અનુભવ કરતા સાવ અલગ રહ્યો. વળી, ફિલ્મોમાં તમે ભલે કેમેરાની સામે કામ કરતા હોય, પણ ફિલ્મ રિલીઝ થાય ત્યારે ઓડિયન્સ સાથે થિયેટરમાં બેસીને તમે ફિલ્મ જુઓ અને તેમના ફિલ્મ અંગેના પ્રતિભાવ જાણો એ થ્રિલ પણ અલગ હોય છે. એટલે તમામ માધ્યમની ફિલિંગ્સમાં ફેર છે.
ગુજરાતી ફિલ્મોની વાત કરું તો ગુજરાતી ફિલ્મોમાં મેં અભિનય કરતા દિગ્દર્શન વધુ કર્યું. એક્ટિંગમાં ચાર્મ હોય છે ત્યારે દિગ્દર્શનમાં સેટિસફેક્શન છે. હું એવું માનું છું કે દિગ્દર્શનમાં જે સંતોષ મળે છે એ સંતોષ એક્ટિંગમાં નથી મળતો. અભિનયમાં કલાકારને લોકપ્રિયતા ઘણી મળતી હોય છે, જ્યારે દિગ્દર્શકને અભિનેતા જેટલી લોકપ્રિયતા નથી મળતી. પણ તમે દિગ્દર્શન કરો ત્યારે તમને મનમાં સતત કંઈક થતું રહે છે કે, ‘આઈ હેવ ક્રિએટેડ સમથિંગ.’ સર્જનનો જે આનંદ છે એની વાત જ અલગ હોય છે. એ આનંદ અવર્ણનીય હોય છે!
તમે ફિલ્મોમાં કઈ રીતે આવ્યાં?
સુરતમાં જ્યારે હું યુનિયન હાઈસ્કૂલમાં ભણતો ત્યારે મને ફિલ્મો જોવાનો ગજબનો શોખ લાગેલો. તે જમાનામાં એટલે કે વર્ષ ૧૯૩૭થી ’૩૯માં કલકત્તાની ‘ન્યુ થિયેટર્સ’ નામની ફિલ્મ નિર્માણ કંપની ક્લાસિક કહી શકાય એવી હિન્દી ફિલ્મો તૈયાર કરતી. શરદબાબુ, રવીન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચટોપાધ્યાય જેવા ખ્યાતનામ લેખકોની ફિલ્મો પણ ત્યાં બનતી. તે જમાનાના સુપરસ્ટાર કે. એલ સાયગલને હું હિન્દુસ્તાનના સૌથી પહેલા સુપરસ્ટાર માનું છું. એમની ‘ન્યુ થિયેટર્સ’ની ફિલ્મો જોઈને મારા જેવા અનેક લોકો ક્રેઝી થઈ જતાં અને તેમને જોઈને મને પણ એક્ટર બનવાની ઈચ્છા થઈ.
એવામાં હું વાયરલેસ એન્ડ ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા મુંબઈ ગયો. મુંબઈમાં હું જે વિસ્તારમાં રહું એ વિસ્તારમાં એક બેડમિન્ટન કોર્ટ હતું, જ્યાં પૃથ્વીરાજ કપૂર અને કે એન. સિંઘ જેવા લોકો બેડમિન્ટન રમવા આવતા. એટલે એમને જોઈને હું વધુ પોરસાતો અને એક્ટિંગ તરફ વધુ ને વધુ આકર્ષાતો ગયો. પછી તો સંઘર્ષ તેમજ ભલામણ ચિઠ્ઠીઓ અને ‘મળતા રહેજો’ કે ‘પછી આવજો’ની સ્ટ્રગલ ચાલી અને ભારે મહેનત બાદ મને ફિલ્મોમાં કામ કરવાની તક મળી. તક પણ કેવી? શરૂઆતમાં મને અભિનેતા તરીકે નહીં પરંતુ એપ્રેન્ટિસ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ મળ્યું અને મેં દિગ્દર્શક નીતિન બોઝ સાથે કામ શરૂ કર્યું. આમ કરતા કરતા પાછળથી મને એક્ટિંગનું કામ પણ મળવા માંડ્યું અને મારી અભિનયની કારકિર્દી શરૂ થઈ.
નીતિન બોઝ સાથેનો તમારો અનુભવ કેવો રહ્યો?
જો એક જ શબ્દમાં કહું તો અવર્ણનીય. અભિનય કે દિગ્દર્શન જેવી ફિલ્મને લગતી ઘણી બાબતો હું એમની પાસેથી જ શીખ્યો છું. હી વોઝ અ ગ્રેટ ક્રિએટર. હું તો ત્યાં સુધી કહીશ કે દિલીપ કુમારને પણ એમણે જ એક્ટિંગ શીખવી છે. કારણકે નીતિન બોઝ ‘બોમ્બે ટોકિઝ’ હેઠળ ‘મિલન’ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા હતા. તેઓ આ ફિલ્મ હિન્દી અને બંગાળી એમ બે ભાષામાં કરી રહ્યા હતા. હિન્દીમાં દિલીપ કુમાર હીરો હતા અને બંગાળીમાં અભિ ભટ્ટાચાર્યને કાસ્ટ કરવામાં આવેલા. આ બંને અભિનેતાઓને તેમણે એક સ્ટાઈલ આપેલી, જેના પર એ અભિનેતાઓએ મહેનત કરી અને તેમણે હિન્દી સિનેમામાં એક અલગ મુકામ હાંસલ કર્યો.
નીતિન બોઝ પાસે ફિલ્મ મેકિંગનું ટેક્નિકલ નોલેજ ઘણું હતું. ત્યારે આજની જેમ કોઈ ફિલ્મ ઈન્સ્ટિટ્યુટ તો હતી નહીં કે ત્યાં જઈને તમે ફિલ્મ નિર્માણની તાલીમ લઈ શકો. પરંતુ તેમનામાં ફિલ્મ નિર્માણની ગજબનાક આવડત હતી. આજે ફિલ્મનું નિર્માણ કરવું એ સામાન્ય બાબત થઈ ગઈ છે, આજે તો મેરેજ ફંક્શન કવર કરતા કેમેરામેન પણ ફિલ્મ ટેક્નિક શીખી ગયા છે! પરંતુ ત્યારે એવું ન હતું. એટલે તમને કોઈ સારા ગુરુ મળે તો જ તમે સારું શીખી શકો. તેમની સાથે મેં નવ વર્ષ સુધી કામ કર્યુ અને આ સમયગાળામાં હું નીતિન બોઝ પાસે ઘણું શીખ્યો.
અંગતપણે તમને શું વધુ ગમે- અભિનય કે દિગ્દર્શન?
બંને એકસરખા ગમે. અભિનય એટલા માટે ગમે કે અહીં ખ્યાતિ છે. એક્ટર તરીકે હું પ્રવૃત્ત હતો ત્યારે હું બહાર નીકળું અને લોકો મને ઓળખી કાઢે તો અભિનેતા તરીકે મને બહું આનંદ થતો. લોકો તમને ઓળખી કાઢીને તમારી તરફ ટગર ટગર જુએ અથવા તેઓ તમારી પાછળ દોડતા હોય એવો લહાવો એક્ટર્સ સિવાય ઘણા ઓછા લોકોને મળતો હોય છે. અને દિગ્દર્શનમાં મેં આગળ કહ્યું એમ પેલો સર્જક તરીકેનો સંતોષ અને આનંદ મળે. એટલે મારા માટે બંનેનું એક સરખુ મહત્ત્વ છે.
તમે આજકાલની ફિલ્મો જુઓ છો ખરા?
ના, મને હવે સાંભળવામાં તકલીફ થઈ રહી છે એટલે હવે હું ફિલ્મો જોઈ શકતો નથી. છેલ્લે મેં ‘ચક દે ઈન્ડિયા’ અને ‘અ વેનસ ડે’ જોયેલી. ત્યાં સુધી હું બરાબર સાંભળી શકતો હતો. હવે તો હું થિયેટરમાં જાઉં તો ઘણા સંવાદો મને સંભળાતા નથી તો વળી કેટલાક સમજાતા પણ નથી એટલે હવે મેં ફિલ્મો જોવાનું છોડી દીધું છે.
આજની ફિલ્મોમાં હવે ચરિત્ર અભિનેતાઓનું કોઈ મહત્ત્વ રહ્યું છે ખરું?
હું તો હવે છાપામાં જ ફિલ્મોની જાહેરખબર જોતો હોઉં છું. પરંતુ ક્યારેક કોઈક ફિલ્મમાં ચરિત્ર અભિનેતાઓ ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી જતાં હોય છે. થોડા સમય પહેલા આવેલી ફિલ્મ ‘રામલીલા’માં સુપ્રિયા પાઠકે જે રોલ કર્યો એ ચરિત્ર અભિનેત્રીનો જ રોલ હતો. પરંતુ ફિલ્મમાં તે રોલ ઘણો મહત્ત્વનો હતો, જેને તેમણે અત્યંત સુંદર રીતે ભજવ્યો હતો. એટલે ઘણી વાર આવા પાત્રો ફિલ્મને એક અલગ દિશા આપતા હોય છે. આ ઉપરાંત અનુપમ ખેર પણ એમાંનું જ એક નામ છે, જેમણે ચરિત્ર અભિનેતા તરીકે અનેક ફિલ્મોમાં ઉત્તમ રોલ કર્યા છે.
તમે રંગભૂમિ પર કઈ રીતે આવ્યા?
મારે આ વાત થોડી લંબાણપૂર્વક કરવી પડશે. મૂળ સુરતના રાંદેર ખાતેના ચંદ્રવદન ભટ્ટ તે સમયે આઈ.એન.ટીના ઘણા નાટકો ડિરેક્ટ કરતા. આમ તો તેઓ મને સુરતથી જ ઓળખે પરંતુ મુંબઈમાં તેઓ મને સતત કહેતા કે, ‘તું સ્ટેજ પણ કામ કર. તને મજા આવશે.’ પરંતુ મને રંગભૂમિનો સમ ખાવા પૂરતોય અનુભવ નહીં. ઉપરાંત નાટકો વિશે મારી માન્યતા એવી કે નાટકોના લાંબાં સંવાદો મને યાદ નહીં રહે. પરંતુ ચંદ્રવદનભાઈએ મને કહ્યું કે. ‘તને નાટકોમાં કોઈ તકલીફ નહીં પડે અને રિહર્સલ્સને કારણે તને સંવાદો યાદ રહી જશે.’ આમ, મેં આ કામનો સ્વીકાર કર્યો અને નાટકોમાં કામ શરૂ કર્યું. ચંદ્રવદન ભટ્ટે મને તેમના ‘સાસુજીની સવારી’ નામના નાટકમાં એક રોલ ઓફર કર્યો, જે ફૂલલેન્થ કોમેડી રોલ હતો. નાટકને લઈને મને થોડો ગભરાટ હતો પરંતુ નાટક અત્યંત હિટ ગયું અને મારા રોલના પણ ઘણા વખાણ થયા.
ત્યાર બાદ એક વાર મારી પ્રવીણ જોશી સાથે મુલાકાત થઈ, જેમણે મને તેમના ‘માણસ નામે કારાગાર’ નામના નાટકમાં મહત્ત્વની ભૂમિકા આપી. આ નાટક પરથી બાસુ ચેટરજીએ ‘એક રુકા હુઆ ફેંસલા’ નામની ફિલ્મ તૈયાર કરેલી, નાટકમાં મેં જે રોલ કરેલો એ રોલ પંકજ કપૂરે કરેલો. ત્યાર બાદ મેં પ્રવીણ જોશી સાથે ‘ધુમ્મસ’ નામનું નાટક પણ કર્યું. ફિલ્મો કરતા નાટકોમાં આર્થિક વળતર ઘણું ઓછું હોવા છતાં તે સમયે મને નાટકોનો રીતસરનો ચસ્કો લાગી ગયેલો.
… તમને નાટકોનો ચસ્કો લાગી ગયેલો તો કેમ સાત જ નાટકો કર્યાં?
(મુક્ત હાસ્ય સાથે) નાટકો એટલે ઓછા કર્યા કારણકે નાટકોને સમય આપવા જાઉં તો હું ફિલ્મો નહીં કરી શકું. ફિલ્મોના શૂટિંગ અને નાટકોના શૉ મોટાભાગે એકસાથે જ હોય. આવી પરિસ્થિતિમાં પ્રોડ્યુસર કે ડિરેક્ટર સાથેના સંબંધો પર પણ અસર થાય કારણકે આપણા નાટકના શૉ હોય એટલે આપણે એમની પાસે રજા માગવાની કે, ‘ભાઈ મારે નાટક છે એટલે મને જલદી છોડો!’ એટલે પછી મેં આ બેમાંથી ફિલ્મોને પસંદ કરી. તે સમયે મુંબઈમાં નાટકોમાં કામ કરતા મોટા ભાગના કલાકારો બેંકમાં અથવા અન્ય કોઈ નોકરી કરતા હતા પરંતુ મારી પાસે ફિલ્મોમાં કામ કર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો એટલે મારે ફિલ્મોને જ બધો સમય આપવો પડતો.
પ્રવીણ જોશી સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
પ્રવીણ જોશી ગુજરાતી રંગભૂમિના ગ્રેટ ડિરેક્ટર-એક્ટર હતા. મેં તેમના જેવા વર્સેટાઈલ ડિરેક્ટર ક્યારેય જોયા નથી. દિગ્દર્શક તરીકે તેઓ તેમના કલાકારોનું અત્યંત ધ્યાન રાખતા. તેમની સાથે બનેલો એક કિસ્સો હું તમને કહું. સાંઠના દાયકામાં મને માઈગ્રેનની બીમારી હતી. મને માઈગ્રેનનો હુમલો થાય એટલે સૌથી પહેલા મારી દૃષ્ટિ પર અસર થાય, જેમાં ક્યારેક મને એક જ વસ્તુ ડબલ દેખાય અથવા ક્યારેક થોડી મિનિટો સુધી આંખની સામે કાળો પટ્ટો પથરાઈ જાય! પ્રવીણના ‘માણસ નામે કારાગાર’ નાટકના પ્રયોગ ચાલતા હતા ત્યારે એક દિવસ શૉ શરૂ થાય એની દસ મિનિટ પહેલા મને માઈગ્રેન શરૂ થયું. નાટકમાં એક દૃશ્યમાં મારે પ્રવીણની અત્યંત નજીક જઈને તેની તરફ ચાકુ હુલાવવાનું હતું. નાટકમાં રોમાંચ જળવાઈ રહે એ માટે હું પ્રવીણની અત્યંત નજીક ચાકુ લઈ જતો, જેથી દર્શકોના શ્વાસ અદ્ધર થઈ જાય! પરંતુ આ દૃશ્યને લઈને મને ભય પેઠો કે ક્યાંય મને બરાબર ન દેખાયું અને પ્રવીણને ચાકુ વાગી ગયું તો?
આ બાબતને લઈને મેં પ્રવીણ સાથે વાત કરી કે મને આ પ્રકારનો ભય સતાવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મારા માઈગ્રેન વિશે સાંભળીને પ્રવીણે શૉ કેન્સલ કરી દર્શકોને પૈસા પરત કરવાની તૈયારી દાખવી. પરંતુ મને એ ઠીક નહીં લાગ્યું કારણકે નાટક શરૂ થવાને ગણતરીની મિનિટો બાકી હતી અને મુંબઈનું ‘જયહિંદ કોલેજ’નું ઓડિટોરિયમ દર્શકોથી ખચોખચ હતું. મેં વિચાર્યું કે ભલે કંઈ પણ થાય પરંતુ શૉ મસ્ટ ગો ઓન! એટલે મેં પ્રવીણને શૉ કેન્સલ કરવાની ના પાડી અને તેમને જણાવ્યું કે જ્યારે પેલું દૃશ્ય ભજવાય ત્યારે મારાથી થોડું અંતર રાખજો. આમ શૉ શરૂ થયો અને પેલા દૃશ્યની પણ શરૂઆત થઈ. મેં ‘હાથ ઉપર ને ઘા નીચે’ એમ સંવાદ બોલીને પ્રવીણ તરફ ચાકુ ઉગામ્યું અને બીજી જ ક્ષણે પ્રવીણના ખમીસમાં ઘસરકો પડ્યો. તમે માનશો નહીં પરંતુ લગભગ રિયલ કહી શકાય એવા આ દૃશ્યને જોઈને પ્રેક્ષકો પણ ઉત્તેજિત થઈ ગયેલા. શૉ પૂરો થયો એટલે પ્રવીણ તરત મારી ખબર પૂછવા આવ્યા અને તેમણે મને કહ્યું કે, ‘મને નાટકની નહીં પરંતુ તમારી ચિંતા વધુ હતી!’ આવું વાક્ય તો કોઈ સંવેદનશીલ દિગ્દર્શક જ ઉચ્ચારી શકે. એટલે મેં કહ્યું એમ અભિનેતા અને દિગ્દર્શક તરીકે પ્રવીણ જોશી અજોડ હતા.
ત્યારની ગુજરાતી રંગભૂમિ કેવી હતી?
હું માનું છું ત્યાં સુધી ત્યારની રંગભૂમિ અત્યંત મોડર્ન હતી. કારણકે ત્યારે નાટકો તો ઉત્તમ ભજવાતા જ પરંતુ ત્યારના વિષયો પણ ઘણા બોલ્ડ કહી શકાય એવા હતા. આજની રંગભૂમિનો મને બહુ ખ્યાલ નથી પરંતુ મિત્રો દ્વારા મને જાણ થઈ છે કે આજકાલ કોમેડી નાટકો વધારે ભજવાય છે. પહેલા એવું ન હતું. ત્યારના નાટ્યકારો પ્રયોગ કરતા જરાય ખચકાતા ન હતા. ધારોકે આપણે પ્રવીણ જોશીનું ‘મોગરાના સાપ’ નાટક વિશે જોઈએ તો, ‘ડાયલ એમ ફોર મર્ડર’ પરથી તૈયાર થયેલું એ નાટક મર્ડર મિસ્ટ્રી હતું. ઉપરાંત તેમનું ‘ધુમ્મસ’ નાટક પણ મર્ડર મિસ્ટ્રી હતું. એટલે ત્યારે નાટકોની વિવિધતા તેમજ તેમનું સ્તર આજના નાટકો કરતા ઘણા ઊંચા હતા.
તમે ડિરેક્ટ કરેલી ગુજરાતી ફિલ્મોમાં તમારી પ્રિય ફિલ્મ કઈ?
મેં સૌથી પહેલા વર્ષ ૧૯૭૬માં હરકિસન મહેતાની લોકપ્રિય નવલકથા ‘પ્રવાહ પલટાયો’ પરથી ‘ડાકુરાણી ગંગા’ ફિલ્મ ડિરેક્ટ કરી. એ ફિલ્મ અત્યંત હિટ નીવડી અને મેં દિગ્દર્શિત કરેલી એ પહેલી જ ફિલ્મે મને ગુજરાત રાજ્યનો બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ પણ અપાવ્યો. ઉપરાંત હરકિસન મહેતાની બીજી નવલકથા ‘જોગ સંજોગ’ પરથી પણ મેં ‘જોગ સંજોગ’ નામની ફિલ્મનું નિર્માણ પણ કરેલું. ત્યાર પછી મેં તેર જેટલી ગુજરાતી ફિલ્મો ડાયરેક્ટ કરી, જેમાં ‘વિસામો’ને હું મારી બેસ્ટ ફિલ્મ ગણું છું, જેમાં મેં ટાઈટલ રોલ પણ કરેલો.
જૂની પેઢીના કલાકારો સાથે હજુય સંપર્કમાં છો ખરા?
હતો. પરંતુ હવે તો મારી સાથેના મોટાભાગના કલાકારો આ દુનિયામાં રહ્યા નથી. દાખલા તરીકે ફિલ્મ દિગ્દર્શક શક્તિ સામંતા મારા ઘણા જૂના મિત્ર હતા. ‘બોમ્બે ટોકિઝ’ના જમાનાથી અમે સાથે કામ કરતા. તેઓ ગુજરી ગયા ત્યાં સુધી અમે સંપર્કમાં હતા. પરંતુ બધા વારાફરતી વિદાય લેતા ગયા અને અમારા જૂના સંપર્કો ધીમે ધીમે તૂટતા ગયા. હવેની પેઢીના કોઈ કલાકારો સાથે મારે કોઈ સંપર્ક નથી.
આજની પેઢીના તમારા પ્રિય કલાકારો કયા?
આજની પેઢીમાં ઘણા કલાકારો સારા છે. હવેના એક્ટર્સ પહેલાના કલાકારો કરતા ઉતરતા છે એવું તો હું નહીં જ કહું કારણકે આજના ઘણા કલાકારોએ તેમના શ્રેષ્ઠ અભિનય દ્બારા તેમની અભિનય ક્ષમતા પુરવાર કરી છે. અલબત્ત પહેલા કરતા આજે અભિનયની શૈલી ઘણી બદલાઈ ગઈ છે. છતાં ચરિત્ર અભિનેતાઓમાં મને પરેશ રાવલ ઘણા ગમે. આ ઉપરાંત હીરોમાં શાહરૂખ, સલમાન તેમજ આમીર ખાન પણ ઘણા સારા અભિનેતાઓ છે.
આપણા રોજબરોજના જીવનમાં ફિલ્મો કેટલે અંશે ભળેલી જણાય છે?
અરે, આપણા રોજબરોજના જીવનમાં ફિલ્મોની જ વધુ પડતી અસર થઈ છે એવું હું માનું છું. આજના યુવાનોને જોતા એમ જ થાય કે આ લોકો બીજા ક્ષેત્રના લોકો કરતા ફિલ્મ પર્સનાલિટીઝને વધુ પસંદ કરે છે અને તેમના જીવનમાં પણ આ પર્સનાલિટીઝનું જ વધુ અનુકરણ કરે છે.
આવતે જન્મે તમને ફરીથી અભિનેતા બનવાનું સૌભાગ્ય સાંપડે તો તમે ક્યા પ્રકારના રોલ કરવાનું પસંદ કરશો?
(ખડખડાટ હસીને!) આવતે જન્મે ફરીથી અભિનય કરવાનું મળે તો હું ફિલ્મોમાં મુખ્ય પાત્ર ભજવવાનું જ પસંદ કરીશ. હા, જોકે એ માટે મને એવો ચહેરો મહોરો મળે એ અત્યંત જરૂરી છે!
જીવનમાં કંઈક વસવસો રહી ગયો હોય એવું કંઈક?
હા, થોડો વસવસો રહી ગયો છે. વસવસો એ કે અમારી કારકિર્દીનો જ્યારે મહત્ત્વનો તબક્કો ચાલી રહ્યો હતો ત્યારે અમે જે કમાયા એ કમાણી આજની સરખામણીમાં ઘણી ઓછી હતી. અંગ્રેજીમાં આપણે કહીએ ને કે ‘ધે વેર પીનટ્સ!’ એટલે એનો જરૂર અફસોસ રહી ગયો છે.
આજકાલ તમારી પ્રવૃત્તિ છે?
હવે મારી કોઈ પ્રવૃત્તિ નથી, માત્ર નિવૃત્તિ જ છે. છતાં દિવસ પસાર કરવા માટે હું છાપા અને પુસ્તકો વાચું છું. જોકે હવે મારી આંખો પણ મને એટલો સાથ નથી આપતી. હું ચાર-પાંચ પાના વાંચુ એટલે મને ઝાંખુ દેખાવા માંડે એટલે મારે આંખને આરામ આપવો પડે. હવે એકસરખુ વાંચન કરી શકતો નથી. ઉપરાંત હવે મને બરાબર સંભળાતું નથી અને વોકર વિના હું ચાલી પણ નથી શકતો. ઓવરઓલ ત્રાણું વર્ષની ઉંમરને હિસાબે મારી તબિયત ઘણી સારી છે.
તમને કયા પ્રકારનું વાચવાનું ગમે?
મને કોઈના જીવન ચરિત્રો, આત્મકથા તેમજ નવલકથાઓ વાંચવાનું ઘણું ગમે. થોડા વર્ષો પહેલા મને અગાથા ક્રિસ્ટીની મર્ડર મિસ્ટ્રી સ્ટોરીઝ વાચવાનો ઘણો શોખ હતો. બાકી, ગંભીર અથવા ફિલોસોફિકલ કહી શકાય એવું વાચવાનો મને બહુ રસ નથી.
ગુજરાતીમાં તમારા પ્રિય લેખકો કયા?
મને હરકિસન મહેતા તેમજ ‘દર્શક’, ભગવતીકુમાર શર્મા અને ઝવેરચંદ મેઘાણી ગમે. ર. વ. દેસાઈનું તો એક પણ પુસ્તક મેં છોડ્યું નહીં હોય. આ ઉપરાંત વર્ષા અડાલજા અને કાજલ ઓઝા-વૈદ્ય જેવા લેખકોને પણ હું વાંચુ છું.
…તમે કહ્યા એ બધા નવલકથાકાર છે. ફિલ્મોમાં કામ કરવાને કારણે તમને કથાસાહિત્ય જ વધુ આકર્ષતુ હોય એવું લાગે છે.
હા, કદાચ આ જ કારણે વાર્તાઓ મને વધુ પસંદ પડે છે. કારણકે જ્યારે દિગ્દર્શક હતો ત્યારે વાર્તાની શોધ સતત ચાલતી અને એ સંદર્ભે નવલકથાઓ જ વધુ વંચાતી.
ભવિષ્યમાં લોકો તમને કઈ રીતે ઓળખે એવી તમારી ઈચ્છા છે?
લોકો મને એક વિનમ્ર અને સારા માણસ તરીકે ઓળખે એવી મારી ઈચ્છા છે. હું ન હોઉં ત્યારે પણ થોડા વર્ષો સુધી લોકો મને યાદ રાખશે તો એનો મને આનંદ થશે.
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર