માણીએ મજાના વર્ષાગીતો...

09 Jun, 2017
12:00 AM

PC: melissaoretade.com

વરસાદ પડે ત્યારે ક્યાં તો આપણને ભજીયા અથવા મેગી અને ચ્હા યાદ આવે અથવા તો પ્રિયતમ કે કવિતાની યાદ આવે. ભજીયા કે મેગી ખાવી હોય તો એ કર્મ બધાએ પોતપોતાની રીતે, પોતાના સમયે કરવું પડે. અને પ્રિયતમની યાદ આવે તો હવે કંઈ પહેલા જેવું નથી રહ્યું નથી કે, રંગુન તરફ ગયેલા પિયુનો સંપર્ક કરવો હોય કે એની સાથે લાગણીઓ શેર કરવી હોય તો લાંબા લચાક પત્રો લખવાના, જે દિવસો પછી પિયુ પાસે પહોંચે તો પહોંચે નહીંતર ગેરવલ્લેય જાય. વ્હોટ્સ એપ અને મેસેન્જરના આ જમાનામાં પિયુનો સંપર્ક કરવો હોય તો એ ડાબા હાથનો ખેલ કહેવાય, જ્યાં ડાબા હાથમાં મોબાઈલ લઈને જમણા હાથે એક મેસેજ ટાઈપ કરીને સાથે એક સ્માઈલી બીડો અને ક્લિક કરો એટલે પિયુ પાસે પિંગ થઈ શકાય. અને હજુ યાદ આવતી હોય તો પીયુનો એક સેલ્ફી પણ મગાવી શકાય. અલબત્ત, વરસતા વરસાદમાં પિયુ પાસે નહીં હોય એટલે થોડો ચચરાટ જરૂર રહે, પણ તોય સ્થિતિ પહેલાં જેવી છેક કંગાળ નથી. ઍટલિસ્ટ પિયુ ક્લિકવગો તો થઈ જ ગયો છે.

ઈનશોર્ટ અહીં ભજીયા કે મેગી કે પિયુની આપણે વાત નથી કરવી. અને ઉપર જે યાદી ગણાવી એ યાદીમાં કવિતા જ એકલી બચી છે. તો ચાલો હવે કવિતાની જ વાત કરીએ. આમેય ગુજરાતીમાં એક એકથી ચઢે એવા મજાના વર્ષાગીતો છે. અનેક ગીતો, ગઝલો અને અછાંદસોમાં કવિઓએ વરસાદ પ્રત્યેનો એમનો પ્રેમ કે વિરહ જેવી બાબતોને પદ્યમાં આબેહૂબ વણી છે. આ ઉપરાંત વરસાદ પર અનેક ઉત્તમ લોકગીતો પણ આપણી ભાષામાં મોજૂદ છે, જેને ગાઈએ કે મનમાં જ ગણગણીએ ત્યારે આપણે બહારથી તો ભીંજાઈએ જ, પણ અંદરથી પણ તરબતર થઈએ. એવું જ એક લોકગીત છે ‘વાદલડી વરસી રે…’ આ ગીત ગુજરાતી ફિલ્મોમાંય ઘણી વખત ઉપયોગમાં આવ્યું છે. ઉષા મંગેશકરના સ્વરમાં ગવાયેલું આ લોકગીત ઘણું લોકપ્રિય પણ રહ્યું હતું.

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

હે સાસરિયામાં મ્હાલવું રે

પિયરીયામાં છૂટથી રે

હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા પગ કેરાં કડલાં રે

વીરો મારો લેવા હાલ્યો

હે વીરા લઇને વેલો આવજે રે

સાસરિયા મારા ઘેરે બેઠા

હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા હાથ કેરી ચૂડલી રે

વીરો મારો લેવા હાલ્યો

હે વીરા લઇને વેલો આવજે રે

સાસરિયા મારા ઘેરે બેઠા

હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારી ડોક કેરો હારલો રે

વીરો મારો લેવા હાલ્યો

હે વીરા લઇને વેલો આવજે રે

સાસરિયા મારા ઘેરે બેઠા

હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

હવે સાસરિયે જાવું રે

પિયરીયામાં મહાલી રહ્યાં

હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

આ ઉપરાંત ઉષા મંગેશકરે જ ગાયેલું એક બીજું લોકગીત પણ ઘણું લોકપ્રિય રહ્યું હતું. ગુજરાતભરમાં યોજાતા ડાયરા કે સુગમ સંગીતના કાર્યક્રમોમાં પણ ગાયકો આ લોકગીત અચૂક ગાય છે. ગીતમાં વરસાદમાં પતિનો સહવાસ ઝંખતી સ્ત્રીની મીઠી ફરિયાદ અને રીસની વાત કરવામાં આવી છે. એકતરફ વહેલી સવારથી વરસાદ સાંબેલાધાર છે અને બીજી તરફ સ્ત્રીનો પતિ એની દરબારી ચાકરીએ પહોંચવાની ઉતાવળમાં હોય છે. પણ અહીં તો એની પત્નીએ આવા વરસાદમાં એના પતિની સાથે જ રહેવું હોય છે, એ વરસાદ માણવો હોય છે અને પતિના પ્રેમને સાંબેલાધાર પામવો હોય છે. એટલે સ્ત્રી એના પતિ સામે જાતજાતના બહાના આગળ ધરે છે. જોકે એનો પતિ એની વાત માને કે નહીં એ તો એ સ્ત્રી જ જાણે, પણ લોકગીત માણવા જેવું છે.

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે

કે ઝીણા ઝરમર વરસે મેઘ

ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,

કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો

ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

આભમાં ઝીણી…

ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે

કે ભીંજાય મેડીની બેસતલ રાણી

ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

આભમાં ઝીણી…

ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે

કે ભીંજાય બારીનો બેસતલ સૂબો

ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

આભમાં ઝીણી…

ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબખો રે

ભીંજાય પાતળિયો અસવાર

ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

આભમાં ઝીણી…

તમને વા’લી દરબારી ચાકરી રે,

કે અમને વા’લો તમારો જીવ

ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે !

આભમાં ઝીણી…

આપણી ભાષાના સમર્થ સર્જક ભગવતીકુમાર શર્માએ વરસાદને લગતી ચાર-પાંચ ઉત્તમ રચનાઓ આપી છે. એમણે લખેલા વર્ષાગીતોમાં શ્રેષ્ઠ ગીત છે ‘અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે…’ અત્યંત કુશળતાથી રચાયેલી આ રચનમાં શબ્દો અને ગણતરી સાથે લાગણીઓને અત્યંત કલાત્મકતાથી વણી લેવામાં આવી છે. આ પ્રકારની રચના એક ઉત્તમ સર્જક જ આપી શકે, જે રચનાને અત્યાર સુધીમાં અનેક સંગીતકારોએ પોતપોતાની રીતે સ્વરબદ્ધ કરી છે અને અનેક ગાયકોએ પોતપોતાની રીતે ગાઈ છે. આવું મજાનું ગીત આપણે માણવાનું ચૂકી જઈએ એ તો ન જ ચાલે. 

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;

ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,

બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,

ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ચાર અક્ષરના ધોધમારમાં છ્લબલ આપણાં ફળિયાં;

આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?

ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,

અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળુ ગમે,

ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

કવિ સંદિપ ભાટિયાએ તો એવી કલ્પના કરી છે કે પ્રિયજન એમને ટપાલમાં ચોમાસું મોકલે છે, પણ એમની ટપાલ ગેરવલ્લે થઈ છે અને એ કારણે હવે એમનું ભીંજાવું ટલ્લે ચઢ્યું છે. એક તો આજના જમાનામાં આમેય કોઈ ટપાલ નથી મોકલતું ત્યાં અહીં તો ટપાલમાં કોઈ આખેઆખું ચોમાસું મોકલી દે અને એ ટપાલ ગેરવલ્લે થાય તો સાલું ચચરી તો આવે જ. શું કહો છો? માણો આ છેલ્લું ગીત અને તરબતર થાઓ કવિતાના વરસાદમાં…

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં

ને પરબીડિયું ગયું ગેરવલ્લે

હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે

છત્રીને થાય, એક નળિયાને થાય,

કોઈ નેવાને થાય એવું થાતું

ખુલ્લા થયા ને તોયે કોરા રહ્યાનૂં

શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું

વાદળાંની વચ્ચોવચ હોવું ને તોય કદી

છાંટા ન પામવા જવલ્લે

હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે

ભીંજેલા દિવસોને તડકાની ડાળી પર

સૂકવવા મળતા જો હોત તો

કલરવનો ડાકિયો દેખાયો હોત

કાશ મારુંયે સરનામું ગોતતો

વાછટના વેપલામાં ઝાઝી નહીં બરકત,

ગુંજે ભરો કે ભરો ગલ્લે

હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે.

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.